17 February, 2026 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હોઠ હસે તો ફાગુન ગોરી,
આંખ ઝરે તો સાવન;
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.
(હરીન્દ્ર દવે)
ફાગણ ઋતુઓનો અફીણી સંધિકાળ છે. શિયાળાની ઠંડક અને ચૈત્રની ઉષ્ણતા વચ્ચેનો સંધિકાળ છે. રંગ, રાગ અને રોમાંચથી સભર સંધિકાળ. ફાગણને કૃષ્ણનો પ્રિય માસ કહ્યો છે. તો વળી આપણા ગ્રંથોએ તો ભભૂતરંગી વિરાગી શિવને પણ આ મહિનામાં જ દેવી પાર્વતીને પરણવા જતા બતાવ્યા છે.
શિવજી બિહાને ચલે, પાલકી સજાઈ કે,
ભભૂતિ લગાઈ કે, હા...
ભાઈ, આ ફાગણ છે. ચેતી જાઓ, એમાં ગેરુઓ પણ ગુલાબી થઈ જાય છે. ફાગણનો ફાગ શિવપાર્વતીને પણ જાણે રાધાકૃષ્ણ બનાવી દે છે. ફાગણ નિરાકાર અને સાકાર વચ્ચેનો સંધિકાળ છે. પાનખરનાં રૂક્ષ વૃક્ષો અને વસંતનાં નવપલ્લવિત વૃક્ષોની વચ્ચેની કડી તે ફોરમતો ફાગણ. સૂકી ડાળીઓ પર અચાનક લીલીછમ આભા દેખાવા માંડે. કૂંપળ પણ જાણે લાંબા વિરહ પછીનું પ્રથમ મિલન હોય એમ સ્મિત કરતી ખીલવા તત્પર હોય. આંબાને મોર બેસે ને વસંતના આગમનની છડી પોકારાય. ચંપો, ગુલમહોર અને ગુલાબની ખિલખિલાટ ખીલવાની મોસમ. પણ આ મહિનાનું સૌથી વિશિષ્ટ ફૂલ તે કેસૂડો. ખાખરાની ડાળીએ-ડાળીએ ખીલી ઊઠતાં અગ્નિરંગી આ ફૂલો આકાશને પણ ચમકાવી દે. વાતાવરણમાં કામદેવનું સામ્રાજ્ય છવાઈ જાય. વહેતા પવનમાં પણ સૂરોનો આરોહ-અવરોહ સંભળાય. કાન સરવા રાખો તો સૂસવાટામાંય સંગીત સંભળાય. ધરતી પણ પોતાના પાલવમાં રંગોની થાળી સંતાડીને બેઠી હોય છે: આજે તો તને રંગી જ નાખું.
હોળીનો ઉત્સવ ફાગણનું હૃદય છે. શાસ્ત્રોમાં વિરહને અગ્નિસરીખો કહ્યો છે. અને અંદર છુપાયેલા ષડરિપુઓ, કામ-ક્રોધ-મધ-મોહ-લોભ અને મત્સરને પણ અગ્નિસરીખા કહ્યા છે. આ અગ્નિને જ્વાળા નથી હોતી. ને એ જેને બાળી નાખે એની રાખ પણ નથી રહેતી. એમ તો પ્રેમની જ્વાળા પણ અસહ્ય હોય છે. પણ એ પંથની જ્વાળા પાવક હોય છે. કેટલી પવિત્ર? તો કહે, ‘માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જોને.’ જોનારાને દઝાડે પણ જેને આ આગ લાગી છે તે તો મહાસુખ માણે. પ્રકૃતિની અનોખી લીલા છે આ.
ગુજરાતી સાહિત્યમાં ફાગણ કવિઓનો હંમેશાં લાડકો મહિનો રહ્યો છે. મધ્યકાલીન કાળથી અર્વાચીન કાળના કવિઓએ આ મહિનાને લાડ લડાવતાં પદો રચ્યાં છે. ‘બારમાસી’ પ્રકારનાં કાવ્યો માટે, ‘રત્નો’ નામે જાણીતા મધ્યકાલીન કવિનું પ્રચલિત કાવ્ય જુઓ:
ફાગણ આયો એ સખી,
કેશું ફૂલ્યા રસાળ;
હૃદે ન ખીલી રાધિકા,
ભમર કનૈયાલાલ
લોકોના કંઠે-કંઠે સતત ગવાય છે પણ જેના રચયિતા ભુલાઈ ગયા છે એવી આ સદાબહાર નટખટ રચના અતુલ પુરોહિતના સ્વરમાં કોઈએ સાંભળી ન હોય એવું ભાગ્યે જ બને.
