મૌત ભી ટકરાયા ન જાને કિતની બાર મુઝસે પર મૈં તેરા દીવાના થા કિસી ઔર પે કેસે મર સકતા થા?

21 April, 2024 02:22 PM IST  |  Mumbai | Pravin Solanki

જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ જાણવો હોય તો બધાએ એક વાર ICUનો અનુભવ લેવો જ જોઈએ

પ્રતીકાત્મક તસવીર

કિનારા પર લાશ તરતી જોઈને સમજાઈ જાય છે કે બોજ શરીરનો નથી હોતો, શ્વાસનો હોય છે. મૃત્યુ એટલે શ્વાસનું ખૂટવું; મૃત્યુ એટલે આપણી વૃત્તિ, પ્રવૃત્તિ, પ્રકૃતિ પરનું પૂર્ણવિરામ; મૃત્યુ એટલે નિષ્ક્રિયતા; મૃત્યુ એટલે માણસમાંથી ફોટો બની જવું, સ્વજનો માટે સ્મૃતિ બની જવું.

કોઈને કદાચ પાગલપણું લાગશે, પણ મને એ વાતની પ્રતીતિ થઈ ગઈ છે કે જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ જાણવો હોય તો બધાએ એક વાર ICUનો અનુભવ લેવો જ જોઈએ. 
ICU એક એવું સ્થાન છે જે તમારા ચિત્તતંત્રમાં ચાલતા તમામ વિચારોને એક જ સ્થાને લઈ આવે છે અને માત્ર ને માત્ર એક જ વિચાર કરતા કરી મૂકે છે કે ICUમાંથી કેમ બહાર નીકળવું? જીવનની ઝંખના જાગે છે, મૃત્યુનો ભય સતાવે છે. શેક્સ​પિયર જરૂર યાદ આવે છે : ‘ટુ બી ઑર નૉટ ટુ બી?’ જિંદગી યા મોત? જોકે જવાબમાં જિંદગી જ હોય. અર્જુનનું લક્ષ્ય જેમ માછલીની આંખ હતી એમ દરદીનું લક્ષ્ય એકમાત્ર જીવન જ હોવાનું. આ સમયે દરદીને બીજું કંઈ યાદ નથી આવતું. ન સંબંધ, ન પૈસા, ન પદ કે ન પ્રતિષ્ઠા; ફક્ત જીવન.

જેવા તમે ICUથી નિર્ભય થઈ જાઓ કે બાકીના બધા વિચારો શરૂ થઈ જાય. જાત મુક્ત થઈ જાય પછી જ જગતના વિચારો આવે એ સનાતન સત્ય છે. તમને લાગે છે કે એકાએક મોસમ બદલાઈ ગઈ છે, વાવાઝોડું વીતી ગયું છે, તોફાન શમી ગયું છે, વાતાવરણમાં ઉઘાડ નીકળ્યો છે. તમે સ્વકેન્દ્રમાંથી મુક્ત થઈને બીજા કેન્દ્રના વિચાર કરતા થઈ જાઓ છો. તમારામાં જ્ઞાનની ડહાપણની દાઢ ફૂટવા માંડે છે, કુટુંબ અને સંબંધોનો મહિમા સમજાવા લાગે છે. તમને ફીલ થવા લાગે છે કે આ દુનિયામાં તમે એકમાત્ર સુખીમાં સુખી વ્યક્તિ છો જેની સુખાકારી માટે આખું કુટુંબ તમારા પડખે ઊભું છે. આવું નસીબ કેટલાને હોય?

તમારા ખબર કાઢવા આવે ત્યારે તમે મનમાં મહેસૂસ કરો છો કે તમે યોગ્ય વ્યવહાર જાળવ્યો છે. આ પ્રકારની લાગણી હું અનુભવી રહ્યો હતો. ત્યાં એક નર્સે લિસ્ટ લઈને મારા સ્વજનને આપતાં કહ્યું કે આ બધી દવાઓ લઈ આવો અને મારું ચિત્ત એક બીજા વિચારમાં ઘૂમરાવા લાગ્યું. દરેક દવાનું ​લિસ્ટ ૨૫૦૦થી ૩૦૦૦ રૂપિયાનું હોય છે. ગરીબ માણસોને આ બધું કઈ રીતે પરવડતું હશે? મારા નાટકનો સંવાદ યાદ આવી ગયો કે ગરીબી જેવો કોઈ રોગ નથી ને પૈસા જેવો કોઈ ઇલાજ નથી. પૈસાની જરૂર માત્ર માંદગીમાં જ નહીં, જીવનના દરેક તબક્કે પડે છે એટલે જ પૈસો કમાવો જેટલો જરૂરી છે એના કરતાં બચાવવો બહુ જરૂરી છે. વ્યક્તિએ કરેલી પૈસાની બચત ક્યારેક વ્યક્તિને જ નહીં દેશને પણ કામ આવે છે. કેટલા લોકોનો પગાર ૨૫થી ૫૦ હજાર રૂપિયા હશે? એ લોકોને મેં માંડ-માંડ ખર્ચ કાઢતા જોયા છે તો બીજા લોકોનું શું થતું હશે? આ વિચાર મને ICUમાં જ નહીં, પહેલાં પણ આવતો હતો; પરંતુ હવે મને એની મહત્તા સમજાઈ છે.
તો એક વિચાર આડે રસ્તે આવીને મનમાં ઝબકી એ ગયો કે મારા ડૉક્ટરમિત્રો હતા એટલે મને તાત્કા​લિક ટ્રીટમેન્ટ મળી. કેટલાના નસીબમાં આ હોય છે? જોકે મેં તો ઘણી વાર લખ્યું છે કે જીવનમાં એક-બે ડૉક્ટરમિત્રો એવા હોવા જોઈએ જે આપણને સાચી દિશા દેખાડે. સાથોસાથ આપણી પણ એ ફરજ છે કે તેઓ જે દિશા દેખાડે એ પગલે ચાલવાની.

