નકામાં બની ગયેલાં પશુઓને રસ્તે રઝળતાં મૂકવાને બદલે નંદીરથમાં જોડો

29 March, 2026 06:03 PM IST  |  Mumbai | Rashmin Shah

ઇલેક્ટ્રિસિટી જનરેટ કરતો નંદીરથ બનાવીને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પોલીસ-ઑફિસર શૈલેન્દ્ર સિંહનું માનવું છે કે નંદીરથ માત્ર પશુઓને જ નહીં, એ ખેડૂતોને પણ કામ લાગશે જે આર્થિક સંકડામણને કારણે ખોટા રસ્તે વળી પોતાની જિંદગી બરબાદ કરે છે

શૈલેન્દ્ર સિંહે બનાવેલું બળદ સંચાલિત પાવરહાઉસ નંદીરથ અને નંદીરથથી વીજળી જનરેટ થઈ શકે છે જે ઇલેક્ટ્રિક ગ્રિડ થકી સંઘરી પણ શકાય છે.

દિવસ આખો અને ચોવીસે કલાક આરોપી, ગુનેગાર અને મારધાડ વચ્ચે સમય પસાર કરનારા માણસના જીવનમાં એક ક્ષણ એવી આવે કે રાતોરાત તેની કમરેથી બેલ્ટ, છાતી પરથી સ્ટાર્સ અને સર્વિસ-ગન આપી દેવાં પડે અને તે માણસ મનથી સાવ એકલો પડી જાય. એકલા પડ્યા પછી જીવનથી હારીને કે મનોમન છાજિયાં લેવાને બદલે તે માણસ હવે ક્રાન્તિ સર્જવાના રસ્તે ચાલે છે અને રખડતાં કે નકામાં અને છૂટાં મૂકી દેવાયેલાં ઢોરનો એવો ઉપયોગ શોધે છે જે જાણીને દુનિયા આખીની આંખોમાં અચરજનું આંજળ અંજાઈ જાય છે.

આપણે વાત કરીએ છીએ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ શૈલેન્દ્ર સિંહ અને તેમની ક્રાન્તિકારી શોધ નંદીરથની. શૈલેન્દ્ર સિંહે બળદ સંચાલિત એવું પાવરહાઉસ બનાવ્યું છે જે સરળ અને સહજ રીતે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી આપે છે. આ નાના પાવરહાઉસને તેમણે નંદીરથ નામ આપ્યું છે. શૈલેન્દ્ર સિંહ કહે છે, ‘નંદી મહાદેવનો સાથી છે. મહાદેવ પોતે મહા-દેવ છે ત્યારે તેમના સાથી પણ એવા જ પાવરફુલ હોય. આવા ભાવથી મેં મારા આ સંશોધનને નંદીરથ નામ આપ્યું છે.’

નંદીરથની કાર્યપ્રણાલી સમજવા જેવી છે. નંદીરથ એક સુધારેલા બળદગાડા જેવો દેખાય છે જેમાં બળદ એક ઢોળાવવાળા રૅમ્પ અથવા ટ્રેડમિલ જેવા મેકૅનિઝમ પર ચાલે છે. બળદના ચાલવાથી ગિયરબૉક્સ ફરે છે, જે મોટર અને અલ્ટરનેટર સાથે જોડાયેલું હોય છે. આ પ્રક્રિયા દ્વારા યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે. નંદીરથમાં એક ખાસ પ્રકારના ગિયરબૉક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગિયરબૉક્સ ૧પ૦૦ RPM (રેવલ્યુશન પર મિનિટ) પેદા કરવાની ક્ષમતા ધરાવે છે જે કોઈ પણ સામાન્ય અલ્ટરનેટરને વીજળી ઉત્પન્ન કરવા માટે પૂરતું છે. હાલમાં નંદીરથ દ્વારા એક કલાકમાં પાંચ કિલોવૉટ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે જેને ભવિષ્યમાં વધારીને ૧૦ કિલોવૉટ સુધી લઈ જવાની તેમની યોજના છે. શૈલેન્દ્ર સિંહ કહે છે, ‘નંદીરથના મુખ્ય બે ફાયદા છે. પહેલો એ કે ખેતીકામમાંથી નિવૃત્ત થઈ ગયેલો બળદ કે વસૂકી ગયેલી ગાયને નંદીરથમાં જોડી શકાય છે. આર્થિક રીતે આવાં ઢોરને રાખવાં ખેડૂતોને પોસાતું નથી પણ જો એ જ ઢોર થકી ઇન્કમ કે ઘરના લાભનું કામ થતું હોય તો તેમને એ રાખવામાં વાંધો પણ નથી. નંદીરથથી થતો બીજો મોટો લાભ, ખેડૂત વીજળી ઉત્પન્ન કરીને વધારાની આવક ઊભી કરી શકે છે. પશુસંરક્ષણ દ્વારા સામાજિક અને ઇલેક્ટ્રિસિટી દ્વારા આર્થિક એમ બબ્બે ફાયદાઓ હોવાથી નંદીરથની ડિમાન્ડ વધી શકે છે.’

