૩ દેશ, ૧૧ સ્ત્રીઓને ઠગનારો લુટેરો દુલ્હો

26 July, 2026 03:47 PM IST  |  Mumbai | Aashutosh Desai

મહિલાઓ સાથે પ્રેમનું નાટક કર્યું, કોઈકની સાથે લગ્ન કર્યાં, કોઈકની સાથે લિવ-ઇનમાં રહ્યો અને કોઈકની સાથે લૉન્ગ-ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહીને લૂંટતા ધૂન પ્રેમલ ઠક્કર નામના ઠગને હવે ૩ દેશની પોલીસ શોધી રહી છે

માત્ર ૧૨મું ધોરણ પાસ ધૂન ઠક્કર ક્યારેક વકીલ, ક્યારેક સુપ્રીમ કોર્ટના જજનો દીકરો તો ક્યારેક રાષ્ટ્રપતિનો અંગત માણસ હોવાનો ડોળ કરીને ભણેલી સ્ત્રીઓને આંજી દે છે અને પછી દયા, મદદના નામે ઠગે છે.

સાંભળને, મારે અર્જન્ટ થોડા પૈસાની જરૂર છે, મોકલને... તને થોડા દિવસમાં પાછા આપી દઈશ!

જો કોઈ પ્રેમી કે ભાવિ પતિ પોતાની પ્રેમિકાને આવું કહે તો સામાન્ય રીતે પ્રેમિકા શું કરે? પૈસા મોકલી આપે, ખરુંને? પણ ચેતજો, આવો નિર્ણય તરત લેતાં પહેલાં ચેતજો. ના... ના, અમે કોઈ પ્રેમિકાના પ્રેમી પર શંકા કરી રહ્યા છીએ એવું નથી, પણ જમાનો એવો ખરાબ છે કે કોણ સાચો પ્રેમી અને કોણ ફ્રૉડ છે એ કહેવું કે નક્કી કરવું મુશ્કેલ છે.

૩-૩ દેશની ૧૧ કરતાં પણ વધુ મહિલાઓને છેતરી ચૂકેલો અને તેમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ચૂકેલો એક નમૂનો હમણાં જ પોલીસના હાથે ચડ્યો છે. દોસ્તી કરે, ચૅટિંગ કરે, કૉલ્સ પર વાત કરે, મળે અને પ્રેમ કરતો હોવાનું નાટક પણ કરે એટલું જ નહીં; લગ્નનો પ્રસ્તાવ પણ મૂકે અને જરૂર પડે તો લગ્ન કરી પણ લે. પછી? પછી બસ પૈસા, દાગીના બધું લઈને ભાઈસાહેબ રફુચક્કર! અને તે મહાશયના આવા ઝાંસામાં કોણ-કોણ ફસાયું છે ખબર છે? સરકારી અધિકારી, ડૉક્ટર, વકીલ... આવાં ફ્રૉડને કારણે જ જેલની સજા પણ ભોગવી ચૂકેલા ધૂન પ્રેમલ ઠક્કરને હાલ મુંબઈ પોલીસ શોધી રહી છે.

લુટેરા અને ઠગ દુલ્હાએ ભારત સહિત ૩ દેશની ૧૧થીયે વધુ મહિલાઓને પોતાના પ્રેમજાળમાં ફસાવીને લગ્નના પ્રસ્તાવ મૂક્યા, વચનો આપ્યાં અને આખરે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી. નામ છે ધૂન પ્રેમલ ઠક્કર! આ ઠક્કરની બોલબાલા તો એવી છે કે તેના શિકારના લિસ્ટમાં કોઈ ભલી-ભોળી ગૃહિણી કે ઓછું ભણેલી મહિલાઓ માત્ર નથી. ક્લાસ-વન સરકારી અધિકારીથી લઈને વકીલ, ડૉક્ટર અને શિ​ક્ષિકાનો પણ સમાવેશ થાય છે અને આ બધા શિકારોમાં મોટા ભાગની મહિલાઓ ૪૦ વર્ષથી વધુ ઉંમરની છે.

