FOMOના ચક્કરમાં ક્યાંક તમારાં લાંબા ગાળાનાં સપનાં તો નથી રોળાઈ રહ્યાંને?

25 January, 2026 02:37 PM IST  |  Mumbai | Foram Shah

આ પરિસ્થિતિને સમજવા માટે બે ઉદાહરણો પર નજર કરીએ. રાજેશ અને કૃપાએ પોતાની દીકરીનાં લગ્ન માટે છેલ્લાં ૧૫ વર્ષથી પેટે પાટા બાંધીને બચત કરી હતી. તેમનો ઉછેર એવા સમાજમાં થયો છે જે સાદગીપૂર્ણ લગ્નોમાં માને છે, પરંતુ જે પરિવારમાં તેમની દીકરીનાં લગ્ન થવાનાં છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આજના આધુનિક યુગમાં માનવી એક અજીબ મનોવૈજ્ઞાનિક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે. નિષ્ણાતો આ સ્થિતિને ‘FOMO’ (Fear Of Missing Out) એટલે કે ‘કંઈક ચૂકી જવાનો ડર’ તરીકે ઓળખાવે છે. આ ડર આજે માત્ર માનસિક શાંતિ જ હણી રહ્યો નથી પણ મધ્યમ વર્ગના પર્સનલ ફાઇનૅન્સના પાયા હચમચાવી રહ્યો છે.

સામાજિક સ્ટેટસનું દબાણ અને આર્થિક ભીંસ

આ પરિસ્થિતિને સમજવા માટે બે ઉદાહરણો પર નજર કરીએ. રાજેશ અને કૃપાએ પોતાની દીકરીનાં લગ્ન માટે છેલ્લાં ૧૫ વર્ષથી પેટે પાટા બાંધીને બચત કરી હતી. તેમનો ઉછેર એવા સમાજમાં થયો છે જે સાદગીપૂર્ણ લગ્નોમાં માને છે, પરંતુ જે પરિવારમાં તેમની દીકરીનાં લગ્ન થવાનાં છે તેમની જીવનશૈલી ભપકાવાળી છે. સ્ટેટસ જાળવવાના દબાણમાં રાજેશભાઈની વર્ષોની મૂડી એક જ અઠવાડિયામાં મોંઘાં લગ્ન પાછળ ખર્ચાઈ જવાની અણી પર છે.
બીજી તરફ હર્ષનો કિસ્સો આજના યુવાનોની માનસિકતા રજૂ કરે છે. કોવિડ પછી આર્થિક મંદીને કારણે તેના પગારમાં કાપ આવ્યો હતો અને માથે વૃદ્ધ માતા-પિતાની જવાબદારી હતી. તેમ છતાં પોતાના મિત્રોને વિદેશ ફરવા જતા જોયા ત્યારે તેનાથી રહેવાયું નહીં અને તે પર્સનલ લોન લઈને વેકેશન પર ઊપડી ગયો. આ ખર્ચને લીધે તેનું આર્થિક આયોજન બગડી ગયું. 

સોશ્યલ મીડિયા : બળતામાં ઘી હોમે છે

ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવાં પ્લૅટફૉર્મ્સ આજે પ્રદર્શનનું મેદાન બની ગયાં છે. લોકો ત્યાં પોતાની ખરેખરી જિંદગી નહીં પણ ‘સજાવેલી’ જીવનશૈલીનો દેખાડો કરતા હોય છે. જ્યારે આપણે અન્યોને મોંઘી રેસ્ટોરાંમાં જમતા કે લક્ઝરી વસ્તુઓ ખરીદતા જોઈએ છીએ ત્યારે આપણને લાગવા માંડે છે કે આપણે કંઈક મોટું ગુમાવી રહ્યા છીએ. આ પીઅર પ્રેશર વ્યક્તિને એવા ખર્ચ કરવા મજબૂર કરે છે જેની તેને કદાચ જરૂર પણ નથી. ક્ષણિક આનંદ મેળવવાની લાયમાં લાંબા ગાળાનાં આર્થિક લક્ષ્યો જેવાં કે નિવૃત્તિ ભંડોળ કે સંતાનોનું શિક્ષણ જોખમમાં મુકાય છે.

બજેટિંગ : આર્થિક આઝાદીનો માર્ગ

આ ‘FOMO’ની જાળમાંથી બચવાનો એકમાત્ર રસ્તો બજેટ છે. મોટા ભાગના લોકો માને છે કે બજેટ ખર્ચ પર નિયંત્રણ રાખે છે, પરંતુ વાસ્તવમાં બજેટ તમને દિશા આપે છે. બજેટ બનાવતી વખતે જીવનશૈલીને લગતા તથા ફરવા જવા જેવા ખર્ચ માટે પણ જોગવાઈ કરી લેવી જોઈએ. એનું કારણ એ છે કે એક સમયે લક્ઝરી ગણાતી વસ્તુઓ હવે જરૂરિયાત બની ગઈ છે. જ્યારે તમે આયોજનપૂર્વક ખર્ચ કરો છો ત્યારે તમે દેખાદેખીના દબાણમાં આવતા નથી.

નિષ્કર્ષ

પૈસા ખર્ચવા એ સમસ્યા નથી પણ બીજાને પ્રભાવિત કરવા માટે ખર્ચ કરવો એ ગંભીર સમસ્યા છે. પોતાની ત્રેવડ અનુસાર જીવવું એ કાયરતા નથી, પણ સમજદારી છે. યાદ રાખો, જેટલી ચાદર હોય એટલી જ સોડ તાણવી જોઈએ. જો તમારી જીવનશૈલી તમને વધુ મહેનત કરવા પ્રેરતી હોય અને આર્થિક આયોજન બગાડતી ન હોય તો એ યોગ્ય છે, પરંતુ જો એ દેખાદેખી માટે હોય તો સાવચેત થઈ જવાની જરૂર છે.

columnists finance news gujarati mid day lifestyle news exclusive