શૈલેન્દ્ર સિંહે ઉત્તર પ્રદેશના લખનઉ પાસે આવેલા પોતાના ફાર્મહાઉસ પર નંદીરથ નામની આ ક્રાન્તિકારી સિસ્ટમ લગાડી છે અને ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટ પાસે સબસિડીની માગ કરી છે જેથી આ ટેક્નૉલૉજી મૅક્સિમમ ખેડૂતો સુધી પહોંચાડી શકાય. શૈલેન્દ્રસિંહને પૂરો વિશ્વાસ છે કે ઉત્તર પ્રદેશની યોગી ગવર્નમેન્ટ તેમને સાથ આપશે અને વિશ્વાસ હોય પણ શું કામ નહીં, આ જ તો યોગી ગવર્નમેન્ટ છે જેમણે શૈલેન્દ્ર સિંહ પર લાગેલા આરોપો પડતા મૂક્યા હતા.

પોલીસ સુપરિન્ટેન્ડન્ટ પર આરોપ?

હા, જે જાણવા આપણે થોડું રિવાઇન્ડ થઈને શૈલેન્દ્ર સિંહના ભૂતકાળમાં જવું પડશે.

સિંહ, પોલીસ-ઑફિસર

અત્યારે રૂરલ ટેક્નૉલૉજી પર ઍક્ટિવ થઈને નિતનવા સંશોધન પર લાગેલા શૈલેન્દ્ર સિંહ એક તેજતર્રાર ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ હતા. આખું ઉત્તર પ્રદેશ ધ્રૂજી ગયું જ્યારે તેમણે માફિયા ડૉન મુખ્તાર અન્સારીની અરેસ્ટ કરી, મુખ્તાર પાસેથી આર્મીમૅન વાપરે એ લાઇટ મશીનગન જપ્ત કરી. વાત છે ૨૦૦૪ની. એ સમયે ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવની સરકાર હતી. યાદવ સરકાર તરફથી શૈલેન્દ્ર સિંહ પર એ સ્તર પર પ્રેશર વધી ગયું કે શાંતિથી જૉબ કરી, રાજ્યને શાંતિ આપવાનું શૈલેન્દ્ર સિંહનું સપનું કડડડભૂસ થઈ ગયું.

મુખ્તાર અન્સારીને છોડવા માટે તેમના પર જાતજાતનું પ્રેશર આવ્યું, જે એ સ્તર પર વજનદાર હતું કે શૈલેન્દ્રસિંહે પોતે જૉબ છોડી દીધી. પણ હા, તેમણે અન્સારીને છોડ્યો નહીં. પોલીસ પલટનમાંથી રાજીનામું આપ્યા પછી તે પૉલિટિક્સમાં એન્ટર થયા. તેમને કૉન્ગ્રેસે ટિકિટ આપી, પણ વિધાનસભા ઇલેક્શનમાં સિંહ હારી ગયા અને તેમણે રાજકારણને પણ અલવિદા કહી ફાર્મહાઉસ પર શાંતિથી જીવન પસાર કરવાનું શરૂ કર્યું. જોકે એ શાંતિ તેમણે ટેક્નૉલૉજીને ડેવલપ કરવામાં ખર્ચી. ઍનીવેઝ, આપણે ફરી વાત કરીએ માફિયા મુખ્તાર અન્સારીની.

બે હજારના એ દશકમાં મુખ્તારના નામના ઉત્તર પ્રદેશમાં સિક્કા પડતા હતા. સમાજવાદી પાર્ટીના બારેય હાથ મુખ્તાર પર એટલે મુખ્તારનો કોઈ વાળ પણ વાંકો નહોતો કરી શકતું. ચાલીસથી વધુ મર્ડર, પચાસથી વધુ રમખાણો અને અન્ય સોથી વધુ કેસોના આરોપ તેના પર લાગ્યા હોવા છતાં મુખ્તાર છૂટથી ફરતો. અરે, ઘણા કિસ્સામાં તો ખુદ પોલીસના પ્રોટેક્શન વચ્ચે તે સમાજવાદી પાર્ટીના કાર્યક્રમો પર જતો.