ભણેલી-ગણેલી મહિલાઓને પ્રેમના ઝાંસામાં લેવા માટે ધૂન પોતાને પણ બહુ મોટો બિગ શૉટ બતાડતો હતો. આમ તો તે માત્ર ૧૨ ધોરણ પાસ છે, પરંતુ ક્યારેક તે પોતાને ઑક્સફર્ડ યુનિવર્સિટીનો ગ્રૅજ્યુએટ ગણાવતો તો ક્યારેક સુપ્રીમ કોર્ટના જજના દીકરાની ઓળખ આપતો. કેટલીક સ્ત્રીઓને તો પોતાનો રાષ્ટ્રપતિ સાથેનો ફોટો બતાવીને પોતાની બહુ મોટી રાજકીય વગ છે એવી છાપ ઊભી કરતો. તેણે માત્ર ભારત જ નહીં, બ્રિટન અને સ્પેનની મહિલાઓને પણ ઠગી હતી.

જોકે ધૂનના પ્રેમના નાટકને ગ્રહણ ત્યારે લાગ્યું જ્યારે હવે આ બધી મહિલાઓ ભેગી થઈ. માત્ર ભેગી જ નથી થઈ, તે બધી મહિલાઓ હવે તેમની સાથે થયેલી ઠગાઈના પુરાવાઓ એકઠા કરીને એટલી ખાતરી કરવા માગે છે કે તેમની સાથે જે છેતરપિંડી થઈ છે એવી હવે કોઈ બીજી મહિલા સાથે ન થાય.

ધૂન પ્રેમલ પરથી ધુંધ હટી કઈ રીતે?

૨૦૨૨માં ધૂન પ્રેમલ ઠક્કરે મધ્ય પ્રદેશના ભોપાલમાં એક ક્લાસ-વન ઑફિસર સાથે લગ્ન કર્યાં હતાં. સરકારી અધિકારી મહિલાએ સ્વાભાવિક રીતે નવપરણેતર તરીકે પતિ સાથેના સુવર્ણ ભવિષ્યનાં અનેક સપનાં સેવ્યાં હશે, પણ આ કલાકાર ધૂન ઠક્કર લગ્ન બાદ તે મહિલાનાં લાખો રૂપિયાનાં ઘરેણાં લઈને ફરાર થઈ ગયો. મહિલા ક્લાસ-વન ઑફિસર હતી. તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ભોપાલ પોલીસે તપાસ આરંભી અને ધૂન પ્રેમ ઠક્કરને ગુજરાતમાંથી પકડી પાડ્યો. ભાઈસાહેબને પકડીને ભોપાલ લઈ જવામાં આવ્યો. કેસ થયો, મામલો કોર્ટમાં ગયો અને ધૂન ઠક્કરને જેલ પણ થઈ. જુલાઈ ૨૦૨૪ સુધી એટલે કે બે વર્ષ જેલમાં વિતાવ્યા બાદ હાઈ કોર્ટે તેને એ શરતે જામીન આપ્યા કે જો તે ફરીથી આવો ગુનો કરશે તો તેના જામીન તરત રદ કરવામાં આવશે.

અર્થાત્, ભાઈનો ભાંડો તો ફૂટ્યો છેક ૨૦૨૨માં, પણ તેની આ કારીગરી તો છેક ૨૦૧૫થી ચાલતી હતી. ૨૦૧૫ની ૨૪ ડિસેમ્બરે ધૂન પ્રેમલ ઠક્કરે પોતાની છેતરપિંડીની કળાનાં બીજ વાવ્યાં હતાં એમ કહો તો ચાલે. અમદાવાદમાં રહેતી એક મહિલા સાથે તેનાં લગ્ન થયાં, પણ લગ્નના થોડા જ સમયમાં તેની પત્નીને સમજાઈ ગયું કે પતિદેવનાં બહાર બીજી સ્ત્રીઓ સાથે પણ લફરાં ચાલે છે. પતિની આવી છેતરપિંડીને કારણે તે મહિલા સાથે ધૂન ઠક્કરના ૨૦૧૯માં છૂટાછેડા થઈ ગયા. ધૂન સાથે જ્યારે તેના છૂટાછેડા થયા ત્યારે તે ગર્ભવતી હતી.

