જીવનમાં આવનારી કે દાખલ થનારી દરેક વ્યક્તિનો એક હેતુ હોય છે

26 October, 2021 06:59 PM IST  |  Mumbai | Sarita Joshi

આ ફોટોને આમ તો આ આર્ટિકલ સાથે કશું લાગતું-વળગતું નથી; પણ આ તો બસ, એમ જ હાથમાં આવ્યો તો તમારી સાથે શૅર કર્યો

તખ્તા બદલાતા રહે, કિરદાર બદલાતા રહે અને એની સાથે-સાથે ઑડિયન્સ પણ બદલાતું રહે

લાઇફમાં આવનારી દરેક વ્યક્તિ કોઈ ને કોઈ હેતુસર જ તમારી લાઇફમાં આવતી હોય છે. એ હેતુને, એ ઉદ્દેશને જો તમે બરાબર સમજો તો જ તેના આગમનનું કારણ તમને ગળે ઊતરે

આપણે વાત કરતા હતા કલકત્તાની અને કલકત્તાની એ વાતથી જ આપણી આજે કન્ટિન્યુ કરવાના છીએ, પણ એ કન્ટિન્યુ કરતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરવાની છે. ગયા મંગળવારના આર્ટિકલમાં એવું લખાયું છે કે કાવસજીના દીકરા જહાંગીર ખટાઉ; પણ ના, એમ નહીં. જહાંગીર ખટાઉના દીકરા કાવસજી અને તેમના દીકરા એટલે જેમને મેં કલકત્તામાં ચાલતાં નાટકનાં રિહર્સલ્સ દરમ્યાન જોયા તે.

રાજકુમાર જેવો દેખાવ. ઉંમર ચૌદ-પંદર વર્ષની. રંગે એકદમ શ્વેત અને અંગ્રેજો જેવો ઠાઠમાઠ તેનો. ફૉરેનર જ જોઈ લો. પોતે પણ એકદમ એટિકેટ્સમાં જ હોય અને સાથે બૉડીગાર્ડ પણ ખરો. બસ, હું તેને જોતી જ રહી ગઈ. માંજરી આંખો, ચમકતી ત્વચા અને મોંઘાંદાટ તેનાં કપડાં. પહેલી નજરે રાજકુમાર જ લાગે; પણ થોડા સમય પછી ખબર પડે કે રાજકુમાર પણ તેની સામે ઝાંખો પડે.

હું તેને જોતી જ રહી. થોડા સમય પછી મને ખબર પડી કે તે ખટાઉ આલ્ફ્રેડના માલિક કાવસજી ખટાઉના દીકરા હતા. કાવસજી ખટાઉનાં મૅરેજ બ્રિટિશ ગવર્નમેન્ટના એક બહુ સિનિયર અધિકારીની દીકરી સાથે થયાં હતાં. આ બધાં નામો મને ખબર છે, મને યાદ પણ છે; પણ એ નામોમાં આપણે પડવું નથી એટલે હું એની ચર્ચા અત્યારે અવગણી રહી છું. હા, એટલું કહીશ કે કાવસજી ખટાઉ એટલે એવા શ્રીમંત કે તેમની ટ્રકોની ટ્રકો ફરતી. અનેક બિઝનેસ અને બે-પાંચ કરોડની વસ્તુ જો ગમે તો એ પાંચ મિનિટમાં ખરીદી લે એવી આર્થિક ક્ષમતા. જૂના જમાનામાં આપણે મિડલ ક્લાસ લોકો પિત્તળનાં વાસણો ખરીદીને એના પર આપણું નામ લખાવીએ; પણ આ શ્રીમંત અને માલતુજાર લોકોના ઘરે મેટલનાં વાસણો ન હોય, કાચની ક્રૉકરી હોય અને એ ક્રૉકરી ખાસ ઑર્ડર દઈને બનાવવામાં આવે. એના પર તેમનું નામ હોય.