૨૦૦૪ના જાન્યુઆરીની વાત છે. એ સમયે શૈલેન્દ્ર સિંહ વારાણસીની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના ઇન્ચાર્જ હતા અને ફોન ઇન્ટરસેપ્ટ એટલે કે રેકૉર્ડ કરતાં તેમને માહિતી મળી કે આર્મીના એક ભાગેડુ સૈનિક પાસેથી મુખ્તાર લાઇટ મશીનગન ખરીદવાનો છે, જે ગનનો ઉપયોગ મુખ્તાર તેના વિરોધી એવા BJPના નેતા કૃષ્ણાનંદ રાય પર હુમલો કરવા માટે વાપરવાનો હતો. શૈલેન્દ્ર સિંહે પ્લાનિંગ સાથે આખી ગેમ ગોઠવી અને મશીનગન લઈને આવેલા આર્મીના ભાગેડુ સૈનિક અને મુખ્તાર અન્સારીની અરેસ્ટ કરી એટલું જ નહીં, મુખ્તાર સામે પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ ઍક્ટનો ગુનો પણ દાખલ કર્યો. મુલાયમ સિંહ યાદવની સરકારમાં કોઈ મુખ્તાર સામે આ સ્તર પર કડક થઈ શકે એ વિચારવું પણ અઘરું હતું ત્યારે શૈલેન્દ્ર સિંહે તો કોઈના બાપની સાડીબારી રાખ્યા વિના આ બધાં સ્ટેપ લઈ લીધાં હતાં.

પત્યું.

શરૂઆતમાં શૈલેન્દ્ર સિંહને સમજાવવામાં આવ્યા કે મુખ્તારનું નામ આ કેસમાંથી કાઢવામાં આવે, પણ સિંહ માન્યા નહીં એટલે તેમની તાત્કાલિક ટ્રાન્સફર કરવામાં આવી અને એટલું જ નહીં, ટ્રાન્સફર પછી પણ તેમને એટલા હેરાન કરવામાં આવ્યા કે શૈલેન્દ્ર સિંહે માત્ર પંદર દિવસમાં પોલીસ-પલટનમાંથી રાજીનામું આપી દીધું.

વાત અહીં જ પૂરી નહોતી થતી.

૨૦૦૪થી ૨૦૨૧ સુધીનો સમયગાળો શૈલેન્દ્ર સિંહ માટે અતિશય કષ્ટદાયી રહ્યો. તેમના પર ખોટા કેસ કરવામાં આવ્યા, તેમણે જેલમાં જવું પડ્યું. તે જ્યાં પણ જૉબ મેળવતા ત્યાંથી તેમને બે-ત્રણ મહિનામાં રાજીનામું આપી દેવું પડતું. વાઇફ ટીચર હતાં એટલે તેની આવક પર ગુજરાન ચાલતું રહ્યું.

રાજકારણથી દુખી થયેલા શૈલેન્દ્ર સિંહ પર હેરાનગતિ વધી ત્યારે તેમણે પણ રાજકારણનો આશરો લઈને એ સમયની સમાજવાદી પાર્ટીની વિરોધી એવી કૉન્ગ્રેસ જૉઇન કરી. કૉન્ગ્રેસે શૈલેન્દ્ર સિંહને RTI ટાસ્ક ફોર્સના અધ્યક્ષ બનાવ્યા અને ૨૦૦૯ની લોકસભા ઇલેક્શનમાં ચંદૌલી બેઠક પરથી ટિકિટ પણ આપી, પણ શૈલેન્દ્ર સિંહ ભૂંડી રીતે હાર્યા અને તેમણે રાજકારણને તિલાંજલિ આપી દીધી. છેક હમણાં પાંચ વર્ષ પહેલાં ૨૦૨૧માં એટલે કે ઘટનાનાં ૧૭ વર્ષ પછી યોગી આદિત્યનાથની સરકારે શૈલેન્દ્ર સિંહ પર થયેલા એ તમામ રાજકારણ-પ્રેરિત કેસો પાછા ખેંચ્યા, તેમના સરકારી હક-હિસ્સા આપ્યા.