ફાગણ ફોરમતો આયો રે આયો,
ગોરી ગોરા છોરા છોરી
કરતા જી ડોરા ડોરી, ફાગણની લેતા વધાયો;
હોળી કેરા રસઘેલા હેતમાં હરખઘેલા,
લૂંટે લાડ લડાયો
કેસૂડાનું એક ફૂલ હાથમાં લો તોય કામણ કરે. મદભરી આંખો જેવા એ ફૂલને જોતાં રહો તો એનીયે નજર લાગ્યા વિના ન રહે.
માટે સુન્દરમ્ એક જ ફૂલ માગે છે.
મને ફાગણનું એક ફૂલ આપો કે લાલ મોરા,
કેસુડો કામણગારો જી લોલ
હીંચકે બેઠા હો તો પણ બાલમુકુંદ દવેના દેશી લહેકાવાળું આ ગીત આપોઆપ પગની ઠેક કેવી ઉપાડે એ જુઓ:
ફાગણ ફટાયો આયો રે, કેસરિયા પાઘ સજાયો, જોબનના જામ લાયો,
રંગ છાયો રંગ છાયો રે
ફાગણી હવામાં ઊડતાં સૂકાં પાંદડાંમાં પણ જેમને છોરીનું છૂપું ઈજન દેખાય છે એ કવિ રાજેન્દ્ર શાહ કહે છે,
દુનિયા કેરા ચોકમાં આજે કોણ છોરી, કોણ છેલ;
ગાનમાં ઘેલા, રંગમાં રોળિયા,
રમતા રે અલબેલ,
ફરી ફરી ફાગુન આયો રી
ગુજરાતના અધ્યાપક રહી ચૂકેલા ગોવિંદભાઈ પટેલ કેવી તોફાની પંક્તિઓ લખે છે:
શિશિરનો પાલવ ખેંચાતાં વૈભવ સઘળો ખૂલ્યો, ફાગણ આવ્યો ફૂલ્યો
ભૈ, ઋતુ જ એવી. શિક્ષક શું, સંત પણ શણગારમાં અટવાઈ જાય.
ગામના ફળિયે ફૂલોના કરંડિયા લઈ બેઠેલા પ્રદ્યુમ્ન તન્ના પડકાર ફેંકે છે:
ફાગને ફળીએ ફૂલ બેઠાં બધાં,
નાહકનો ભરી ડાયરો હોજી;
રંગ સુગંધના મૂલ કરે એવો,
ક્યાં છે સોદાગર વાયરો હોજી
ફાગણમાંય કેટલાક કોરા રહી જતા હોય છે. સ્વભાવ જ એવો હોય કે રંગો જોઈ લાલપીળા થઈ જાય. પ્રિયતમ અરસિક છે. તેના પર ગુલાલ છાંટવો છે, પણ તેનું કરડાકીભર્યું મુખ જોઈ હિંમત થતી નથી. તો ડરની મારી તેને લિપટી જવાનો ઢોંગ તો કરી શકાયને? અને એમ તેને કેવી રીતે રંગી દેવાય એ આ ઠૂમરીના શબ્દોમાં જુઓ:
ઉનકે પીછે મેં ચુપકે સે જાકે,
યે ગુલાલ અપને તનપે લગાકે,
રંગ દૂંગી મૈં ઉન્હેં લિપટ કે
તનમનમાં ફાગણ ફૂલ્યો ન સમાતો હોય ત્યારે જ આવું કરતબ સૂઝે. આજ ખેલૂંગી હોલી મૈં ડટ કે. રાજસ્થાનની ‘લઠમાર હોરી’ આવા અરસિક સૈંયાઓને પાઠ ભણાવવા માટે જ શરૂ તો નહીં થઈ હોયને? ઘૂંઘટા તાણનારીઓનાય વાર ખાલી જતા નથી. એટલે જ તો સાચી ઢાલ લઈ બેસવું પડે છે તેમના મરદોને!
બાય ધ વે, તમને ખબર છે ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’ જેવા વાસંતી ગીતના લવંગી રચયિતા રઘુનાથ બ્રહ્મભટ્ટ એક સમે નડિયાદમાં કમ્પાઉન્ડરનું કામ કરતા હતા? દવા બનાવતાં-બનાવતાં ઊપડેલ નાટક લખવાની ચળે રઘલાને આગળ જતાં રઘુનાથ અને છેવટે રસકવિ બનાવ્યા. પછી તો નાગરવેલીઓ રોપી, આ રસીલા પ્રેમના હૈયાએ એવી ખુમારીથી સાબિત કર્યું કે નાટકનો હીરો એક લેખક પણ હોઈ શકે છે. વન્સમોર અને સિસોટીઓ સ્ટેજ પાછળ રહેતા આ રસકવિ માટે વાગતી!