31 May, 2026 01:49 PM IST | Mumbai | Dr. Dinkar Joshi
પ્રતીકાત્મક તસવીર
સાચું કહેજો હોં! ગઈ કાલે ઘરમાં કંઈક વાંધોવચકો પડી ગયો હોય, કોઈકે કંઈક જોયું હતું તો કોઈકે જે જોયું હતું એનો વળી બીજો જ અર્થ કરી નાખ્યો હોય. આવું ઘણી વાર બને છે. માત્ર ઘરમાં જ નહીં, સરકારી કચેરીઓમાં આપણો વટ-વ્યવહાર જ્યાં ચાલતો હોય એવી જગ્યાએ તો ઠીક, આપણે કે આપણા વટ-વ્યવહારની જેની સાથે કોઈ લેવાદેવા ન હોય એવી કેટલીયે વાતો દુનિયામાં બને છે જેને જોતાંવેંત આપણે મોટા ઉપાડે કહી દઈએ છીએ, ‘ના, આ વાત ખોટી છે કે પછી આ વાત જ સાચી છે.’
માણસ હજારો વર્ષોથી દુનિયામાં આ સાચું શું, આ ખોટું શું એની વાહિયાત ચર્ચા કર્યા જ કરે છે. કોઈને છાતી ઠોકીને એવું લાગ્યું જ નથી કે પોતે જે કહે છે એ જ અને માત્ર એ જ સત્ય છે અને આમ છતાં માણસ કોઈ પણ વાતમાં હંમેશાં કહ્યા કરતો હોય છે કે પોતે જે જોયું છે અને પોતે જે સમજ્યો છે એ જ વાત સાચી છે અને સામેવાળા એ વાતને જે રીતે ખોટી કહે છે એ વાતની તેને ખબર સુધ્ધાં નથી.
હં, તો વાત આમ છે. આપણે જે જોયું છે એ સાવ સાચું હોવાની આપણને ગળા સુધીની ખાતરી છે કેમ કે એ આપણે જોયું છે, કેમ કે એનો અર્થ આવો જ થાય એ આપણે જાણીએ છીએ, આપણને એની સમજ છે. પેલો એમ કહે છે કે આ વાત એમ નથી તો ભલા માણસ સાચી વાત એ છે કે તે પૂરું સમજતો જ નથી. તે જે કહે છે એમાં તેની સમજદારીની ઘાલમેલ છે. આ વાત કાંઈ મારી અને તમારી વચ્ચેની નથી. આજે જુઓ દુનિયા આખી સળગી રહી છે. અમેરિકા અને એના પ્રમુખ ટ્રમ્પ રોજેરોજ છાતી ઠોકીને એક વાત કહે છે અને પછી બીજા દિવસે બીજી વાત કહે છે તો તે બન્ને વાતને સચ્ચાઈના વાઘા પહેરાવે છે. એ વાઘા દુનિયાભરના કેટલાય ડાહ્યા માણસોને સાવ સાચા પણ લાગે છે. જોકે એ જ વખતે અમેરિકા જેની સાથે યુદ્ધ લડી રહ્યું છે એ ઈરાનમાં લાખો માણસો હાથ પછાડી-પછાડીને કહે છે કે ટ્રમ્પ ખોટા છે, સાવ ખોટું બોલે છે, સાચી વાત તો આમ છે. આ સાચી વાત સાવેસાવ સમજાઈ જાય એવી છે અને તોય ટ્રમ્પ ખોટું બોલે છે.