શૈલેન્દ્ર સિંહ માને છે કે આ તેમના પર થયેલો એક બહુ મોટો ઉપકાર છે. શૈલેન્દ્ર સિંહ કહે છે, ‘મને મળેલા એ હક-હિસ્સામાં ખેતીની જમીનનો પણ સમાવેશ હતો. હવે મને એક મકસદ મળી ગઈ અને હું ખેતીની દિશામાં આગળ વધ્યો. પોલીસ ડિપાર્ટમેન્ટનો મારો અનુભવ કહે છે કે માફિયાગીરી તરફ એ જ વળે છે જેની આજીવિકા હોતી નથી. ઉત્તર પ્રદેશના માફિયાઓમાંથી મોટા ભાગના માફિયા ખેતી સાથે જોડાયેલા હતા, પણ ખેતીમાં આધુનિકતાનો અભાવ અને સુવિધાઓની તંગી વચ્ચે તે ખેતી છોડીને ખોટા રસ્તે ચડી ગયા અને બદનામ થયા. મને થયું કે મારે ખેતીની દિશામાં એવું કંઈક કામ કરવું જોઈએ જેથી ખેતી સાથે સંકળાયેલા લોકો આત્મનિર્ભર બને.’


નંદીરથથી પેદા થતા પાવરથી બોરવેલમાંથી પાણી કાઢવા જેવાં કામો સરળતાથી થઈ શકે છે .

શૈલેન્દ્ર સિંહે એ દિશામાં કામ કર્યુ અને કામનું પરિણામ આવ્યું, નંદીરથના સ્વરૂપે. શૈલેન્દ્ર સિંહ કહે છે, ‘મને ખાતરી છે કે યોગી ગવર્નમેન્ટમાં નંદીરથ પર સબસિડી મળશે, જેને કારણે નંદીરથ બધાને પરવડશે. નંદીરથમાં એક વાર રોકાણ કર્યા પછી ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ શૂન્ય થઈ જાય છે. ઘણા બળદના ખર્ચને ગણતરીમાં લે છે પણ એ બળદનો ખોરાક તો ખેતરમાંથી જ મળી રહેવાનો છે.’

ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોને જે ઇલેક્ટ્રિસિટી મુદ્દે માનસિક નિરાંત છે એવું ઉત્તર પ્રદેશમાં હજી થયું નથી. પરિણામે ગામડાંઓમાં વારંવાર પાવરકટની સમસ્યા રહે છે. નંદીરથ થકી ખેડૂતો ઘર કે ખેતર પૂરતી વીજળી ઉત્પન્ન કરી શકે છે. શૈલેન્દ્ર સિંહ કહે છે, ‘જો ગૌશાળા નંદીરથ અપનાવી લે તો એ વીજળી વેચીને સ્વનિર્ભર થઈ શકે છે અને ગાયોની કતલ પણ અટકી શકે છે.’

નંદીરથ પારાવાર ઉપયોગી હોઈ શકે છે પણ નંદીરથ માટે કેટલાક પ્રશ્નો પણ જન્મ્યા છે. એમાંથી યક્ષ પ્રશ્ન એ છે કે એક બળદ પાસે સતત કેટલા કલાક સુધી કામ કરાવી શકાય અને શું નંદીરથથી બળદના સ્વાસ્થ્ય પર આડઅસર જોવા નહીં મળે? આ સિવાય પણ એક પ્રશ્ન એ પણ જન્મ્યો છે કે ગિયરબૉક્સ અને અલ્ટરનેટર જેવી ટેક્નિકલ વસ્તુઓ મેઇન્ટેનન્સ-ફ્રી રહી શકે કે નહીં? શૈલેન્દ્ર સિંહ પાસે એના જવાબો છે પણ એ જવાબોમાં પડવાને બદલે શૈલેન્દ્ર સિંહ કહે છે, ‘એક વાર નંદીરથ જુઓ અને સમજો. દૂર બેસીને પ્રશ્નો ઊભા કરવા કરતાં અનુભવ લઈને બોલવું કે પૂછવું વધારે હિતાવહ છે.’

શૈલેન્દ્ર સિંહનો તર્ક એટલો જ વાજબી છે જેટલો તેમણે બનાવેલો નંદીરથ વાજબી છે.

columnists gujarati mid day lifestyle news life and style uttar pradesh Rashmin Shah