જાહેરમાં મિત્રો તરીકે ફરતા રાજ કપૂર અને દિલીપકુમારના દિલોદિમાગમાં મૈત્રી અને ઈર્ષ્યાનું વહેણ એકસાથે વહેતું હતુ

12 June, 2022 02:21 PM IST  |  Mumbai | Rajani Mehta

‘જો એવું જ હોત તો ‘જ્વારભાટા’માં બહારની વ્યક્તિને નહીં, મને હીરોનો રોલ મળ્યો હોત. હું બે વર્ષથી અહીં મહેનત કરી કરીને મરી રહ્યો છું, પણ તમે મારી અવગણના કરી.’ રાજ કપૂરે બળાપો કાઢતાં કહ્યું.

હમ ભી હૈ, તુમ ભી હો, દોનો હૈ આમને સામને

ક્રિકેટની ભાષામાં એક વાક્ય પ્રચલિત છે, ‘Form is temporary, class is permenant.’ સુનીલ ગાવસકર, સચિન તેન્ડુલકર કે વિરાટ કોહલી જેવા મહાન બૅટ્સમૅન સતત અમુક સમય સુધી નિષ્ફળ જાય ત્યારે ક્રિકેટરસિકો તેમની ક્ષમતા પર શંકા કરે છે. એ સમયે અભ્યાસુ શોખીનો આ વાક્યનો હવાલો આપતા હોય છે.

રાજ કપૂર માટે પણ આ વાત સાચી હતી. ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ની બેસુમાર સફળતાએ એક વાત પુરવાર કરી હતી કે રાજ કપૂરે નિર્માતા, નિર્દેશક અને અભિનેતા તરીકે પોતાનો ‘ગોલ્ડન ટચ’ પાછો મેળવ્યો છે. નવી ફિલ્મની શરૂઆત કરતી વખતે ફરી એક વાર તેમને પોતાને ગમતી વાર્તા યાદ આવી. વર્ષો પહેલાં ‘ઘરોંદા’ નામે તેમણે એક પ્રણયત્રિકોણ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું, જેમાં નર્ગિસ અને દિલીપકુમાર સાથેની પોતાની મુખ્ય ભૂમિકા હતી. ‘અંદાઝ’ની લોકપ્રિયતા બાદ ફરી એક વાર આ કલાકારો એકસાથે આવે તો સફળતાની ગૅરન્ટી મળે એવું રાજ કપૂર માનતા હતા, પરંતુ દિલીપકુમારે ના પાડી દીધી. વર્ષો બાદ ફરી એક વાર રાજ કપૂરે દિલીપકુમારને આ ભૂમિકા માટે કહેણ મોકલ્યું, પરંતુ દિલીપકુમાર તૈયાર ન થયા.

રાજ કપૂર આ વિષય પરથી ફિલ્મ બનાવવા માટે મક્કમ હતા. તેમણે નક્કી કર્યું કે  કલરમાં એક બિગ બજેટ ફિલ્મ બનાવવી છે. તેમણે ‘સંગમ’નું પેપરવર્ક શરૂ કર્યું. પદ્‍મિનીએ  લગ્ન બાદ અભિનય કરવાનું બંધ કર્યું હતું એટલે હિરોઇન માટે તેઓ એવી અભિનેત્રીની તલાશમાં હતા જેની સાથે તેમની રોમૅન્ટિક જોડીને પ્રેક્ષકો પસંદ કરે. તેમણે વૈજયંતીમાલાને પસંદ કરી.

વર્ષો પહેલાં સરદાર ચંદુલાલ શાહની ફિલ્મ ‘બહુરૂપિયા’માં બન્ને કામ કરવાનાં હતાં. ફિલ્મનું મુહૂર્ત ધામધૂમથી થયું, પરંતુ ફિલ્મ બની જ નહીં. થોડાં વર્ષો પછી શ્રીધરની ફિલ્મ ‘નઝરાના’માં બન્નેએ કામ કર્યું. શૂટિંગ દરમ્યાન રાજ કપૂરે પોતાની આદત પ્રમાણે ‘સંગમ’ની વાર્તા વૈજયંતીમાલાને કહી અને તે ફિલ્મમાં કામ કરશે કે નહીં એ જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે ગોળ-ગોળ જવાબ આપ્યો.