ઢોર હવે હરાયું થઈ ચૂક્યું હતું. એના ગાલે કોઈ ખૂંટો બંધાયો નહોતો. પત્નીથી અલગ થયા પછી ધૂન છૂટાછેડા લઈ ચૂકેલી બીજી મહિલા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માંડ્યો. લગ્ન તો થયાં નહોતાં. બન્ને લિવ-ઇનમાં રહેતાં હતાં. ધૂન ઠક્કરને તો જાણે ભાવતું’તું ને વૈદે કહ્યા જેવું થયું. પેલી ડિવૉર્સી મહિલા પાસેથી તે ૧૨ લાખ રૂપિયા પડાવી ચૂક્યો હતો.

હજી આ રિલેશનશિપ તો ચાલુ જ હતી ત્યાં ભાઈસાહેબે બહાર એક લૉ સ્ટુડન્ટ સાથે પ્રેમસંબંધ બાંધ્યો. આ એ સમયગાળો હતો જ્યારે દેશમાં કોરોના નામનો રાક્ષસ આખા દેશના લોકોમાં ભયનું વાતાવરણ સર્જી ચૂક્યો હતો. આ ભાઈએ પેન્ડેમિકનો એ સમય પણ પોતાના છેતરપિંડીના લાભ માટે શ્રેષ્ઠ સમય ગણ્યો અને કાયદાનું ભણતી તે છોકરી પાસેથી ૧.૨૦ લાખ જેટલા રૂપિયા પડાવ્યા.

આ બધાં કારસ્તાન તો ચાલતાં જ હતાં એમાં વળી તેણે પોતાની હાથચાલાકી ઑનલાઇન પણ અજમાવવી શરૂ કરી. ૨૦૧૭-’૧૮માં લંડનની એક મહિલા સાથે તેણે એક મૅટ્રિમોનિયલ સાઇટ દ્વારા સંપર્ક સાધ્યો. તેની સાથે વાતચીત શરૂ કરી, ઓળખાણ વધારી અને એ ઓળખાણ વિશ્વાસની હદ સુધી પહોંચે એટલી રાહ જોઈ. ત્યાર બાદ ૨૦૨૧માં તેણે લંડનની તે મહિલાને કહ્યું કે તેના બિઝનેસમાં એક બહુ મોટો સોદો થવા જઈ રહ્યો છે અને જો એ સોદો થઈ જાય તો ખૂબ મોટો ફાયદો થશે, પણ ટ્રેડ સેટલમેન્ટ માટે ૨૦ લાખ રૂપિયા ખૂટે છે. લંડનમાં રહેતી તે મહિલા પાસેથી આ રીતે તેણે ૨૦ લાખ રૂપિયા પડાવી લીધા.

લંડનમાં રહેતી મહિલા સાથે લગભગ ૨-૩ વર્ષથી સંબંધ બંધાઈ ચૂક્યો હોવાને કારણે આ કૉનમૅનને એટલું તો સમજાઈ ગયું હતું કે આ ઑનલાઇનવાળો ખેલો બહુ મજાનો છે, એમાં કામ વધુ સરળતાથી થઈ શકે છે અને પોતાની સાચી ઓળખ પણ સરળતાથી છુપાવી શકાય છે. આથી લંડન ફ્રૉડને અંજામ આપતાં પહેલાં ૨૦૨૦માં તેણે ફેસબુક દ્વારા સ્પેનમાં રહેતી એક મહિલા સાથે દોસ્તી કરી. એ જ જૂની કાર્યપદ્ધતિ વાપરી. પહેલાં પ્રેમ, લગ્નનો પ્રસ્તાવ, વાયદો અને માગણી અને પછી ગાયબ. તેણે ૨૦૨૦માં સ્પેનની મહિલા સાથે કથિત રીતે અંદાજે ૭૫૦૦ યુરો (આશરે ૮.૨૩ લાખ રૂપિયા) લીધા. જોકે ધૂનની ધુનકી જેવી ઓસરી અને તે સ્પૅનિશ મહિલાને ભાન થયું કે આ તો ભારતનો ઠગ મને ઠગી ગયો. ત્યારે તરત તેણે સ્પેનમાં ભારતીય કૉન્સ્યુલેટમાં લેખિત ફરિયાદ નોંધાવી.

