મ્યુચ્યુઅલ ફન્ડના યુનિટ્સ ભેટમાં આપવાનો રસ્તો ઘણો સહેલો અને ઉપયોગી છે

07 December, 2025 05:23 PM IST  |  Mumbai | Rajendra Bhatia

સૌથી પહેલાં તો એ જણાવવું રહ્યું કે મ્યુચ્યુઅલ ફન્ડના યુનિટ ગિફ્ટમાં આપવાનું ટ્રાન્સફર ઑફ યુનિટ્સની પ્રક્રિયા દ્વારા કાનૂની દૃષ્ટિએ માન્ય છે. અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયાએ તથા વિવિધ મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસિસે એને માન્યતા આપી છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

માત્ર ભારતમાં નહીં, સમગ્ર વિશ્વમાં ભેટસોગાદો આપવાની પ્રથા-પરંપરા છે. એમાં મનુષ્યની લાગણીઓનું ભાથું બંધાયેલું હોય છે. નાણાકીય દૃષ્ટિએ જોઈએ તો એને નાણાકીય આયોજન અને એસ્ટેટ પ્લાનિંગનો હિસ્સો પણ ગણી શકાય. લોકો સોનું, રોકડ કે પ્રૉપર્ટી સ્વરૂપે ગિફ્ટ આપતા આવ્યા છે પરંતુ હવે મ્યુચ્યુઅલ ફન્ડ મારફતે પણ સંપત્તિ ગિફ્ટ આપી શકાય છે. તમે તમારા પરિવારજનો, સ્વજનો કે બીજા કોઈને પણ મ્યુચ્યુઅલ ફન્ડના યુનિટ્સ ભેટ આપી શકો છો. એમાં અમુક લાભ પણ છે. 
સૌથી પહેલાં તો એ જણાવવું રહ્યું કે મ્યુચ્યુઅલ ફન્ડના યુનિટ ગિફ્ટમાં આપવાનું ટ્રાન્સફર ઑફ યુનિટ્સની પ્રક્રિયા દ્વારા કાનૂની દૃષ્ટિએ માન્ય છે. અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયાએ તથા વિવિધ મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસિસે એને માન્યતા આપી છે. હાલના યુનિટ બીજી વ્યક્તિના પોર્ટફોલિયોમાં ટ્રાન્સફર કરાવી શકાય છે. ઉપરાંત બીજી કોઈ વ્યક્તિના નામે પણ સીધું રોકાણ કરી શકાય છે. અહીં જરૂર માત્ર એટલી છે કે જેને ભેટ આપવાની હોય એ વ્યક્તિનું KYC થયેલું હોય. ગિફ્ટ આપનાર અને પ્રાપ્ત કરનાર બન્ને વ્યક્તિઓના પૅન-નંબર વૈધ હોવા જોઈએ. સગીર વયની વ્યક્તિના નામે પણ મ્યુચ્યુઅલ ફન્ડનો ફોલિયો શરૂ કરાવી શકાય છે. એમાં સગીર બાળક પ્રૌઢ થાય ત્યાં સુધી માતાપિતા કે વાલીને કસ્ટોડિયન રાખવામાં આવે છે. 
નાણાકીય આયોજનની દૃષ્ટિએ જોઈએ તો મ્યુચ્યુઅલ ફન્ડ ગિફ્ટમાં આપવાથી રોકાણની આદત કેળવાય છે. મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવાથી લાંબા ગાળે સંપત્તિસર્જન શક્ય બને છે. 
એસ્ટેટ પ્લાનિંગની દૃષ્ટિએ આ બાબત કેવી રીતે ઉપયોગી થાય છે એ જોઈ લઈએ. મ્યુચ્યુઅલ ફન્ડ ભેટમાં આપવાથી વ્યક્તિના પોતાના જીવનકાળ દરમિયાન જ સંપત્તિની વહેંચણી શક્ય બને છે. આ રીતે સરળ રીતે સંપત્તિની વહેંચણી થઈ જાય છે. વસિયતનામું બનાવવું અને નૉમિનેશન કરાવવું એની તુલનાએ આ રસ્તો ઘણો સહેલો છે. હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ માટે આ રીતે સંપત્તિની ટ્રાન્સફર કરવેરાની દૃષ્ટિએ પણ ઉપયોગી થાય છે. 
કરવેરાનો વિચાર કરીએ તો આવક વેરા ધારો, 1961 હેઠળ મ્યુચ્યુઅલ ફન્ડના યુનિટ ભેટમાં આપવામાં આવે તો એ પ્રાપ્ત કરનાર વ્યક્તિના હાથમાં મળતું મૂલ્ય કરમુક્ત હોય છે. આ ભેટ ધારાની કલમ 56(2)(એક્સ) હેઠળ સગા તરીકે જેમની ગણતરી થાય છે તેમની પાસેથી મળેલી હોવી જોઈએ. આ સગાંમાં માતાપિતા, ભાઈ-બહેનો, જીવનસાથી, સંતાનો અને સાસુ-સસરાનો  સમાવેશ થાય છે.
જેને ભેટ આપવામાં આવી હોય એ વ્યક્તિ સગાં ન હોય અને ભેટનું બજારમૂલ્ય ૫૦ હજાર રૂપિયા કરતાં વધારે હોય તો એ ભેટ પ્રાપ્તકર્તાના હાથમાં અન્ય સ્રોતમાંથી પ્રાપ્ત થયેલી આવક (ઇન્કમ ફ્રૉમ અધર સોર્સિસ) તરીકે કરપાત્ર બને છે. મ્યુચ્યુઅલ ફન્ડના યુનિટ ટ્રાન્સફર થયા બાદ રીડેમ્પ્શન વખતે જે કોઈ નફો થાય એ દાતાના હાથમાં નહીં, પરંતુ જેને ભેટ મળી હોય તેના હાથમાં કરપાત્ર બનશે. 
અહીં જણાવવું રહ્યું કે જો ઑનલાઇન પ્લૅટફૉર્મ મારફત અથવા રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયરીઝ મારફત આ પ્રક્રિયા કરવામાં આવે તો એ સંપૂર્ણપણે કાગળરહિત છે.

columnists finance news gujarati mid day exclusive mutual fund investment