12 April, 2026 12:37 PM IST | Mumbai | Laxmi Vanita
બહુમુખી કલાકાર ઇન્દુ ઍન્ટની મેડિસિનની પ્રૅક્ટિસ સાથે ફોટોગ્રાફીનાં નાનાં-મોટાં અસાઇનમેન્ટ લેતાં હતાં. ધીરે-ધીરે મેડિકલ ફીલ્ડ છોડીને તેઓ ફુલટાઇમ આર્ટિસ્ટ બની ગયાં.
શહેરના રસ્તા, ચોક્કસ જાણીતાં સ્થળો અને આગવી લાક્ષણિકતા ધરાવતી ૧૩૭ જગ્યાઓની આગવી સુગંધને લૅબોરેટરીમાં ક્રીએટ કરી છે બૅન્ગલોરનાં બહુમુખી કલાકાર ઇન્દુ ઍન્ટનીએ. ભણતરથી ડૉક્ટર અને પૅશનથી કળાનો જીવ એવાં આ કલાકારે ફોટોગ્રાફી, વિડિયો આર્ટ, ઇન્સ્ટૉલેશન, પર્ફોર્મન્સ અને સુગંધ-બેઝ્ડ નવી જ કળાને એક્સપ્લોર કરી છે. સુગંધથી શહેરના ખૂણેખૂણાને સંવેદવાની આ કલા અને કલાકાર વિશે જાણીએ
આપણે મુંબઈમાં ટ્રેનમાં કે હાઇવે પર સફર કરતા હોઈએ ત્યારે અચાનક પાર્લે-જીના બિસ્કિટની મીઠી સુગંધ આવતાં જ કેવી રીતે ખબર પડી જાય કે વિલે પાર્લે આવ્યું? અચાનક નાક પર કપડું મૂકી દેવાનું મન થાય એવી તીવ્ર કચરાની સ્મેલ આવે એટલે સમજી જવાય કે મહાલક્ષ્મીનું ડમ્પિંગ યાર્ડ આવ્યું. આમ દરેક શહેરના દરેક વિસ્તારની આગવી સુગંધ હોય છે. બૅન્ગલોરના વિસ્તારોની આવી જ સ્મેલની અનુભૂતિને બાટલીમાં કેદ કરીને ઘેરબેઠાં એનો અનુભવ કરાવે છે ઇન્દુ ઍન્ટની. મૂળ ડૉક્ટરનું ભણેલાં પરંતુ કલાનો જીવ એવાં ઇન્દુ ઍન્ટની કઈ રીતે આ સુગંધની આર્ટ સાથે જોડાયાં એની કહાણી રસપ્રદ છે.
ફોટોગ્રાફીમાં અવૉર્ડ–વિનિંગ વર્ક: ઇન્દુ ઍન્ટનીની પહેલી ફોટોગ્રાફી બુક ‘Why Can’t Bras Have Buttons?’ને ૨૦૨૨માં Artist Book of the Yearનો અવૉર્ડ મળ્યો હતો અને એ આંતરરાષ્ટ્રીય ફોટોબુક અવૉર્ડ્સ માટે શૉર્ટલિસ્ટ પણ થઈ હતી. ઉપરાંત તેમને ફોટોગ્રાફી માટે Toto Funds the Arts (TFA) અવૉર્ડ તેમ જ Public Art Grant (FICA) જેવી પ્રતિષ્ઠિત માન્યતાઓ પણ પ્રાપ્ત થઈ છે જે તેમની બહુમુખી અને પ્રયોગાત્મક કલાત્મક સફરને વધુ મજબૂત બનાવે છે.
