13 April, 2026 05:27 PM IST | Mumbai | Varsha Chitaliya
મુંડન કરાવ્યા બાદ રામેશ્વરમમાં મનીષા ઠાઠાગર
દીકરીએ પૂછેલા આ સવાલના જવાબમાં વસઈમાં રહેતાં બાવન વર્ષનાં મનીષા ઠાઠાગરે કહેલું, અરે બાલ્ડ લુકમાં હું વધુ બ્યુટિફુલ લાગીશ. અને તિરુમાલાની આ વખતની ત્રીજી મુલાકાતમાં તેમણે આખરે મુંડન કરાવ્યું. જીવનમાં બનેલી બે આઘાતજનક ઘટનાએ તેમને એકલપંડે આધ્યાત્મિક યાત્રાઓ કરવા પ્રેરિત કર્યાં છે. હાલતાં-ચાલતાં તુલસીની માળા ફેરવતાં હોવાથી હંમેશ માટે પગરખાંનો ત્યાગ કરી દીધો છે. ભારતભરનાં મંદિરો જોવાની તેમની ઇચ્છા છે. દક્ષિણ ભારત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ અને કલકત્તાનાં ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ આવેલાં મનીષાબહેન આવતા મહિને જગન્નાથપુરી જવાનાં છે
સ્ત્રીની સુંદરતામાં લાંબા કાળા કેશનું અદકેરું મહત્ત્વ છે. કોઈ સ્ત્રી પોતાને વાળ વિના અરીસામાં જોવાનું પસંદ નથી કરતી. આજે પણ આપણા સમાજમાં સ્ત્રીઓ મુંડન કરાવે એ અશોભનીય લાગે છે. જોકે દક્ષિણ ભારતમાં તિરુમાલામાં ભગવાન વેન્કટેશને કેશદાન કરવાની પરંપરાને અનેક સ્ત્રીઓ અનુસરે છે. ત્યાં આ બાબતની નવાઈ નથી. જોકે આવી હિંમત કરનારી ગુજરાતી મહિલાઓ ઓછી જ હોય છે. વસઈનાં બાવન વર્ષનાં મનીષા ઠાઠાગર આવું સાહસ કરનારી મહિલાઓમાંનાં એક છે. તેમણે મુંડન કરાવ્યું અને સોશ્યલ મીડિયા પર એના ફોટો પણ શૅર કર્યા. ૨૦૨૩થી એકલાં આધ્યાત્મિક યાત્રાઓ કરતાં મનીષાબહેને સાડાત્રણ વર્ષથી પગરખાં નથી પહેર્યાં. જીવનમાં આવેલા બે ટર્નિંગ પૉઇન્ટે તેમની વિચારધારા અને લડાયક સ્વભાવનો ભાંગીને ભુક્કો કરી નાખ્યો. એવું તે શું થયું એ જાણીશું, પણ પહેલાં વાત કરીએ તિરુપતિ બાલાજીની યાત્રાની.
વાળ વગર કેવી લાગીશ?
ભૂતકાળમાં પતિ પંકજ ઠાઠાગર સાથે બે વાર તિરુપતિ બાલાજીની યાત્રા કરી આવેલાં મનીષાબહેનની કેશદાન કરવાની ઇચ્છા ત્રીજી વારમાં પૂરી થઈ. ૨૯ માર્ચે મુંબઈથી તિરુમાલા જવા નીકળ્યાં ત્યારથી તેમણે મનોમન નક્કી કર્યું હતું કે આ વખતે મુંડન કરાવીને જ આવીશ. તેમણે દીકરી-જમાઈ સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ ખરેખર મુંડન કરાવશે એવું તેમને નહોતું લાગતું. મનીષાબહેન કહે છે, ‘કેશદાન કરવાની છું એવું દીકરીને કહ્યું ત્યારે તે અચંબામાં પડી ગઈ : મમ્મી, વાળ વગર કેવી લાગીશ? અરે, હું બાલ્ડ લુકમાં વધુ બ્યુટિફુલ દેખાઈશ એવો જવાબ મેં આપ્યો હતો. દીકરીને કહી તો દીધું કે હું સુંદર લાગીશ,, પણ મનમાં શંકા થઈ. પતિના શબ્દો યાદ આવ્યા. તેમણે મુંડન કરાવ્યું હતું. એ વખતે મારી ઇચ્છા હતી, પણ તેમણે મજાક કરી કે ઘરડી થાય ત્યારે કરાવજે. તેમને મારા લાંબા વાળ ખૂબ ગમતા. બીજી વાર ગયા ત્યારે કુટુંબમાં લગ્નનો પ્રસંગ નજીક હોવાથી ટાળ્યું. હવે જીવનમાં આવાં કોઈ બંધન નથી અને સુંદરતાની પરિભાષા બદલાઈ ગઈ છે. લોકવાયકા અનુસાર મુંડન કરાવ્યા પછી જ્યાં સુધી બાલાજીનાં દર્શન ન કરો ત્યાં સુધી પોતાનો ચહેરો અરીસામાં ન જોવાય. સાંજે છ વાગ્યે વાળ ઊતરાવ્યા અને ૧૧ કલાક પછી બ્રહ્મમુહૂર્તમાં દર્શન કર્યાં. સુંદર વાળ ઘમંડનું પ્રતીક છે. ભગવાનના ચરણે કેશદાન કરો એટલે અભિમાન ઊતરી જાય. મેં જોયું કે કોઈને ફરક નથી પડતો, કોઈ આપણને ધ્યાનથી જોતું પણ નથી. સોશ્યલ મીડિયા પર ફોટો શૅર કર્યા. લોકોના ફોન આવવા લાગ્યા. બધાએ હિંમતની દાદ આપી અને વખાણ કર્યાં. ત્યાંથી મદુરાઈમાં મીનાક્ષી મંદિરમાં દર્શન કર્યાં અને રામેશ્વરમ જઈ આવી. પાંચમી એપ્રિલે મુંબઈ આવ્યા પછી અરીસામાં ધ્યાનથી ચહેરો જોયો. ગ્લો લાગે છે.’
