16 November, 2025 05:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
વ્યાવહારિક જીવનમાં જાતજાતના અને ભાતભાતના પ્રસંગોમાંથી આપણે પસાર થતા હોઈએ છીએ. જન્મથી માંડીને મૃત્યુ પર્યંતની અનેક ઘટનાઓ વિશે ચોક્કસ કાયદાઓ નથી હોતા. સ્થળ-કાળના સંદર્ભમાં રીતરિવાજો હોય છે અને આ રીતરિવાજો પ્રદેશના શિક્ષણ, સંસ્કાર, ઇતિહાસ અને ભૂગોળ પર આધારિત હોય છે. આ ઉપરાંત કેટલીક ધાર્મિક અવધારણાઓ પણ રીતરિવાજો પેદા કરે છે. આ રીતરિવાજોનું પ્રાધાન્ય સામાન્ય નથી હોતું. સરકારી કાયદાઓ કરતાંય અલિખિત રીતરિવાજો વધુ બળકટ હોય છે.
બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસે વિધાતા લેખ લખવા આવે છે એ એક ધાર્મિક કહી શકાય એવી માન્યતા છે. આ છઠ્ઠીના લેખથી માંડીને મૃત્યુ પછીના તેરમા દિવસે સરવણી જેવી અંતિમક્રિયા પણ થાય છે. આ બધા વિશે કોઈ તર્કબદ્ધ દલીલો થતી હોતી નથી. એ માત્ર થાય છે અને એ બધું આપણે કરવાનું હોય છે. ધારો કે કોઈ આવી કોઈ માન્યતાનો સ્વીકાર ન કરે અને આવા રીતરિવાજોનું અનુસરણ ન કરે તો કોઈ આભ નથી તૂટી પડતું, પણ આવા રીતરિવાજો શરૂ થાય એ વ્યાવહારિક જરૂરિયાતો છે. દાખલા તરીકે મૃત્યુ પછીના દિવસથી જે રોકકળ થતી હતી એ હવે વ્યાવહારિક નથી રહી. હવે ઘણા દસકાઓથી પ્રાર્થનાસભાના નામે સાદડીની પ્રથા અમલમાં આવી છે. એ ક્યારે અને કોણે શરૂ કરી એ આપણે કોઈ જાણતા નથી. આમ છતાં શહેરોમાં જે ધમાલભર્યું જીવન છે એને ધ્યાનમાં લેતાં આવી પ્રથા સગવડભરી છે અને પરસ્પર સાંત્વન આપવું એ જ તો એનો ઉદ્દેશ છે.
આજના સંદર્ભમાં લગ્નપ્રથા વિશે થોડો વિચાર કરવા જેવો છે. થોડાક દસકાઓ પહેલાં વરપક્ષ જાન જોડીને કન્યાના માંડવે જતો, કન્યાપક્ષે એનો સત્કાર થતો, બબ્બે દિવસ સુધી લગ્નવિધિ ચાલતી, જાન રોકાતી, સમી સાંજે એટલે ગોરજટાણે લગ્નવિધિની જે માંડવામાં શરૂઆત થતી એ પૂરી રાત ચાલતી અને વહેલી સવારે આકાશમાં વરકન્યા અરુંધતી તારાનાં દર્શન કરે એ પછી જ લગ્ન સમાપ્ત થયેલાં ગણાતાં. લગ્ન સમાપ્ત થાય એટલે તરત જ કન્યાવિદાય નહોતી થતી. અહીં હરખ-જમણ અને વરોંઠી જેવા જમણવાર થતા. (અહીં ગોરજ અને હરખ-જમણ કે વરોંઠી જેવા શબ્દો નવી પેઢીને નહીં સમજાય. સંધ્યાટાણે ગાયો સીમમાંથી ચરીને ગામને પાદર આવે ત્યારે જે ધૂળ ઊડતી એ ધૂળ એટલે કે રજ વાતાવરણમાં ભળી જતી. ગાયોની રજથી પવિત્ર થયેલા વાતાવરણમાં વરકન્યા લગ્નબંધનથી બંધાય એ ગોરજટાણું કહેવાતું. વરકન્યાના અન્ય સ્નેહીજનો વધારાના આનંદ તરીકે પોતાના તરફથી જમણવાર કરાવે એને હરખ જમણ કે વરોંઠી કહેવાય.)
હવે આ નવી પ્રથા જુઓ
આજે લગ્ન એક દિવસનાં થયાં છે. આ લગ્ન કન્યાના માંડવે નથી થતાં, પણ ડેસ્ટિનેશન મૅરેજ તરીકે ઓળખવામાં આવે છે. આ ડેસ્ટિનેશન મૅરેજ ક્યાં હોય એ કોઈ જાણતું ન હોય. વર-કન્યાના કુટુંબીજનો કે સ્વયં વર-કન્યા દુનિયાભરમાંથી કોઈ પણ સ્થળ પસંદ કરી લે છે. એ કોઈ ગામ હોય, રિસૉર્ટ હોય કે પછી વિદેશનું કોઈક સહેલાણી મથક પણ હોય. વધુમાં વધુ ધન કઈ રીતે પ્રદર્શિત કરવું એની જાણે અબોલ સ્પર્ધા થતી હોય એવું પણ દેખાય. જ્યાં વૈદિક લગ્નવિધિ કોઈ જાણતું પણ ન હોય, આવી કોઈ વિધિ થતી પણ ન હોય. માત્ર સાંકેતિક અર્થમાં સપ્તપદી અને ચોરી આ બધું થાય, પણ સપ્તપદીનો કોઈ એક અક્ષર પણ જાણતું નથી.
