ગુડ ટચ, બૅડ ટચ

05 August, 2021 01:48 PM IST  |  Mumbai | JD Majethia

આ વિષય પર બનેલા ‘વાગલે કી દુનિયા’ના એપિસોડ ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં આવ્યા એ વાતની ખુશી જેટલી છે એટલી જ પીડા એ વાતની પણ છે કે આજે પણ સોસાયટીમાં આવું બની રહ્યું છે અને બાળકો એ વાત કહે તો પેરન્ટ્સ એ માનવા તૈયાર નથી હોતા, આવી ભૂલ નહીં કરતા

ગુડ ટચ, બૅડ ટચ

આમ તો આજ માટે આપણી વાતનો ટૉપિક જુદો હતો પણ હવે એ બદલીને આજે જુદી વાત કરી રહ્યો છું. પણ હા, એવી વાત છે જે બહુ જ મહત્ત્વની છે, જરૂરી છે. બને કે કદાચ ‘મિડ-ડે’ના આપણા જે વાચકો છે તેને એ સીધી કનેક્ટ ન કરે પણ એનો અર્થ એવો પણ નથી કે એ અર્થહીન પુરવાર થશે. ના, ભલે તમને સીધી એ કનેક્ટ ન કરે પણ તમારી આસપાસના, તમારા નજીકના, આપ્તજનો કે પછી જે વહાલાઓ છે તેમને કનેક્ટ થતી હશે અને તેમને આ વાત બહુ મદદ કરે એમ છે.
વાતનો વિષય ગંભીર છે પણ એ ગંભીર વિષય પર આવતાં પહેલાં એક ખુશખબરી આપું. અત્યારે ટીવી ચૅનલ પર જે સો જેટલા શોઝ ચાલે છે એમાંથી રેટિંગના આધારે ટૉપ ટેન શોનું લિસ્ટ બન્યું અને એ ટૉપ ટેન શોમાં ‘વાગલે કી દુનિયા’ નંબર પાંચ પર આવ્યું. બહુ આનંદની વાત છે કે વ્યુઅર્સનો આટલો પ્રેમ છે અને એ પ્રેમનું જ આ પરિણામ છે. એક એપિસોડમાં કોઈ એક જ મુદ્દાને લઈને આવવાનું અને લોકોને ગમે, દિલને સ્પર્શી જાય એવી રીતે એ કહેવાનું કામ સહેલું નથી. બહુ અઘરું છે એ કામ પણ ઑડિયન્સનો જે પ્રેમ એ અઘરામાં અઘરા કામને પણ સરળ અને સહજ રીતે કરવા માટે પ્રેરણા આપતો રહે છે. ખુશીની વાત છે કે ઓર્મેક્સ નામની ઇન્ડિયાની મોટામાં મોટી જે રિસર્ચ એજન્સી છે, ટીવી ઇન્ડસ્ટ્રી જેને બહુ રિસ્પેક્ટ આપે છે એના સર્વેમાં, એના રિસર્ચમાં ‘વાગલે કી દુનિયા’ નંબર પાંચ પર આવી. કહ્યું એમ આ ડેઇલી સોપ હોવા છતાં પણ એનું ફૉર્મેટ ડેઇલી સોપવાળું નથી એટલે આ વાતની ખુશી વધારે થાય છે.
આ એક ખુશખબરની સાથે બીજા ખુશખબર આપું તમને. આ સોમ-મંગળના જે એપિસોડ ગયા એના માટે ‘વાગલે કી દુનિયા’ ટ્વિટર પર ટ્રેન્ડ થતો હતો. જનરલી ટીવી-શોનું ટ્વિટર પર ટ્રેન્ડ થવું એ બહુ જ મોટી વાત કહેવાય. આપણે ત્યાં જ નહીં, ઑલઓવર વર્લ્ડમાં ટીવી-શો ટ્વિટર પર ભાગ્યે જ ટ્રેન્ડ થતા હોય છે. આ વાતને આગળ વધારતાં પહેલાં તમને સમજાવી દઉં કે ટ્વિટર પર ટ્રેન્ડ થવું એટલે શું? 
