તેરે જૈસા યાર કહાં

02 August, 2026 09:34 PM IST  |  Mumbai | Darshini Vashi

ફ્રેન્ડશિપ દિવસ નિમિત્તે આજે આપણે એવા કેટલાક મિત્રોના ગ્રુપને મળીએ છે જેમણે ગમે એવી પરિસ્થિતિમાં પણ મિત્રતાને કાયમ રાખી છે અને વર્ષોનાં વહાણાં વીતી જવા છતાં આજે પણ તેમનું ફ્રેન્ડ્સ ગ્રુપ પહાડની જેમ મજબૂત બની રહ્યું છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દરેક સંબંધોમાં ઉતાર-ચડાવ અને તડકા-છાયડા આવતા રહે છે. દોસ્તી એટલે કે મિત્રતા પણ એક સંબંધ જ છે. ભલે એ લોહીનો કેમ ન હોય, પરંતુ એમાં પણ અનેક સારા-નરસા અનુભવો, સુખ- દુઃખના પ્રસંગો, ખાટી-મીઠી વાતો થયા કરતી હોય અને જેને લીધે મજબૂત અને ગાઢ કહી શકાય એવી મિત્રતામાં પણ દરાર પડી જતી હોય છે. ફ્રેન્ડશિપ દિવસ નિમિત્તે આજે આપણે એવા કેટલાક મિત્રોના ગ્રુપને મળીએ છે જેમણે ગમે એવી પરિસ્થિતિમાં પણ મિત્રતાને કાયમ રાખી છે અને વર્ષોનાં વહાણાં વીતી જવા છતાં આજે પણ તેમનું ફ્રેન્ડ્સ ગ્રુપ પહાડની જેમ મજબૂત બની રહ્યું છે

બાળમંદિરમાં થયેલી દોસ્તી આજે ૬૪ વર્ષ પછી હજી પણ કાયમ

કાંદિવલીમાં રહેતાં વર્ષા દેસાઈ કહે છે, ‘અમારી ૬૪ વર્ષની ફ્રેન્ડશિપમાં કેટલાય ઉતાર-ચડાવ, મનદુઃખ, ડિસ્ટન્સ આવ્યાં છે પણ હજી અમારા ૭ જણનું ગ્રુપ ૬ જણનું થયું નથી. બાળમંદિરથી અમારી એકબીજા સાથે દોસ્તી થઈ હતી. ત્યાર બાદ વિલે પાર્લેમાં આવેલી મણિભાઈ મેઘજીભાઈ શાહ સ્કૂલમાં અમે બધાં સાથે ભણ્યાં. બોર્ડની એક્ઝામ બાદ અમે અલગ-અલગ વિષય લેતાં અમારી કૉલેજ પણ બદલાઈ ગઈ હતી. છતાં અમે રોજ કૅન્ટીનમાં ભેગાં થતાં. જુવાન હોય એટલે ઘણી વાતોમાં મતભેદ થઈ જતો. ઘણી વખત એકબીજા સાથે થોડા દિવસ અબોલા પણ થઈ જતા, પરંતુ અન્ય મિત્રો મધ્યસ્થી કરતા એટલે ફરી પાછી ગાડી પાટે આવી જતી. ભણવાનું પત્યું એટલે અમારા બધાનાં લગ્ન પણ થઈ ગયાં એટલે દરેક જણ પોતપોતાની ફૅમિલીમાં બિઝી થઈ ગયું. એક મિત્ર લગ્ન બાદ ગુજરાત જતી રહી તો એક જણના સાસરાપક્ષમાં વહુઓ મિત્રો સાથે બહાર જાય એ ગમતું નહીં એટલે તો અન્ય મિત્ર બીજા કોઈ કારણને લીધે અમારા ગ્રુપથી દૂર થઈ ગઈ હતી. જોકે અમે તો ગાઢ મિત્રો હતાં, એકબીજાથી કેટલા વખત સુધી દૂર રહી શકવાનાં હતાં? એટલે ઘણાં વર્ષો પછી અમે એકબીજાને પર્સનલી ફરી મળ્યાં અને મળ્યાં ત્યારે એવું લાગ્યું જાણે આટલાં વર્ષોનું વચ્ચે કોઈ ડિસ્ટન્સ જેવું હતું જ નહીં. પહેલાં કરતાં પણ વધુ એકબીજાની ક્લોઝ આવી ગયાં. દર વર્ષે અમે નાની-મોટી પિકનિક કરીએ. થોડાં વર્ષ પહેલાં જ અમારી સ્કૂલનું રીયુનિયન થયું હતું ત્યારે અમને અમારી સ્કૂલના જૂના મિત્રો પણ મળ્યા હતા. તેમણે અમને ૭ જણને સાથે જોઈને પૂછ્યું કે તમે તો હજી છૂટાં જ નથી પડ્યાં, હજી પણ તમારી વચ્ચેની દોસ્તી આટલી ગાઢ છે? અત્યારે અમે બધાં ૬૭ વર્ષની આસપાસ છીએ. અમારા છોકરાઓ પણ ઘણા મોટા થઈ ગયા છે અને અમે ઘરની જવાબદારીમાંથી પણ મુક્ત થઈ ગયાં છે એટલે હવે વધુ મળીએ છીએ. જો બહાર જવાનું મન ન હોય તો કોઈ પણ એક જણના ઘરે ભેગાં થઈએ છીએ, સાથે મળીને રસોઈ બનાવીએ છીએ અને પછી ખાઈએ છીએ. અમે ૬૦મા વર્ષમાં પ્રવેશ્યાં ત્યારે દરેકનો બર્થ-ડે સ્પેશ્યલ રીતે અમે ઊજવ્યો હતો જે જોઈને અમારા પરિવારજનો પણ ખુશ થઈ ગયા હતા. અમારી દોસ્તી કિટી પાર્ટી સુધી સીમિત નથી. અમે એકબીજાના સુખદુઃખનાં પણ ભાગીદાર છીએ. કોઈ દુઃખી હોય કે કોઈના ઘરે ખરાબ પ્રસંગ બને તો અમે બધાં તેના ઘરે પહોંચી જઈએ છીએ. હવે અમે ઉંમરના એવા તબક્કામાં આવી ગયાં છીએ કે અમને એકબીજા માટે કોઈ મનદુઃખ થતું નથી. બસ, હવે જેટલાં વર્ષ બાકી છે એમાં એન્જૉય કરી લેવા માગીએ છીએ.’