ખેર, આ બધા ખેલામાં ધૂન પ્રેમલ ઠક્કરને ફરી એક નવો શિકાર મળ્યો. આ વખતે કાયદાનું ભણી રહેલી ભાવિ વકીલ નહીં પરંતુ સ્વયં એક વકીલ મહિલા તેની જાળમાં ફસાઈ ગઈ. તે વકીલને તેણે કહ્યું કે પહેલાં આપણે સાથે રહીએ, એકબીજાને જાણીએ-સમજીએ અને ત્યાર બાદ ચાર-પાંચ વર્ષમાં લગ્ન કરી લઈશું. આ સમયગાળા દરમ્યાન ધૂન ઠક્કરે ધીરે-ધીરે કરીને તે વકીલ મહિલા પાસેથી તેની બચત, શૅર્સ અને આશરે ૧૮ લાખ રૂપિયાના સોનાના દાગીનાનો કબજો લઈ લીધો. ભોપાલની ક્લાસ-વન ઑફિસરની જેમ જ આ મહિલા પણ ભણેલી અને જાણકાર હતી, બધું જાણતી અને સમજતી હતી. તેણે પણ ફરિયાદ નોંધાવી અને આખો મામલો આખરે પોલીસ સુધી પહોંચ્યો. મહાન ધૂન પ્રેમલ ઠક્કરે પોલીસ સામે લેખિતમાં એવી બાંયધરી આપી કે તે એક-એક રૂપિયો પાછો આપી દેશે. આજની ઘડી ને કાલનો દિવસ, એ રૂપિયા હજી પેલી વકીલ મૅડમને મળ્યા નથી.

ધૂન એકસાથે અલગ-અલગ છોકરીઓ સાથે ટૂ-ટાઇમિંગ નહીં, મલ્ટિ-ટાઇમિંગ કરવામાં એટલો માહેર હતો કે તેણે ૨૦૨૧માં એક નવી પ્રેમિકા ફસાવીને તેની સાથે લગ્ન નક્કી કર્યાં. ૧૬ ફેબ્રુઆરીએ લગ્ન થવાનાં હોવાની કંકોતરીઓ પણ છપાઈ ગઈ, પણ એ પછી પેલી મહિલાને ખબર પડી કે ધૂન તો વર્ષોથી બીજી કોઈ મહિલા સાથે રહે છે.

ધૂન પર તો ફ્રૉડની ધુનકી એવી સવાર હતી કે હાઈ કોર્ટે ચેતવણી આપવા છતાં કૂતરાની પૂંછડી જ રહ્યો. અચ્છા, જૂન ૨૦૨૨માં ભોપાલના છેતરપિંડીના કેસ બાબતે ભોપાલ પોલીસ ધરપકડ કરવા અમદાવાદ પહોંચી ત્યારે જાણવા મળ્યું કે ધૂન મહાશયે તો ગુજરાતમાં બીજાં લગ્ન કરી લીધાં છે, તે મહિલા સાથે ધૂન રહે પણ છે અને તે મહિલા હાલ ગર્ભવતી છે.

૨૦૨૨થી ૨૦૨૪ સુધી ભાઈસાહેબ જેલમાં રહ્યા અને એ જેલવાસ દરમ્યાન જ ગુજરાતમાં જે મહિલા સાથે તેણે લગ્ન કર્યાં હતાં તે પરણેતર ધૂનને જેલમાં પણ મળવા આવતી હતી. એટલું જ નહીં, તે એ બે વર્ષમાં બે વાર ધૂનને જામીન આપવામાં આવે એવી માગણી કોર્ટ સામે કરતી રહી, પણ કોર્ટે તેની તમામ વિનંતીઓ ફગાવી દીધી હતી. ભોપાલની મહિલાએ પોતાની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ કરી, એ માટે બે વર્ષની સજા થઈ અને છતાં પેલી ગુજરાતણ જેલમાં મળવા આવતી હતી તો પણ ધૂનની સાન ઠેકાણે નહોતી આવી. જેલવાસના એ સમયગાળા દરમ્યાન પણ તે એકસાથે અનેક મહિલાઓ સાથે સંકળાયેલો રહ્યો. ૨૦૨૪માં જેલમાંથી છૂટ્યા પછી તરત તેણે ફરી પોતાની છેતરપિંડીની કળાની માસ્ટરી દેખાડવા માંડી, પણ આ વખતે નવાં કલેવર સાથે. આ વખતે હથિયાર હતું સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ. પોતાના નવા નામથી અકાઉન્ટ બનાવ્યું અને નવી મહિલાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું.