ઘણા દિવસ થયા, પણ વૈજયંતીમાલા એ ભૂમિકા માટે સ્પષ્ટ હા કે ના પાડતી જ નહોતી. રાજ કપૂરે કંટાળીને તે મદ્રાસમાં શૂટિંગ કરતી હતી ત્યારે એક ટેલિગ્રામ કર્યો, જેમાં ફક્ત એટલું જ લખ્યું હતું,
‘બોલ રાધા બોલ, સંગમ હોગા 
કિ નહીં...’
રાજ કપૂરના આ કાવ્યાત્મક સવાલનો એ જ ભાષામાં તેણે જવાબ આપ્યો, ‘હોગા, હોગા, હોગા.’

આમ ‘સંગમ’માં વૈજયંતીમાલા હિરોઇન તરીકે આવી. દિલીપકુમારને બદલે રાજેન્દ્રકુમારની પસંદગી થઈ અને ‘સંગમ’નું શૂટિંગ શરૂ થયું. વૈજયંતીમાલાને પસંદ કરવા પાછળ રાજ કપૂરનો ‘બિઝનેસમૅન લાઇક અપ્રોચ’ સમજવો જરૂરી છે. એ સમયે દિલીપકુમાર અને વૈજયંતીમાલાની જોડી હિટ હતી. ‘દેવદાસ’, ‘નયા દૌર’, ‘મધુમતી’, પૈગામ’, ‘ગંગા જમુના’માં બન્નેએ સાથે કામ કર્યું હતું. એચ. એસ. રવૈલની ફિલ્મ ‘સંઘર્ષ’માં સાધના હિરોઇન હતી, પરંતુ દિલીપકુમારના આગ્રહથી વૈજયંતીમાલાને રોલ મળ્યો. રાજ કપૂર અને દિલીપકુમાર વચ્ચે મૈત્રી જરૂર હતી, પરંતુ Professional Rivalaryનો એક Undercurrent પણ વહેતો હતો. એટલે જ રાજ કપૂરે વૈજયંતીમાલા સાથે પોતાની રોમૅન્ટિક જોડી જમાવવાનો પ્રયત્ન  કર્યો, જેમાં તેઓ સફળ થયા.

રાજ કપૂર અને દિલીપકુમારની મૈત્રી નાનપણથી હતી. યુવાન થયા અને બન્ને વચ્ચે સ્પર્ધાની શરૂઆત થઈ. એમાં કશું નવું નહોતું, કારણ કે એ વંશપરંપરાગત હતું. એ કેમ અને ક્યારે થયું એ માટે બન્ને ખાનદાનના ભૂતકાળમાં જવું પડશે...

પેશાવરમાં પાડોશી તરીકે રહેતા રાજ કપૂર અને દિલીપકુમાર નાનપણમાં એકમેકને ‘લાલે’ કહીને પોકારતા. બન્નેના પિતા સમવયસ્ક નહોતા. પૃથ્વીરાજ કપૂરના પિતા અને રાજ કપૂરના દાદા વિશ્વેશ્વરનાથ અને દિલીપકુમારના પિતા ગુલામ સરવર ખાનની ઉંમર સરખી હતી. બન્ને મિત્રો હતા. શક્ય છે વિશ્વેશ્વરનાથનાં લગ્ન નાની ઉંમરે થયાં અને સરવર ખાનનાં લગ્ન મોટી ઉંમરે થયાં એટલે આ શક્ય બન્યું હોય.

બન્ને વચ્ચે સારી દોસ્તી હોવા છતાં એમાં એક પૅચ હતો. વિશ્વેશ્વરનાથને પેશાવરી બ્રાહ્મણ હોવાનો ગર્વ હતો, તો સામે ગુલામ સરવર ખાનને ખાનદાની પઠાણ હોવાનું ગુમાન હતું. બન્ને એકમેકને પૂરતું સન્માન આપતા, પરંતુ જ્યારથી પૃથ્વીરાજ કપૂર અભિનેતા બન્યા ત્યારથી સરવર ખાન તેમને મહેણાં મારતા કે તમારા પુત્રએ ખાનદાનનું નામ કાળું કર્યું છે. સમય જતાં તેઓ જાહેરમાં મજાક ઉડાડતા, ‘જુઓ એક નટનો બાપ આવે છે.’

થોડાં વર્ષ સુધી વિશ્વેશ્વરનાથે આ મહેણાં-ટોણાં સહન કર્યાં, પણ પછી બાજી પલટાઈ ગઈ. દિલીપકુમારે અભિનય કરવાનું શરૂ કર્યું, પરંતુ એ વાત તેમણે પિતાથી છાની રાખી હતી. વિશ્વેશ્વરનાથથી આ વાત અજાણી નહોતી. એક દિવસ છાપામાં ‘જ્વારભાટા’ની જાહેરાત આવી એટલે તેઓ દોડતા સરવર ખાન પાસે ગયા અને કહ્યું, ‘મને નટનો બાપ કહીને વર્ષોથી ચીડવે છે, પણ હવે હું એ નહીં ચલાવી લઉં.’

