11 January, 2026 02:02 PM IST | Mumbai | Dr. Dinkar Joshi
પ્રતીકાત્મક તસવીર
મંદિર હોય કે મસ્જિદ, ચર્ચ હોય કે ગુરદ્વારા કોઈ પણ ધર્મસ્થાનમાં એના અનુયાયીઓ અને ભાવિકોની સંખ્યા ઓછી હોય એવું બનતું નથી. આ ધર્મસ્થાનકો તો ઠીક પણ આસારામ બાપુથી માંડીને રામ રહીમ કહેવાતા સંત મહાત્માઓ પણ સંખ્યામાં ઓછા નથી. આ સંત મહાત્માઓ સજા ભોગવી રહ્યા છે અને આમ છતાં જેલવાસ દરમિયાન પણ પરોલ અથવા જામીનના નામે બહાર હરતા-ફરતા હોય છે. આ બધું ધર્મના નામે થાય છે, ભગવાનના નામે થાય છે. ભગવાન વિના માણસને ક્યારેય ચાલ્યું નથી એનો આ પુરાવો છે.
જોકે આમાં પુરાવાની જરૂર નથી.
રામ-રાવણના યુદ્ધથી માંડીને આજે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના નામે જે અશાંતિ પેદા થઈ છે ત્યાં સુધી ક્યાંય ને ક્યાંય માણસ જાત અશાંતિનો સામનો કરતી જ રહી છે. દુનિયાનો દરેક માણસ એવું ખાતરીપૂર્વક કહેતો હોય છે, કહેતો હોય છે એટલું જ નહીં; બીજાઓ પાસે કહેવડાવતો હોય છે કે પોતે ધર્મપ્રિય છે, શાંતિપ્રિય છે, પોતે જે ભગવાનને માને છે એ જ ભગવાન પરમ સત્ય છે. રામ-રાવણનું યુદ્ધ ધર્મયુદ્ધ હતું અથવા છે એવું આપણે કહીએ છીએ. રાવણે સીતાહરણ કરીને અધાર્મિક કૃત્ય કર્યું હતું એવું આજે સદીઓ પછી પણ લાખો અને કરોડો માણસો માને છે. એમાં કશું ખોટું પણ નથી અને આમ છતાં રાવણના અનુયાયીઓ પણ આજે નથી એવું આપણે કહી શકીશું નહીં. આજે રાવણના નામે મંદિરો છે અને આ મંદિરોમાં રાવણનું પૂજન પણ થાય છે. આસારામ બાપુ કે રામ રહીમ કાનૂની દૃષ્ટિએ અપરાધી ઠરી ચૂક્યા છે અને આમ છતાં તેમના હજારો ભક્તો તેમના આશ્રમોમાં તેમના નામે પૂજાપાઠ કરી રહ્યા છે. આ બધું જોતી વખતે એક વિચાર આવીને ઊભો રહે છે જેને અધર્માચરણ કહીએ છીએ એના નામે પણ ધર્મનું આચરણ કરનારા માણસોની સંખ્યા કંઈ ઓછી નથી.
ધર્મનો જય અને પાપનો ક્ષય એવું પ્રત્યેક ધર્મના આચરણ કરનારાઓએ સતત કહ્યા કર્યું છે. અને આમ છતાં આને પરમ સત્ય માની લેવા આપણે કેટલા અંશે તૈયાર થઈશું? ધર્મનો જય આપણને બધાને ગમે છે, પણ જે જય થયો છે કે જે જય થાય છે એ આપણને બધાને ખાતરીપૂર્વક ધર્મનો છે એમ કહી શકીએ એમ છે? અઢાર અક્ષૌહિણી સેના જ્યાં નાશ પામી અને જ્યાં શ્રીકૃષ્ણ કે ભીષ્મ જેવા ધર્મવેત્તા ઊભા હતા એ કુરુક્ષેત્રને મહર્ષિ વ્યાસે ધર્મક્ષેત્ર કહ્યું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પહેલા જ શ્લોકમાં ધૃતરાષ્ટ્રના નામે ધર્મક્ષેત્ર શબ્દ મુકાયો છે. યુદ્ધક્ષેત્ર ધર્મક્ષેત્ર કઈ રીતે કહેવાય એવો પણ એક પ્રશ્ન કોઈ-કોઈ બુદ્ધિજીવીઓ કરે છે ખરા. ધર્મને નામે લોહી રેડાય એ પવિત્ર છે એવું કેમ કહેવાય?
આને શું કહીશું?
