ગમે ઈ ક્યો, જાતા મા’ણાને ‘આવજો’ કે’વાનું ખાલી ગુજરાતી ભાષામાં જ છે

30 November, 2025 02:51 PM IST  |  Mumbai | Sairam Dave

ખાલી ને ખાલી દુનિયાને દેખાડવા આપણે ફરવા જઈએ છીએ. એમાં પણ જો ફૉરેન ફરવા ગ્યા તો પતી ગ્યું, ન્યાં જઈને આપણે સૌથી વધારે રીલ બનાવીએ ને પછી સ્ટેટસમાં ધબેડવા માંડીએ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

એક સમયે ઘરના પ્રવેશદ્વારે મોતીવાળા તોરણમાં લાલ-લીલા અક્ષરે લખેલું રહેતું ‘ભલે પધાર્યા’ તો કેટલાક ઘરની બહાર ‘સુસ્વાગતમ’ પણ વાંચવા મળતું. જોકે હવે મોટા ભાગનાં ઘરોની બહાર ‘કૂતરાથી સાવધાન’ બોર્ડ જોવા મળે છે. ઘરમાં કૂતરું હોય નહીં ને છતાં પણ આવું બોર્ડ લગાડીને બેસનારા ઘરમાં કોને ‘કૂતરું’ ગણતા હશે એ મને પૂછવાનું મન બહુ થાય, પણ હિંમત ચાલે નહીં એટલે હું ચૂપ રહું. પણ સાહેબ સાચું કહું, એ પછી પણ ગુજરાતી ભાષામાં મહેમાન જતા હોય ત્યારે ‘આવજો’ કહીને મહેમાનોને ફરી પધારવાનું નિમંત્રણ વિશ્વમાં એકમાત્ર આપણી ભાષામાં જ અપાય છે. મહેમાનોને દિલથી આવકારવા તત્પર છીએ અને મહેમાન ઘરમાં લીધા જેવા છે કે નહીં એ ચેક કરવા દરવાજામાં કાણું પણ રાખીએ છીએ.
રોડ કાંઠાનાં ઘણાં ઘરોની દીવાલ પર ‘અહીં થૂંકવું નહીં’ કે ‘અહીં પાર્કિંગ કરવું નહીં’નાં બોર્ડ લગાવવાં પડે છે. ‘અહીં પેશાબ કરવાની મનાઈ છે’ કે ‘અહીં કચરો કરવો નહીં’ આવું કોઈ સરકારી દીવાલ પર લખી આવે એટલે આ બન્ને પ્રવૃત્તિ થયેલી એ લખાણ નીચે અવશ્ય મળે જ. નાના-નાના નિયમો તોડવાથી આપણો અહમ્ સંતોષાય છે. ટ્રાફિકવાળો ગાડી રોકે ત્યારે તેને લાઇસન્સ બતાવવાની જગ્યાએ પૉલિટિકલ ઓળખાણો બતાવીએ છીએ. ભ્રષ્ટાચારમુક્ત દેશ બધા ઇચ્છે છે, પણ સાથે-સાથે બધા એમ પણ ઇચ્છે છે કે મારી ફાઇલ કે ગાડી ક્યાંય રોકાવી ન જોઈએ.
આપણને એકલતા સાથે ડીલ કરતાં આવડતું નથી અને એટલે જ બે-ચાર કપલની કંપની વગર ક્યાંય ફરવા જતા નથી. આપણે બહુ વ્યાવહારિક છે. સિંગાપોરની ટૂર કર્યા બાદ પાડોશી માટે બે ડૉલરની કીચેઇન ખરીદીએ છીએ. ઇરાદો તો ખાલી તેનો જીવ બાળવાનો હોય છે અને એટલે જ પાછા આવ્યા પછી તેના ઘરે જઈને ૧૦૦ જેટલા ફોટો બતાવીને કીચેઇન પધરાવી બળતરા કરાવતા ઘરે પાછા ફરીએ છીએ.
‘તમારો ટુવાલ ભીનો નહીં કરતા, નવો આપું છું!’ 