જવાબ મળ્યો, ‘તું નટનો બાપ છે એટલે તને એમ જ કહુંને?’

‘કહેવું હોય તો કહે, પણ હવે હું એકલો નહીં, તું પણ નટનો બાપ બન્યો છે એટલે તને પણ હું એમ જ કહીશ.’ વિશ્વેશ્વરનાથે ખુલાસો કર્યો.

‘હું અને નટનો બાપ? એ શક્ય જ નથી. અમારા ખાનદાની પેશાવરી પઠાણ પરિવારમાં કોઈ ક્યારેય નટ બને એ શક્ય જ નથી.’ સરવર ખાન મુસ્તાક થઈને બોલ્યા. 
‘એ હવે ભૂલી જા. તારો દીકરો યુસુફ પણ હવે મારા દીકરાની જેમ ચહેરા પર ચૂનો ચોપડીને ફિલ્મમાં અભિનય કરવાનો છે. ખોટું લાગતું હોય તો આ છાપું વાંચ.’ વિશ્વેશ્વરનાથે વિજયી અદાથી છાપું બતાવતાં કહ્યું.

છાપામાં સમાચાર હતા કે બૉમ્બે ટૉકીઝ ‘જ્વારભાટા’માં દિલીપકુમાર નામના નવા અભિનેતાને રજૂ કરે છે. સરવર ખાને કહ્યું, ‘આમાં યુસુફનું નામ ક્યાં છે?’

‘આ દિલીપકુમાર છે અને એ જ તારો દીકરો યુસુફ ખાન છે. ફિલ્મ માટે તેણે નામ બદલ્યું છે.’ વિશ્વેશ્વરનાથે સમજાવતાં કહ્યું.

સામે દલીલ કરતાં સરવર ખાન બોલ્યા, ‘હું કેમ માનું? તારા દીકરા પૃથ્વીરાજ અને ત્રિલોકે ક્યાં નામ બદલ્યાં છે?’

વિશ્વેશ્વરનાથ પાસે આનો જવાબ નહોતો, પરંતુ થોડા દિવસ પછી ‘જ્વારભાટા’ની જાહેરાતમાં દિલીપકુમારનો ફોટો આવ્યો એટલે તેમણે સરવર ખાનને બતાવતાં કહ્યું, ‘એ દિવસે તને વિશ્વાસ નહોતો આવતોને. જો, આમાં તારા દીકરાનો ફોટો છે.’

છાપું જોઈને સરવર ખાને પાંગળી દલીલ કરતાં કહ્યું, ‘આ ફોટો તો મારા યુસુફનો જ છે, પણ તેની નીચે નામ છે દિલીપકુમાર. એટલે...’

‘હું એ જ કહું છું. તારો દીકરો નામ બદલી શકે, પણ એથી કાંઈ ચહેરો થોડો છુપાવી શકે? બોલ, હવે તું પણ મારી જેમ નટનો બાપ થયો કે નહીં?’ વિશ્વેશ્વરનાથની વાત સાંભળી સરવર ખાન એકદમ ભોંઠા પડી ગયા.

આ હતી દિલીપકુમારના પિતા સરવર ખાન અને રાજ કપૂરના દાદા વિશ્વેશ્વરનાથની  મૈત્રી અને ઈર્ષ્યાની કહાની. પછીથી બન્ને મુંબઈ આવ્યા. વિશ્વેશ્વરનાથ નિવૃત્ત જીવન ગાળતા,  જ્યારે સરવર ખાન ક્રૉફર્ડ માર્કેટમાં ફળની દુકાનમાં કાર્યરત રહેતા. છેવટના દિવસો સુધી બન્ને વચ્ચે મૈત્રી રહી.

જ્યારે પૃથ્વીરાજ કપૂરે નાટક અને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં વિશ્વેશ્વરનાથને ગમ્યું નહોતું છતાં તેમણે એ ચલાવી લીધું. એટલું જ નહીં, ‘આવારા’માં ન્યાયાધીશની નાની ભૂમિકામાં તેઓ પડદા પર દેખાયા, જ્યારે સરવર ખાન ક્યારેય બદલાયા નહીં. દિલીપકુમાર અભિનેતા બન્યા એ વાત તેમને બિલકુલ જચી નહોતી. સરવર ખાન પેશાવરથી ચાલતો આવતો ફળનો વેપાર કરતા. તેમને ખબર પડી કે દિલીપકુમાર અભિનેતા બન્યો છે એટલે તેના પૈસાને કદી હાથ ન અડાડ્યો. દિલીપકુમારે ગાડી લીધી, પરંતુ કદી ગાડીમાં ન બેઠા. છેવટ સુધી તેમણે બસમાં જ મુસાફરી કરી હતી.

