વાત છે પ્રોગ્રામના આયોજકોની અને આયોજકો નામની પ્રજાતિની

17 May, 2026 03:21 PM IST  |  Mumbai | Sairam Dave

આ એક એવી પ્રજાતિ છે જે હકીકતમાં કલાકાર પર નિર્ભર હોય છે અને એ પછી પણ કલાકારોને પોતાના પર નિર્ભર રાખે છે!

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આર્કિયોલૉજિસ્ટનું કહેવું છે કે આયોજકો ઈસવીસન ૩૦૦મી સદીમાં જન્મેલા છે, જ્યારે ભારતના પુરાતત્ત્વવિદો સ્પષ્ટપણે એવું માને છે કે આયોજકો નામની પ્રજાતિ કલાકારોના જન્મ અને સફળતા બાદ જ જન્મેલી જાતિ છે.

અંદાજે ૧૦,૦૦૦ વર્ષ પહેલાં મધ્ય એશિયાનાં આફ્રિકન જંગલોમાં ભારતીય નૃત્યકારોએ ઑસ્ટ્રેલિયન વાદ્યવૃંદો સાથે મળીને જે અમેરિકન ડાન્સ રજૂ કર્યા એ વિશ્વનો સૌપ્રથમ કાર્યક્રમ ગણાય છે. આશરે સવાબે કલાક સુધી ચાલેલા આ ‘વૈશ્વિક નૃત્ય મહોત્સવ’ના કાર્યક્રમને ચાઇના અને જપાનના લોકોએ ખૂબ વખાણ્યો હતો તેમ જ રશિયન લોકોએ તો કલાકારો પર રંગીન પથ્થરોની ઘોર પણ કરી હતી. જોકે આ કાર્યક્રમનો પુરસ્કાર હજી સુધી ઇંગ્લૅન્ડના આયોજકોએ ચૂકવ્યો નથી. આ રીતે જોવા જઈએ તો કલાકારોનું પેમેન્ટ ચાંઉ કરી જવાની આયોજકોની આદતનાં મૂળ આશરે દસેક વર્ષ જૂના છે. એ આદતને ૨૦૨૨ સુધીના તેમના વંશજો પૌરાણિક પરંપરા અને વિરાસત સમજી—સાચવીને અનુસરતા આવ્યા છે.

પ્રાચીનકાળમાં કલાકારો તદ્દન પરાવલંબી જીવન જીવતા હતા. કલાકારો કલાને રજૂ કરવામાં માહેર હતા પરંતુ તેમનામાં કાર્યક્રમનું આયોજન કરવાના ગુણનો અભાવ હતો, જ્યારે આયોજક પ્રજાતિમાં કલાતત્ત્વ ઓછું હતું પરંતુ કલાને વેચી બતાવવાના પારંપરિક ગુણો આનુવંશિક હતા.

ભૂસ્તરશાસ્ત્રી રાફેલ રોનાલ્ડોએ નોંધ્યું છે કે કલાકારો અને આયોજકો બન્ને એકબીજાના પૂરક છે. એકને ગાતા આવડે છે તો વેચતા નથી આવડતું અને બીજાને વેચતા આવડે છે તો ગાતા નથી આવડતું. પ્રખર જ્યોતિષવિદ પંડિત દાળદાદા ભટ્ટ આ બાબતે તદ્દન વિપરીત મત ધરાવે છે કે કલાકારો અને આયોજકો બન્ને વિરુદ્ધાર્થી શબ્દો છે. આયોજકોએ સદૈવ કલાકારોનું શોષણ જ કર્યું છે તેમ જ પારકે ઘેરે નંદ ભયો... કરી કલાકારોના પૈસે તાગડધિન્ના કર્યા છે. જોકે અમુક કલાકારોએ કાર્યક્રમો લટકાવીને કેટલાક આયોજકોને પણ અટૅક લાવી દીધાનું ઇતિહાસમાં નોંધાયું છે.
પુસ્તક ‘ધી આર્ગ્યોલૉજી ઑફ ઑર્ગેનાઇઝર’માં પેજ-નંબર ૬૯૩ પર સ્પષ્ટ ઉલ્લેખ છે કે ‘ધી આર્ટિસ્ટ કૅન નેવર બી ઑર્ગેનાઇઝર ઍન્ડ ધી ઑર્ગેનાઇઝર કૅન નેવર બી આર્ટિસ્ટ, આર્ટ ઇઝ ઑલ્વેઝ ફૉર ગૉડ સેક. વેન બિઝનેસ ઇઝ એન્ટર ઇન આર્ટ, આર્ટ વિલ બી સ્પોઇલ. સમ ઑર્ગેનાઇઝર્સ આર ડિમોલિશિંગ ધી આર્ટ વર્લ્ડ.’ 

આ પુસ્તકની અંતિમ પ્રત કોઈ ઑર્ગેનાઇઝરે જ બથાવી લીધી હશે એવી માહિતી મળી આવે છે.

તેરમી સદીમાં કલાકારો કોઈ એક જ આયોજક સાથે કામ કરતા. ઝાઝા ભાગે બન્નેનાં જેન્ડર એક જ હોવાથી સંપીને ખાતા અને કમાણીમાંથી સરખા ભાગ પાડતા. ચૌદમી સદી સુધી આ બન્ને પ્રજાતિઓ ખૂબ હળી-મળીને રહેતી, પરંતુ આ સદીના ઉત્તરાર્ધમાં પુરસ્કાર બાબતે બન્નેના સંબંધો વણસ્યા હોવાનું ઇતિહાસવિદોનું માનવું છે.

