વિદ્યાર્થીઓને ફાઇનૅન્શિયલ લિટરસી લાઇફ-સ્કિલ તરીકે શીખવવી જોઈએ

22 May, 2026 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાની ઉંમરથી જ મની મૅનેજમેન્ટ, બજેટ બનાવવું, ખર્ચ પર નિયંત્રણ રાખવું, સેવિંગ્સ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ જેવા પાયાના આર્થિક સિદ્ધાંતો શીખવવામાં આવે તો વિદ્યાર્થીઓમાં અદ્ભુત શિસ્ત અને જવાબદારીની ભાવના વિકસે છે

પ્રિયા દ્વારકાદાસ મુંબઈની જાણીતી શૈક્ષણિક સંસ્થા ધ મૉડર્ન હાઈ સ્કૂલનાં વર્તમાન ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યાં છે. આ સાથે તેઓ કાનૂની ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતાં પ્રતિષ્ઠિત ઍડ્વોકેટ અને સૉલિસિટર છે.

ટેક્નૉલૉજીસભર વિશ્વમાં ફાઇનૅન્શિયલ લિટરસી માત્ર વિષય જ નથી, વિદ્યાર્થીઓ માટે મૂલ્યવાન લાઇફ-સ્કિલ અને સમયની ડિમાન્ડ છે. કમનસીબી એ છે કે આપણા પરંપરાગત શિક્ષણના અભ્યાસક્રમમાં આજે પણ આ સૌથી વધુ અવગણાયેલો વિષય રહ્યો છે. આપણે બાળકોને ઊંચી ડિગ્રીઓ મેળવતાં તો શીખવીએ છીએ, પણ કમાયેલા પૈસાનું યોગ્ય વ્યવસ્થાપન કેવી રીતે કરવું એ શીખવવાનું ચૂકી જઈએ છીએ.

નાની ઉંમરથી જ મની મૅનેજમેન્ટ, બજેટ બનાવવું, ખર્ચ પર નિયંત્રણ રાખવું, સેવિંગ્સ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ જેવા પાયાના આર્થિક સિદ્ધાંતો શીખવવામાં આવે તો વિદ્યાર્થીઓમાં અદ્ભુત શિસ્ત અને જવાબદારીની ભાવના વિકસે છે. જે યુવાનો વ્યાજ, ઇન્ફ્લેશન અને સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટની સમજ વહેલી તકે મેળવી લે છે તેઓ શિક્ષણ પૂરું કરીને જ્યારે વ્યાવહારિક દુનિયામાં પગ મૂકે છે ત્યારે વધુ સજ્જ હોય છે. તેઓ કોઈ પણ આર્થિક દબાણ વગર ગણતરીપૂર્વકના અને સ્વતંત્ર નિર્ણયો લેવા સક્ષમ બને છે.

ડિજિટલ યુગમાં ઑનલાઇન બૅન્કિંગ અને UPI પેમેન્ટ્સ ચપટી વગાડતાં થાય છે ત્યાં સાઇબર ફ્રૉડ અને ઑનલાઇન સ્કૅમનું જોખમ પણ એટલું જ વધ્યું છે. આવા સમયમાં આર્થિક છેતરપિંડીથી બચવા અને કમાણીનો દુરુપયોગ રોકવા માટે નાણાકીય જ્ઞાન એક મજબૂત કવચ સમાન સાબિત થાય છે. આ જ્ઞાન નવી પેઢીને માત્ર આર્થિક સુરક્ષા નથી આપતું, તેમના આત્મવિશ્વાસમાં પણ મોટો વધારો કરે છે.

આજની તાતી જરૂરિયાત એ છે કે સ્કૂલો અને કૉલેજોમાં ફાઇનૅન્શિયલ લિટરસીને અભ્યાસક્રમનો અનિવાર્ય હિસ્સો બનાવવામાં આવે. માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવાને બદલે વ્યાવહારિક વર્કશૉપ્સ, રિયલ-લાઇફ કેસ-સ્ટડીઝ અને વિષયના નિષ્ણાતોનાં લેક્ચર્સ ગોઠવવાં જોઈએ. આ સાથે જ માતા-પિતાએ પણ પોતાના રોજિંદા જીવનમાં બાળકોને નાના-મોટા આર્થિક નિર્ણયો અને નાણાવ્યવસ્થાની પ્રક્રિયામાં રસપૂર્વક સામેલ કરવાં જોઈએ.

નાણાકીય સાક્ષરતા એક સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્યની સોનેરી ચાવી છે. આજના આર્થિક રીતે જાગૃત અને સાક્ષર વિદ્યાર્થીઓ જ આવતી કાલે સ્થિર અને આત્મનિર્ભર નાગરિકો બનશે, જે આખરે તેમના પરિવારની સાથે દેશના સમગ્ર અર્થતંત્રને એક નવી ઊંચાઈએ લઈ જશે.

ગ્લોબલ માર્કેટમાં ક્રેડિટ કાર્ડ કલ્ચર અને બાય નાઓ, પે લેટર જેવી લોભામણી સ્કીમ્સ યુવા પેઢીને દેવાના ટ્રૅપમાં સરળતાથી ફસાવી દે છે. વહેલી ઉંમરે મળેલું નાણાકીય શિક્ષણ વિદ્યાર્થીઓને ગુડ ડેટ અને બૅડ ડેટ વચ્ચેનો ભેદ સમજાવે છે, જેથી તેઓ ક્રેડિટ સ્કોરનું મહત્ત્વ સમજીને નાની ઉંમરથી જ દેવાના બોજથી મુક્ત રહી શકે. આ જ્ઞાન તેમને ટૅક્સ-પ્લાનિંગ અને ઇન્શ્યૉરન્સ જેવા જટિલ વિષયો પ્રત્યે પણ જાગૃત કરે છે. આર્થિક આયોજનની આ સમજથી અંતે યુવાનોમાં માત્ર પૈસા બચાવવાની જ નહીં, રોજગારદાતા બનીને આર્થિક સામ્રાજ્ય ઊભું કરવાની ઉદ્યોગ-સાહસિકતા પણ ખીલે છે.

tech news technology news columnists exclusive gujarati mid day