દિલીપકુમાર અને રાજ કપૂરની કહાની પણ મૈત્રી અને ઈર્ષ્યાના રંગોથી ભરેલી છે. નાનપણથી બન્ને વચ્ચે સારી મૈત્રી હતી. રાજ કપૂરના પરિવારમાં પહેલેથી અભિનયની પરંપરા હતી એટલે તેમનું સપનું પણ ફિલ્મોનું હતું. આ તરફ દિલીપકુમારને એ બાબતમાં જરાય રસ નહોતો. બાળપણમાં આ વિશે બન્ને વાત કરતા ત્યારે દિલીપકુમાર કહેતા, ‘અભિનય, નાટક, ફિલ્મો વગેરે તું ખુશીથી કર. તારા પરિવારનો આ વ્યવસાય છે અને તું એને આગળ વધારે એમાં કશું ખોટું નથી. મારે તારી જેમ અભિનયક્ષેત્રે આવીને સમય નથી વેડફવો. હું તો ભણીગણીને જીવનમાં કંઈક બનવા માગું છું.’

પિતાની ફળની દુકાનમાં કામ કરતા દિલીપકુમારને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એક દિવસ તે હીરો બનશે. તેઓ મુંબઈના સ્ટુડિયોની કૅન્ટીનમાં ફળ અને ડ્રાયફ્રૂટ્સ સપ્લાય કરતા. એક દિવસ બૉમ્બે ટૉકીઝની માલિકણ દેવિકારાણી સાથે તેમની મુલાકાત થઈ. તેમણે ‘જ્વારભાટા’માં હીરોનો રોલ ઑફર કર્યો અને તેઓ હીરો બન્યા (આ મજેદાર કિસ્સો વિગતવાર ફરી કોઈક વાર લખીશ).

એ દિવસોમાં રાજ કપૂર બૉમ્બે ટૉકીઝમાં ૭૫ રૂપિયાના પગારે નોકરી કરતા હતા. તેમને હતું કે ક્યારેક ને ક્યારેક તો હીરો બનવાનો મોકો મળશે. ‘હમારી બાત’ ફિલ્મમાં એક પ્યુનનો નાનો રોલ મળ્યો, પણ એથી વિશેષ કોઈ પ્રગતિ નહોતી થઈ. જ્યારે તેમને ખબર પડી કે દિલીપકુમારને હીરોનો રોલ મળ્યો છે ત્યારે તેઓ ધૂંધવાઈને દેવિકારાણીની કૅબિનમાં ગયા અને ઊંચા અવાજે ફરિયાદ કરી, ‘મૅડમ, તમારી કંપનીમાં આ બધું શું ચાલી રહ્યું છે?’

‘રાજ, કેમ આટલો ગુસ્સામાં છે? તને શું થયું છે? કોઈકે કાંઈ કહ્યું?’ દેવિકારાણીએ શાંતિથી પ્રશ્ન કર્યો.

‘ના, કોઈએ કશું નથી કહ્યું.’

‘તો પછી આટલો ગુસ્સો શાને માટે?’

‘હું અહીં સડું છું એટલા માટે.’

‘ના, રાજ. અહીં કોઈનેય ક્યારેય સડવા દેવામાં નથી આવતા. દરેકના ગુણની અહીં પરખ થાય છે.’

‘જો એવું જ હોત તો ‘જ્વારભાટા’માં બહારની વ્યક્તિને નહીં, મને હીરોનો રોલ મળ્યો હોત. હું બે વર્ષથી અહીં મહેનત કરી કરીને મરી રહ્યો છું, પણ તમે મારી અવગણના કરી.’ રાજ કપૂરે બળાપો કાઢતાં કહ્યું.

‘રાજ, દરેકનો સમય આવે છે. ધીરજ રાખ. તારો પણ સમય આવશે ત્યારે બૉમ્બે ટૉકીઝની ફિલ્મનો હીરો તું જ હોઈશ.’