પતિનો સાથ ગુમાવ્યો
શરૂઆતમાં આપણે વાત કરી કે મનીષાબહેનના જીવનમાં એવી ઘટનાઓ બની જેને કારણે તેઓ આધ્યાત્મિક યાત્રા તરફ વળ્યાં. પહેલી ઘટના બની કોરોનાકાળમાં. ઠાઠાગર દંપતીનું સુખી દામ્પત્યજીવન હતું. પંકજભાઈનો સ્વભાવ એકદમ શાંત અને મનીષાબહેન લડાયક મિજાજનાં. વિરોધાભાસ છતાં બન્નેને એકમેક માટે અતિશય લાગણી. સગાંસંબંધીઓ અને મિત્રોમાં લવબર્ડ્સ તરીકે લોકપ્રિય કપલ. ભારતમાં કોરોનાની એન્ટ્રી થઈ અને દીકરી કાજલ સાથેનો તેમનો હસતો-રમતો માળો વિખેરાઈ ગયો. પંકજભાઈની તબિયત લથડી. કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં હૉસ્પિટલમાં લઈ જવાયા. ૨૦૨૦ની ૨૬ ઑક્ટોબરે તેઓ અવસાન પામ્યા. મા-દીકરી પર આભ તૂટી પડ્યું. આ આઘાત પછી મનીષાબહેન શાંત થઈ ગયાં. એકલતા અને ડિપ્રેશનમાંથી બહાર નીકળવું અઘરું હતું.
હસબન્ડ પંકજ ઠાઠાગર અને દીકરી કાજલ સાથે
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય સમાજનાં મનીષાબહેન કહે છે, ‘માનસિક અને આર્થિક બન્ને રીતે ઝઝૂમી. આગળ શું કરવું છે એ સમજાતું નહોતું. કહે છે કે સમય દરેક જખમ ભરી દે છે. ધીમે-ધીમે જીવન થાળે પડવા લાગ્યું. ઑગસ્ટ ૨૦૨૨માં દીકરી માટે ચંપલ ન પહેરવાની માનતા લીધી. એ જ વર્ષમાં કાજલનાં લગ્નની જવાબદારી પૂરી કરી. દીકરીને પરણાવ્યા પછી ઘરમાં ગમતું નહોતું. ‘હર તીરથ બાર બાર, ગંગાસાગર એક બાર’. હસબન્ડે ગંગાસાગર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. દીકરીએ પપ્પાનું સપનું પૂરું કરી આવ કહીને એકલા આધ્યાત્મિક યાત્રા કરવા પ્રોત્સાહિત કરી. પહેલો પ્રવાસ મુશ્કેલ લાગ્યો. મુંબઈથી કલકત્તા, ત્યાંથી લોકલ ટ્રેનમાં કાકદ્વીપ. પછી નામખાનથી બોટ મળે. ત્યાંથી હાથરિક્ષા કરવાની. ગંગા નદીનો સાગર સાથે સંગમ થાય છે એટલે આ સ્થળને ગંગાસાગર કહેવાય છે. અદ્ભુત સ્થળ છે. અહીં કપિલમુનિનો આશ્રમ અને મહાપ્રભુજીની સુંદર બેઠકજી છે. મહાતીર્થમાં ઘાટ પર મનને શાંતિ મળી. અહીં રાત રોકાવાની ઇચ્છા હતી, પણ કોઈ રૂમ આપવા તૈયાર ન થયું. એકલી મહિલાને જોઈને બધા ના પાડી દેતા. છેલ્લી બોટ પકડીને અડધી રાત્રે કલકત્તા પાછી ફરી. ત્યારથી હસબન્ડની અધૂરી રહી ગયેલી યાત્રાઓ કરું છું.’
