પાંચ મિનિટનો ગરબો શરૂ થાય કે પગ થિરકવા માંડે

04 June, 2023 12:46 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ શોમાં આપણો ગુજરાતી ગરબો જાન બની ગયો અને આ વાત શો સાથે જોડાયેલી એકેએક વ્યક્તિએ અને કલાકારે કરી જેની અમને ખુશી છે

‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ શોના ત્રણ અત્યંત મહત્ત્વના એવા મહારાજા ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાન અને મ્યુઝિક-ડિરેક્ટર અજય-અતુલ સાથે અમે.

અજય-અતુલે જે કમ્પોઝિશન તૈયાર કર્યું હતું એ અદ્ભુત સ્તરનું હતું. અમારે એમાં માત્ર સજેશન આપવાનાં હતાં. જો મેજર સજેશનની વાત કરીએ તો અમે એ સજેશન કર્યું કે આપણે કમ્પોઝિશનમાં છ સ્ટેપના ગરબાને ફૉલો કરવાને બદલે કંઈક નવું કરીએ, જેથી આવ્યા હોય તેઓ ગરબાના જાણકાર હોય તો પણ તેમના માટે નવું બની જાય. તેમણે તરત જ હા પાડી અને શરૂ થયું એ કામ.

આપણે વાત કરીએ છીએ આપણે ત્યાં બનેલા પહેલા બ્રૉડવે શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ના મેકિંગની અને મેકિંગ દરમ્યાનની પ્રોસેસની. તમને અગાઉ કહ્યું એમ આ શોમાં વેદ અને પુરાણથી લઈને છેક આઝાદી સુધીની વાતનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને માત્ર હિન્દુ ધર્મ જ નહીં, દેશમાં રહેલા બધા ધર્મોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અડધી મિનિટ તો અડધી મિનિટ, પણ એ ધર્મ અને એની ફિલોસૉફીને એટલી અસરકારક રીતે રજૂ કરવામાં આવી હતી કે જોનારાઓ જોતા જ રહી જાય. 

‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’માં કુલ નવ ડાન્સ છે અને આ નવમાં એક ગરબો, જે અમે કોરિયોગ્રાફ કર્યો. મ્યુઝિક અજય-અતુલનું. કહ્યું હતું એમ અજય-અતુલ રોજ શો પર આવે અને બૅન્ડ કન્ડક્ટ કરે. લાઇવ બૅન્ડમાં આપણા મ્યુઝિશ્યન અને તેમની સાથે બુડાપેસ્ટથી આવેલું બૅન્ડ અને એ મ્યુઝિકમાં માઇક્રો-સેકન્ડનો પણ ફરક ન આવે. આ વાત અમે કહીએ છીએ. જેણે અનેક વખત લાઇવ બૅન્ડ સાથે કામ કર્યું હોય તેને તો નૅચરલી અંદાજ હોય જ કે ઘણી વખત આ આખી પ્રક્રિયામાં સહેજ અમસ્તો ફરક આવતો હોય છે. ઑડિયન્સને એ ખબર ન પડે, પણ શો સાથે જોડાયેલા હોય તેમને સહેજ આઇડિયા આવી જાય. જોકે ખરું કહીએ તો ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ના લાઇવ બૅન્ડમાં એક વાર પણ એવું બન્યું નહોતું. 

ઍનીવે, શોની વાત પર ફરી આવીએ. કૉસ્ચ્યુમ ડિઝાઇન મનીષ મલ્હોત્રાની અને કુલ ૩૯ ડાન્સર, જેમાંથી ૩૪ ડાન્સર અને પાંચ પ્રોપ-ડાન્સર. પાંચ મિનિટનો આ ગરબો એવો તે સરસ બન્યો કે ખરેખર બધાની મહેનત દીપી ઊઠી. ટચવુડ. આખા શોની હાઇલાઇટ જો કોઈ હોય તો એ આ ગરબો અને આ વાત શો સાથે જોડાયેલી દરેકેદરેક વ્યક્તિ સાથે અમારા ડિરેક્ટર ફિરોઝ

અબ્બાસ ખાને પણ કરી. ગરબો શરૂ થાય એની પાંચમી સેકન્ડે જ પગ પણ તાલ આપવા માંડે અને એક મિનિટમાં તો આખું ગુજરાત જાણે લોહીમાં ઉમેરાઈ ગયું હોય એવી ફીલ આવે. અજય-અતુલ પણ કોરિયોગ્રાફી જોઈને ખુશ થઈ ગયા હતા. અમને આજે પણ તેમના શબ્દો યાદ છે...

