હું કદી ફિલ્મોમાં નહીં જાઉં એમ કહેનાર પંડિત ચતુર્ભુજ રાઠોડના ત્રણ પુત્રોએ હિન્દી ફિલ્મ-સંગીતમાં મોટું યોગદાન આ

03 August, 2026 02:34 PM IST  |  Mumbai | Rajani Mehta

તેમના ઘરે પૂરણપોળીની સાથે સુનાલીના હાથની બનાવેલી સ્વાદિષ્ટ દાળના સબડકા લેતા અમે અતીતની કુંજગલીઓમાં લટાર મારતા હતા ત્યારે જામનગરનો પ્રસંગ શૅર કરતાં રૂપકુમાર કહે છે...

પંડિત ચતુર્ભુજ રાઠોડ સાથે તબલા પર શ્રવણ રાઠોડ અને સંતૂર પર રૂપકુમાર રાઠોડ.

‘મારા આશીર્વાદ છે કે તું મુંબઈ જઈને ખૂબ પ્રગતિ કરે, પણ મને એક વચન આપ કે તું કદ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં નહીં જાય.’

ગુરુના ચરણસ્પર્શ કરતા હોનહાર શિષ્યએ વચન આપ્યું, ‘હું કદી એ ઇન્ડસ્ટ્રી તરફ નજર પણ નહીં કરું.’

આમ કહેતી વખતે શિષ્યને એ વાતનો અંદેશો નહોતો કે તેમના એક નહીં, બે નહીં, ૩ પુત્રો હિન્દી ફિલ્મ-સંગીતના ક્ષેત્રે મોટું નામ કમાશે. જામનગર રેલવે-સ્ટેશન પર શિષ્યને વિદાય આપવા આવેલ ગુરુનું નામ હતું બળદેવ જયશંકર ભટ્ટ અને શિષ્ય હતા ચતુર્ભુજ રાઠોડ જેમના ૩ પુત્રો શ્રવણ રાઠોડ, રૂપકુમાર રાઠોડ અને વિનોદ રાઠોડે હિન્દી
ફિલ્મ-સંગીતમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.

રૂપકુમાર રાઠોડ સાથે મારો લોહીનો નહીં પણ લયનો સંબંધ છે. એ સંબંધની શરૂઆત થઈ ૧૯૭૯માં જ્યારે મારા ઘરે સંગીતની એક મહેફિલમાં ૧૯ વર્ષના રૂપકુમાર રાઠોડની ગાયકીનો પરિચય થયો. આ પહેલાં હું તેમને કદી મળ્યો નહોતો. એ મહેફિલ વહેલી સવાર સુધી ચાલી અને ગુલામ અલી, મેહંદી હસનની ગઝલો ઉપરાંત પારંપરિક ગુજરાતી લોકગીતો અને ભજનની સુમધુર બંદિશ સાંભળીને દિલ તરબતર થઈ ગયું. એ દિવસથી કેવળ હું નહીં, ભાઈ (મારા પિતા) સહિત સમગ્ર પરિવાર રૂપકુમારની ગાયકીનો કાયલ થઈ ગયો. ઈશ્વરકૃપાએ આજની તારીખમાં પણ એ મૈત્રીની સુગંધ એટલી જ તરોતાજા છે. એટલું જ નહીં, રાઠોડ અને મહેતા પરિવાર ‘હમ પંછી એક ડાલ કે’ની જેમ ‘મિલે સૂર મેરા તુમ્હારા, તો સૂર બને હમારા’ની જેમ એક જ વેવલેન્ગ્થ પર જીવે છે.

તેમના ઘરે પૂરણપોળીની સાથે સુનાલીના હાથની બનાવેલી સ્વાદિષ્ટ દાળના સબડકા લેતા અમે અતીતની કુંજગલીઓમાં લટાર મારતા હતા ત્યારે જામનગરનો પ્રસંગ શૅર કરતાં રૂપકુમાર કહે છે...

મારા દાદી ચંપા રાઠોડ ક્લાસિકલ લોકગીત ગાતાં. પિતાજીને સંગીતમાં નહીં, કુસ્તીમાં રસ હતો. મોટા ભાગનો સમય તે અખાડામાં વિતાવે. ચિંતાતુર દાદીને તેમની સહેલીએ સલાહ આપી કે પુત્રને જામનગર આદિત્ય સંગીત વિદ્યાલયમાં તાલીમ લેવા મોકલી આપ. એટલે ૧૫ વર્ષની ઉંમરે પિતાજીને દાદીમાએ બળજબરીથી રાજસ્થાનના સિરોહી ગામથી ગુજરાત જામનગર મોકલ્યા.