ભણતર પણ સાથે અને બિઝનેસમાં પણ સાથે

બોરીવલીમાં રહેતાં વર્ષા ભાટિયા કહે છે, ‘મારા હસબન્ડ હરેશ ભાટિયા અને તેમના બે મિત્રો અજય અગ્રવાલ અને રમેશ શાહ સ્કૂલથી લઈને આજ સુધી સાથે જ છે. ત્યાં સુધી કે તેમણે બિઝનેસ પણ સાથે જ ચાલુ કર્યો હતો. અમારું મારુતિનું ઑથોરાઇઝ્ડ સર્વિસ-સ્ટેશન છે જે આ ત્રણ મિત્રો મળીને છેલ્લાં ૩૦ વર્ષથી ચલાવી રહ્યા છે અને તેમની દોસ્તી ૫૦ વર્ષથી છે. પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફ બન્ને અલગ હોય છે છતાં આ ત્રણે જણ એને પ્રૉપર બૅલૅન્સ કરી રહ્યા છે. ફ્રેન્ડ હોવું અલગ છે અને સાથે કામ કરવું, સાથે બિઝનેસ કરવો અલગ છે જે તેમણે કરી બતાવ્યું છે. છેલ્લાં ૩૦ વર્ષથી તો તેમની દોસ્તી છે જ, પણ હવે અમારા બધાનાં બાળકો વચ્ચે પણ દોસ્તી થઈ ગઈ છે અને તેઓ પણ આ બિઝનેસમાં પાર્ટનર બની ગયાં છે. અમે બધા એક ફૅમિલી જ બની ગયા છીએ. બહાર ફરવા પણ અમે સાથે જ જઈએ. હોટેલમાં જમવા જવાનું હોય કે કોઈકના ઘરમાં કોઈ પ્રોગ્રામ, અમે એકબીજા સાથે હોઈએ જ. ૩૦ વર્ષ પહેલાં મારા હસબન્ડ અને તેમના મિત્રોએ સાથે મળીને કૅસેટનો બિઝનેસ શરૂ કર્યો હતો, પરંતુ તેમાં તેમને મજા આવી નહીં. પછી તેઓ અલગ-અલગ નોકરીએ લાગી ગયા. મારા હસબન્ડને ગાડીનું ટેક્નિકલ નૉલેજ સારું હતું એટલે તેમને વિચાર આવ્યો કે આપણે ગાડીનું સર્વિસ સેન્ટર શરૂ કરવું જોઈએ. એમાં પણ તે ત્રણની દોસ્તીની વાત કરું તો મારા હસબન્ડે સર્વિસ સેન્ટર માટે નોકરી છોડી દીધી હતી, કેમ કે એ શરૂ કરવા માટે પહેલાં તૈયારી કરવી પડે, પરંતુ તેમના બન્ને મિત્રોની નોકરી ત્યારે ચાલુ હતી અને તેઓ નોકરી પતાવીને મારા હસબન્ડને મદદ કરવા આવી જતા હતા. તેઓ પોતાના પગારમાંથી મારા હસબન્ડને એમ કહીને પગાર આપતા હતા કે તેં આપણા સર્વિસ સેન્ટર માટે નોકરી છોડી દીધી છે તો તું એકલો શું કામ પગાર વગરનો રહે. આવી નિઃસ્વાર્થ તેમની દોસ્તી છે. આજ સુધીમાં તેમની વચ્ચે કામ, સમય કે પૈસાને લઈને કોઈ પણ પ્રકારની બોલાચાલી કે મનદુઃખ થયું નથી.’

