પાઇલટને જોયા વિના પ્લેનમાં બેસીએ તો પરમાત્મા વિના પ્રારંભ કેમ નહીં?

15 April, 2024 08:16 AM IST  |  Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj

એક વાસ્તવિકતા સતત આંખ સામે રાખજો કે આંખેથી ન દેખાય અને બુદ્ધિથી ન સમજાય એવા પદાર્થોના કે એવાં પરિબળોના અસ્તિત્વ વિશે શંકા સેવવી અથવા તો એના અસ્તિત્વને નકારી જ દેવું એ મનની ખાસિયત છે

પદ્‍મભૂષણ જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

પાઇલટને જોયા વિના વિમાનમાં, કપ્તાનને જોયા વિના સ્ટીમરમાં અને ડ્રાઇવરને જોયા વિના ટ્રેનમાં માણસ નિશ્ચિંતતાથી મુસાફરી કરી શકે છે. બસ-ડ્રાઇવરને, ટૅક્સી-ડ્રાઇવરને અને રિક્ષા-ડ્રાઇવરને ઓળખ્યા વિના તેના ભરોસે માણસ બસ, ટૅક્સી, રિક્ષામાં નિશ્ચિંતતાથી મુસાફરી કરી શકે છે. ડૉક્ટરે લખી આપેલા પ્રિસ્ક્રિપ્શનનો એક અક્ષર સમજાતો ન હોવા છતાં દરદી તેના પર પૂર્ણ વિશ્વાસ મૂકીને દવા લઈ શકે છે. જો આ બધું થઈ શકે તો જે પરમાત્માને પોતે નિહાળ્યા નથી, ઓળખ્યા નથી, સમજ્યા નથી એ પરમાત્માના અસ્તિત્વ-વ્યક્તિત્વ અને પ્રભુત્વ પર પૂર્ણ શ્રદ્ધા મૂકીને કો’ક ભક્ત ‘અબ સૌંપ દિયા ઇસ જીવન કો ભગવાન તુમ્હારે ચરણોં મેં’ એમ કહીને પોતાનું જીવન સમર્પિત કરી દેતો હોય, ‘અર્પણ કર દૂં દુનિયાભર કા હર પ્યાર તુમ્હારે ચરણોં મેં’ એમ કહીને પોતાની લાગણીઓને ઢોળવાનું એકમાત્ર સરનામું ‘પરમાત્મા’નો કો’ક ભક્ત પસંદ કરી દેતો હોય તો એમાં આશ્ચર્ય શું છે? એક વાસ્તવિકતા સતત આંખ સામે રાખજો કે આંખેથી ન દેખાય અને બુદ્ધિથી ન સમજાય એવા પદાર્થોના કે એવાં પરિબળોના અસ્તિત્વ વિશે શંકા સેવવી અથવા તો એના અસ્તિત્વને નકારી જ દેવું એ મનની ખાસિયત છે, પણ મનની આ કહેવાતી ખાસિયતના ગુલામ બન્યા રહેવામાં ઘણાબધા ઉદાત્ત લાભોથી વંચિત રહી જવું પડે એવી સંભાવના પૂરેપૂરી છે અને આજે એવી જ એક ઘટના તમને સૌને કહેવી છે.

એક સજ્જન દર્શનાર્થે આવ્યા. આવીને તેણે બે હાથ જોડી વાતની શરૂઆત કરી, ‘ગુરુદેવ, ગૃહમંદિરના નિર્માણ માટે માર્બલની ખરીદી કરવા હું મકરાણા જઈ રહ્યો હતો. ગાડીમાં અમે ત્રણ જણ હતા અને મારી પાસે બે લાખ રૂપિયા રોકડા હતા. એ સમયે મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ હોવાથી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી હતી. એક વ્યક્તિને વધુમાં વધુ ૨૦,૦૦૦ લઈ જવાની છૂટ હતી. અમે ત્રણ જણ હતા એટલે ૬૦,૦૦૦ સુધી વાંધો આવે એમ નહોતો, પણ તાકીદે માર્બલની ખરીદી કરવી જરૂરી હોવાથી મારે બે લાખ લઈને જવું પડે એમ જ હતું અને મને જેની શંકા હતી એ જ બન્યું. રસ્તામાં પોલીસોએ ગાડી ઊભી રખાવી. બૅગ ખોલાવી, બૅગમાં રહેલા રૂપિયા જોયા, તેમણે ગણ્યા.’

‘પછી શું થયું?’
‘૧,૪૦,૦૦૦ વધારાના છે એ લઈ લેવા માટે એક પોલીસે બીજા પોલીસને કહ્યું તો ખરું, પણ એ પોલીસે તરત જવાબ આપ્યો કે રૂપિયા જે બૅગમાં છે એ બૅગમાં મંદિરનો સામાન પણ છે અને લાગે છે કે આ લોકો મંદિરના કામ માટે જ આટલા પૈસા લઈને જાય છે. મને પૂછીને પોલીસે પાકું કર્યું અને પછી તરત બૅગ અમને સોંપી દીધી અને નંબર પણ આપ્યો કે આગળ કોઈ રોકે તો મારી વાત કરાવજો.’

columnists life and style jain community