ત્યાં તો પૂરો સમય ગુરુની સેવા કરવા ઉપરાંત કપડાં ધોવાં, સાફસફાઈ કરવી, ગુરુની પગચંપી કરવી, જે આદેશ આપે એ સઘળાં કામ કરવાં પડે. આમ કરતાં ૬ મહિના નીકળી ગયા. સંગીતની તાલીમની કોઈ વાત નહીં. દરેક વિદ્યાર્થી સાથે ગુરુનો આવો જ વહેવાર એટલે એક-બે મહિના થાય અને વિદ્યાર્થી ઘરે જતો રહે. ૬ મહિના બાદ ગુરુ પ્રસન્ન થયા અને કિશોર ચતુર્ભુજ રાઠોડની તાલીમ શરૂ થઈ. બળદેવ ભટ્ટ ધ્રુપદ ધમાર ગાયકીના પંડિત હતા. આ ગાયકી એટલે Mother of all Gaayki જેમાંથી ખયાલ ઠૂમરી, ગીત, ગઝલ જેવી ગાયકીનો ઉદ્ભવ થયો. ધ્રુપદ એટલે ‘ધ્રુવ પદ’. આ ગાયકી ઠહેરાવની ગાયકી છે. એમાં કોઈ છૂટ ન લેવાય. ‘ધમાર’ એક તાલ છે.

લગભગ ૧૦ વર્ષ ‘ધ્રુપદ ધમાર’ ગાયકીની તાલીમ લઈને યુવાન ચતુર્ભુજ રાઠોડ સપનાંની નગરી મુંબઈ આવ્યા જ્યાં ‘રોટલો મળે પણ ઓટલો ન મળે’ એટલે ખૂબ મુશ્કેલીઓ ભોગવી. માધવબાગમાં ભજન-કીર્તનના કાર્યક્રમમાં જાય. પ્રસાદ મળે એટલે પેટપૂજા થાય અને આયોજકો સાથે ઓળખાણ થાય. એક રાતે ચોપાટી પર અનાયાસ મરાઠી સંગીતકાર દશરથ પૂજારી સાથે મુલાકાત થઈ. તેમની પ્રતિભા પારખીને દશરથ પૂજારીએ પોતાના ઘરે આશરો આપ્યો.

મુંબઈ આવીને ભજન, ગઝલ અને સુગમ સંગીતની બારીકીઓ હસ્તગત કરીને પિતાજીએ ટ્યુશન આપવાનું શરૂ કર્યું અને ભાયખલામાં સંગીતના ક્લાસ શરૂ કર્યા. મુંબઈની ફેલોશિપ સ્કૂલમાં સંગીત-શિક્ષક તરીકે નોકરી લીધી કારણ કે સંતાનો શ્રવણ, લલિતા, અમર, રૂપ, વિનોદ અને દિલીપના શિક્ષણનો ખર્ચ ન ઉઠાવવો પડે.

તેમનું ટ્યુશન લેતા અનેક વિદ્યાર્થીઓમાં કલ્યાણજીભાઈ, આણંદજીભાઈ, લક્ષ્મીકાન્ત, પ્યારેલાલ, વિજુ શાહ જેવા અનેક શિષ્યો હતા જે સૌએ ભવિષ્યમાં મોટું નામ કર્યું. પૃથ્વીરાજ કપૂરે તેમને પૃથ્વી થિયેટર્સમાં જોડાવાની ઑફર આપી, પણ ગુરુના વચનનો અનાદર થાય એટલે ના પાડી.

સંગીતકાર લક્ષ્મીકાંતની બે બહેનો પિતાજી પાસેથી તાલીમ લેતી હતી. તેમને મળવા એક વાર મેહબૂબ સ્ટુડિયો ગયા જ્યાં ફિલ્મ ‘સાધુ ઔર શૈતાન’નું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક રેકૉર્ડ થતું હતું. એમાં એક સંસ્કૃત શ્લોક ગાવાની લક્ષ્મીકાંતજીએ પિતાજીને વિનંતી કરી જે તેઓ ટાળી ન શક્યા. આમ પ્રથમ અને અંતિમ વાર તેમણે ફિલ્મ માટે પોતાનો સ્વર આપ્યો.

