નર્ગિસના વ્યક્તિત્વને સૉફિસ્ટિકેશન આપવામાં રાજ કપૂરની સૂઝબૂઝ-કાબેલિયતનો ફાળો હતો

15 February, 2026 04:16 PM IST  |  Mumbai | Rajani Mehta

ખૂબસૂરત દિલીપાની મહેફિલમાં એક નવયુવાન વકીલ નિયમિત આવે. તેનું નામ મોતીલાલ નેહરુ. બન્ને વચ્ચે આંખમિચોલીના ખેલ શરૂ થયા. યુવાનનાં લગ્ન થયા બાદ પણ આ સિલસિલો કાયમ રહ્યો. મિયાંજાનની બીજી પત્ની બનીને રહેતી દિલીપાએ ૧૮૮૮માં પુત્ર મંઝૂરઅલીને જન્મ આપ્યો.

નર્ગિસ અને રાજ કપૂર

મીના, તુઝે તેરી મૌત મુબારક.’ મીનાકુમારીના નશ્વર દેહને જોઈને જ્યારે નર્ગિસે આમ કહ્યું ત્યારે સૌ ચોંકી ઊઠ્યા હતા. મીનાકુમારીના અંગત જીવનની વ્યથા અને પીડાની એક-એક ઘટનાથી  વાકેફ રહેલી નર્ગિસની જીવનકથામાં પણ અનેક ઉતારચડાવ આવ્યા હતા એટલે તેણે આવું કહ્યું હશે એ વાતમાં શંકા નથી.

નર્ગિસ પાસે મધુબાલાનું સૌંદર્ય, નૂતનની નમણાશ, સુરૈયાનો સ્વર કે મીનાકુમારીનો અભિનય નહોતો. તેમ છતાં તેનામાં એક અપીલ હતી, એક ચાર્મ હતો. તે એક સક્ષમ અભિનેત્રી હતી એ પુરવાર કરવા ‘અંદાઝ’, ‘મધર ઇન્ડિયા’ અને ‘રાત ઔર દિન’માં તેનો અભિનય પૂરતો છે.

 જેમ મીનાકુમારીના અસ્તિત્વના તાંતણા રવીન્દ્રનાથ ટાગોર પરિવાર સાથે જોડાયેલા હતા એમ નર્ગિસના કયા પરિવાર સાથે જોડાયેલા હતા એ તમને ખબર છે? જાણીતા લેખક સ્વ. રજનીકુમાર પંડ્યાએ પોતાના પુસ્તક ‘આપકી પરછાઈયાં’માં આ વાત વિસ્તારથી લખી છે જે સંક્ષિપ્તમાં લખું છું.

૧૮૮૦માં અલાહાબાદની નજીકના એક ગામમાં કેવળ તેર વર્ષની દિલીપા લગ્નના એક જ અઠવાડિયામાં વિધવા બની. સાસરિયાંના જુલમથી કંટાળી તેણે ઘર છોડીને મજબૂરીથી મિયાંજાન નામના સારંગીવાદકને ત્યાં આશરો લીધો અને તવાયફ બની ગઈ.

ખૂબસૂરત દિલીપાની મહેફિલમાં એક નવયુવાન વકીલ નિયમિત આવે. તેનું નામ મોતીલાલ નેહરુ. બન્ને વચ્ચે આંખમિચોલીના ખેલ શરૂ થયા. યુવાનનાં લગ્ન થયા બાદ પણ આ સિલસિલો કાયમ રહ્યો. મિયાંજાનની બીજી પત્ની બનીને રહેતી દિલીપાએ ૧૮૮૮માં પુત્ર મંઝૂરઅલીને જન્મ આપ્યો. ૧૮૮૯માં મોતીલાલની પત્ની સ્વરૂપરાણીએ પુત્ર જવાહરલાલને  જન્મ આપ્યો. ૧૯૯૦માં દિલીપાએ જદ્દનબાઈને જન્મ આપ્યો અને સ્વરૂપરાણીએ વિજયાલક્ષ્મીને.

૧૯૦૬માં મિયાંજાનનું અવસાન થયું અને દિલીપા બાળકોને લઈ ગામ ગઈ. સમય જતાં સૌંદર્યવાન પુત્રી જદ્દનબાઈ ઘર ચલાવવા તવાયફ બની. તેના મોહમાં પડેલા બચ્ચીબાબુના સહવાસથી એક પુત્રનો જન્મ થયો જેનું નામ હતું અખ્તર હુસેન. ત્યાર બાદ જદ્દનબાઈના જીવનમાં હાર્મોનિયમ માસ્ટર ઇર્શાદ આવ્યો અને એક પુત્રનો જન્મ થયો જેનું નામ હતું અનવર હુસેન. ઇર્શાદ સાથે તલાક લીધા બાદ જદ્દનબાઈ એકલી થઈ ગઈ.

