પીઠ પર દસ-પંદર કિલોનું વજન એક વાર જેમતેમ કરીને ઊંચકી લેવાય, પણ સ્વજનનું એક મહેણું અકલ્પનીય ભાર ઊભો કરી શકે. છાતીમાં શબ્દો ભોંકાય ત્યારે લોહી નથી નીકળતું. આપણે બોલીએ ત્યારે મોઢે ગળણી નથી બાંધતા એટલે ન બોલવાનું બોલાઈ જાય.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
કેટલાક લોકોને વાતે-વાતે ઓછું આવી જાય. સામેનો માણસ કઈ સ્થિતિમાં છે એનો વિચાર કર્યા વિના પોતાને
અપેક્ષિત પ્રતિસાદ ન મળે તો ખોટું લાગી જાય. શૅરબજારમાં ગળાબૂડ થયેલા માણસને ચાલુ કામકાજમાં તમારી કબજિયાતના ઉતારચડાવ વિશે વાત કરો તો સ્વાભાવિક છે કે તે શૅરના ઉતારચડાવને જ પ્રાધાન્ય આપવાનું પસંદ કરે. નાટકમાં સરસ દૃશ્ય ભજવાતું હોય અને તમે મિત્રને ફોન કરીને સુરતની ઘારીનું પછી શું થયું એવું પૂછો એ ન ચાલે. રાજ લખતરવી સ્વાવલોકન કરવાનું કહે છે...
જરા જેટલી વાત ભારે પડી છે
ફૂલોથી મુલાકાત ભારે પડી છે
કદી બોજ લાગ્યો બીજાનો વધારે
કદી આપણી જાત ભારે પડી છે
પીઠ પર દસ-પંદર કિલોનું વજન એક વાર જેમતેમ કરીને ઊંચકી લેવાય, પણ સ્વજનનું એક મહેણું અકલ્પનીય ભાર ઊભો કરી શકે. છાતીમાં શબ્દો ભોંકાય ત્યારે લોહી નથી નીકળતું. આપણે બોલીએ ત્યારે મોઢે ગળણી નથી બાંધતા એટલે ન બોલવાનું બોલાઈ જાય. જીભેથી લપસી પડતા શબ્દોથી લાપસી રંધાતી નથી અને છોગામાં કારેલાનો સ્વાદ ઘર કરી જાય. બિનિતા પુરોહિત વિસ્મયથી પૂછે છે...
એક રઝળતી ક્ષણ મને વળગી પડી
છે ટચૂકડી તોય બહુ અઘરી પડી
લીલ તો પથ્થર ઉપર બાઝી પડે
રેત પરથી શી રીતે લપસી પડી?
કેળાની છાલ પરથી લપસવાના દિવસો ગયા. હવે પ્લાસ્ટિકની ત્યક્તા થેલી કે આડેધડ ફેંકાયેલા ગ્લૉસી રૅપર્સને કારણે લપસી જવાય છે. એનાથી વિશેષ આપણે ત્યાંની ફુટપાથ ડગલે ને પગલે ચડતીપડતીનો અનુભવ કરાવવામાં માહેર છે. સિત્તેરની ઉંમરના વર સાથે સત્તર વરસની કન્યા પરણે તો કજોડું બને. કંઈક એવું જ કજોડું ફુટપાથના પેવર બ્લૉક્સ ને એની ઉપરનાં ગટરનાં ઢાંકણાં સર્જે છે. મનમેળ પણ ન હોય ને તનમેળ તો તસુભારેય ન હોય. ફુટપાથને જીભ નથી હોતી છતાં એ છાનુંછપનું બોલતી જ હોય છેઃ ચાલવામાં ધ્યાન રાખ, નહીંતર તારાં હાડકાં ખોખરાં કરી નાખીશ. ચિંતકોએ કીધું છે કે જિંદગી ચાલવાનું નામ છે, પણ ચાલવાની રીતરસમ ખોરવાય તો મોંઘું પડી જાય. ભારતમાં ફુગાવાનો દર અંકુશમાં છે, પણ રશીદ મીર અન્ય મોંઘવારીની વાત કરે છે.
