ઑફિસમાં ફ્લર્ટ કરવું હેલ્ધી કે હાનિકારક?

19 September, 2022 03:00 PM IST  |  Mumbai | Jigisha Jain

એક તરફ તેમનો આ સ્વભાવ ઑફિસના માહોલને થોડો ખુશનુમા અને હળવો રાખે છે તો બીજી તરફ ઑફિસમાં કામ કરતી સ્ત્રીઓ માટે એ ક્યારેક ગુસ્સાનું કારણ પણ બની શકે છે.

ઑફિસમાં ફ્લર્ટ કરવું હેલ્ધી કે હાનિકારક?

ફ્લર્ટિંગ તો પુરુષોના લોહીમાં હોય છે. છતાં અમુક એવા પુરુષો પણ છે જેમણે આ કળાને આત્મસાત્ કરી હોય. એક તરફ તેમનો આ સ્વભાવ ઑફિસના માહોલને થોડો ખુશનુમા અને હળવો રાખે છે તો બીજી તરફ ઑફિસમાં કામ કરતી સ્ત્રીઓ માટે એ ક્યારેક ગુસ્સાનું કારણ પણ બની શકે છે. આવા સંજોગોમાં આજની તારીખે પુરુષે જૉબ કે કરીઅરથી હાથ ધોવાનો વારો પણ આવી શકે છે

જિગીષા જૈન 
jigisha.jain@mid-day.com

(જ્યારે કોઈ સ્ત્રી ગુલાબી ડ્રેસ પહેરીને ઑફિસમાં આવી હોય ત્યારે) ઓહો!! આજે તો ઑફિસનો માહોલ એકદમ ગુલાબી થઈ ગયો છેને કંઈ! 

(પાંચ વાર ફોન ઉપાડ્યા પછી પણ જ્યારે કોઈ છોકરી કામ માટે તેના કલીગ પુરુષને ફોન કરે ત્યારે) ઓહો! મને ખબર છે કે તું મારા વગર રહી નથી શકતી. મને ખૂબ જ મિસ કરી રહી હતીને ઑફિસમાં... ચાલ, પણ હું આવી ગયો છું. બસ! હવે તું ઑર્ડર કર.

ભાઈ કહેવું પડે! આઇ એન્વી યૉર હસબન્ડ. તારા હાથનું ટિફિન ખાઈને મને લાગે છે કે કાશ! તેની જગ્યાએ હું હોત તો દરરોજ મને આટલું સારું જમવાનું મળત. 
સાંભળવામાં મજેદાર લાગતી આ કમેન્ટ્સ દરેક ઑફિસમાં સાવ સામાન્ય રીતે ચાલતી જ હોય છે, જે ક્યારેક માહોલને થોડો લાઇટ અને ફ્રેશ રાખવામાં પણ મદદ કરે છે. બધા થોડી વાર હસી લે અને મજા કરીને પોતપોતાના કામે વળગે. આમ તો દરેક પુરુષના લોહીમાં ફ્લર્ટિંગ છે એમ કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય, પરંતુ અમુક એવા કલાકારો હોય છે જેઓ એમાં પારંગત પણ હોય છે. દરેક ઑફિસમાં બે-ચાર પુરુષો એવા હોય છે જેઓ આવા હેલ્ધી કહેવાતા ફ્લર્ટિંગના સ્વામી હોય છે. ઑફિસની એક પણ છોકરીને તેમણે પોતાની આ કળા ન દેખાડી હોય એવું બનતું નથી. મોટા ભાગે ઑફિસની દરેક છોકરીને ખબર હોય છે કે આ ભાઈની આદત જ છે એટલે તે પણ દરેક વાતને મજાકમાં લેતી હોય છે, પણ ક્યારેક કોઈ સેન્સિટિવ છોકરીના હાથમાં આવા પુરુષો ચડી જાય તો પછી તેમની વલે પણ થતી હોય છે. આજે પુરુષો અને ફ્લર્ટિંગ વચ્ચેનો સંબંધ અને તેમની આ વૃત્તિ પાછળની તેમની માનસિકતાને સમજવાની કોશિશ કરીએ. 