ઘણાં ઘરોમાં સપનાંઓ પૅશનથી નહીં, પ્રૅક્ટિકલ વિચારોથી શરૂ થાય છે. સૌથી પહેલાં પસંદ થાય છે મેડિસિન, એન્જિનિયરિંગ, ફાઇનૅન્સ જેવા સેફ પ્રોફેશન કારણ કે એ સ્થિરતા, માન અને પરિવારને નિશ્ચિંતતા આપે છે. ઘણી વખત આ પસંદગી સંપૂર્ણપણે પોતાની નથી હોતી, પરંતુ પરિવારની અપેક્ષાઓ અને વાસ્તવિકતાની ભાવનાથી બનેલી હોય છે. સમય સાથે અંદર જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને પોતાની ઓળખ શોધવાનો એક અલગ અવાજ આવે છે. જે શરૂઆતમાં માત્ર શોખ હોય છે એ ધીમે-ધીમે પોતાની ઓળખ બની જાય છે. લાંબા અભ્યાસ પછી હાથમાં લેવાયેલો કૅમેરા કે ખાલી સમયમાં કરેલી કલા એક દિવસ જીવનનો માર્ગ બની જાય છે અને પછી એક ક્ષણે લોકો એ સુરક્ષિત અને જાણીતા રસ્તાથી થોડું દૂર વળી જાય છે અનિશ્ચિત હોવા છતાં, પોતાના દિલની નજીક એવા કલાના માર્ગ પર આગળ વધવા માટે. આવી જ કહાની છે દુબઈમાં ઊછરેલાં અને બૅન્ગલોરમાં સ્થાયી થયેલાં બહુમુખી કલાકાર ઇન્દુ ઍન્ટનીની જેમણે ફોટોગ્રાફી, વિડિયો આર્ટ, ઇન્સ્ટૉલેશન, પર્ફોર્મન્સ, સુગંધ આધારિત કલા, પ્રિન્ટમેકિંગ અને સમુદાય આધારિત કલામાં પોતાની રચનાત્મકતા દર્શાવી છે. જોકે તેમની ખાસિયત એ છે કે તેમણે બૅન્ગલોર શહેરના આત્માના ભૂતકાળ અને વર્તમાનને સુગંધમાં કેદ કરીને લોકોને એ સમયની યાદો તાજી કરાવી છે.
ઇન્દુ ઍન્ટનીની Olfactory art એ એવી અનોખી કલા છે જેમાં તેઓ સુગંધનો ઉપયોગ કરીને યાદો, લાગણીઓ અને જગ્યાના અનુભવોને વ્યક્ત કરે છે. જેમ પેઇન્ટિંગમાં રંગ હોય છે કે સંગીતમાં અવાજ એવી જ રીતે સુગંધ પણ એક માધ્યમ છે. ટૂંકમાં, આ કલાકારની olfactory art એ સુગંધ દ્વારા વાર્તા કહેવાની કલા છે જે દર્શકને માત્ર જોવામાં નહીં પરંતુ અનુભવમાં સાથે જોડે છે.
કોરોના બન્યો પ્રેરણા
શહેરની સુગંધને કેદ કરવાની વ્યક્તિગત પ્રેરણા પર વાત કરતાં ઇન્દુ ઍન્ટની કહે છે, ‘કોરોના દરમ્યાન લોકો સુગંધ અને સ્વાદ ખોઈ રહ્યા હતા. મારી બહેન એક વર્ષ સુધી કોઈ પણ વસ્તુની સુગંધ કરવાની ક્ષમતા ખોઈ બેસી હતી. તેના જીવન પર એની કેવી અસર થઈ એનું મેં બહુ નજીકથી નિરીક્ષણ કર્યું છે. આ શહેરમાં બહુ જ બદલાવ આવ્યો છે. હું થોડા મહિનાઓ શહેરની બહાર જઈને પાછી આવું ત્યારે ફરી કોઈ નવો બદલાવ જોવા મળે છે. શહેરને કેવી રીતે અનોખી ઢબે અનુભવ કરી શકાય એ દિશામાં હું વિચારતી હતી. અહીં વિવિધ સુગંધો છે. બૅન્ગલોર દરિયાઈ શહેર નથી કે તમને અહીં દરિયાકિનારે આવતી રેતીની સુગંધ આવે. બૅન્ગલોરની સુગંધને કેદ કરવાના પ્રોજેક્ટમાં અમને સાડાત્રણ વર્ષ લાગ્યાં છે. એને ડૉક્યુમેન્ટેશન સ્વરૂપે ‘Vāsné’ (કન્નડ ભાષામાં એનો અર્થ ‘સુગંધ’ થાય છે) નામની બુક તરીકે પ્રકાશિત કરી છે. શહેરની અમુક સુગંધ આજે પણ બરકરાર રહી છે, અમુક સુગંધ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ છે અને અમુકમાં ભેળસેળ થઈ રહી છે કારણ કે કોઈ ને કોઈ કન્સ્ટ્રક્શનનું કામ થઈ રહ્યું છે. અયંગર બેકરીની સ્પન્જ કેકથી લઈને ચર્ચ સ્ટ્રીટ પર આવતી સિગારેટની સુગંધ, ચીકપેટ ફૂલમાર્કેટથી લઈને બેલાંદુર લેકની સુગંધ - શક્ય એટલી સુગંધોને કેદ કરવાનું કામ કર્યું છે. બુકમાં સુગંધની સાથે એની યાદો પણ લખેલી છે એટલે લોકો વાંચીને સુગંધને રિલેટ કરી શકે છે.’
