યાદ રહે, આપણું અસાઇનમેન્ટ કૅરિકેચર બનાવવાનું નથી

28 August, 2026 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રથમ નજરે કોઈ વ્યક્તિ વિશે બાંધેલો મત ઘણી વાર કૅરિકેચર જેવો અધૂરો હોય છે. વ્યક્તિને સાચી રીતે ઓળખવા માટે સમય અને ધીરજ જરૂરી છે, કારણ કે સંબંધોની વાસ્તવિકતા ઉતાવળા અભિપ્રાયોથી નહીં, સમજણથી સમજાય છે.

યાદ રહે, આપણું અસાઇનમેન્ટ કૅરિકેચર બનાવવાનું નથી

હમણાં એક ગેટ-ટુગેધરમાં જવાનું થયું. ઉપસ્થિત સભ્યો માટે એક નાનુંએવું સરપ્રાઇઝ પણ આયોજકોએ રાખ્યું હતું. તેમણે એક આર્ટિસ્ટ (કલાકાર)ને બોલાવેલા. માઇક પરથી જાહેરાત થઈ કે તે કલાકાર દરેકનું ચિત્ર બનાવશે. દરેક સભ્યને નંબરવાળી કૂપન આપવામાં આવી. પછી વારાફરતી ક્રમવાર કૂપન-નંબર બોલાય તે વ્યક્તિ કલાકારની સામે બેસે અને કલાકાર સફેદ કાગળ પર કાળા રંગથી તે વ્યક્તિનો ચહેરો ચીતરે. કેટલાક સભ્યો આને ફોટો પણ કહેતા હતા. બે-ચાર વ્યક્તિનો વારો આવી ગયો અને તેઓ કલાકારે બનાવેલું ચિત્ર લઈને પાછી ફરે ત્યારે આજુબાજુ બેઠેલા સભ્યો એ જોવાની ઉત્સુકતા દેખાડે, પણ પેલી દરેક વ્યક્તિને પોતાના ચિત્રથી સંતોષ હોય એમ નહોતું લાગતું કારણ કે દરેક વ્યક્તિ દેખાતી હતી એના કરતાં દસેક વર્ષ મોટી એ ચિત્રમાં લાગતી હતી. એક બહેને નોંધ્યું કે દરેકના ચહેરામાં ગાલ બેસાડી દેવાયા હતા. એક ગોળમટોળ ચહેરાવાળાં બહેનના ચહેરાને પણ એ રીતે દાઢી પાસેથી સાંકડો કરી દેવાયો હતો. એટલે તે પણ પોતાની જ મોટી બહેન હોય એવાં દેખાતાં હતાં! 
એક બહેને કલાકારને કહ્યું, ‘કલાકાર ભાઈ, તમે બધાના ગાલ બેસાડી દો છો. એના કરતાં થોડા ભરેલા દેખાવા દોને!’ 
તે કલાકારે જવાબ આપ્યો, ‘મૅડમ, યે કૅરિકેચર હૈ, સ્કેચ નહીં હૈ.’ 
કૅરિકેચર માટે ગુજરાતીમાં વ્યંગચિત્ર કે ઠઠ્ઠાચિત્ર જેવો શબ્દ વપરાય છે. એમાં કલાકાર વ્યક્તિના ચહેરાના કોઈ પણ ભાગને વધુ મોટો કે વધુ નાનો બનાવીને એને જોતાં જ હસવું આવી જાય એવો ફની બનાવે છે, જ્યારે સ્કેચ એ રેખાચિત્ર છે જેમાં રેખાઓ દ્વારા વાસ્તવિકતાને ઉપસાવાય છે.
કલાકારે પોતાની વાત પૂરી કરતાં કહ્યું, ‘ઔર મુઝે યહાં કૅરિકેચર બનાને કા અસાઇનમેન્ટ દિયા ગયા હૈ ઇસ લિએ બારહ-પંદ્રહ મિનિટ મેં હો જાતા હૈ, સ્કેચ બનાને બૈઠું તો એક બનાને મેં ૪૫ મિનિટ લગે!’ 
કલાકાર સાથેના આ સંવાદ વિશે જાણ્યા બાદ મનમાં એક સમીકરણ ઊઘડ્યું. આપણે ઘણી વાર કોઈ વ્યક્તિ કે ઘટના વિશે ઉતાવળમાં અભિપ્રાય બાંધી લઈએ છીએ. તે પણ કદાચ કૅરિકેચર ઘરાનાની હોઈ શકે. એક વ્યક્તિ આમ બોલી કે કોઈ ઘટના આમ ઘટી તો એના વિશે તરત અભિપ્રાય બાંધી લેવાય છે. ત્યારે ઉતાવળમાં બંધાયેલો એ અભિપ્રાય કે આપણા મનમાં ઝિલાયેલી એ છબિ ખરેખર વાસ્તવિકતાને ક્યાંકથી થોડી