દરદીને સવારના હૉ​​સ્પિટલમાં જે વિચાર આવે ને પછી રાતના ભેંકારમાં જે વિચાર આવે એનો અભ્યાસ કરવા જેવો છે. દરેક દરદી હૉ​​સ્પિટલમાં થોડાઘણા અંશે સંત થઈ જતો હોય છે. સત્કર્મ, સચ્ચાઈ, દયા, માયા જેવા અલંકારો ધારણ કરવાની તીવ્ર ભાવના તેના મનમાં જાગતી હોય છે. જેટલો રોગ ગંભીર એટલી ભાવના તીવ્ર! હૉસ્પિટલના બેડ પરથી સારા માણસ બનવાની જેને ઝંખના ન જાગી હોય એવો ભાગ્યે જ કોઈ હશે અને એ માણસના રૂપમાં પશુ હશે.

હૉ​​સ્પિટલની એક રાતે ઊંઘ ઊડી ગઈ. મારી દીકરી બાજુના બેડ પર સૂતી હતી, પણ મેં તેને ઉઠાડી નહીં. મારે બાથરૂમ જવું હતું. વૉર્ડબૉયને બેલ મારીને એટલા માટે ન બોલાવ્યો કેમ કે દીકરી ઊઠી જાય. મને ખબર હતી કે તે મોટા ભાગે આખી રાત જાગતી જ હોય છે. આવું ‘ઝોકું’ ભાગ્યે જ તેને આવે.

હું હિંમત કરીને ચોરપગલે પલંગ પરથી ઊતર્યો. પલંગની ધાર પકડી-પકડીને બાથરૂમમાં ગયો. બધું ચુપકે-ચુપકે. દરવાજો અટકાવ્યો. નિત્યક્રમમાં થોડી વાર લાગી, પણ બધું હેમખેમ પાર પડ્યું એનો આનંદ હતો. દરવાજો હડસેલીને હું બહાર આવ્યો કે સામે મારી દીકરીને જોઈ! મારાં બારેય વહાણ ડૂબી ગયાં.

‘પપ્પા, આવું સાહસ કરવાનો શું મતલબ? કંઈક અજુગતું થઈ ગયું હોત તો શું થાત?’ હું કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ સૂઈ ગયો, પણ દીકરીના ચહેરાની વ્યથા હું સમજી ગયો. તે અચંબામાં હતી મારા સાહસને કારણે નહીં, પણ પોતાને આમ ઝોકું કેમ આવી ગયું?

ખેર ૧૧ દિવસ હૉ​સ્પિટલમાં મારા માટે મૂલ્યવાન બની ગયા. હું બહાર રસ્તા પર આવ્યો ત્યારે મને થયું કે હું તાજો જન્મીને રસ્તા પર ભાખોડિયાં ભરી રહ્યો છું. મારો દીકરો હાથ પકડીને કાર તરફ લઈ જવા ગયો ને મેં તેને રોક્યો, કહ્યું કે મને ખુલ્લી હવામાં થોડા શ્વાસ લેવા દે. હૉસ્પિટલમાં ગયો ત્યારે પાછો આવીશ જ એવી કોઈ મોદીની ગૅરન્ટી નહોતી, પણ ઉપરવાળો મહેરબાન હતો. 
ઘરમાં પગ મૂકતાં પહેલાં મારી વાઇફે મને રોક્યો; મારી પુત્રવધૂએ મને ચાંદલો કર્યો, મોઢું મીઠું કરાવ્યું ને મેં ઘરમાં પગલાં પાડ્યાં! 
 મિત્રો, ફરી એક વાર આપ સૌની શુભેચ્છા બદલ આભાર. 
 કલમને પાંખ ફૂટી છે તો આવતા સપ્તાહથી ફરી કંઈ નવું-નોખું! 

columnists gujarati mid-day Pravin Solanki