Namma Katte એ ઇન્દુ ઍન્ટની અને અન્ય બે કલાકારો દ્વારા શરૂ કરાયેલો એક અનોખો સમુદાય આધારિત આર્ટ પ્રોજેક્ટ છે જે ખાસ કરીને મહિલાઓ માટે સુરક્ષિત અને ખુલ્લું જાહેર સ્થળ બનાવવાનો પ્રયત્ન કરે છે. Namma Katteનો અર્થ અમારી જગ્યા એવો થાય છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે મહિલાઓ જાહેર સ્થળોનો વધુ આત્મવિશ્વાસ સાથે ઉપયોગ કરી શકે. એવી જગ્યા જ્યાં તેઓ કંઈ પણ કર્યા વગર આરામથી બેસી શકે, વાતચીત કરી શકે અને પોતાનો સમય પસાર કરી શકે.
વિડિયો જોઈને કે વાંચીને બૅન્ગલોરને સુગંધથી અનુભવવાનું કામ મને અશક્ય લાગે છે એમ જણાવતાં ઇન્દુ ઍન્ટની કહે છે, ‘તમારે સ્ટુડિયોમાં આવવું પડે અને અહીં થોડો સમય વિતાવવો પડે. માત્ર સુગંધથી જ નહીં, અન્ય માધ્યમોનો અનુભવ પણ કરી શકશો. આ સ્ટુડિયોમાં ૪ કલાકારો છે અને તેમની અલગ જ આવડત છે. જે લોકો ક્યારેય બૅન્ગલોર નથી આવ્યા તેઓ આ અનુભવ કેવી રીતે કરી શકે? તો જ્યારે બૅન્ગલોરમાં પગ મૂક્યો જ છે તો એના અમુક ખૂબ જાણીતા વિસ્તારોમાં લટાર મારી આવો. અહીંના વિવિધ રસ્તાઓ, ખૂણાઓ અને જાણીતાં સ્થળો એમ બધું મળીને અંદાજે ૧૩૭ જગ્યાઓની સુગંધને કેદ કરી છે. લોકો સુગંધથી તરત જ ભૂતકાળની યાદોમાં કે ટાઇમ મશીનની જેમ એ જગ્યા પર હોવાનો અનુભવ કરે છે. મારા સ્ટુડિયોની નજીક જ અયંગર બેકરી છે એટલે જ્યારે પણ તમે ત્યાંથી પસાર થાઓ ત્યારે મોંમાં પાણી આવી જાય. શહેરની ગલીઓમાં કે ખૂણાઓમાં જ્યાંથી તમે અનેક વાર પસાર થયા હો અને એની સુગંધ આવે તો તમને તમારા મૂળનો અહેસાસ થાય છે. આ પ્રોજેક્ટ અમુક ઇવેન્ટ્સનો હિસ્સો બન્યો છે જ્યાં લોકો આ શહેરની સુગંધનો અનુભવ કરી શકે છે. આ શહેરની સુગંધમાં અયંગર બેકરી કેક, ફિલ્ટર કૉફી, કર્ણાટકનો સાંભાર, કબન પાર્કમાં ઘાસ કપાતું હોવાની સુગંધ, ચર્ચ સ્ટ્રીટ પર સિગારેટનાં ઠૂંઠાંની સુગંધ, બ્રુઇંગ બિઅરની સુગંધ, મૈસૂર સૅન્ડલવુડના સાબુની સુગંધ, બગીચામાં ખીલતાં ફૂલોની સુગંધ સાથે કચરાની ગંધ પણ સામેલ છે. અત્યારે હું સ્ટોરેજ કેવી સુગંધ આપે એના પર કામ કરી રહી છું. જ્યારે કોઈ અસાઇનમેન્ટ પર કામ ન કરતી હોઉં ત્યારે હું માર્કેટમાં નવી સુગંધની શોધમાં લટાર મારવા નીકળી પડું છું. પછી સ્ટુડિયોમાં આવીને અમારી લૅબમાં સુગંધ બનાવવા પર કામ કરું છું. મારી બે બિલાડીઓ ઘરે મારી રાહ જોતી હોય છે એટલે કામ પૂરું થાય એટલે ઘરે જાઉં છું.’