ઈસવીસન ૧પ૧પમાં આયોજકો કલાકાર પરિવારના સભ્ય મટીને કલાકારોના બૉસ થઈ ચૂક્યા હતા. દરેક પુરસ્કારમાંથી કટકી કરવી એ તેમનો સહજ સ્વભાવ થઈ ગયો હતો. જોકે ઍન્ટાર્કટિકા ખંડના ભૂસ્તરશાસ્ત્રીઓના મતે તમામ આયોજકો નબળી વૃત્તિના નથી હોતા. અમુક પાસે તો હૃદય પણ હતું એવું તેઓ નોંધે છે. ‘છત્ર-મિત્ર પદ્ધતિ’ એ કાળની પ્રચલિત થિયરી હતી. અમુક આયોજકો છત્ર જેવા હતા, જેમની છાયામાં કલા પાંગરી હતી તો કેટલાક આયોજકો મિત્ર જેવા હતા જેઓ પોતાની ગાંઠનું ગોપીચંદન ઘસીને કલાકારો માટે, તેમની કલાના ઉત્થાન માટે ઘસાતા હતા.

સોળમી સદીના અંત સુધી મહિલાઓનો માત્ર ગૃહપ્રવેશ જ થતો હતો, સ્ટેજપ્રવેશ પ્રતિબંધિત હતો. જોકે આ સમયમાં અમુક મહિલા કલાકારો અને ઋજુ હૃદયના આયોજકો વચ્ચે પ્રેમાંકુરો ફૂટવાની શરૂઆત થઈ હતી. એને લીધે કેટલાક આયોજક પતિ થયા અને કેટલાક પતી ગયા. આ બન્ને પ્રજાતિઓ વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર વધતાં ‘છત્ર-મિત્ર થિયરી’નો છેદ ઊડી ગયો હતો.
રોટી—બેટીકાળ આયોજકો માટે સૌથી કપરો અને દુર્ગમકાળ હતો. પોતાની જ પત્નીના કાર્યક્રમો ગોઠવવા અને તેની સાથે જીવન પણ ગોઠવવું અમુક આયોજકોને દુષ્કર બન્યું હતું. હડપ્પીય સંસ્કૃતિમાં જે વેલણ મળી આવ્યાં છે એ કલાકાર પત્નીએ આયોજક પતિને લમણે ઝીંકેલું હતું એવું કેટલાક વિદ્વાનોનું માનવું છે. જોકે કલાજગતના વંશજો આ અનુમાનને પાયાવિહોણું માને છે.
અઢારમી સદી આવતાં-આવતાં કેટલાક કલાકારો જ આયોજક બની ગયા અને અમુક આયોજકો કંટાળીને કલાકાર બની ગયા. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ સુધીમાં આ બન્ને પ્રજાતિ મિક્સ થઈ ગઈ. સામાન્ય પ્રજા માટે હવે તેમને જુદા પાડીને ઓળખવા મુશ્કેલ થતા જાય છે.

આયોજકો અને કલાકારોનો ઇતિહાસ ખૂબ જ ગૂઢ-રહસ્યમય અને રોચક છે. એક જમાનામાં જે કલાકારો પોતાની એક ઑડિયો કૅસેટ બનાવવા સક્ષમ નહોતા એ જ કલાકારો ઈસવીસન ૨૦૧૦થી ૨૦૨૨ના ગાળામાં પ્રકાશન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યા. છત્ર-મિત્ર અને રોટી-બેટી બન્ને થિયરીમાંથી પોતાને મુક્ત કરીને પ્રૅક્ટિકલ અને પ્રોફેશનલ્સ બન્યા છે. પોતાની યુટ્યુબ ચૅનલો ચલાવે છે, સોશ્યલ મીડિયા સ્વયં હૅન્ડલ કરે છે અને મોબાઇલ પર પોતાનો ચાર્જ પોતે જ વધારી-ઘટાડીને આયોજકની ભૂમિકા પણ ભજવી જાણે છે. એક સમયે એક આયોજક એક જ કલાકારને નભાવતો અને પોતે પણ એક ઉપર જ નભતો. આ માન્યતા ભાંગીને હવેના આયોજકો મલ્ટિપલ કલાકારો સાથે મલ્ટિપલ કામ કરીને ચોખવટથી વ્યવસાય કરી જાણે છે.

ઇતિહાસવિદોએ નોંધ્યું છે કે ગુજરાતમાં ૨૦૦૭માં પોતાના પ્રોગ્રામ નક્કી કરવા માટે એક સ્વતંત્ર પોતીકો મૅનેજર હોવો જોઈતો. કલાકાર સૂઈ જાય તો પણ તે મૅનેજર જાગતો રહે એવી સંકલ્પના કોઈ સાંઈરામ દવે નામના હાસ્યકલાકારે કરી હતી. અત્રે એ પણ નોંધનીય છે કે ગુજરાતમાં લોકકલાકારોમાં મૅનેજર નીમનાર તે પ્રથમ કલાકાર હતા. જોકે કોરિયાના ભૂસ્તરશાસ્ત્રીએ એવો આરોપ નાખ્યો છે કે સાંઈરામે પોતાના સગા નાના ભાઈ અમિતને મૅનેજર બનાવ્યો, જેમાં મૂળભૂત રીતે છત્ર-મિત્ર થિયરીના નિયમોનું ચુસ્ત પાલન થયું નથી.

મધ્ય એશિયામાં થયેલા ‘વૈશ્વિક મહોત્સવ’નો પુરસ્કાર કલાકારોને ચૂકવાશે કે કેમ એની પણ આધારભૂત માહિતી મળતી નથી. શોધખોળ ચાલુ છે. ઉપર્યુક્ત સંબંધી કોઈ પણ માહિતી કોઈને મળે તો ઈ-મેઇલ કરવા વિનંતી.

columnists gujarati mid day lifestyle news life and style social media