ચાલો, ત્યારે સત્ય સમજીએ
સત્યને સમજવાની કાંઈ જરૂર નથી. સત્ય ન સમજાય એવું છે જ નહીં. જે છે એ સત્ય છે. એમાં સમજવાનું શું હોય? જે છે એને નથી એવું કહેવડાવવા માટે આપણે જાતજાતની અને ભાતભાતની ગંદકીઓનો ઢગલો કરી દઈએ છીએ. આ ગંદકીઓની વચ્ચે પેલું સત્ય ક્યાં છે એ કોઈ દિવસ જડતું જ નથી. હમાસવાળાઓ મધરાતે ઊઠીને પેલા સામે છેડે ભરઊંઘમાં પડેલા ઇઝરાયલીઓને મારી નાખે અને પછી આવા કમોતથી રાતાચોળ થઈ ગયેલા ઇઝરાયલીઓ આ હમાસવાદીઓને વીણી-વીણીને કટકા કરવા માંડે તો એને શું કહીશું? ઇઝરાયલીઓ આ ભયાનક ક્રૂરતામાં સાચા છે એમ કહેવાશે કે પછી હમાસીઓએ મધરાતે જે મોત વેરેલું એ સાચા કહેવાય - તમે શું કહેશો હેં? સાચું કહેજો, તમને જે લાગતું હોય એ જ કહેજો; પણ તમે કહેશો એ સાચું જ હશે એવું તો નહીં કહેવાય. સત્ય ક્યારેય કોઈને સમજાતું નથી અને ક્યારેય કોઈ એને સમજવાની માથાફોડ છોડવા માગતું નથી. પોતે સત્યની સાથે જ છે એવું દરેક માણસ માને છે. સાવ ખોટેખોટી વાતમાં પણ પોતાની વાત સાચી છે એવું છાતી ઠોકીને કહેતાં તેને શરમ નથી આવતી.
હરિશ્ચંદ્ર અને તારામતી
હરિશ્ચંદ્ર અને તારામતી આ બે નામ તો તમે સાંભળ્યાં છેને? આપણે ત્યાં ભાગ્યે જ એવો કોઈ માણસ હશે જેને બાલ્યાવસ્થામાં અને પછી કિશોરાવસ્થામાં પણ રાજા હરિશ્ચંદ્ર અને તેની રાણી તારામતીની વાત કહેવામાં આવી ન હોય. કેવી ગંદી, ઘૃણાસ્પદ અને સાંભળતાંવેંત રૂંવાડાં ઊભાં થઈ જાય એવી આ વાતને આપણે યુગોથી સત્યના પરમ પ્રમાણ તરીકે ઓળખીએ છીએ અને ઓળખાવીએ છીએ. તમને યાદ છેને આ વાત? પોતાના સગા પુત્રને અગ્નિસંસ્કાર માટે તેની માતા તારામતી સ્મશાનમાં લાવે છે અને ત્યારે સ્મશાનમાં તેને દાહ આપવા માટેની જગ્યા આપવાનો હરિશ્ચંદ્ર ઇનકાર કરે છે ત્યારે એ વાત સત્યના પ્રમાણ તરીકે શી રીતે કહી શકાય? અને એમ છતાં એને સત્યનું નામ આપવામાં આવે છે. એ નામ આપ્યા પછી હરિશ્ચંદ્ર અને તારામતીનું આ કથાનક યુગોથી આપણે જુદું-જુદું અર્થઘટન કરીને ચલાવીએ જ રાખીએ છીએ.
હું સાચો અને તમે પણ સાચા
આ પણ સત્ય અને પેલું પણ સત્ય. આમ સત્ય ભાગ પાડી-પાડીને વહેંચી શકાય નહીં. હું સાચો હોઉં અને મારી વાત સાથે તમે સહમત થાઓ એટલે તમે પણ સાચા ઠરો. આથી ઊલટું તમે સાચા હો અને તમારી સાથે હું પણ સહમત થાઉં તો સત્ય બે નથી બનતાં, સત્ય તો એક જ રહે છે; માત્ર આપણી સમજદારી સત્યની નજીક જાય છે. સત્યના ટુકડા આપણે એટલા માટે કરીએ છીએ કે એ નાના-નાના ટુકડાઓમાં આપણો કાંઈ ને કાંઈ નાનો-નાનો સ્વાર્થ હોય છે. આ સ્વાર્થને સમજતાં શીખીએ તો પછી સત્યને સમજવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નહીં થાય. આ વાત જૈનદર્શને આંગળી ચીંધીને કરી છે. આ દર્શનને જૈનોએ અનેકાંતવાદ એવું નામ પણ આપ્યું છે. ક્યારેક એને સ્યાદવાદ પણ કહે છે. જો એક વાર માણસ પોતે સાચો છે તો માત્ર પોતે જ સાચો નથી, તમે પણ સાચા હોઈ શકો. એ હોઈ શકો એ સંભાવના સ્વીકારે તો ઘરના આંગણે રોજેરોજ થતી પારિવારિક અફરાતફરીથી માંડીને વિશ્વયુદ્ધો સુધીનાં મહાયુદ્ધો શમી જાય.