ચા-કૉફીની પસંદગીથી શરૂ થતો આ વિચારપ્રવાહ આસ્થા, ધર્મના નામે થતા દુરુપયોગ, સંબંધોમાં ઘટતો સ્વાર્થત્યાગ અને સોશિયલ મીડિયાથી વધતી અફવાઓ સુધી પહોંચે છે. લેખ માણસાઈ, સંવાદ અને સાચા માર્ગદર્શનનું મહત્ત્વ સમજાવે છે.
મિડ-ડે
જેમને કૉફી ફાવતી હોય ને ભાવતી હોય એવા ઘણા લોકોએ જિંદગીમાં ચાનો સ્વાદ માણ્યો નથી હોતો. ચા પીનારો ક્યારેક કૉફી પી લે, પણ કૉફી પીનારાને ચા માફક નથી આવતી. ચા હોય કે કૉફી, સુસ્તી ઉડાડવા માટે અને રીફ્રેશ થવા માટે કંઈક હોવું જોઈએ. કેટલાક લોકો ચા, કૉફી કે ઉકાળો કશું જ નથી પીતા. ચાના રસિયાઓ આવી વ્યક્તિઓને જુએ ત્યારે અચરજ પામે છે. સંન્યાસીને ઉદ્દેશીને ભાર્ગવ ઠાકર જે કહે છે એવું ચા-કૉફીના રસિયાઓને કહી ન શકાય...
નથી સંયમ, નિખાલસતા,
અલખનો રંગ પણ ક્યાં છે?
તો ભગવાં કેમ છે પહેરણ?
બધું મિથ્યા છે, છોડી દે
કેટલાક લોકો સાધુના વેશમાં સંસારી જ હોય છે. ડેરા સચ્ચા સોદાના મુખિયા ગુરમીત રામ રહીમ સિંહ બળાત્કારના આરોપમાં વર્ષોથી જેલની અંદર છે. આ બાબા પર ઈશ્વરની મહેરબાની છે કે નહીં એની ખબર નથી, પણ અદાલતની ચોક્કસ મહેરબાની છે. અત્યાર સુધી આ ગુનેગારને ૧૭ વાર પરોલ મળી છે. એ પણ બે-પાંચ દિવસ નહીં; ક્યારેક ૪૦ દિવસ તો ક્યારેક ૩૦ દિવસ. પહોંચેલી માયાઓ શું કરી શકે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. ૧૬૦૦ કરોડથી વધારે સંપત્તિ ધરાવતા આ બાબા જૂની રંગભૂમિનું પ્રખ્યાત ગીત યાદ કરાવે
છે : ‘ધનવાન જીવન માણે છે.’ શેખાદમ આબુવાલા મોગલ બાદશાહની મિસાલ આપીને વાત કરે છે...
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે
રામ રહીમના ૧૦૦ એકરમાં ફેલાયેલા મુખ્યાલયમાં સીક્રેટ ગુફા મળી આવી હતી જે વિમેન્સ હૉસ્ટેલ સાથે જોડાયેલી હતી. આ ગુફાનો ઉપયોગ કાળાં કામો માટે થતો હતો. જે ધર્મગુરુનું કામ ઈશ્વર સુધી લઈ જતો માર્ગ બતાવવાનું હોય તે સમાજને ગેરમાર્ગે દોરતો થઈ જાય ત્યારે સૌથી વધારે નુકસાન કરે છે. લોકો ધર્મ પાસે આસ્થા લઈને જાય છે અને એના બદલામાં તેમને આઘાત મળે છે. ગૌરાંગ ઠાકર જિંદગીને જીવવાનો સાચો રસ્તો બતાવે છે...
ફક્ત જાગી જા, ત્યાગ રહેવા દે
તું બધે તારો ભાગ રહેવા દે
તું હૃદયથી જ કામ લઈ લે બસ
ચાહવામાં દિમાગ રહેવા દે
ચાહવામાં ગણિત ન હોય. જિંદગીમાં સ્નેહનો સરવાળો કરવો હોય તો સ્વાર્થની બાદબાકી કરવી પડે. જતું કરવાની ભાવનાને હવે લોકો નબળાઈ ગણવા લાગ્યા છે. એને કારણે જ કુટુંબો તૂટી રહ્યાં છે. લોકોને શૉર્ટ ટર્મ ગેઇન દેખાય છે પણ લૉન્ગ ટર્મ લૉસ દેખાતો નથી. માણસો સમયાંતરે સંબંધોની વ્યાખ્યાઓ પોતાને માફક આવે એમ બદલતા રહે છે. શ્યામ સાધુ લખે છે...
પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છે
રહેવા દે ફૂલોની વાત, રઘવાયો છે
માણસભીની મહેક નથી પણ અફવાઓ છે
માણસ, માણસ વચ્ચે માણસ ખોવાયો છે
અફવાઓનું જોર સોશ્યલ મીડિયાને કારણે વધી રહ્યું છે. રાતોરાત દેખાવ કરનારાઓ ક્યાંથી ઊભા થઈ જાય છે ભગવાન જાણે. આંદોલનકારીઓમાં પણ એક નિશ્ચિત પૅટર્ન જોવા મળે છે. આંદોલનના મુદ્દાઓ બદલતા રહો અને સરકારને પાડવાનો પ્રયત્ન કરતા રહો. શાંતિપૂર્ણ પ્રદર્શનના નામે અશાંતિપૂર્ણ માહોલ સર્જવાનો નવો અને ખતરનાક બિઝનેસ શરૂ થઈ ચૂક્યો છે. સમસ્યાઓ ઉકેલવા કરતાં નવી સમસ્યાઓ સર્જવાનો હેતુ એમાં છુપાયેલો જોવા મળે છે. કહેવાતા બુદ્ધિવાદીઓ આમાં જોડાઈને હવનમાં ઘી રેડતા જાય છે. સંવાદલક્ષી નેતૃત્વની જગ્યા વિવાદલક્ષી નેતૃત્વ લઈ રહ્યું છે. રઈશ મનીઆર સાચો માર્ગદર્શક કેવો હોવો જોઈએ એની સમજણ આપે છે...
છાતીમાં જેના આગ છે, એને હવા ન દે
રહેવા દે દર્દ દર્દને, ભળતી દવા ન દે
પાણી જે માગે એને કશું પણ ભલે ન આપ
પાણી જે માગે એને કદી ઝાંઝવાં ન દે
લાસ્ટ લાઇન
એક કપ કૉફી અને તાજી હવા દે
કાં મને રાજીખુશીથી તું જવા દે
જો તને ગમતું નથી તો શું કરું હું
સૂર્યના કિરણ મને તો વાંચવા દે
આપણે બેઠા રહીએ વૃક્ષ નીચે
ચાલ આજે પંખીઓને બોલવા દે
પાન લીલાં તોડવાનો શોખ રાખે
કોણ એને આંગણામાં આવવા દે?
શું લખ્યું છે પાંદડાની કોર પર તેં
બે જ અક્ષર હું કહું છું વાંચવા દે
રોજ તારી વાત હું તો સાંભળું છું
તું મને ક્યારેક તો કૈં બોલવા દે
હું તને તારાં જ ત્યાં દર્શન કરાવું
આ હૃદયને એટલું તો ખોલવા દે
- દિનેશ કાનાણી, રાજકોટ