પુરુષોના સ્વભાવમાં છે ફ્લર્ટિંગ

કેમ પુરુષો માટે ફ્લર્ટિંગ બહુ સહજ છે એ જાણીએ એ પહેલાં ફ્લર્ટિંગની પરિભાષા સમજવી પડે. સરળ શબ્દોમાં કહી શકાય કે તમને કોઈ વ્યક્તિ માટે આકર્ષણ જન્મે એને તમે બોલીને કે ઇશારાઓથી વ્યક્ત કરો એને ફ્લર્ટિંગ કહેવાય. મોટા ભાગે ફ્લર્ટિંગમાં કોઈ ગંભીરતા હોતી નથી કે ખરેખર ભવિષ્યમાં કોઈ સંબંધ બંધાય એવી અપેક્ષા પણ હોતી નથી. આજની તારીખે તો કહી શકાય કે ફ્લર્ટિંગ સ્ત્રી અને પુરુષ બંને કરે છે. જોકે પુરુષો તો સ્વભાવે જ ફ્લર્ટ હોય છે એવું આપણે માની બેઠા છીએ. શું આ સાચું છે? જો હા, તો એની પાછળનું કારણ શું? એ પ્રશ્નનો જવાબ આપતાં સાઇકોલૉજિસ્ટ અને ટ્રાન્સફૉર્મિંગ કોચ વિધિ પારેખ કહે છે, ‘જે માણસ ખુશમિજાજી હોય તે જ ફ્લર્ટિંગ કરી શકે. પુરુષોમાં રહેલાં હૅપી હૉર્મોન્સ આના માટે જવાબદાર છે. સ્ત્રીઓમાં રહેલાં હૉર્મોન્સ તેને સ્ટેબલ રહેવા દેતાં નથી. તેનું મગજ હંમેશાં ઑક્યુપાય થયેલું જ હોય. એકસાથે તે પચાસ કામ કે વિચારોમાં વ્યસ્ત હોય એટલે ફ્લર્ટિંગ સ્ત્રીઓ માટે એકદમ સહજ નથી. પુરુષોમાં એવું હોતું નથી. તે લોકો ફોકસ-ડ્રિવન હોય છે એટલે તેમને આવું બધું સૂઝતું પણ હોય. વળી કોઈ વ્યક્તિ પુરુષને આકર્ષક લાગે તો તરત જ તેને કહી દેવું એ પુરુષની સ્ટાઇલ છે. સ્ત્રીઓમાં એવું નથી હોતું. તે તરત પ્રગટ કરે નહીં. એટલે ફ્લર્ટ તો તે પણ કરતી હોય છે, પરંતુ પુરુષોની સરખામણી જેટલું નહીં.’

કેમ કરે ફ્લર્ટિંગ? 

પુરુષોની માનસિકતા સમજવા માટે સાઇકોલૉજીમાં ફ્લર્ટિંગ બાબતે આખું લિટરેચર છે જેનું અધ્યયન કરીને નૉર્ધર્ન ઇલિનોઇસ યુનિવર્સિટીના એક પ્રોફેસરે તારણ કાઢ્યું હતું કે પુરુષો મુખ્યત્વે છ કારણોસર ફ્લર્ટ કરે છે. પહેલું સેક્સ માટે. કોઈ પસંદ આવે તો ફ્લર્ટ દ્વારા સેક્સ સુધી જવાનો તેમનો ઇરાદો હોય છે. બીજું, ફક્ત ફન માટે. ખાલી બે ઘડીની ગમ્મત સમજીને ફ્લર્ટ કરતા પુરુષો ઘણા છે. ત્રીજું કારણ છે એક્પ્લોર કરવું. ફ્લર્ટ વડે પુરુષો સમજતા હોય છે કે ભવિષ્યમાં આ વ્યક્તિ સાથે કોઈ સંબંધની શક્યતા છે કે નહીં. ચોથું કારણ છે સંબંધને મજબૂત બનાવવા. ઘણા પુરુષો લગ્નજીવનને ખુશનુમા રાખવા માટે ફ્લર્ટ કરતા હોય છે. પાંચમું કારણ છે જાતને બળ આપવા માટે. ફ્લર્ટ કરતી વખતે તેમને લાગે છે કે હું હજી પણ સ્ત્રીઓમાં મારો ચાર્મ ફેલાવી શકું છું, જેનાથી તેમને અંદરથી સ્ટ્રૉન્ગ લાગતું હોય છે અને છઠ્ઠું કારણ આદતથી મજબૂર. બસ, કરવા ખાતર પણ પુરુષો ફ્લર્ટ કરતા હોય છે. 

