✕

હું જીવનમાં ખરેખર શું કરવા માગું છું? એવો સવાલ તમને સતત સતાવે છે?

16 November, 2026 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરીઅર, પૈસા, સંબંધો અને સોશ્યલ મીડિયાની સરખામણી વચ્ચે હું જીવનમાં ખરેખર શું કરવા માગું છું? એવો સવાલ તમને સતત સતાવે છે?

પ્રતીકાત્મક તસવીર

આ મૂંઝવણને સમજવા અને સુલઝાવવા માટે ૯૦ દિવસમાં મનોમંથન કરીને એને કાગળ પર ઉતારવાની ખાસ રીત થકી આત્મસુધાર કરીને પર્સનલ લાઇફનું રીસેટ બટન દબાવવું શક્ય છે

૨૦થી ૩૦ વર્ષની વયે કરીઅરની શરૂઆતમાં જ દિશા ખોવાઈ ગઈ છે એવું લાગતું હોય તો અજમાવો બ્લૅક નોટબુક રૂલ

વીસથી ૩૦ વર્ષની ઉંમર જીવનનો એવો તબક્કો છે જેમાં વ્યક્તિ પાસેથી સૌથી વધુ નિર્ણયો લેવાની અપેક્ષા રાખવામાં આવે છે. સ્ટડી પૂરી થાય છે, નોકરી શોધવાની હોય છે, કમાણી શરૂ કરવાની હોય છે, કરીઅર બનાવવાની હોય છે, સંબંધો અને લગ્ન વિશે વિચારવાનું હોય છે. થોડાં વર્ષોમાં પોતાનું ઘર, કાર કે ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટી મેળવવાની પણ અપેક્ષાઓ ઊભી થઈ જાય છે. બહારથી આ બધું સંભાવનાઓથી ભરેલું લાગે છે, પણ અંદરથી ઘણી વખત એક જ સવાલ ચાલતો હોય છે કે મારે ખરેખર કરવું શું છે?

૨૭ વર્ષની યુવતીને સારી નોકરી અને યોગ્ય પગાર મળે છે, પરંતુ તેને લાગે છે કે તે જે કામ કરી રહી છે એમાં તેનું ભવિષ્ય નથી. ૨૯ વર્ષનો યુવાન બિઝનેસ શરૂ કરવા માગે છે, પરંતુ સ્થિર નોકરી છોડવાનો ડર છે. બીજી તરફ કોઈને ખબર જ નથી કે તેને કયા ફીલ્ડમાં જવું છે. આ તમામ પરિસ્થિતિમાં એક વાત સામાન્ય છે ઃ વ્યક્તિ પાસે વિકલ્પો ઘણા છે, પણ દિશા સ્પષ્ટ નથી. આવી સ્થિતિને સામાન્ય ભાષામાં ક્વૉર્ટર લાઇફ ક્રાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ મૂંઝવણમાં પ્રશ્ન એ નથી હોતો કે મારી પાસે શું નથી? પણ મારે ખરેખર શું જોઈએ છે એ હોય છે. આ સવાલનો જવાબ શોધવા હાલમાં સોશ્યલ મીડિયા પર ‘બ્લૅક નોટબુક રૂલ’ નામનો ટ્રેન્ડ ચર્ચામાં છે. આ કન્સેપ્ટ શું છે અને કેવી રીતે પોતાની લાઇફમાં અમલમાં લાવી શકાય એ વિશે સાંતાક્રુઝનાં જાણીતાં લાઇફ-કોચ શીતલ જૈન પાસેથી જાણીએ.

સેલ્ફ-રિફ્લેક્શનનો વાઇરલ ટ્રેન્ડ
‘બ્લૅક નોટબુક રૂલ’ મૂળભૂત રીતે જર્નલિંગ, સેલ્ફ-રિફ્લેક્શન અને ગોલ-સેટિંગને જોડતો સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટ ટ્રેન્ડ છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા ટ્રેન્ડને ડીકોડ કરતાં અનુભવી લાઇફ-કોચ શીતલ જૈન કહે છે, ‘સૌથી પહેલાં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ‘બ્લૅક નોટબુક રૂલ’ કોઈ પ્રમાણિત સાઇકોલૉજિકલ પદ્ધતિ નથી કે ન તો એવી કોઈ નોટબુક છે જે જીવનની સમસ્યાઓનો સીધો ઉકેલ આપી દે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો આ ટ્રેન્ડ પોતાની લાઇફનું સેલ્ફ-અસેસમેન્ટ કરવામાં મદદ કરે છે. એટલે એની ઉપયોગિતા નોટબુકના રંગમાં નહીં પણ વ્યક્તિ પોતાને કેટલા પ્રામાણિક સવાલો પૂછે છે અને એના આધારે શું પગલાં લે છે એમાં છે.’