આ બધા વચ્ચે થોડાંક વર્ષોથી પ્રી-વેડિંગ ફોટોગ્રાફીના નામે ઓળખાતી એક પ્રથા દાખલ થઈ ચૂકી છે. કંકોતરી, લગ્નગીતો આ બધું તો બદલાય અને બદલાતું રહે, એનો સામાજિક સ્વીકાર પણ થતો રહે; પણ આ જે પ્રી-વેડિંગ ફોટોગ્રાફી નામનું ચલણ દાખલ થયું છે એના વિશે સામાજિક સ્તરે સાંસ્કારિક માણસોએ આપણી સાંસ્કૃતિક પરંપરા અનુસાર થોડોક ફેરવિચાર કરવાની જરૂર છે.
અહીં સુધી ઠીક છે
જમાનો જેમ-જેમ બદલાતો જાય એમ-એમ અવનવા રિવાજો આપમેળે આવી જાય છે. પહેલાં વર-કન્યા પરસ્પરને લગ્નપૂર્વે મળી પણ ન શકતાં. આજે એ ચાલે છે. આપણે એનો સ્વીકાર કરીએ છીએ. બન્ને વચ્ચે પરિચય થાય અને પરસ્પર ઓળખી શકે એ ભાવિ લગ્નજીવનમાં ઉપયોગી પણ થાય. (જોકે આમાં જોખમ છે, પણ આવાં જોખમ તો જીવનવ્યવહારમાં આપણે ડગલે ને પગલે ક્યાં નથી લેવાં પડતાં.) આ બધામાં આ પ્રી-વેડિંગ ફોટોગ્રાફી એક ભારે જોખમી જ નહીં પણ સંસ્કૃતિહીન ચાલચલગત પ્રવેશી ગઈ છે. જે કન્યાને અન્ય પુરુષના હાથમાં થોડા દિવસ પછી સોંપવાની છે અને એ પણ વૈદિક વિધિ અનુસાર તે કન્યાને કોઈ પણ વિધિવિધાન વિના ફોટોગ્રાફીના નામે કોઈ જંગલમાં, રિસૉર્ટમાં કે કોઈ એકાંત સ્થળે સોંપી દેવી એ કેટલું નીતિપૂર્વક છે એ કન્યાનાં માતા-પિતાએ ઘરના હીંચકે બેસીને શાંતિથી વિચારી લેવા જેવું છે.
આ ફોટોગ્રાફી સામાન્ય ફોટોગ્રાફી નથી હોતી એ આપણે સૌ જાણીએ છીએ. કન્યાનાં જે અંગોને અત્યાર સુધી આપણે પવિત્ર કહ્યાં છે એ અંગોને આજની ક્ષણે પરપુરુષ કહેવાય એવા યુવાનને એકાંતમાં સોંપી દેવાં એ કેટલી હદે સાંસ્કૃતિક ગણાય? અહીં કન્યા સુધ્ધાં માનસિક રીતે વિચલિત થાય તો એમાં તેનો પણ શું વાંક છે? આટલું અધૂરું હોય એમ આ ફોટોગ્રાફ્સ વડીલોને દેખાડવામાં આવે છે અને એ સાથે જ એને અન્ય સ્વજનો જોઈ શકે એ માટે સત્કાર સમારંભ કે મંડપમાં પ્રદર્શિત પણ કરવામાં આવે છે. આને આધુનિક સામાજિક લક્ષણ ગણાવવામાં આવે છે.
આધુનિકતા ખરી, પણ સંસ્કૃતિનું શું?
પ્રી-વેડિંગના નામે આજે કેટલીક વ્યાવહારિક છૂટછાટો આપણે સ્વીકારવી જોઈએ. વર-કન્યા પરસ્પર મળતાં હોય એને સ્વાભાવિક લક્ષણ કહીએ, પણ આ પ્રી-વેડિંગ ફોટોગ્રાફ પછી આ લક્ષણને આપણે ક્યાં સુધી લંબાવી શકીએ? આ સંસ્કાર, માનસિકતા, સુચારુ સામાજિક વ્યવસ્થા અને શૈક્ષણિક શિસ્ત આ બધા માટે જરૂરી છે. છોકરો અને છોકરી, પછી તે વર-કન્યા હોય કે ન હોય તો પણ મળે-હળે અને પરસ્પરથી ડર ન રાખે એવી શિસ્ત નિર્માણ થાય એ તંદુરસ્ત છે. આપણે આપણી ભાવિ પેઢીઓમાં આવી કોઈક તંદુરસ્તી વારસાગત રીતે આપીએ, પણ આ પ્રી-વેડિંગ ફોટોગ્રાફી વિશે તો જરૂર હીંચકે બેસીને વિચારજો.