દબાવેલી કે ક્યાંકથી થોડી ખેંચી કાઢેલી છબિ ન હોઈ શકે? આપણે જાતને સવાલ પૂછીએ અને થોડા ખાંખાંખોળા કરીએ તો એવા એકાદ–બે કે એથી વધુ પ્રસંગો જરૂર મળી આવશે કે કોઈ વ્યક્તિની આપણા મનમાં ઝિલાયેલી છબિ કે તેના વિશેની માન્યતા વિશે આપણે પાછળથી અફસોસ અનુભવ્યો હોય. કેટલીક વાર તો આ વ્યક્તિઓ સાથે ઘનિષ્ઠતા કેળવાય તો આપણે તેને કહીએ પણ ખરા કે યાર, તમે પહેલી વાર મળ્યા ત્યારે તો મને લાગેલું કે તમે બહુ અભિમાની છો કે અતડા છો. કદાચ આવું તમારી સાથે બન્યું પણ હશે? કોઈ પણ વ્યક્તિ વિશે થોડા સમયમાં બાંધેલો મત એ કૅરિકેચર જેવો હોઈ શકે, જ્યારે વ્યક્તિને લાંબો સમય સુધી ઓળખ્યા બાદ બંધાતો તેના વિશેનો અભિપ્રાય સ્કેચની કક્ષામાં આવે. એમાં સમય લાગે છે પણ એ વાસ્તવિકતાનું નિકટતાથી પ્રતિબિંબ ઝિલાય છે.
કેટલીક વ્યક્તિઓ કોઈને પ્રથમ વાર મળે એટલે તરત તેના વિશે સારો કે ખરાબ મત આપવા લાગે છે, પરંતુ પરિપક્વતા કે સમજણ આપણને ઉતાવળે મત નહીં બાંધવાનું અને ધીરજ રાખવાનું શીખવે છે. કેટલીયે વાર એવું બને છે કે અમુક વ્યક્તિ જે આપણી સાથે અત્યંત ઘનિષ્ઠ સંબંધો ધરાવતી હોય અને જેના પર આપણે પોતાની જાત જેટલો જ ભરોસો ધરાવતા હોઈએ તે અચાનક આપણાથી અંતર રાખવા લાગી છે એવું આપણને લાગે અને આપણે તેના એ ઊખડેલા વર્તનથી દુ:ખી થઈ જઈએ, તેના વિશે જાત-જાતની શંકા કરવા લાગીએ. જોકે સમય જતાં તે વ્યક્તિ પોતે જ આવીને આપણને પોતાની પરિસ્થિતિ વિશે જણાવે અને ત્યારે આપણે પોતાની જાતને ઠપકો આપીએ કે અરે, મેં આવા સ્વજન વિશે શંકા કરી? 
હકીકત તો એ છે કે સાચા મિત્રો અને સ્વજનો નસીબથી મળે છે. તેમના વિશે ઉતાવળા અભિપ્રાયો બાંધતાં પહેલાં સો વાર જાતતપાસ કરજો. પેલા ગીતની પંક્તિઓ યાદ છેને...
દિયે જલતે હૈ, ફૂલ ખિલતે હૈ
બડી મુશ્કિલ સે મગર 
દુનિયા મેં દોસ્ત મિલતે હૈ 
આ ઉતાવળે કોઈ પણ અભિપ્રાય બાંધી લેવાની વૃત્તિ માત્ર અંગત સંબંધોમાં જ નહીં; વ્યાવસાયિક સંપર્કોમાં, જાહેર જીવનમાં, રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક, શૈક્ષણિક કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં આવાં જ પરિણામો સાથે લાગુ પડે છે. કાર્યક્રમમાં પેલા કલાકારે જેમ તેનું અસાઇનમેન્ટ યાદ રાખેલું એમ આપણે પણ યાદ રાખવાનું છે કે આપણને પણ એક અસાઇનમેન્ટ મળેલું છે : ઉતાવળે અધકચરા અભિપ્રાયો ન બાંધી લેવા. આટલું યાદ રહે તો કેટલીયે વ્યક્તિઓને સાચી રીતે ઓળખી શકાય, કેટલાય સાચા સંબંધોને તૂટતા બચાવી શકાય અને કેટલીયે ગેરસમજો ટાળી શકાય. 
મિત્રો, કેવું છે? કેટલીક સામાન્ય લાગતી બાબતોમાંથી પણ ક્યારેક કેવા ગૂઢ સંદેશા પામી શકાય છે!

columnists relationships life and style exclusive gujarati mid day