આ વાક્ય દરેક ઘરમાં દરેક મહેમાને સાંભળવું જ પડે છે. મારા જેવાને તો કહેવાનું પણ મન થાય કે મારા વાલિડા, મારો ટુવાલ મેં કાંઈ પૂજાપાઠ માટે થોડો રાખ્યો છે? એમ છતાં યે કહાની હૈ ઘર ઘર કી પરેશાની.
મોસ્ટ ઑફ ગુજરાતી તેમના એકના એક સંતાનને યા તો મોટો ડૉક્ટર બનાવવા ઇચ્છે છે યા ફિર અમેરિકા સેટ કરવા માગે છે. પરિણામે ડૉક્ટર ન બની શકનારાં ગુજ્જુ સંતાનો મોટા ભાગે મેડિકલ સ્ટોરથી સંતોષ મેળવે અને કાં તો બિલ્ડર બનીને અઢળક રૂપિયા કમાય અને પછી મસ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ બનાવી એમાં ડૉક્ટરોને નોકરીએ રાખીને અધૂરા સ્વપ્નનું વટક વાળે છે.
તૂટેલા પાણીના ગોળામાંથી કૂંડું બનાવવાનો કસબ ગુજરાતણોને સહજસાધ્ય છે. ટેલિફોનના વાયર પર કપડાં સૂકવવામાં આપણને સહેજ પણ સંકોચ નથી થતો. જૂનાં કપડાં નાઇટ ડ્રેસ તરીકે ચલાવી લઈએ છીએ, થોડાં જરી ગયેલાં કપડાં હોળી રમવા અલગ થેલામાં ભરી મૂકીએ છીએ. શું ખોટો ખર્ચો કરવો? તળિયેથી પતી ગયેલાં ઘસાયેલાં સ્લિપર વૉશરૂમની બહાર તો ચાલે લ્યા! બગડેલા દૂધમાંથી પનીર બનાવતાં તેમ જ બગડેલી બાજી સુધારતાં જેને બરોબર ફાવે છે તે આપણે ગુજરાતીઓ.
નરસૈંયાનાં પ્રભાતિયાંથી દિવસની શરૂઆત થાય છે અને જેમ્સ બૉન્ડ કે ટૉમ ક્રૂઝની હૉલીવુડની ફિલ્મથી આપણી રાત પડે છે. બન્ને ક્ષિતિજોને સ્પર્શવાની આપણી ઘેલછા ઘણી વાર આપણને સાગમટે કન્ફ્યુઝ કરે છે. ગુજરાતી પ્રજા પોતાની સગાઈમાં જેટલી સિરિયસ નથી એટલી સંતાનને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બેસાડવા માટે સિરિયસ છે. પછી રિઝલ્ટ ભલે મીડિયમ આવે, પણ પોતાના ગગા કે ગગીને ‘ટ્‍વિન્કલ ટ્‍વિન્કલ લિટલ સ્ટાર’ કે ‘જૉની જૉની યસ પાપા...’ પોએમ્સ ગાતા ભાળીને એક જંગ જીત્યાનો સંતોષ માણે છે.
સહકારી બૅન્કો સ્થાપવા અને ઉઠાડવા સમક્ષ છીએ આપણે ગુજરાતીઓ. શાકની થેલીમાં પાંચ લાખ રૂપિયા આંગડિયામાંથી લાવીને સાવ બેફિકરાઈથી બજાર વચ્ચેથી નીકળી જઈએ છીએ.
‘બીજું બોલો!’ એ લગભગ ગુજરાતીનું ફોન પર બોલાતું પહેલું વાક્ય છે. ‘શું ચાલે બાકી?’ આ વાક્ય ક્યારેય ચાલવા નથી જતું અને એમ છતાં એ અવશ્ય પુછાય છે. ‘પછી શાંતિથી વાત કરીએ!’ વાક્ય અંદાજે ૩૦ મિનિટના ફોનાલાપ પછી કહેવાય છે. ટૂંકમાં, સામેવાળાને દુઃખ ન લાગે એની કાળજી આપણે પળેપળ લઈએ છીએ.