ગંગાસાગર ઘાટ પર
બે મહિના લાંબી સફર
યાત્રા દરમ્યાન અને રોજિંદા જીવનમાં મનીષાબહેન સતત તુલસીની માળા ફેરવે છે એટલે દીકરી માટે લીધેલી માનતા પૂરી થઈ ગઈ હોવા છતાં પગરખાં કાયમ માટે ત્યાગી દીધાં છે. ૨૦૨૩ના ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડનાં મંદિરોની યાત્રા કરી. બે મહિના લાંબા પ્રવાસમાં કાશી વિશ્વનાથ સહિત સેંકડો નાનાં-મોટાં મંદિરો જોયાં. બિહારના બોધગયા ખાતે પતિ પાછળ ધાર્મિક વિધિ કરાવી. તેઓ કહે છે, ‘ઝારખંડમાં શ્રી બંસીધરનગરની યાત્રા જીવનભરનું સંભારણું બની ગયું. લોકવાયકા મુજબ ૩૨ મણ સોનાની શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા પહાડમાંથી મળી છે. બાજુમાં અષ્ટધાતુની રાધાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી છે. કીમતી મૂર્તિઓ હોવા છતાં કોઈ સિક્યૉરિટી નહીં. પ્રભુની આવી લીલા જોઈને ભાવવિભોર થઈ ગઈ. બંસીધરનગર વારંવાર જવાનું મન થાય એવું સુંદર સ્થળ છે.’
મનીષાબહેનને શરૂઆતમાં હોટેલ શોધવામાં તકલીફ થતી. એકાદ કડવા અનુભવ પછી તેઓ ઘડાઈ ગયાં. હોટેલવાળા રૂમ આપવાની ના પાડે તો દીકરી-જમાઈને ફોન લગાવીને કૉન્ફિડન્સમાં લે. સ્થાનિકોની પાસેથી લોકવાયકા અને વાર્તાઓ સાંભળે. જમવામાં દાળ-ભાત મળે એટલે બસ, વધુ કોઈ ઇચ્છા નહીં. ગળામાં રુદ્રાક્ષ સ્ફટિકની માળા, હાથમાં તુલસીની માળા અને મુખમાં મંત્ર સાથે યાત્રાઓ ચાલતી રહી. હરિદ્વાર, હૃષીકેશ અને બીજી વાર ગંગાસાગર જઈ આવ્યાં. એકલતા અને એકાંત વચ્ચેના અંતરને સમજ્યા પછી યાત્રાઓમાં આનંદ આવવા લાગ્યો. સ્વભાવમાં પરિવર્તન આવ્યું. ગુસ્સા પર નિયંત્રણ રાખતાં શીખ્યાં. જોકે કિસ્મતને કંઈક જુદું જ મંજૂર હતું.
રામેશ્વરમમાં ધનુષકોડી પાસે
ટી-પાર્ટનરની શોધ
વ્યક્તિ ગમે એટલી યાત્રાઓ કરે, એક સમયે ઘરે આવવું જ પડે. મનીષાબહેનને ઘરમાં ગોઠતું નહીં. સાંજના સમયે પતિ સાથે બાલ્કનીમાં બેસીને ચા પીતાં એ બહુ યાદ આવે. એક વાર બીમાર પડી ગયાં. પરણેલી અને વર્કિંગ દીકરી કેટલું ધ્યાન રાખી શકે? કોઈ પણ ઉંમરે જીવનમાં એક સાથી જોઈએ. તેમના ચહેરાની ઉદાસી દીકરીથી છૂપી નહોતી. તેણે મમ્મીને ટી-પાર્ટનર શોધવાનું કહ્યું. દીકરીની વાતોને તેઓ હવામાં ઉડાવી દેતાં. જોકે દીકરીએ મમ્મીને સમજાવવાના પ્રયાસો ન છોડ્યા. આખરે મનીષાબહેનને ટી-પાર્ટનર મળ્યો. નવા જીવનની શરૂઆત થઈ ખરી, પણ બન્ને માટે પોતાના ગુમાવેલા જીવનસાથીને ભૂલવું મુશ્કેલ હતું. વિચારોનો મનમેળ ન પડતાં ૩ જ મહિનામાં સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. આ બીજો આઘાત હતો. મનીષાબહેન ફરી એકલાં પડી ગયાં. આધ્યાત્મિક જીવન તરફ વધુ વળ્યાં. દર મહિનાના પ્રથમ શનિવારે ગૌશાળામાં જાય છે. વજ્રેશ્વરી નજીક ગાયત્રી પરિવારના આશ્રમમાં દર અમાસે ગાયત્રી હવનમાં બેસવાનો નિયમ છે. હાલમાં તિરુમાલા, મદુરાઈ અને રામેશ્વરમની યાત્રા કરી આવ્યાં. આવતા મહિને જગન્નાથપુરી જવાનો પ્લાન છે. ખર્ચને પહોંચી વળવા કુરિયર સર્વિસની ઑફિસમાં કામ કરે છે.