હું, રૂપકુમાર અને સુનાલી વાતો કરતાં હતાં અને વચ્ચે તેમની પુત્રી રીવા ટહુકો કરીને નવાઈ પામતી કહે, ‘ક્યારના એવી તે કઈ વાતો કરો છે જે ખૂટતી જ નથી.’ મેં કહ્યું, ‘જ્યારે માણસ અતીતની મનગમતી સ્મૃતિઓમાં ડૂબકી મારતો હોય છે ત્યારે સમય થંભી જાય છે.’

પિતા પંડિત ચતુર્ભુજ રાઠોડની યાદોને મમળવતાં રૂપકુમાર કહે છે...

નાનપણથી હું અને શ્રવણભાઈ પિતાજી સાથે તેમના કાર્યક્રમોમાં સંગત કરતા. હું તબલાં ઉપરાંત સંતૂર પણ વગાડતો હતો. એક વાર પિતાજીના શાગિર્દ કાકુભાઈ ઘાસવાલા અંધેરીમાં સત્ય સાંઈબાબા પાસે લઈ ગયા. અમે દૂર લોકોની ભીડમાં બેઠા હતા ત્યાં સત્ય સાંઈબાબા આવ્યા અને પિતાજીને કહે, ‘પંડિતજી, આપ યહાં ક્યૂં બૈઠે હો? આગે આઈએ ઔર ગાના સુનાઈએ.’ અમે એ પહેલાં કદી તેમને મળ્યા જ નહોતા. પિતાજીની ગાયકી સાંભળી તેઓ ખુશ થઈને કહે, ‘આપ બૅન્ગલોર આઈએ. તીનોં કા કાર્યક્ર્મ કરેંગે.’

અમે બૅન્ગલોર ગયા. કાર્યક્રમની શરૂઆતમાં મેં સંતૂર (solo performance) વગાડ્યું. ત્યાર બાદ પિતાજીએ ગાયકીની રજૂઆત કરી જેમાં શ્રવણભાઈએ તબલાં પર સંગત કરી. કાર્યક્રમ બાદ તેમના બંગલે લઈ ગયા. મને કહે, ‘તૂ કિતના દૂબલા-પતલા હૈ. કૈસે બજાએગા?’ કહેતાં મારા આખા શરીરે વિભૂતિ લગાડી. પિતાજીએ શ્રવણભાઈની ઓળખાણ આપતાં કહ્યું, ‘આ મારો મોટો પુત્ર છે. તેને સંગીતકાર બનવું છે.’ એ સાંભળીને સાંઈબાબા બોલ્યા, ‘અભી ટાઇમ હૈ. પાંચ સાલ લગેગા. તૂ અકેલા નહીં, જોડી મેં કામ કરેગા. જૈસે કલ્યાણજી–આણંદજી, લક્ષ્મીકાન્ત–પ્યારેલાલ હૈ ના? વૈસે.’

એ મુલાકાતના દિવસથી બરાબર પાંચ વર્ષ પછી ૧૯૭૫માં નદીમ-શ્રવણની પ્રથમ ફિલ્મ ‘સાઇકલ ચોર’નું (ભોજપુરી ભાષામાં) ગીત રેકૉર્ડ થયું. ત્યાર બાદ આવેલી ભોજપુરી ફિલ્મ ‘દંગલ’ સુપરહિટ થઈ. એ વખતે શ્રવણભાઈની ઉંમર હતી ૧૭-૧૮ વર્ષની. પછી તો ભોજપુરી ફિલ્મોમાં તેમનું નામ થઈ ગયું, પણ તેમની મંજિલ હતી હિન્દી ફિલ્મો જે માટે તેમણે લાંબો સંઘર્ષ કરવો પડ્યો.

