ફ્રી ટાઇમ, બેસ્ટ ટાઇમ :આ વેકેશનમાં તમારાં બચ્ચાંઓ કેવી રીતે સમય પસાર કરવાનાં છે?

18 May, 2022 07:58 AM IST  |  Mumbai | Manoj Joshi

કોઈના નબળા ગુણ આપણામાં ન આવે એ ધ્યાન રાખવાની સાથોસાથ એ પણ જોવાનું હોય કે તેનામાં રહેલા સારા ગુણોને આપણે પ્રેમપૂર્વક સ્વીકારીએ.

પ્રતીકાત્મક તસવીર

આપણે ત્યાં અત્યારે વેકેશન ચાલે છે અને બધાના પોતપોતાના પ્લાન બનવા માંડ્યા હશે. જૂનના પહેલા વીકમાં વેકેશન ખૂલશે અને એ પછી ફરીથી સ્કૂલ શરૂ થશે. સ્કૂલ શરૂ થશે ત્યારે બાળકો વચ્ચે વેકેશનની વાતો ચાલશે અને વેકેશનની આ વાતો વચ્ચે પોતે શું કર્યું એની ચર્ચા પણ થશે. મામાને ત્યાં ગયા, ગામમાં ગયા, ધજા ચડાવવા મંદિર ગયા જેવા વિષયો પર બાળકો એકબીજા સાથે પોતાનું વેકેશન શૅર કરશે, પણ આ આપણી વાત થઈ. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જઈને જો તમે આ બચ્ચાંઓની વાતો સાંભળો તો તમને તેમના વેકેશનના શૅરિંગની વાતોમાં સાવ જુદો જ સૂર સાંભળવા મળે. આ બચ્ચાંઓમાં વેકેશનમાં ઍડ્વેન્ચર સ્પોર્ટ્સથી માંડીને નવી ડેસ્ટિનેશન એક્સપ્લોર કરવાનો ક્રેઝ છે. બહુ લાંબા સમયથી આ પ્રકારની માનસસિકતા આ બાળકોની રહી છે અને એને માટે ક્યાંક ને ક્યાંક પેરન્ટ્સની માનસિકતા પણ અસર કરતી હોય છે. એ વાત અલગ છે કે બે વર્ષના પૅન્ડેમિક દરમ્યાન આ બચ્ચાંઓએ પણ ઘરમાં ગોંધાઈ રહેવું પડ્યું હતું, પણ હવે જ્યારે વેકેશનનો લાભ મળ્યો છે ત્યારે એ વાતો નવેસરથી શરૂ થવા માંડી છે.આપણે દરેક વાતમાં, દરેક તબક્કે જ્યારે અમેરિકા અને ઑસ્ટ્રેલિયાના પેરન્ટ્સની વાતો કરીએ છીએ ત્યારે તેણે કેટલાં લગ્ન કર્યાં એની જ ચર્ચા કરીએ છીએ અને એ ચર્ચા પછી આપણે તેમની સંસ્કૃતિને ઉતારી પાડવાનું કામ હસતાં-હસતાં કરીએ છીએ, પણ કોઈની નબળી બાજુને હંમેશાં આગળ ધરીને આપણી જાતને સલામત રાખવાની નીતિ ખરાબ છે. કોઈના નબળા ગુણ આપણામાં ન આવે એ ધ્યાન રાખવાની સાથોસાથ એ પણ જોવાનું હોય કે તેનામાં રહેલા સારા ગુણોને આપણે પ્રેમપૂર્વક સ્વીકારીએ.
વાત વેકેશનની છે અને અમેરિકન પેરન્ટ્સ તેનાં બાળકોને વેકેશન દરમ્યાન ઘડતર કરવાનું કામ કરે છે. આ ઘડતર બાળકોને આજે તો કામ લાગે જ છે, પણ સાથોસાથ તેને ભવિષ્યમાં પણ એટલું જ કામ લાગે છે. અમેરિકામાં રહેતા એક વાચક સાથે હમણાં લાંબી વાત થઈ અને એ લાંબી વાતો દરમ્યાન ઘણી નવી કહેવાય એવી વાતો જાણવા મળી. એ વાચકમિત્રએ કહ્યું કે વેકેશન પછી દરેક બચ્ચાંઓ સાથે ત્યાં સરસમજાની બેઠક કરવામાં આવે છે, જેમાં પચાસ-સાઠ વર્ષના વડીલોની સાથે પંદર અને સત્તર વર્ષનાં બાળકો પણ હોય. એ બાળકોનું બુદ્ધિચાતુર્ય, ભવિષ્ય માટેની તેમની યોજના અને એ યોજનાઓની દિશામાં આગળ વધવા માટે તેમણે લીધેલાં એકેક પગલાં તમે સાંભળો તો એ તમને વિચારવંત કરી મૂકે એ પ્રકારનાં હોય છે. આની પાછળનું કારણ પણ ત્યાં ઊજવવામાં આવતા વેકેશન સાથે જોડાયેલું છે. આ બાળકો વેકેશનમાં એવી-એવી જગ્યાએ જાય છે જે જગ્યાએ આપણે જવાનું પણ વિચારતા નથી. આ બાળકો વેકેશનમાં ઇજિપ્ત જવાનું વિચારે છે અને ઇજિપ્ત જઈને તે પિરામિડ સાયન્સ પર અભ્યાસ કરવાની કોશિશ કરે છે. કેટલાંક બાળકો આપણે ત્યાં આવવાનો પ્રોગ્રામ બનાવતાં હોય છે. એ જ વાચકમિત્ર પાસેથી ખબર પડી કે એક અમેરિકન બાળકને રાજસ્થાનમાં રહેવું છે અને દોઢ મહિનો રહેવા દરમ્યાન તેણે પાણીનું મૂલ્ય સમજવાની કોશિશ કરવી છે. શરમ સાથે કહેવું પડે કે આપણને ક્યારેય એ નથી સૂઝતું કે બાળકોને ધોળાવીરા લઈ જઈએ અને ત્યાંની સંસ્કૃતિથી વાકેફ કરીએ. આપણે આજે પણ મામાના ઘરે જવામાં કે ગામમાં ચડતી ધજાના કાર્યક્રમમાં જઈને વેકેશનનો દુરુપયોગ કરવામાં માહેર છીએ.

columnists manoj joshi