એક વાર તે લખનઉના નવાબના નિમંત્રણથી મુજરો કરવા ગઈ ત્યારે વૃદ્ધ માતા  દિલીપા સાથે હતી. ચાલુ મહેફિલે શોરબકોર થયો ત્યારે ખબર પડી કે જવાહરલાલ નેહરુ મા- દીકરીને મળવા આવ્યા છે. એ રાતે દિલીપા જવાહરલાલને વળગીને આંસુભરી આંખે મોતીલાલ મેહરુના ખબરઅંતર પૂછતી હતી. છૂટા પડતી વખતે જદ્દનબાઈએ બહેનના નાતે જવાહરલાલને રાખડી બાંધી.

જદ્દનબાઈની મહેફિલમાં વારંવાર આવતો એક યુવાન ઉત્તમચંદ મોહન તેની પાછળ એટલો પાગલ હતો કે તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. જદ્દનબાઈએ શરત મૂકી કે તું ધર્મપરિવર્તન કર તો લગ્ન કરું. યુવાને વાત મંજૂર રાખી અને અબ્દુલ રશીદ બની જદ્દનબાઈ સાથે નિકાહ કર્યા. તેમનું પ્રથમ સંતાન હતું ફાતિમા રશીદ જેને દુનિયા નર્ગિસના નામે ઓળખે છે.

૧૯૨૪માં મંઝૂરઅલીએ જાહેરાત કરી કે જવાહરલાલ નેહરુ તેના નાના ભાઈ છે ત્યારે સનસનાટી મચી ગઈ હતી. એ ખબરને સખત હાથે દબાવી દેવામાં આવી. આ પૂરો ઘટનાક્રમ જાણીતા પત્રકાર સ્વ. રામ કૃષ્ણ જેમના વિજયાલક્ષ્મી પંડિત સાથે નિકટના સંબંધ હતા તેમણે પોતાના પુસ્તક ‘ફિલ્મી જગત મેં અર્ધશતી કા રોમાંચ’માં વિસ્તારથી વર્ણન કર્યો છે. ટી. જે.  એસ. જ્યૉર્જ લિખિત ‘Life and Times of Nargis’ પુસ્તકમાં પણ આ સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નર્ગિસનો જન્મ ૧૯૨૯માં ૧ જૂને થયો. ૧૯૩૧માં જદ્દનબાઈ ત્રણ બાળકો સાથે લાહોર ગઈ અને થોડી ફિલ્મોમાં કામ કર્યું. ૧૯૩૫માં ત્યાંથી કંટાળી ફરી પાછી મુંબઈ આવી ત્યારે નર્ગિસની ઉંમર છ વર્ષની હતી. બાળકલાકાર બેબી રાની તરીકે નર્ગિસની પ્રથમ ફિલ્મ હતી ‘તલાશે હક’ (૧૯૩૫). થોડી ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કામ કર્યા બાદ હિરોઇન તરીકે ૧૪ વર્ષની ઉંમરે તેની પ્રથમ ફિલ્મ હતી ‘તકદીર’ (૧૯૪૩), જેના હીરો હતા મોતીલાલ.

ત્યાર બાદની નર્ગિસની ફિલ્મો હતી ‘અનબન’, ‘હુમાયૂં’, ‘મહેંદી’, ‘રોમિયો ઍન્ડ જુલિયટ’,  ‘નર્ગિસ’ અને ‘રામાયણી’.  નર્ગિસ રાજ કપૂરને નાનપણથી ઓળખતી હતી. એક વાર જદ્દનબાઈએ કેનેડી બ્રિજ પર ‘આ પૃથ્વીરાજ કપૂરનો દીકરો છે’ કહીને ઓળખાણ કરાવી હતી. સ્કૂલમાં જતાં ગોળમટોળ રાજ કપૂરને જોઈ નર્ગિસે કહ્યું હતું, ‘આ છોકરો છે કે ફુટબૉલ?’