સમસ્યા કરીઅરની નહીં, ક્લૅરિટીની

૨૦-૩૦ વર્ષની ઉંમરમાં ઘણી વખત વ્યક્તિને લાગે છે કે તેને કરીઅર ચેન્જ કરવી જોઈએ, પણ દરેક વખતે સમસ્યા કરીઅરમાં હોય એવું જરૂરી નથી એમ સમજાવતાં શીતલ કહે છે, ‘ધારો કે ૨૬ વર્ષનો રાહુલ એક કંપનીમાં કામ કરે છે. તેને કામ ખરાબ નથી લાગતું, પરંતુ પગાર વધતો નથી. લિંક્ડઇન પર પોતાના કૉલેજ-ફ્રેન્ડને નવી કંપનીમાં સારું પૅકેજ મળ્યાની પોસ્ટ જોયા પછી તેને એવું લાગે છે કે તેની કરીઅર અટકી ગઈ છે, પણ જ્યારે તે પોતાની સ્થિતિ કાગળ પર લખે છે ત્યારે તેને સમજાય છે કે તેને પોતાના ફીલ્ડની નહીં, ગ્રોથ અને સૅલરીની સમસ્યા છે. એનો ઉકેલ કરીઅર બદલવામાં નથી, નવી સ્કિલ શીખીને બીજી નોકરી શોધવાનું હોઈ શકે છે. આ જ કારણથી ક્લૅરિટી મેળવવા માટે પહેલો સવાલ ‘મારે શું કરવું છે?’ એ નહીં પણ ‘મારી હાલની સમસ્યા ખરેખર શું છે?’ એ હોવો જોઈએ. એક નોટબુકમાં ‘મને મારી લાઇફથી શું સમસ્યાઓ છે?’ લખો અને નીચે અલગ-અલગ મુદ્દાઓ લખો; જેમ કે કરીઅર, ફાઇનૅન્સ, પોતાની ટેવ, હેલ્થ, રિલેશનશિપ્સ વગેરે. ઘણી વખત જે સમસ્યા લાગે છે એ હકીકતમાં એક જ ક્ષેત્ર સાથે જોડાયેલી હોઈ શકે છે.’

સોશ્યલ મીડિયાથી કન્ફ્યુઝન
યંગ એજમાં સોશ્યલ મીડિયા અલગ જ પ્રકારની ચૅલેન્જ ઊભી કરે છે એમ જણાવતાં શીતલ કહે છે, ‘બીજી વ્યક્તિની સારી લાઇફ જોઈને પોતાનું જીવન ગમે એટલું સારું હોય તો પણ અધૂરું જ લાગવા લાગે છે. સોશ્યલ મીડિયા પર સફળતા દેખાય છે પણ એની પાછળનો સંઘર્ષ, નિષ્ફળતા, લોન, તનાવ કે અનિશ્ચિતતા સામાન્ય રીતે દેખાતાં નથી. તેથી પોતાની આખી જિંદગીની સરખામણી બીજાની કેટલીક પોસ્ટ સાથે કરવી યોગ્ય માપદંડ નથી. આવી સ્થિતિમાં નોટબુકમાં એક સરળ સવાલ લખી શકાય ઃ  જો સોશ્યલ મીડિયા પર મને કોઈ બીજાનું જીવન દેખાતું જ ન હોત તો હું મારા જીવનમાં અત્યારે શું બદલવા માગત? આ સવાલ વ્યક્તિની પોતાની ઇચ્છા અને બહારથી ઊભી થયેલી અપેક્ષા વચ્ચેનો તફાવત સમજવામાં મદદ કરી શકે છે.’