ગુજરાતી પ્રજાની જીભ પર સમગ્ર વિશ્વની વાનગીઓની સિટિઝનશિપ છે. જ્યાં જમવાનું સારું મળતું હોય એવો જગતનો એક પણ દેશ નથી જ્યાં ગુજરાતીઓ ફર્યા નથી અને દુનિયાનો એકેય એવો ધંધો નથી જેમાં ગુજરાતીઓ ગર્યા નથી.
સુરતના હીરામાં ઝગમગ્યા, આણંદની ડેરિયુંમાં વલોવાયા, પાટણનાં પટોળાંમાં અને જેતપુરની બાંધણિયુંમાં છપાણા, વાપી-અંકલેશ્વરની ચીમનીમાંથી ફેંકાણા, કચ્છની ડબલ રોટી (દાબેલી)માં દબાણા, અલંગના દરિયાકાંઠે હાથે કરીને ભંગાણા, મોરબીની ઘડિયાળના ટકોરે સંભળાણા ને મુંબઈ આખાને બથમાં લઈને દોયડા તોય થાક્યા નહીં, હાર્યા નહીં. એવા છીએ આપણે ગુજરાતીઓ.
પાણીપૂરીની પાંચ પ્લેટ ભરખી ગયા પછી બે કોરી પૂરી ફ્રીમાં તો જોઈએ જ. દોરા પર સોય, પતંગ પર ગુંદરપટ્ટી, મોબાઇલ પર સિમ તો જોઈએ જ. શેરડીના જૂસનો આખો ગ્લાસ ભરાવી, એમાંથી બે ઘૂંટ પીધા પછી બરફનો આગ્રહ રાખીએ છીએ. નાનાં-નાનાં સુખ અને ફાયદા મેળવવામાં આપણને બહુ મજા પડે છે. તેથી જ કદાચ મોટાં-મોટાં નુકસાન સહન કરી લેવાની ત્રેવડ પણ આપણામાં વિકસી છે.
વેપાર-ધંધામાં ઝડપથી કરોડપતિ થવાના જેટલા નુસખાઓ આપણને કારગત છે એટલા કદાચ બીજા કોઈને નથી. આપણને ધંધો કરતાં પણ આવડે છે અને ધંધે લગાડતા પણ! સરકાર બનાવવાની કળા પણ આપણામાં છે, ઉથલાવવાની આવડત પણ અને મતદાન થાય ઈ પે’લાં બિનહરીફ ચૂંટાઈ આવવાની કુનેહ પણ...! કુલુ-મનાલીમાં પચ્ચીસેક હજારની શૉપિંગ કર્યા બાદ ઍરપોર્ટ પર એક્સ્ટ્રા લગેજના ૮૦૦ રૂપિયા આપવા માટે આપણે ઍરપોર્ટ માથે લેતાં સહેજ પણ શરમાતા નથી.
આપણે સફળતાના સિદ્ધહસ્ત ખેલાડી છીએ. આપણને વેપારધંધાની એટલી ચિંતા હોય કે કોઈની સાદડી કે શોકસભામાં પણ પાછળ 
બેઠાં-બેઠાં ધીમા અવાજે શૅરબજારની ચર્ચા કરી લઈએ છીએ. વિશ્વના દરેક ગુજરાતી પાસે પોતાની પર્સનલ ખાણ છે. જી હા અને એ ખાણ છે ઓળખાણની...! જેમાંથી આજીવન તે સંબંધોનાં અખૂટ ખનિજ વાપર્યા જ કરે છે.
કુદરતી આપત્તિ કે મહામારી દરમ્યાન ખુલ્લા હાથે દાન કરતાં આપણો હાથ સહેજ પણ કાંપતો નથી. કડક ટોસને ચામાં બોળીને ઢીલા કરીએ ને ઢીલી બ્રેડને કડક કરીને ચા સાથે ખાનારા આપણે ગુજરાતીઓ છીએ!

columnists gujarati mid day exclusive lifestyle news gujarati community news