મેં આ જોયું છે અને જ્યારે પહેલી વાર મેં એ જોયું ત્યારે હું આભી થઈ ગઈ હતી.

lll

‘બાબા, આપ યહાં બૈઠિયે...’

ચૌદ-પંદર વર્ષનો એ રાજકુમાર જેવો છોકરો રિહર્સલ્સમાં આવે એટલે રાણી પ્રેમલતા તેને પ્રેમથી કહે. એકદમ શાંત સ્વભાવ તેનો. એક બાજુએ બેસીને તે જોયા કરે. આ બધું જોવાનું કારણ એ કે તેના પિતા કાવસજી ખટાઉની પોતાની થિયેટ્રિકલ કંપની હતી. તે પોતાનાં નાટકોની છેક ફૉરેન સુધી ટૂર કરે અને એ અંગ્રેજી નાટકો જોવા માટે બ્રિટિશરોથી આખો હૉલ ભરાઈ જાય.

એ છોકરો આવે એટલે થોડી-થોડી વારે અમારી નાટક કંપનીના ઈરાની શેઠ પણ આવે અને બાબાની જરૂરિયાત ચેક કરી જાય. જતી વખતે બધાને દબાયેલા અવાજે કહીને પણ જાય...

‘બાબા કા ધ્યાન રખના...’

મેં તેને જ્યારે પહેલી વાર જોયો ત્યારે હું તો આભી થઈ ગઈ હતી. મનમાં એક જ વાત ચાલે કે આ છે કોણ, રાજાનો છોકરો લાગે છે. આપણે તો નાનપણમાં વાર્તાઓમાં રાજાઓના છોકરાઓના ઠાઠમાઠ વિશે સાંભળ્યું હોય અને એવા જ ઠાઠમાઠ નરી આંખે જોવા મળે તો એવું જ લાગે કે આ રાજકુમાર જ હોય.

કંઈ પણ જોઈએ તો જાતે નહીં લેવાનું. માત્ર કહેવાનું, તરત જ હાજર થઈ જાય. અરે, બાજુમાં પડેલા પાણીના થર્મોસમાંથી પાણી પણ જાતે નહીં લેવાનું. એ પણ તેનો માણસ કાઢી આપે. બૉર્નવિટા પણ તે જ કાઢી આપે અને એ પીતાં-પીતાં રિહર્સલ્સ જોયા કરે.

તે રિહર્સલ્સ જુએ અને હું તેને. બસ, એમ જ જોયા કરું અને તે નજર ફેરવે એટલે હું પણ નજર ફેરવીને આડીઅવળી દિશામાં જોવા લાગું. તે છોકરો એ પછી તો મને દિવસે પણ દેખાય અને રાતે સપનામાં પણ દેખાય. ટીનેજનું જે અટ્રૅક્શન હોય એની અસર. તમને કહ્યું તો હતું, મારી ઉંમર એ સમયે બાર-તેર વર્ષની.

મનમાં તે છોકરાના જ વિચારો આવે એટલે મને મનોમન હસવું પણ આવતું હોય, પણ સાચું કહું તો મને એ ગમતું. એક-બે દિવસ મેં તેને જોયો અને પછી તો હું પણ સરસ ફ્રૉક પહેરીને તૈયાર થઈને રિહર્સલ્સમાં આવી. થોડા દિવસો તે આવ્યો અને એ પછી ફરીથી તે આવતો બંધ થઈ ગયો. એકાદ દિવસ તો મેં એમ જ પસાર કર્યો, કોઈને પૂછવાની હિંમત ચાલે નહીં; પણ બીજા અને ત્રીજા દિવસે પણ તે દેખાયો નહીં એટલે મેં ધીમે-ધીમે મારી રીતે વાત કઢાવવાની ચાલુ કરી તો ખબર પડી કે તે તો મુંબઈ રહે છે.

‘તો અહીં શું કામ આવ્યો હતો?’