૧૯૪૮માં રાજ કપૂર ‘આગ’ માટે નર્ગિસને સાઇન કરવા તેના ઘરે ગયા ત્યારે રસોડામાં કામ કરતી નર્ગિસે દરવાજો ખોલ્યો. તેના હાથ લોટવાળા હતા. બન્નેની આંખ મળી.  કદાચ એ સમયે જ બન્ને વચ્ચે પ્રેમનો પહેલો તણખો ઝર્યો હશે. (આ દૃશ્ય આબેહૂબ ‘બૉબી’માં ડિમ્પલ કાપડિયા અને રિશી કપૂરની પ્રથમ મુલાકાત વખતે ફિલ્માંકન થયું હતું.)

જદ્દનબાઈને નવા નિશાળિયા રાજ કપૂર પર બહુ વિશ્વાસ નહોતો એટલે તેણે કહ્યું, ‘નર્ગિસ ફિલ્મમાં કામ કરશે પણ ૫૦૦૦ રૂપિયા આપવા પડશે અને એ પણ ઍડ્વાન્સ. એટલું જ નહીં, ફિલ્મ દસ દિવસમાં પૂરી કરવી પડશે નહીંતર વધારાના દિવસો માટે બીજા પૈસા આપવા પડશે.’

રાજ કપૂરે દરેક શરત માન્ય રાખી. એ દિવસે નર્ગિસને રાજ કપૂરની કામ પ્રત્યેની લગનનો અહેસાસ થયો.

એ દિવસોમાં શૂટિંગ કરતી અભિનેત્રીઓ સાથે પરિવારની એક વ્યક્તિ હાજર રહેતી. જેમ સુરૈયા પર મા મલ્લિકા બેગમ અને દાદી બાદશાહ બેગમનો કન્ટ્રોલ હતો એ રીતે નર્ગિસ પર જદ્દનબાઈનો કન્ટ્રોલ હતો. મૂળ આશય એટલો કે સોનાનાં ઈંડાં આપતી મરઘી હાથમાંથી નીકળી ન જાય.

નર્ગિસ માટે જદ્દનબાઈ એટલાં જ સજાગ હતાં. અનેક યુવાનો તરફથી લગ્નનાં માગાં આવતાં. એમાંનો એક યુવાન પાકિસ્તાનનો હતો જે ‘અંદાઝ’ના શૂટિંગ વખતે અનેક વાર સેટ પર આવતો. તે નર્ગિસના એકતરફી પ્રેમમાં હતો. જદ્દનબાઈની ચકોર આંખોથી આ વાત છૂપી નહોતી. યુવાનની લાખ કોશિશ છતાં તેની દાળ ગળી નહીં એનું કારણ હતું જદ્દનબાઈની કડકાઈ. એ યુવાન વર્ષો બાદ પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર બન્યો. તેનું નામ હતું ઝુલ્ફીકાર અલી ભુત્તો.

‘આગ’ના શૂટિંગ દરમ્યાન જ બે યુવાન કલાકારો વચ્ચેનો મુગ્ધતાનો રંગ પરવાન ચડી  રહ્યો હતો. ત્યાર બાદ ‘બરસાત’ અને પછી ‘આવારા’ના શૂટિંગ દરમ્યાન બન્ને વચ્ચેની નિકટતા એટલી વધી ગઈ કે ફિલ્મના પડદા પરનાં દૃશ્યો અત્યંત જીવંત લાગતાં હતાં. જોકે એમ છતાં આ સંબંધ મર્યાદામાં હતો એનું મુખ્ય કારણ હતું જદ્દનબાઈની હાજરી.

નર્ગિસ અને રાજ કપૂરની ‘ઑફસ્ક્રીન કેમિસ્ટ્રી’નો લાભ લેવા બીજા પ્રોડ્યુસર તૈયાર હતા. ‘જાન પહચાન’ (ડિરેક્ટર ફલી મિસ્ત્રી) અને ‘પ્યાર’માં (ડિરેક્ટર વી. એમ. વ્યાસ) બન્નેએ સાથે કામ કર્યું પણ એમાં રાજ કપૂરના ડિરેક્શનનો ટચ નહોતો એટલે ફિલ્મો નિષ્ફળ ગઈ. 

‘આવારા’ના શૂટિંગ દરમ્યાન જદ્દનબાઈનું નિધન થયું અને બે યુવાન હૈયાંનું   પ્રેમઝરણ વચ્ચેની આડશ નીકળી જતાં પુરપાટ વહેવા લાગ્યું. ઇચ્છાઓને પાંખ મળી. સુપ્ત અને ગુપ્ત રહેલા વિચારોને આકાર મળ્યો અને એક નવા વિશ્વનો પ્રારંભ થયો. બન્નેના  પ્રેમનો વરસાદ સાંબેલાધાર, બેઉ કાંઠે મુશળધાર વરસતો હતો.