ત્રણ જનરેશનની ફ્રેન્ડશિપ

મારા પપ્પા અને તેમના બાળપણના ૭ મિત્રો છે, ત્યાર બાદ તેમનાં સંતાનો પણ એકબીજાનાં મિત્રો બની ગયાં હતાં અને હવે તેમની ત્રીજી પેઢી પણ એકબીજાની ગાઢ મિત્ર બની ગઈ છે એમ જણાવતાં કાંદિવલીમાં રહેતાં સ્નેહા શાહ કહે છે, ‘મારા પપ્પા અને તેમના મિત્રો બાળમંદિરથી સાથે છે. તેઓ મોટા થયા બાદ કામધંધા અર્થે ગુજરાતના માણસા ગામથી મુંબઈ પણ સાથે જ આવ્યા હતા. અહીં આવીને તેઓ અલગ-અલગ નોકરી-ધંધામાં લાગી ગયા હતા, પરંતુ તેમની દોસ્તી યથાવત્ રહી હતી. તે તમામ મિત્રોનાં લગ્ન એક જ વર્ષમાં થયાં હતાં એટલે તેઓ ફરવા પણ સાથે જ ગયા હતા. આ ૭ મિત્રોમાંના એક રાજેન્દ્ર શાહની હું દીકરી છું. આ સાતે મિત્રોનાં બાળકો પણ મારી સમાન એજનાં જ છે. નાનપણથી અમે પણ બધા એકબીજાને મળતા રહીએ છીએ એટલે અમારી બીજી પેઢીની વચ્ચે પણ સારીએવી દોસ્તી થઈ ગઈ હતી. દોસ્તી પણ એવી કે મેં મારા પપ્પાના એક ફ્રેન્ડના દીકરા સાથે જ લગ્ન કરી લીધાં અને હવે અમારાં બાળકો પણ એકબીજાના મિત્રો બની ગયાં છે. એટલે તમે કહી શકો કે અમારી દોસ્તી ૩ પેઢીથી ચાલતી આવી છે. પપ્પાના સાત મિત્રો, તેમનાં બાળકો અને તેમનાં પણ બાળકો સાથે મળીને અમે પિકનિક પર પણ જઈએ છીએ, ફ્રેન્ડશિપ ડે ઊજવીએ છીએ. આ વખતે અમે ફ્રેન્ડશિપ ડે માટે વાડામાં એક વિલા બુક કરાવી છે જ્યાં અમે ત્રણે જનરેશનના મિત્રો ભેગા મળીને સેલિબ્રેશન કરવાના છીએ. અમે અલગ-અલગ જનરેશન પ્રમાણે પણ મળતા રહીએ છીએ, પરંતુ અમારા કરતાં અમારા પપ્પા અને તેમના મિત્રો રેગ્યુલર મળે છે. વર્ષમાં એક વખત અમારા બધાની એક આઉટડોર ટ્રિપ પણ હોય. અમે બધા કાંદિવલીમાં જ રહીએ છીએ. એમાં ૩ ફ્રેન્ડ તો એક જ બિલ્ડિંગમાં રહે છે. મહિનામાં એક વખત તેઓ સાથે ગામ જાય અને ગામમાં પણ બાજુ-બાજુમાં જ ઘર હોવાથી તેમને ત્યાં પણ મજા આવે. અમારું ૩ જનરેશનનું ફ્રેન્ડ ગ્રુપ રોનક ગ્રુપ તરીકે ઓળખાય છે. આ નામ આપવા પાછળ પણ એક સ્ટોરી છે. અમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં પણ એક સમય ખૂબ જ ખરાબ આવ્યો હતો. મારા પપ્પાના એક ફ્રેન્ડના દીકરાનું નામ રોનક હતું જેણે અમને બધા ફ્રેન્ડ્સને વધુ ક્લોઝ લાવવાનું કામ કર્યું હતું તેમ જ તે ઘણી પિકનિક અને પ્રોગ્રામ પણ ગોઠવતો હતો. તેનું અકાળે મૃત્યુ થઈ જતાં અમને બધાને ખૂબ આઘાત લાગ્યો હતો. અમે ખૂબ ઉદાસ થઈ ગયા હતા અને તેની યાદમાં અમે અમારા આ ફ્રેન્ડ-ગ્રુપનું નામ રોનક રાખ્યું છે જે હેઠળ અમે અવારનવાર દાન અને સત્કાર્યો પણ કરીએ છીએ.’