એક ઇવેન્ટમાં પ્રોજેક્ટ Vāsané દ્વારા સંગ્રહ કરવામાં આવેલી સુગંધોનો લોકો અનુભવ કરી રહ્યા છે. આ સુગંધમાં અયંગર બેકરી કેક, ફિલ્ટર કૉફી, કર્ણાટકનો સાંભાર, કબન પાર્કમાં ઘાસ કપાતું હોવાની સુગંધ, ચર્ચ સ્ટ્રીટ પર સિગારેટનાં ઠૂંઠાંની સુગંધ, બ્રુઇંગ બિઅરની સુગંધ, મૈસૂર સૅન્ડલવુડના સાબુની સુગંધ, બગીચામાં ખીલતાં ફૂલોની સુગંધ સાથે કચરાની ગંધ પણ સામેલ છે.
દુબઈથી બૅન્ગલોર સુધીની સફર
ભારતીય ટેક્સટાઇલથી પ્રભાવિત તેમની ફૅશન-સ્ટાઇલ અને આંખોના જાડા કાજલથી લોકોને પ્રભાવિત કરતાં ઇન્દુ ઍન્ટની કહે છે, ‘મારા કાજલ વિશે મને અવારનવાર સવાલ પૂછવામાં આવે છે. ત્યારે હું રમૂજ સાથે હસતાં-હસતાં લોકોને કહું છું કે એ અમુક પુરુષોને ડરાવવા માટે છે. મેં ૧૦ વર્ષ સુધી ભરતનાટ્યમની પ્રૅક્ટિસ કરી છે એટલે ત્યારથી જ કાજલ મારી સાથે રહી ગયું છે અને મારી ફૅશન ભારતીય મૂળ સાથે જોડાયેલી છે. મારી દુબઈથી બૅન્ગલોર સુધીની સફરની વાત કરું તો હું મોટી થઈ રહી હતી ત્યારે ડૉક્ટર કે એન્જિનિયર સિવાય ખાસ જાણીતા વ્યવસાયો નહોતા. મારા પેરન્ટ્સ ઇચ્છતા હતા કે ઘરમાં કોઈ ડૉક્ટર બને અને હું ભણવામાં સારી હતી. સ્કૂલટાઇમથી જ હું ડ્રૉઇંગ, પેઇન્ટિંગ કે આર્ટને લગતી પ્રવૃત્તિઓમાં ભાગ લેતી અને ઇનામ પણ લાવતી. એ સમયે કલા એક વ્યવસાય હોઈ શકે એવી જાગૃતિ પણ નહોતી. હું જે વાતાવરણમાં મોટી થઈ ત્યાં પરિવાર જ તમારો મિત્ર અને માર્ગદર્શક હોય એટલે માર્ગદર્શનમાં પણ પરંપરાગત વિકલ્પો જ મળે. મારી સ્કૂલની પરીક્ષાઓ પૂરી કરીને ૨૦૦૨માં હું બૅન્ગલોર મેડિસિન ભણવા આવી ગઈ. અહીં મેં પહેલી વખત આઝાદીનો સ્વાદ ચાખ્યો એટલે કે હું જાતે નિર્ણયો લેતાં શીખી, જાતે વિચારતાં શીખી જેને કારણે મને મારા જીવનની દિશાનો પણ ખ્યાલ આવ્યો. અહીંની જાણીતી ચિત્રકલા પરિષદમાં પણ ગઈ. મારી આસપાસ ઘણુંબધું થઈ રહ્યું હતું. એમ છતાં મેં મારું એજ્યુકેશન પૂરું કર્યું. મેડિસિન ભણ્યા બાદ પરિવારમાં એમ કહીએ કે મારે ફોટોગ્રાફીમાં કારકિર્દી બનાવવી છે તો એ પરિસ્થિતિ સંભાળવી સરળ નહોતી. મારા માટે પરિવારને મનાવવો બહુ મોટો પડકાર હતો. મેં અચાનક જ મેડિસિન છોડીને કૅમેરા પકડી લીધો એવું નથી. મેડિસિનની પ્રૅક્ટિસ સાથે ફોટોગ્રાફીનાં નાનાં-મોટાં અસાઇનમેન્ટ લેતી હતી. ધીરે-ધીરે મેડિકલ છોડીને હું ફુલ-ટાઇમ આર્ટિસ્ટ બની છું.’