જદ્દનબાઈની ગેરહાજરીમાં નર્ગિસ સાથે મોટા ભાઈ અખ્તર હુસેન શૂટિંગમાં આવતા પણ થોડા સમય બાદ નર્ગિસે એ શિરસ્તો બંધ કરાવ્યો. હવે તેના સાથી હતા ડ્રાઇવર કાસમ, તેની પત્ની અમીના અને હેરડ્રેસર મૅરી. હવે નર્ગિસ સાચા અર્થમાં એક લિબરેટેડ વુમન બની. એક સમયની સહેમી–સહેમી, અંતર્મુખી નર્ગિસ સૌને મુક્ત મને મળતી અને હંસીમજાક કરતી. હવે લોકોને ખબર પડી કે નર્ગિસ કેટલી સ્પષ્ટવક્તા છે જે સાચું કહેવામાં કોઈની શેહશરમ નથી રાખતી.

નર્ગિસની કારકિર્દી શરૂ થઈ ત્યારે વિવેચકોના મતે તે ભવિષ્યમાં અભિનય ક્ષેત્રે કોઈ કમાલ કરશે એવાં કોઈ લક્ષણો નહોતાં. તેની ક્ષમતાને ચરમસીમાએ પહોંચાડવાનો રાજ કપૂરનો મોટો ફાળો છે એ સ્વીકારવું જ રહ્યું. અંગત જીવનમાં નર્ગિસની વેશભૂષા અને બોલચાલ એટલાં ફિલ્મી હતાં કે લોકો તેની મજાક ઉડાડતાં. તેના વ્યક્તિત્વને એક સૉફિસ્ટિકેશન આપવાનું કામ રાજ કપૂરની સૂઝબૂઝ અને કાબેલિયતને આભારી છે.

એ દિવસોમાં નર્ગિસ ‘હલચલ’, ‘બાબુલ’ અને ‘મેલા’માં દિલીપકુમાર સાથે કામ કરતી હતી. રાજ કપૂર ‘બાવરા’ (નિમ્મી), ‘બાવરે નૈન’ (ગીતા બાલી), ‘દાસ્તાન’ (સુરૈયા) અને ‘સરગમ’ (રેહાના) સાથે અભિનય કરતાં. બન્નેએ નક્કી કર્યું કે હવે પછી તેઓ કેવળ એકમેક સાથે કામ કરશે. આમ ૧૯૫૧થી ૧૯૫૬, છ વર્ષ રાજ કપૂર અને નર્ગિસ એકમેકને સમર્પિત થઈ ગયાં.

આ કારણસર નર્ગિસે દિલીપકુમાર સાથે ‘બૈજુ બાવરા’ અને ‘આન’, અશોકકુમાર સાથે ‘મોહબ્બત’ અને ‘બહાના’ અને દેવઆનંદ સાથે ‘મિસ મૅરી’ માટે મોટી રકમની ઑફર  મળવા છતાં આ ફિલ્મો ન સ્વીકારી (એ અલગ વાત છે કે પાછળથી અમુક ફિલ્મોમાં હીરો બદલાયા હતા).

પ્રેમની અનુભૂતિ સ્ત્રી-પુરુષ વચ્ચે એકસરખી અથવા ઓછી વૃત્તિ હોઈ શકે પરંતુ બન્ને વચ્ચેની સમજણ જુદી હોય છે. દરેક પુરુષ હંમેશાં એમ ઇચ્છે કે તે જે સ્ત્રીને પ્રેમ કરે તેના જીવનનો પ્રથમ પુરુષ તે જ હોવો જોઈએ. સ્ત્રી આ  બાબતમાં થોડી ઉદાર હોય છે. તેની ઇચ્છા એવી હોય છે કે તે જેને પ્રેમ કરે છે તેના જીવનની છેલ્લી સ્ત્રી પોતે હોય. એટલા માટે જ તેના માટે પ્રેમ નામના શિખરની અંતિમ ટોચ એટલે લગ્ન.

નર્ગિસ રાજકપૂર સાથેના પ્રેમસંબંધને લગ્નની મહોર મારવા ઉતાવળી હતી. એ માટે તેણે કયું પગલું ભર્યું એ વાત આવતા રવિવારે.

columnists rajani mehta nargis dutt raj kapoor gujarati mid day lifestyle news life and style