જીવવા-મરવાની ખુદ્દારી બહુ મોંઘી પડી
જિંદગી સાથે વફાદારી બહુ મોંઘી પડી
કેટલા પોકળ ખુલાસા તે પછી કરવા પડ્યા
તારા પ્રત્યેની તરફદારી બહુ મોંઘી પડી
અત્યારે તો ભારતને અમેરિકાની ટૅરિફ નીતિ મોંઘી પડી રહી છે. અમેરિકામાં થતી ભારતીય નિકાસને ફટકો પડ્યો છે. ઉદ્યોગોએ નિકાસ માટે હવે યુરોપની બજાર તરફ નજર દોડાવી છે. ટૂંકા ગાળાના આઘાતો અર્થતંત્રમાં ઍબ્સૉર્બ થઈ જાય પણ લાંબા ગાળા માટે અસરકારક આયોજના કરવી પડે. બરાક ઓબામાના સમયગાળામાં અમેરિકા સાથેના સંબંધોમાં ઉષ્માસભર ઉમેરો થયો હતો. ટ્રમ્પ-1 સમયગાળામાં પણ એ યથાવત રહ્યો, પણ હવેનો માહોલ જુદો છે. ભાવિન ગોપાણીની ફરિયાદમાં આપણે પણ જોડાઈએ...
બે ઘડી ઓછી પડી, આખી સદી ઓછી પડી
જીવવા બેઠા એ સૌને જિંદગી ઓછી પડી
મેં ઘણા ઉત્સાહ સાથે ફૂલ આપ્યું જેમને
એમને એ ફૂલમાં પણ પાંખડી ઓછી પડી
આમ તો જીવનનો વ્યાપ સમજવા માટે એક જનમ ઓછો પડે. જેમ-જેમ કુદરતની કરામતનો પરિચય થતો રહે એમ-એમ થાય કે આપણે કેટલું બધું જોવાનું, જાણવાનું, સમજવાનું બાકી છે. ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મેલો કોઈ છોકરો વીસ વર્ષે વર્લ્ડ ટૂર કરવાની શરૂઆત કરે અને એંસી વર્ષે સમાપન કરે તોય તેનું ઘણુંબધું જોવાનું બાકી રહી જાય. સવાલ માત્ર પૈસાનો નથી હોતો, પરિવાર, સંજોગો વગેરે અનેક પરિબળો અસર કરતાં હોય છે. પંકજ વખારિયા એક તારણ રજૂ કરે છે...
તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શક્તું
પડી રહ્યા છે પતંગો પવન નથી એથી
પડી છે સંપદા ભીતરમાં પણ, ધરા ઉજ્જડ
નથી ખણકતા ખજાના ખનન નથી એથી
લાસ્ટ લાઇન
એક અલ્લડ છોકરી માફક ભલે વળગી પડી
દુર્દશા! આમાં ખરેખર તું સ્વયં ખુલ્લી પડી
ભૂખ પણ નાખી ગઈ છેલ્લે હવનમાં હાડકાં
પગ ઉપાડ્યો ને અચાનક પેટમાં આંટી પડી
કંઠમાં અટકી ગયો ડૂમો નકામી જીદ લઈ
આમ આખી પ્રાર્થનાની યોજના ઊંધી પડી
જિંદગી સાથે મફતમાં સ્વપ્ન લઈ આવ્યો હતો
પણ મને તો એ ખરીદી આખરે મોંઘી પડી
સાંજ પડશે એટલે આવી જશે નક્કી ‘પવન’
સાંજ પડતાં તો પડી, પણ ધારણા ખોટી પડી
- ભરત ભટ્ટ ‘પવન’