દિવસ દરમ્યાન ટ્વિટર પર કોઈ એક જ ટૉપિકની ચર્ચા સૌથી વધારે વખત થાય એને ટ્રેન્ડિંગ થયું કહેવાય. આજે મોટા ભાગના સૌકોઈને ખબર છે કે ટ્વિટર એક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ છે જેના પર આપણા અમુક સેલિબ્રિટીઝના તો કરોડોમાં ફૅન્સ છે. ટ્રેન્ડિંગનું કામ એ કરતા હોય જેને તમે યંગ વર્ગ કહી શકો. એવો યંગ વર્ગ જે થોડો બહાર નીકળેલો, દુનિયા જોયેલો અને એક્સપોઝર મેળવેલો વર્ગ છે. એ લોકો કોઈ એક ટૉપિક પર વાતો શરૂ કરે અને પછી દુનિયા આખી એ વાતમાં જોડાઈ જાય. આ વર્ગ કોઈ એક શોને ટ્વિટર પર ટ્રેન્ડ કરાવે એ એક ટીવી-સિરિયલ માટે બહુ મોટી ઘટના કહેવાય, મોટી વાત કહેવાય.
ટ્વિટર પર ટ્રેન્ડ થયા હોય એવું મારી લાઇફમાં ત્રણ વાર બન્યું છે. એક વખત ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ સમયે બન્યું હતું અને આ મહિને બે વાર ‘વાગલે કી દુનિયા’ ટ્રેન્ડિંગમાં આવ્યો.
હવે વાત કરીએ જે વિષય સાથે ‘વાગલે કી દુનિયા’ ટ્રેન્ડિંગમાં આવ્યો. જે ‘વાગલે કી દુનિયા’ જુએ છે તેમને ગુડ ટચ-બૅડ ટચ એપિસોડ વિશે ખબર જ હશે. આ એપિસોડમાં એવી વાત હતી કે એક બાળક તેનાં મમ્મી-પપ્પા સાથે અમદાવાદ જતાં ડરે છે, કારણ કે અમદાવાદમાં તેણે જે અંકલને ત્યાં જવાનું છે તેને ત્યાં તેને નથી જવું. કેમ, તો કહે એ અંકલ તેને અયોગ્ય રીતે એવી જગ્યાએ સ્પર્શ કરે છે જે ન કરવો જોઈએ. કહો કે ગેરવાજબી કહેવાય એવી જગ્યાએ સ્પર્શ કરે છે જે સ્પર્શ એ બાળકને અનકમ્ફર્ટેબલ કરે છે. બાળકે તેનાં માતાપિતાને એક વાર કહેવાની કોશિશ કરી છે પણ માતાપિતા સમજતાં નથી અને એ જ વાત તેના મોઢે આવે છે. 
‘અરે, એવું હોય કંઈ. એ તો આપણા સમાજના આટલા મોભી છે, આટલા આપણા નજીકના રિલેટિવ છે. આપણને આટલી મદદ કરી છે, તારા માટે આટલું કરે છે. તારા મનમાં ખોટી વાત આવે છે...’
માબાપની આવી વાતોથી બાળકને જે કહેવું છે એ દબાઈ જાય છે અને હવે જ્યારે પાછું તેના ઘરે જવાની વાત આવે છે ત્યારે એ બાળક મૂંઝાય છે. સિરિયલમાં આ બાળકનું જે કૅરૅક્ટર છે એનું નામ વિદ્યુત. વિદ્યુત પોતાના મનની વાત રાજેશ વાગલેના દીકરા અથર્વને કરે છે અને કહે છે કે મારે નથી જવું. હવે અથર્વ અને વિદ્યુત જૂઠું બોલી-બોલીને અમદાવાદવાળા અંકલને ત્યાં જવાનું ટાળે છે અને પછી એ વાત છેક રાજેશ સુધી પહોંચે છે. હવે રાજેશ અને વંદના વાગલે અને બધા જ મળીને કેવી રીતે એ આખી પરિસ્થિતિમાંથી વિદ્યુતને ઉગારે છે. 