તબલાવાદક તરીકે હું નાના-નાના કાર્યક્રમોમાં જતો. વિલ્સન કૉલેજની આર્ટ્સ ફૅકલ્ટીમાં ઍડ્મિશન લીધું. ક્લાસમાં ૪૦ છોકરીઓ વચ્ચે અમે બે છોકરા એટલે ખૂબ રૅગિંગ થતું. થાકીને પેલા છોકરાએ બીજી કૉલેજમાં ઍડ્મિશન લીધું. રહી ગયો હું એકલો. રૅગિંગથી બચવા ‘કૉલેજ જાઉં છું’ એમ કહીને ઘરેથી નીકળું અને ચોપાટી જઈને આંટા મારું. ત્યાં એક ઘોડાવાળા સાથે દોસ્તી થઈ. તેનો ઘોડો સાચવું. નાનાં બાળકોને હૉર્સરાઇડિંગ કરાવું અને હું પણ કરું.

કંટાળીને બે વર્ષ પછી કૉલેજ છોડી દીધી. એક દિવસ સિનિયર વાયોલિનિસ્ટ બાલ સાઠે ઘરે આવ્યા. કહે, ‘શ્રવણ ક્યાં છે? મારા શોમાં એક તબલાવાદકની જરૂર છે.’ મેં કહ્યું, ‘તે બહાર ગયા છે. હું આવું છું.’ કહે, ‘ચાલ ચાલ, જલદી ચાલ.’ એમ કહેતાં તે મને રૉબર્ટ મની હાઈ સ્કૂલમાં લઈ ગયા જ્યાં એક નૃત્યનાટિકાનું રિહર્સલ ચાલતું હતું. નાટકના મ્યુઝિક-ડિરેક્ટર હતા ઓમ મિત્રા. મારાં તબલાં સાંભળીને તે ખુશ થઈ ગયા અને કહે, ‘તું આજથી અમારા ગ્રુપમાં આવી જા.’

તેમના શોના રિહર્સલના ૮ કલાકના મને પાંચ રૂપિયા મળે એટલે બંદા રાજાપાઠમાં આવી જાય. ગ્રાન્ટ રોડની મઝદા હોટેલનું ખાવાનું મને ખૂબ ભાવે. હું રેગ્યુલર ત્યાં જાઉં. સાડાચાર રૂપિયાનું બિલ થાય. પચાસ પૈસા ટીપમાં આપું એટલે વેઇટર સલામ મારે.

‘રજનીભાઈ, વો ભી ક્યા દિન થે?’

આટલું કહેતાં રૂપકુમાર જીવનની પ્રથમ બાદશાહિયતના સુખને ફરી પાછું મમળાવે છે. સુખદ સ્મૃતિઓ આપણને બાળકના ગાભા જેવી ઉષ્મા આપે છે. આજની સરખામણીએ એ સુખ ભલે નાનું કહેવાય, પણ એની સંતૃપ્તિની માત્રા અદ્ભુત હોય છે.

એક કાર્યક્રમના ૮૦ રૂપિયા નક્કી થયા હોય, પણ પૂરા પૈસા કદી ન મળે; થોડા બાકી જ રહી જાય. પ્રોડ્યુસર કહે, ‘આપું છું, આપું છું, બીજા કાર્યક્રમમાં ઍડ્જસ્ટ કરી આપીશ.’ આવું ચાલ્યા કરે, પણ હું પૂરી ધગશથી કામ કરું. ગ્રુપમાં મરાઠી મ્યુઝિશ્યન્સ વધારે એટલે મરાઠી સંગીત, કોળી સંગીત, લાવણી અને બીજા સંગીતની જાણકારી મળતી ગઈ. એક દિવસ જયવંત કુલકર્ણી (મરાઠી સિંગર) સાથે મુલાકાત થઈ. મારા તબલાવાદનથી ખુશ થઈને તે પાંડુરંગ દીક્ષિત (મરાઠી ફિલ્મ ‘શિર્ડી કે સાંઈબાબા’ના સંગીતકાર) પાસે લઈ ગયા અને મને પ્રથમ વાર એક મરાઠી આલબમમાં કામ કરવાનો મોકો મળ્યો.

 તબલાવાદક તરીકે પંકજ ઉધાસ, તલત અઝીઝ, અનુપ જલોટા ઉપરાંત ટોચના આર્ટિસ્ટ સાથે સંગત કરનાર રૂપકુમાર રાઠોડ ટોચના પ્લેબૅક સિંગર કેવી રીતે બન્યા એ વાત આવતા રવિવારે.

rajani mehta columnists indian music indian classical music lifestyle news life and style