૯૦ દિવસનું ફ્રેમવર્ક

પહેલા ૩૦ દિવસ જીવનનું સેલ્ફ-ઑડિટ : બ્લૅક નોટબુકના વાઇરલ થયેલા ટ્રેન્ડમાં ૯૦ દિવસની પ્રક્રિયાની વાત થાય છે. એને કોઈ વૈજ્ઞાનિક રીતે નક્કી થયેલો સમયગાળો માનવાને બદલે એક પ્રૅક્ટિકલ ફ્રેમવર્ક તરીકે જોવી જોઈએ એમ જણાવતાં શીતલ કહે છે, ‘પહેલા ૩૦ દિવસમાં કોઈ મોટો ફેરફાર કરવાને બદલે પોતાની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરો. એમાં પણ દરરોજ પાંચથી ૧૦ મિનિટ કાઢીને નોટબુકમાં પૉઇન્ટ્સ નોટ-ડાઉન કરો કે આજે સૌથી વધુ સમય ક્યાં વેડફાયો, કઈ બાબતોથી સ્ટ્રેસ ફીલ થયું, કઈ બાબત સારી છે અને કઈ ટેવ વારંવાર કામ અને લાઇફ-ફ્લોને ડિસ્ટર્બ કરે છે. જો કોઈ વ્યક્તિ નક્કી કરે છે કે મારે નવી સ્કિલ શીખવી છે પણ આખો દિવસ કામ પછી ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ પર સમય પસાર કરે છે તો તે સતત ૭ દિવસ પોતાની દિનચર્યા લખે, તેને સમજાશે કે સમસ્યા મોટિવેશનની નહીં પણ સમયના ઉપયોગની છે. આવી સમજણ પછી ઉકેલ વધુ સ્પષ્ટ બને છે.’

આખું જીવન નહીં, એક બાબત બદલો : સમસ્યાની ક્લૅરિટી મળ્યા પછી બીજી ભૂલ એ થાય છે કે વ્યક્તિ એકસાથે બધું બદલવા લાગે છે. રૂલના બીજા તબક્કા વિશે જણાવતાં શીતલ કહે છે, ‘સવારે પાંચ વાગ્યે ઊઠવું, જિમ, ડાયટ, વાંચન, નવી સ્કિલ શીખવી, નવી નોકરી શોધવી, સોશ્યલ મીડિયા ડીટૉક્સ બધું જ એકસાથે શરૂ થાય છે અને આ કારણે થોડા દિવસ પછી રૂટીન તૂટી જાય છે. વ્યક્તિ એમ માને છે કે તે ડિસિપ્લિન જાળવી શકતી નથી; પણ હકીકતમાં સમસ્યા ડિસિપ્લિનની નહીં, જરૂર કરતાં વધારે ગોલ્સ સેટ કરી નાખ્યા હોવાની છે. શરૂઆતમાં ફક્ત પાંચથી ૧૦ મિનિટ ફાળવીને આદત બદલી શકાય, કોઈ નવી સ્કિલ શીખી શકાય છે. મોટી શરૂઆત કરીને થોડા દિવસમાં છોડી દેવા કરતાં નાની ટેવ લાંબા સમય સુધી જાળવવી વધારે પ્રૅક્ટિકલ છે.’
વિચારમાંથી ઍક્શન તરફ : ક્લૅરિટી માત્ર લખવાથી આવતી નથી. ઘણી વખત આપણે મહિનાઓ સુધી વિચારી શકીએ છીએ કે ‘મારે કયા ફીલ્ડમાં જવું જોઈએ?’ પણ જ્યાં સુધી કોઈ નાનું પગલું લઈએ નહીં ત્યાં સુધી જવાબ મળતો નથી. આ વાતને ઉદાહરણ સાથે સમજાવતાં શીતલ કહે છે, ‘દિશા ઘણી વખત ફક્ત વિચારવાથી નહીં પણ પ્રયાસો કરવાથી સ્પષ્ટ થાય છે અને આ બ્લૅક નોટબુક રૂલ આપણને એ જ શીખવે છે. નોટબુકમાં માત્ર ‘મારું પાંચ વર્ષનું લક્ષ્ય શું છે?’ એ લખવાને બદલે ‘આ અઠવાડિયે હું કયું એક પગલું લઈ શકું?’ એ લખીને એના પર ઍક્શન લો.’
પોતાની જાત સાથે ઈમાનદાર થવું સૌથી મુશ્કેલ : જીવનની સમસ્યાઓ અને એને લગતા ઉકેલ ફક્ત નોટબુકમાં લખવાથી આપમેળે સૉલ્વ નથી થવાના. પોતાની ભૂમિકા સ્વીકારવાની તૈયારી પણ હોવી જરૂરી છે એ વાત સ્પષ્ટ કરતાં શીતલ કહે છે, ‘ક્યારેક આપણે કહીએ છીએ કે સમય નથી મળતો, પણ રોજ બે કલાક ફોન પર પસાર કરીએ જ છીએ. ક્યારેક કહીએ છીએ કે પૈસા બચતા નથી, પણ ખર્ચનો હિસાબ જ રાખતા નથી. ક્યારેક કહીએ છીએ કે કરીઅરમાં ગ્રોથ નથી, પણ નવી સ્કિલ શીખવા માટે સમય ફાળવતા નથી. આનો અર્થ એ નથી કે દરેક સમસ્યા માટે વ્યક્તિ જ જવાબદાર છે. આર્થિક સ્થિતિ, પરિવાર, નોકરીનું વાતાવરણ અને અન્ય પરિબળો પણ મહત્ત્વનાં છે; પણ જે બાબતો આપણા નિયંત્રણમાં છે એની જવાબદારી આપણે સ્વીકારવી જરૂરી છે. બ્લૅક નોટબુકનો સારો ઉપયોગ અહીં થઈ શકે છે... દોષ શોધવા માટે નહીં પણ નિયંત્રણમાં રહેલી બાબતો ઓળખવા માટે.’