હમણાં-હમણાં ગાઝાપટ્ટીમાં ભૂખ્યા-તરસ્યા હજારો લોકોનાં દૃશ્યો અખબારોએ આપણને દેખાડ્યાં છે. સામાન્ય રીતે સવારે ચા પીતી વખતે અખબાર હાથમાં હોય એવી આપણને આદત પડી ગઈ હોય છે. આમ છતાં આજકાલ સવારનું અખબાર હાથમાં લેતી વખતે આપણને કોઈક પ્રકારનો ભય પણ લાગે છે. આ દૈનિક અખબાર આપણને જે સૌથી પહેલાં સમાચાર આપશે એ ભયપ્રદ હશે એવું આપણને લાગ્યા કરે છે. આ ભૂખ્યા-તરસ્યા સેંકડો માણસો ધર્મના નામે જ થાય છે. જેરુસલેમ નામની એક મુઠ્ઠીભર જમીન પર સેંકડો વર્ષો પહેલાં કોઈક મહાપુરુષ થઈ ગયા અને આ મહાપુરુષે ધર્મના નામે જ આપણને ઉદ્બોધન કર્યું. આ ઉદ્બોધન આપણને વળગી ગયું અને આટલી સદીઓ પછી જમીનના ટુકડાને હાથવગો કરવા કે રાખવા સેંકડો વર્ષોથી હજારો માણસો અહીં કપાઈ રહ્યા છે. પેટની ભૂખ કે જાતીયતાના આવેગ વિના કોઈ પ્રાણી પોતાની જાતનાં અન્ય પ્રાણીઓને હણતું નથી કે યુદ્ધ કરતું નથી. કોઈ સિંહે સિંહનો શિકાર કર્યો કે કાગડાએ કાગડાનો નાશ કર્યો એવું ભાગ્યે જ જોવા કે સાંભળવા મળશે. માણસે કુરુક્ષત્રના યુદ્ધથી માંડીને ગાઝાપટ્ટીના આપણા ઇતિહાસમાં એવડો મોટો સંહાર કર્યો છે કે એની કદાચ ગણતરી પણ ન કરી શકાય. આ પ્રતીકે સંહારમાં પ્રત્યેક માણસે પોતાની સચ્ચાઈ સિદ્ધ કરવા પ્રયત્નો કર્યા છે.
શાંતિની શોધમાં
માણસ પોતે જે ઇતિહાસ આલેખે છે અથવા સંસ્કૃતિને નામે પોતાને અન્ય પ્રાણીઓથી વિશિષ્ટ માને છે એ બધું થોડું વિશેષ નિષ્પક્ષતાથી તપાસી જોવા જેવું છે. વિશ્વની કોઈ પ્રજાતિ, પરમાત્માએ એની જે રચના કરી છે એના વિરુદ્ધ ભાવે વર્તતી નથી. સિંહ હોય કે હાથી, કાગડો હોય કે કીડી; આ બધાં પ્રાણીઓ ઈશ્વરે તેમને જે રહેણીકરણી ઇત્યાદિની સોંપણી કરી એ જ રીતે જીવી રહ્યા છે. માણસે આમ નથી કર્યું. એણે સંસ્કૃતિના નામે પોતાના પ્રાકૃતિક જીવનને હડસેલો મારીને નવા જીવતરની જ રચના કરી છે. હમણાં એક મિત્રે સંસ્કૃતિ વિશેની આવી ચર્ચા દરમિયાન એવું કહ્યું કે Hypocrisy thy name is civilization. સાંભળતાંવેંત એક આંચકો લાગી જાય એવું આ વાક્ય છે અને આમ છતાં એનો ઇનકાર થઈ શકે એમ નથી. સંસ્કૃતિના નામે માણસે પારાવાર પરિવર્તનો કર્યાં છે. એને તે સુધારો કહે છે. આ સાવ ખોટું પણ નથી અને આમ છતાં માણસે આ સુધારાના નામે પોતાની જિંદગી કેવી કરી નાખી છે એની થોડીક સાવ તટસ્થ વિચારણા કરીએ તો એ રસપ્રદ પણ બની શકે એમ છે. આ બધું માણસે શાંતિની શોધમાં કર્યું કહેવાય છે. ધર્મ અને ભગવાન પણ તેની આ શાંતિની શોધમાં જ આપણી પાસે પ્રગટ્યાં છે. હવે ક્યારેક એટલું જ જોવાનું રહે છે કે આ પ્રાગટ્યને માણસ એના મૂળ અર્થ પાસે પહોંચી શકશે ખરો?