પરંતુ રાજ કપૂરની ધીરજનો અંત આવી ગયો હતો. એમાં ઈર્ષ્યા ભળી હતી. તેમણે જીદ કરી કે ફિલ્મમાં બીજો કોઈ, ભલે નાનો રોલ હોય, મને આપો, પરંતુ એ શક્ય નહોતું. હતાશ થઈ રાજીનામું આપીને તેમણે બૉમ્બે ટૉકીઝને રામ રામ કરી દીધા.

આ હતી રાજ કપૂર અને દિલીપકુમારની મૈત્રીમાં ઈર્ષ્યાની પહેલી તિરાડ. ૧૯૪૪માં ‘જ્વારભાટા’થી શરૂ થયેલી દિલીપકુમારની કારકિર્દી ‘મિલન’ અને ‘જુગનૂ’ની સફળતા બાદ મક્કમ રીતે આગળ વધી અને ‘મેલા’, શહીદ’, ‘નદિયા કે પાર’ જેવી ફિલ્મો બાદ દિલીપકુમારનું નામ અગ્રગણ્ય અભિનેતા તરીકે આકાર પામ્યું. ૧૯૪૭માં રાજ કપૂરની હીરો તરીકેની પહેલી ફિલ્મ ‘નીલકમલ’ આવી. ત્યાર બાદ ‘ચિત્તોડ વિજય’, ‘દિલ કી રાની,’ જેલયાત્રા’ જેવી ફિલ્મોને વધુ સફળતા ન મળી. આમ રાજ કપૂર લોકપ્રિયતાની દૃષ્ટિએ દિલીપકુમારથી પાછળ રહ્યા. એ ઉપરાંત દિલીપકુમાર અને નર્ગિસની જોડીએ ‘બાબુલ,’ ‘જોગન’, ‘મેલા’ અને ‘દીદાર’ જેવી ફિલ્મોમાં લોકચાહના મેળવી. દિલીપકુમાર જાણતા હતા કે રાજ કપૂર તેમની સફળતાની અદેખાઈ કરે છે એટલે તેમણે પ્રોડ્યુસર કે. આસિફને હાથમાં લઈને ‘હલચલ’માં નર્ગિસ સાથે ઉત્કટ પ્રણયદૃશ્યોનું ફિલ્માંકન કરાવ્યું. ન્યુઝપેપરમાં એ ફોટોગ્રાફ જોઈને રાજ કપૂર ઈર્ષ્યાથી એટલા બળી ઊઠ્યા કે તેમણે નર્ગિસને કહી દીધું, ‘આજથી તારે યુસુફ સાથે કોઈ ફિલ્મ કરવાની નથી.’

રાજ કપૂરના ગળાડૂબ પ્રેમમાં પડેલી નર્ગિસે એ ફરમાન માથે ચડાવ્યું અને ‘આન’ અને ‘મુઘલ-એ–આઝમ’માં દિલીપકુમાર સાથે કામ કરવાની ના પાડી દીધી. ત્યાર બાદ રાજ કપૂર હમેશાં એવા પ્રયત્નમાં રહેતા કે દિલીપકુમાર સાથે જે હિરોઇનની જોડી જામે એને આરકે કૅમ્પમાં લાવીને એને તોડવી. નર્ગિસ હતી ત્યાં સુધી તેમને આમ કરવાની જરૂર નહોતી, પરંતુ તેની અને પદ્‍મિનીની ગેરહાજરીમાં, હિરોઇનની ખાલી પડેલી જગ્યા માટે તેમણે વૈજયંતીમાલાને મનાવી લીધી.

‘સંગમ’ના શૂટિંગ દરમ્યાન દિલીપકુમાર અને વૈજયંતીમાલા ‘લીડર’ અને ‘સંઘર્ષ’માં કામ કરતાં હતાં. એક સમય એવો આવ્યો કે રાજ કપૂરને કારણે એ બન્નેના સંબંધ એટલી હદ સુધી બગડી ગયા કે તેમની વચ્ચે બોલવાનો પણ વ્યવહાર ન રહ્યો.

જાણકારોએ એટલું જ કહ્યું કે ‘સંગમ’ માટે હિરોઇન તરીકે વૈજયંતીમાલાની પસંદગી કરીને રાજ કપૂરે એક કાંકરે બે પંખી માર્યાં છે. એક વાતનો ઇનકાર ન થઈ શકે કે ભલે રાજ કપૂર અને દિલીપકુમાર એકમેકના ગળામાં હાથ નાખીને જિગરજાન મિત્રો તરીકે ફરતા હોય, હકીકતમાં બન્નેના દિલોદિમાગમાં મૈત્રી અને ઈર્ષ્યાનું વહેણ એકસાથે વહેતું હતું.

columnists rajani mehta