દરરોજ પાંચ મિનિટની સેલ્ફ-ટૉક : બ્લૅક નોટબુકનો રૂલ કોઈ ચુસ્ત નિયમોને આધીન નથી, પણ દરરોજ રાત્રે સૂતાં પહેલાં પાંચ મિનિટ કાઢીને ત્રણ બાબતો લખવાની હૅબિટ તમારી લાઇફમાં ક્લૅરિટી લાવી શકે છે ઃ આજે શું સારું થયું? આજે કઈ ભૂલ થઈ? અને આવતી કાલે કઈ એક બાબતમાં સુધારો કરવો છે? આ બાબતો એક અઠવાડિયા સુધી નોટ-ડાઉન કરો અને પછી એનું ઍનૅલિસિસ કરો કે એક જ સમસ્યા વારંવાર લખાઈ રહી હોય તો એ જ મૂળ સમસ્યા છે જેના પર કામ કરવાની જરૂર છે. મનમાં ચાલતા ૧૦ વિચારો કાગળ પર લખ્યા પછી ઘણી વખત સમજાય છે કે એમાંના બે જ ખરેખર મહત્ત્વના છે અને બાકીના માત્ર ચિંતા અથવા કમ્પૅરિઝનનાં પરિણામ છે. દરેક વ્યક્તિએ ૨૫ વર્ષની ઉંમરે જીવનનો આખો પ્લાન તૈયાર રાખવો જરૂરી નથી. કોઈની દિશા બાવીસ વર્ષે સ્પષ્ટ થાય છે, કોઈની ૨૮ વર્ષે અને કોઈ વ્યક્તિ ૩૦ પછી પણ ક્ષેત્ર બદલે છે. મુખ્ય બાબત એ છે કે બીજાની ટાઇમલાઇનને પોતાની જિંદગીનો માપદંડ ન બનાવવામાં જ ભલાઈ છે. થોડો સમય બહારના શોરથી દૂર રહીને પોતાની સ્થિતિને જોવી, સમસ્યાને નાના ભાગમાં વહેંચવી અને પછી એક નાનું વાસ્તવિક પગલું લેવું; આ પ્રક્રિયા ક્લૅરિટી મેળવવા માટે વધુ ઉપયોગી બની શકે છે. કદાચ એક નોટબુક તમારી જિંદગી નહીં બદલે, પરંતુ એમાં લખેલા સાચા સવાલો તમને એ સમજવામાં મદદ કરી શકે છે કે તમારે ખરેખર શું બદલવું છે અને શું માત્ર બીજાને જોઈને બદલવાનું મન થાય છે.’

columnists lifestyle news life and style mental health