કૅન્સરમાં ક્યૉર શક્ય છે જો એનું નિદાન જલદી થાય તો...

20 February, 2026 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજકાલ વાર્ષિક રેગ્યુલર ચેકઅપ કરાવવાની વાત આવે તો મોટા ભાગે લોકો ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, હાર્ટ ડિસીઝ વગેરેનું ચેકઅપ કરાવતા જ રહે છે. પરંતુ કૅન્સર માટે કોઈ વાર્ષિક ચેકઅપ કરાવતા નથી.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

કૅન્સરથી લડવું શક્ય છે અને કૅન્સર હોવા છતાં સંપૂર્ણ રીતે ક્યૉર થવું પણ શક્ય છે. કૅન્સરના ચાર સ્ટેજ હોય છે. આ એક એવી બીમારી છે કે જે સ્ટેપ પ્રમાણે શરીરમાં ફેલાતી જાય છે. એ કેટલું ધીમે કે કેટલું જલદી ફેલાય છે એ બાબતે કઈ કહી શકાય નહીં પરંતુ જો એ પહેલા કે બીજા સ્ટેજમાં હોય તો એ બીમારી એ ભાગ પૂરતી જ સીમિત હોય છે. તેથી સરળતાથી એ ભાગને દૂર કરીને એનો ઇલાજ શક્ય બનાવી શકાય છે. પરંતુ જ્યારે એ ત્રીજા કે ચોથા સ્ટેજમાં પહોંચે છે ત્યારે એ ભાગની સાથે-સાથે આસપાસના ભાગોમાં પણ ફેલાઈ જાય છે. આ પરિસ્થિતિમાં એનો ઇલાજ અઘરો બની જાય છે. આજની તારીખે મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે કોઈ પણ દરદીને પ્રારંભિક સ્ટેજ ૧ અને ૨નું કૅન્સર હોય તો એને સંપૂર્ણ ઠીક કરી જ શકાય છે. કૅન્સરમાં ક્યૉર શક્ય છે જ. પરંતુ શરત ફક્ત એ છે કે એનું નિદાન જેટલું જલદી શક્ય હોય એટલું જલદી કરાવવું. વ્યક્તિ જેટલી આ બાબતે સતર્ક રહેશે એટલું રિઝલ્ટ સારું મળશે.

આજકાલ વાર્ષિક રેગ્યુલર ચેકઅપ કરાવવાની વાત આવે તો મોટા ભાગે લોકો ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, હાર્ટ ડિસીઝ વગેરેનું ચેકઅપ કરાવતા જ રહે છે. પરંતુ કૅન્સર માટે કોઈ વાર્ષિક ચેકઅપ કરાવતા નથી. આજકાલ બજારમાં ઘણી લૅબોરેટરીમાં જિન્સ ટેસ્ટ અને કૅન્સરની જુદી-જુદી ટેસ્ટ વિશેની અઢળક માહિતીઓ ઉપલબ્ધ છે પરંતુ જરૂરી નથી કે બધી જ માહિતી સાચી હોય અને બધી જ ટેસ્ટ ઉપયોગી હોય. લૅબોરેટરીના માર્કેટિંગનો ભોગ ન બનતાં દરેક વ્યક્તિએ ૩૦ વર્ષની ઉંમર પછી કોઈ પણ કૅન્સરના નિષ્ણાત ડૉક્ટરને મળીને રેગ્યુલર ચેકઅપ વિશે સલાહ લેવી જોઈએ, જે સંદર્ભે ડૉક્ટર તમારી હિસ્ટરી જાણીને, ક્લિનિકલી તમને ચેક કરીને તમને જરૂરી હોય એ ટેસ્ટ જ લખશે જેથી બિનજરૂરી ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે.

બીજું એ કે કોઈ એક જ એવી ટેસ્ટ નથી જે શરીરના કોઈ પણ ભાગમાં કૅન્સર હોય એ વિશે જાણકારી આપી શકે. એટલે તમારી રીતે તમે એક ટેસ્ટ કરાવો જેમ કે મૅમોગ્રાફી અને નિશ્ચિત થઈ જાઓ કે કંઈ થવાનું નથી તો ભ્રમ છે, કારણ કે મૅમોગ્રાફીથી ફક્ત બ્રેસ્ટ-કૅન્સર છે કે નહીં એ જ ખબર પડે. આમ જાતે ડૉક્ટર બનો નહીં અને સલાહ લઈને જ ટેસ્ટ કરાવો. ખાસ કરીને જે વ્યક્તિની ફૅમિલીમાં કોઈને કૅન્સર છે, જે વ્યક્તિ ઓબીસ છે, જેમને કોઈ વ્યસન છે એ વ્યક્તિઓએ તો ૩૦ વર્ષની ઉંમર પછી દર વર્ષે આ પ્રકારે ચેકઅપ કરાવવું જ જોઈએ. કોઈ પણ પ્રકારના નાનામાં-નાના ચિહનને પણ અવગણવાં ન જોઈએ. તાત્કાલિક ડૉક્ટરને મળવું જોઈએ.

- ડૉ. મેઘલ સંઘવી

columnists gujarati mid day lifestyle news life and style health insurance