આવી ફ્રેન્ડશિપ કદાચ ફિલ્મમાં જ જોઈ હશે

અમુક મિત્રતા એટલી અતૂટ હોય છે કે મોટી-મોટી ભરતી તો શું, સુનામી પણ એનું કંઈ બગાડી શકતી નથી. એવી જ દોસ્તી અંધેરીમાં રહેતા દીપેશ પાસડ અને મિલન શાહની છે. આ વિશે વધુ જણાવતાં દીપેશ પાસડ કહે છે, ‘હું અને મારો મિત્ર મિલન શાહ ઘણાં વર્ષોથી એટલે કે સ્કૂલમાં હતા ત્યારથી એક જ વિસ્તારમાં રહીએ છીએ, પણ અમારી દોસ્તી કૉલેજકાળ પૂરો થયા પછી થઈ હતી. અમે એક જ વિસ્તારમાં રહેતા હોવા છતાં પહેલાં એકબીજાને મળ્યા પણ નહોતા, પરંતુ એક ધાર્મિક પ્રસંગ દરમ્યાન અમારી દોસ્તી થઈ ગઈ અને દોસ્તી પણ એવી થઈ કે આજે અમારા એરિયામાં અમારી દોસ્તીનાં લોકો વખાણ કરતાં થાકતા નથી. એવું કહેવામાં આવે છે કે દોસ્તી હોય તો દીપેશ અને મિલન જેવી. મારા જૂના મિત્રોને પણ હવે એવું થાય છે કે મિલનના આવ્યા બાદ દીપેશ અમને જોતો પણ નથી. લગભગ ૨૧ વર્ષ પહેલાં અમારા દેરાસરની પ્રતિષ્ઠા થઈ હતી, જેમાં અમે બન્ને અલગ-અલગ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા ત્યારે બન્ને મળ્યા હતા અને પછી દેરાસરમાં સાથે કામ કરતાં-કરતાં એવું બૉન્ડિંગ થઈ ગયું કે અમે પાક્કા મિત્રો બની ગયા. અમારી વચ્ચે કોઈ ઝઘડો કરાવી શકે નહીં એવા ભાઈબંધ અમે બની ગયા છીએ. હું, મારી વાઇફ ફોરમ અને મિલન એમ ત્રણે જણ લગ્ન પહેલાંથી બેસ્ટ ફ્રેન્ડ છીએ. મારાં લગ્ન થયાં ત્યારે ‘કુરબાની દેગા કૌન’ એવી સિચુએશન હતી. ત્યારે ફોરમનાં લગ્ન મારી સાથે થઈ ગયાં અને મિલન સાઇડ થઈ ગયો હતો. આવી પરિસ્થિતિમાં પણ અમારી દોસ્તી વચ્ચે દરાર આવી નહોતી. આજના સમયમાં આવો અમૂલ્ય મિત્ર મળવા માટે નસીબ જ જોઈએ.’

columnists friendship day friends exclusive lifestyle news life and style