આ વખતે નવા શિકાર તરીકે મળી રાજકોટની એક ડૉક્ટર મહિલા. ધૂને તેની સાથે પણ ફ્રૉડ કર્યું અને તેની પાસેથી પણ અંદાજે ૬૦,૦૦૦ રૂપિયા પડાવ્યા. જોકે એટલામાં આ નકલી પ્રેમીની ચુંગાલમાં ફસાઈ ચૂકેલી અમદાવાદની એક મહિલા વકીલે તે ડૉક્ટરને ચેતવણી આપી અને ડૉક્ટરનો સંબંધ ધૂન સાથે તૂટી ગયો.

૬૦,૦૦૦ રૂપિયા લૂંટાયા બાદ હવે રાજકોટની ડૉક્ટર મહિલા તેની અસલિયત જાણી ચૂકી હતી. આથી તેની સાથે સંબંધ પૂરો તો થયો, પરંતુ હજી તો એ સંબંધ એના પૂર્ણવિરામ પર પહોંચે એ પહેલાં જ અમેરિકામાં રહેતા એક પરિચિતની મદદથી ધૂન ઠક્કરે મુંબઈમાં રહેતી અને સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી એક મહિલાનો સંપર્ક કર્યો.

એવો આરોપ મુકાઈ રહ્યો છે કે ધૂને તે શિક્ષિકાને ફાઇવસ્ટાર હોટેલમાં મળવા બોલાવી અને બીજા જ દિવસે તેનાં માતા-પિતાને જાણ કર્યા વિના તેની સાથે લગ્ન કરી લીધાં. ત્યાર બાદ પોતાનાં કલેવર દેખાડતાં ધૂને આ નવી શિક્ષિકા-પત્ની સાથે પણ ૨૩ લાખ રૂપિયા જેટલી અધધધ રકમની છેતરપિંડી કરી. તાજેતરમાં જ નોંધાયેલા એ કેસમાં મુંબઈની શિક્ષિકા સંચિતા મિશ્રા (નામ બદલ્યું છે)એ પોતે કથિત છેતરપિંડીનો ભોગ બની હોવાનું કહીને સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો છે જેમાં તે શિક્ષિકા સંચિત મિશ્રા (નામ બદલ્યું છે)એ માહિતી લખાવી છે કે આરોપીએ તેની સાથે પ્રેમસંબંધ બાંધ્યો અને લગ્નના બહાને તેણે પોતાની કંપનીમાં ડિરેક્ટર બનાવવાનું કહીને ૧૭ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે પ્રેરિત કરી હતી. એટલું જ નહીં, ધૂને પોતાના નામે ૬ લાખની લિમિટવાળું ક્રેડિટ કાર્ડ પણ શરૂ કરાવ્યું હતું. પોલીસ હવે હાલ તેની શોધમાં વિવિધ રાજ્યોમાં દરોડા પાડી રહી છે.

હવે મહિલાઓ પણ એટલી મૂર્ખ તો હોય નહીં કે ધૂન નામનો આ પ્રેમી કે ભાવિ પતિ જે કહે એ આંધળા વિશ્વાસની જેમ માની જાય. તો એના ઇલાજ તરીકે આપણા આ કૉનમૅને બીજું એક ફ્રૉડ કરવાનું નક્કી કર્યું. બનાવટી પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN) કાર્ડ અને બનાવટી આધાર કાર્ડ બનાવ્યાં. ક્યારેક ધૂન પ્રેમલ ઠક્કર ૫૪ વર્ષનો હતો તો ક્યારેક તે ૪૫ વર્ષનો બની જતો, જ્યારે તેની વાસ્તવિક ઉંમર માત્ર ૩૪ વર્ષની છે.

columnists lifestyle news life and style Crime News mumbai police Gujarat Crime mumbai crime news