30 November, 2025 02:40 PM IST | Mumbai | Foram Shah
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મારો એક કઝિન છેલ્લાં ૧૫ વર્ષથી અમેરિકામાં રહે છે. ત્યાં તેને બીજું બધું સુખ છે, પણ ભારત જેવું ખાવા-પીવાનું મળે નહીં ત્યારે તે થોડો ઉદાસ થાય છે. તે જ્યારે પણ ભારતની મુલાકાતે આવે ત્યારે સૌથી પહેલાં વડાપાંઉ ખાઈ લે છે. મારી એક મિત્ર રજાઓમાં વિદેશ ગઈ હતી. તેણે વિડિયોકૉલ પર કહ્યું કે ત્યાં ફરવાની બહુ મજા આવે છે, પણ ઘરનું ખાવાનું મિસ કરી રહી છે.
આપણને બધાને અનુભવ છે કે થોડાક દિવસો માટે ફરવા જઈએ તો બહારનું ખાવાનું ખાઈ-ખાઈને કંટાળી જઈએ અને છેલ્લે એમ થાય કે હવે તો ઘરનાં રોટલી-શાક-દાળ-ભાત મળે તો બહુ સારું.
આપણે ફાઇનૅન્સની વાત કરતાં-કરતાં ભોજનની વાત પર ક્યાં આવી ગયા એવું તમે પૂછો એ પહેલાં જ તમને કહી દઉં કે લોકો ઘણી વાર બહારના વખણાતા ખાદ્ય પદાર્થો પસંદ કરે છે, એવી જ રીતે ફાઇનૅન્સમાં પણ જે વસ્તુ પ્રખ્યાત હોય એના તરફ આકર્ષિત થતા હોય છે. દાખલા તરીકે આજકાલ કેટલાય લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા તરફ દોડી ગયા છે. આજની તારીખે બજારમાં અનેક પ્રકારની નવી નાણાકીય પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. લોકો એકબીજાની દેખાદેખીએ રોકાણ કરતા હોય છે.
જ્યાં પણ ઊંચું વળતર મળતું દેખાય ત્યાં લોકો રોકાણ કરવા પડાપડી કરવા લાગે છે.
આપણે રોકાણમાં ફૅશનેબલ બની ગયેલી પ્રોડક્ટ તરફ દોટ મૂકીએ છીએ ત્યારે વાસ્તવમાં એ મૂળ મુદ્દો ભૂલી જઈએ છીએ કે આખરે તો બજારમાં ૪ જ ઍસેટ ક્લાસ હોય છે. એ છે ઇક્વિટી, ડેટ, રિયલ એસ્ટેટ અને બુલિયન. રોકાણ બાબતે ફરી વાર નોંધવું રહ્યું કે જ્યારે-જ્યારે આપણી જરૂરિયાતો મુજબ અને ઉદ્દેશોને અનુરૂપ રોકાણ કરવામાં આવે છે ત્યારે જ એ રાહત આપનારું હોય છે. એમાં વળતરની સાથે-સાથે માનસિક શાંતિ મળે છે અને ચિંતા ઓછી રહે છે.
રોકાણ જ્યારે નાણાકીય લક્ષ્યોના આધારે કરવામાં આવે છે ત્યારે એમાં વચ્ચે આવતા ઉતાર-ચડાવ લાંબા ગાળે કોઈ સમસ્યા સર્જતા નથી. રોકાણ કયા સમયે કર્યું એ પણ એ વખતે ગૌણ બાબત હોય છે. લક્ષ્યો જ્યારે સ્પષ્ટ હોય ત્યારે આપણે એવી જ પ્રોડક્ટ્સમાં રોકાણ કરીએ છીએ જે સમયે-સમયે પરખાઈ ગઈ હોય અને સારી સાબિત થઈ હોય.
મને અહીં ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મનો પ્રખ્યાત સંવાદ યાદ આવે છે. એ ફિલ્મમાં મુખ્ય પાત્ર રણબીર કપૂર એક તબક્કે કહે છે, ‘લાઇફ મેં થોડા બહુત કીમા પાવ, ટંગડી કબાબ ઔર હક્કા નૂડલ ભી હોના ચાહિએ ના?’ પછીથી જ્યારે જીવનમાં સ્થિર થવાનું મહત્ત્વ તેને સમજાઈ જાય છે ત્યારે તે કહે છે, ‘શાદી ઇઝ દાલ ચાવલ ફોર 50
સાલ ટિલ યુ ડાઇ.’ આ જ રીતે ફાઇનૅન્સ-જગતમાં હાલ જે હિટ ફ્લેવર છે એ કાયમ હિટ રહેતી નથી. રોકાણો હંમેશાં ટ્રેન્ડમાં રહીને નહીં પણ પોતાનાં લક્ષ્યોના આધારે કરવાનાં હોય છે.