‘ગરબાનું જે કમ્પોઝિશન તૈયાર થયું છે એને ઉપર લઈ જવાનું કામ તમારી કોરિયોગ્રાફીએ કર્યું છે...’

અમારા માટે આ બહુ મોટી વાત છે. ગરબો શરૂ થાય અને આપણા ગુજરાતીઓ કે પછી ઇન્ડિયનો નાચવા માંડે એ તો સમજી શકાય, પણ શો જોવા આવેલા ફૉરેનરો પણ નાચતા હોય. અરે, મ્યુઝિશ્યન પણ મ્યુઝિક આપતાં-આપતાં નાચવા માંડ્યા હોય. બુડાપેસ્ટથી જે બૅન્ડ આવ્યું હતું એના મ્યુઝિશ્યન તો શો પૂરો થઈ ગયા પછી રીતસર ગરબા પર નાચતા. શો સાથે જોડાયેલા અનેક લોકોએ આ ગરબાનું જે ઓરિજિનલ મ્યુઝિક હતું એ પોતાના મોબાઇલમાં લઈ રાખ્યું છે. તમે માનશો નહીં, પણ એ હકીકત છે કે ૨૩ દિવસમાં આ શોના ચોવીસ શો થયા, જે પચાસ હજારથી વધારે લોકોએ જોયો અને એ પચાસેપચાસ હજાર લોકોએ મોબાઇલ પર આ ગરબો રેકૉર્ડ કર્યો છે. આ ગરબો વૉટ્સઍપ પર પણ એવો તો વાઇરલ થયો જેની કોઈ કલ્પના સુધ્ધાં કરી શકે.

અજય-અતુલે ગરબા પર કામ શરૂ કર્યું ત્યારે તેમણે પણ અમને કહ્યું હતું કે આપણે સાથે રહીએ, જેથી ગરબાની ઑથેન્ટિસિટી અકબંધ રહે. ગરબાના લિરિક્સ તૈયાર હતા. આપણે એમાં ફોક ઍડ કરવાનું કામ કર્યું તો સાથોસાથ અમુક જે નાનાં-નાનાં પણ મહત્ત્વનાં કહેવાય એવાં મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરવાનું સજેશન આપ્યું. આમ તો તમને ખબર જ છે કે અજય-અતુલ પોતે ઇન્ડિયન ફોકના બહુ સારા જાણકાર અને તેમનું રિસર્ચ પણ એટલું જ પરફેક્ટ હોય. તેમનું બૉલીવુડ મ્યુઝિક તમે સાંભળો, મરાઠી ફિલ્મોનાં ગીતો તમે સાંભળો. તમે આફરીન થઈ જશો. 
અજય-અતુલે જે કમ્પોઝિશન તૈયાર કર્યું હતું એ અદ્ભુત સ્તરનું હતું. આપણે એમાં માત્ર સજેશન કરવાનાં હતાં. જો મેજર સજેશનની વાત કરીએ તો અમે એ સજેશન કર્યું હતું કે આપણે કમ્પોઝિશનમાં છ સ્ટેપના ગરબાને ફૉલો કરવાને બદલે કંઈક નવું કરીએ, જેથી આવ્યા હોય તેઓ ગરબાના જાણકાર હોય તો પણ તેમના માટે નવું બની જાય. તેમણે તરત જ હા પાડી અને પછી શરૂ થયું એ કામ.

‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ના ગરબાના એ કમ્પોઝિશનની અને એના માટે કોણ બેસ્ટ સિંગર રહેશે એની બહુ રસપ્રદ વાતો હજી બાકી છે, પણ સ્થળસંકોચને કારણે આપણે હવે એ વાત આવતા રવિવાર પર રાખવી પડશે.
મળીએ નેક્સ્ટ સન્ડે.

columnists