જેણે એપિસોડ નથી જોયો તેને હું એક રિક્વેસ્ટ કરીશ કે સોની લિવ પર જઈને તમે એ એસિપોડ એક વાર જુઓ, બહુ જ સરસ એપિસોડ છે અને આજના સમયમાં એ એપિસોડ જોવો અનિવાર્ય પણ છે. વિદ્યુત જે વાત કહેવાની કોશિશ તેનાં માબાપને કરે છે એવું ખૂબ બધા લોકોના બાળપણમાં થયું હોય છે. આપણે ત્યાં સામાન્ય રીતે ગુડ ટચ-બૅડ ટચની વાત આવે ત્યારે છોકરીઓની વાત વધારે બહાર આવે. ટ્રેનમાં જતાં, બસમાં જતાં કે પછી ભીડ હોય એવી જગ્યાએ છોકરીઓ સાથે આવું બને. છોકરી ઘણી વાર બોલી પણ ન શકે, કહી પણ ન શકે એવી રીતે પરિવારના જ સભ્ય બહુ ખરાબ રીતે મૉલેસ્ટ કરી ચૂક્યા હોય છે કે કરતા હોય છે. પરિવારમાં ભંગાણ ન પડે કે પછી પોતાની વાત કોઈ માનશે નહીં એવી બીકે કે પછી 
કોઈને ખબર પડશે તો કેવું લાગશે એવા ડરે પોતાનો મર્યાદાભંગ થયો હોય તો પણ તે બોલી નથી શકતી. 
હવેના સમયમાં છોકરીઓ સાથે આવું બનતું હોય છે એ બહાર આવતાં આપણે જોયું છે અને એમ છતાં હું કહીશ, બહુ ઓછા કિસ્સાઓ બહાર આવે છે. આવા કિસ્સાઓ બહાર આવવા જ જોઈએ અને હિંમત સાથે સૌકોઈએ બહાર આવવું જોઈએ જેથી સમાજમાંથી આવું દૂષણ દૂર થાય. પણ જેમ આ દૂષણ બંધ થવું જોઈએ એવી જ રીતે નાનાં બાળકો, છોકરાઓ સાથે પણ આવું બનતું બંધ થવું જોઈએ. ઘણા એવું માનતા હશે કે આવું છોકરાઓ સાથે ન બને, પણ એ તેમની ગેરમાન્યતા છે. નાનાં બાળકો, છોકરાઓ સાથે નાનપણમાં આ બહુ થયું છે. સ્થળ, સમય, સંજોગ અને સમયને ધ્યાનમાં રાખીને હું એક કિસ્સો વિસ્તારપૂર્વક નથી કહેતો પણ મેં એનો અનુભવ કર્યો છે. મારા એ અનુભવ અને એમાંથી બહાર આવવાની વાતથી લઈને આ જ વિષયની બીજી ચર્ચાઓ આપણે કરીશું આવતા ગુરુવારે. પણ ત્યાં સુધીમાં તમે ‘વાગલે કી દુનિયા’નો આ ગુડ ટચ-બૅડ ટચ એપિસોડ જોઈ લેશો તો કનેક્ટ થવાની તમને પણ મજા આવશે.

આપણે ત્યાં સામાન્ય રીતે ગુડ ટચ-બૅડ ટચની વાત આવે ત્યારે છોકરીઓની વાત વધારે બહાર આવે છે પણ એવું નથી કે છોકરીઓને જ એ કડવો અનુભવ થાય છે. નાનાં બાળકો, છોકરાઓને પણ એવા અનુભવો નાનપણમાં થાય છે અને તે કોઈને કહી પણ નથી શકતાં

columnists JD Majethia