હદનું ધ્યાન રાખવું જરૂરી

આમ તો ફ્લર્ટિંગ માટે હેલ્ધી અને હાર્મલેસ જેવા શબ્દો વપરાતા હોય છે. સ્ત્રીઓ પણ પુરુષોની આવી આદતોથી ટેવાયેલી હોય છે એટલે એ બાબતે ધ્યાન આપતી નથી અને વાતને મજાકમાં લઈને આગળ વધતી હોય છે. જોકે પુરુષ આ બાબતે કાળજી ન રાખે તો ફસાઈ પણ શકે. એ બાબતે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘ક્યારેક અમુક સ્ત્રીઓ સેન્સિટિવ હોય છે. પુરુષો ખાલી ટાઇમપાસ માટે ફ્લર્ટ કરતા હોય અને કોઈ છોકરી સિરિયસલી લઈ લે અને તેના મનમાં તે પુરુષ માટે લાગણી જન્મે એવા ઘણા કિસ્સાઓ અમને જોવા મળે છે. આ રીતે કોઈ સ્ત્રીની લાગણી સાથે રમવાની તેમની દાનત ન હોવા છતાં અંતે પરિણામ તો એ જ થાય છે. ફ્લર્ટિંગ અને બેશરમી વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. એ ભેદને સમજીને ચાલવું જરૂરી છે. આજકાલના વર્કકલ્ચર મુજબ જો તમે ભૂલમાં પણ લાઇન ક્રૉસ કરી ગયા તો નોકરી, ઇજ્જત અને કરીઅર બધું જ ગુમાવવું પડે છે. એટલે જરૂરી છે કે એ ભેદરેખાને તમે ઓળંગો નહીં. સ્ત્રીઓને પણ સમજતાં શીખો. બીજું, આજકાલ ઘણી સ્ત્રીઓ એવી છે જે આ પ્રકારનું ફ્લર્ટિંગ જેવું તમારું કોઈ વર્તન સહન કરશે નહીં અને તેમની એક ફરિયાદ તમારા માટે મોટી આફત બનીને આવે એના કરતાં પહેલેથી થોડી સાવધાની રાખવી.’ 

દરેક વર્તનને ફ્લર્ટ માની લેવાની ભૂલ ન કરવી

કિંજલ પંડ્યા

પુરુષની દરેક વાતને ફ્લર્ટ સમજવાની ભૂલ સ્ત્રીઓએ પણ ન કરવી એવી વાત કરતાં કિંજલ પંડ્યા કહે છે, ‘ઘણી વાર કોઈ પુરુષની ઉદારતા, તેનું સારું વર્તન કે તેના દ્વારા નિખાલસ રીતે કરવામાં આવતાં વખાણ કે મદદને સ્ત્રીઓ ફ્લર્ટ સમજી બેસતી હોય છે. એને લીધે નાહકની ગૂંચવણો ઊભી થાય છે. પુરુષની દરેક વાત પાછળ એક જ મતલબ હોય કે પછી બધા પુરુષો સરખા જ છે જેવા વિચારો છોડી સ્ત્રીએ પણ પુરુષને ખરી રીતે સમજવો જરૂરી છે. તેનું દરેક વર્તન ફ્લર્ટ જ છે એમ માની લેવું અતિશયોક્તિ છે.’

રિસર્ચ શું કહે છે?

ઑર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઍન્ડ હ્યુમન ડિસિઝનના રિસર્ચ મુજબ કામના સ્થળે મ​હિલાઓ કરતાં પુરુષો ફ્લર્ટ વધુ કરતા હોય છે. રિપોર્ટ મુજબ પુરુષો કામના સ્થળે પોતાના ફાયદા માટે સાથે કામ કરતી સ્ત્રીઓ સાથે ફ્લર્ટ કરતા હોય છે. ખાસ કરીને જુનિયર કૅટેગરીના પુરુષોમાં વધુ જોવા મળે છે અને તેઓ ફીમેલ બૉસ સાથે ફ્લર્ટ કરતા હોય છે. રિપોર્ટ જણાવે છે કે આ પ્રકારનું વર્તન જે પુરુષો પોતાના કામ બાબતે અસુરક્ષિતતાની ભાવના ધરાવે છે તેઓ કરે છે. કામ આજે છે અને કાલે નથી, પોઝિશન આજે છે અને કાલે નથી એ અસુરક્ષાને પહોંચી વળવા માટે સ્ત્રીઓને આ બાબતે રોષ છે એવું જાણવા છતાં તેઓ બિનજરૂરી સોશ્યલ સેકસ્યુઅલ બિહેવિયર કરે છે.

columnists Jigisha Jain