મેં પૂછ્યું અને જવાબમાં મને ખબર પડી કે તે રિહર્સલ્સ અને અમારી નાટક કંપની જોવા આવ્યો હતો. એ સમયમાં થિયેટ્રિકલ કંપનીમાં કાવસજી ખટાઉનું નામ બહુ મોટું. બહુ મોટું એટલે તમને કહ્યું હતું એમ, તેમનાથી લાઇનની શરૂઆત થાય. તેમની નાટક કંપની તો શોખથી ચાલતી, એના પર ફૅમિલીનો નિભાવ નહોતો. આલ્ફ્રેડ ખટાઉ થિયેટ્રિકલ કંપનીનાં નાટકો પણ એવાં મોંઘાદાટ હોય. મેં મનોમન ધારી લીધું કે કદાચ નાટકનું કંઈ શીખવા માટે તેને અહીં મોકલ્યો હશે; પણ હશે, તે આવ્યો અને ગયો.

આમ મન મનાવીને હું તો ફરી મારા કામ પર લાગી ગઈ અને હું અને પદ્મા નાટકોમાં આગળ વધવા લાગ્યાં. અને આને જ તકદીર કહે છે. તખ્તા બદલાતા રહે, કિરદાર બદલાતા રહે અને એની સાથે-સાથે. ઑડિયન્સ પણ અને માણસો પણ. ક્યાં-ક્યાંથી કેવા-કેવા માણસો તમારી લાઇફમાં આવે અને તમારી લાઇફને એક નવો ટર્ન આપીને નીકળી જાય. જેને મેં કલકત્તામાં પહેલી વાર જોયો તે જ છોકરો મારી લાઇફમાં ફરીથી કેવી રીતે આવ્યો અને તેના આવવાથી મારી લાઇફમાં કયો ચેન્જ આવ્યો એની વાતો આપણે સમય જતાં કરીશું, પણ અત્યારે મારે એ છોકરાના નામની ચર્ચા પણ અવગણવી છે એટલે હું એ વાતને બાજુ પર મૂકીને વિષયાંતર કરું છું. જોકે એ પહેલાં મારે કહેવું છે કે લાઇફમાં આવનારી દરેક વ્યક્તિ કોઈ ને કોઈ હેતુસર જ તમારી લાઇફમાં આવતી હોય છે. એ હેતુને, એ ઉદ્દેશને સમજો તો જ તેના આગમનનું કારણ તમને ગળે ઊતરે. વડોદરામાં થિયેટરની પાસેથી પસાર થવું અને એના પાછળના દરવાજેથી એન્ટર થઈને એ સમયે રિહર્સલ્સ જોવાં. એ સમયે મને રમણલાલ મૂર્તિવાળાનું મળવું. રમણલાલ, જેમણે પહેલી વાર મને સ્ટેજ આપ્યું અને મારી આખી લાઇફને વળાંક આપી દીધો તો એ પછી બલદેવભાઈ પણ આવ્યા અને ચીમનલાલ મારવાડી પણ જીવનમાં આવ્યા અને અત્યારે હું જેની વાત કરું છે એ નાટક કંપનીના માલિક ફરદુન ઈરાની.

લાઇફના, જીવનના અનેક તબક્કાઓ છે; તમારે એ સીડી ચડતા જવાની હોય છે. હું અને મારી બહેન એ સીડી ચડતાં ગયાં અને પ્રેક્ષકોનો પ્રેમ, દર્શકોનો રાજીપો મેળવતા ગયાં. એ રાજીપો, એ તેમનો પ્રેમ જ આજે અમારી મૂડી છે અને આ ઉંમરે પણ પગમાં જે તાકાત છે એ તાકાત એ મૂડીની તો છે સાહેબ.

તખ્તા બદલાતા રહે, કિરદાર બદલાતા રહે અને એની સાથે-સાથે ઑડિયન્સ પણ બદલાતું રહે. ઑડિયન્સ પણ અને માણસો પણ. ક્યાં-ક્યાંથી કેવા-કેવા માણસો તમારી લાઇફમાં આવે અને તમારી લાઇફને એક નવો ટર્ન આપીને નીકળી જાય.

columnists