14 June, 2026 06:38 PM IST | Mumbai | Dr. Dinkar Joshi
પ્રતીકાત્મક તસવીર
શ્રદ્ધા શું છે એ જો કોઈ મને પૂછે ત્યારે મનમાં એક સબાકો થાય છે. સબાકો શું છે એ કોઈ જાણતું નથી, પણ શ્રદ્ધા વિનાનો કોઈ માણસ છે નહીં. હિમાલયની ૧૨,૦૦૦ ફુટની ઊંચાઈએ બદરીધામ પાસેથી જવાય. બરફનું શીતળ જળ પસાર થાય છે ત્યાં સ્નાન કરવાની એક અદ્ભુત શ્રદ્ધા આપણા અંગેઅંગમાંથી પસાર થાય છે. બરફના પાણીમાં આંગળી બોળીએ ત્યારે જે શૈત્ય વ્યાપી જાય છે એ શૈત્ય પાસે કલાકો સુધી ઊભા રહ્યા. સ્નાન કરવું હતું. ત્યાંથી સ્નાન કર્યા વિના પાછા ન ફરાય. આવી રીતે પાછા ફરવાથી જે લજ્જા પેદા થાય એ લજ્જા સાથે ક્યાંય સુધી ઊભા રહ્યા, પણ પછી વહેતા પ્રવાહ સામે જોતાંવેંત એક આંચકો આવ્યો.
ઠંડાગાર પ્રવાહમાં એક વૃદ્ધા ગરદન સુધી શરીર લંબાવીને સ્નાન કરી રહ્યાં હતાં. જે સ્નાન માટે અમે તરફડી રહ્યા હતા એ સ્નાન નજર સામે હતું. હવે તરફડાટ કેમ વેઠાય? જો ૭૦ વર્ષનાં વૃદ્ધા આ જળપ્રવાહમાં પોતાના અસ્તિત્વને ક્યાંક ડુબાડીને સ્નાન કરી શકતાં હોય તો અમે કેમ ન કરી શકીએ. અમે સ્નાન કર્યું. પેલાં વૃદ્ધાના સંકલ્પબળ સામે અમે અમારું અસ્તિત્વ ઓગાળી નાખ્યું. શ્રદ્ધાની આ દોરી જળપ્રવાહમાં સ્નાન કરતાં વૃદ્ધાના અસ્તિત્વમાંથી અમારા સુધી ક્યાં ને ક્યારે પહોંચી એ કોઈ સમજી શક્યું નથી,
પણ આ શ્રદ્ધા લાંબા ગાળે જોવી ભારે રસપ્રદ પણ છે. જે શ્રદ્ધાએ અમને સ્નાન કરવા દોર્યા એ શ્રદ્ધાનો એક બીજો દોર પણ એ જ વખતે જોઈ શકાયો.
ઠંડાગાર બરફ જેવા જળપ્રવાહમાં સ્નાન કર્યા પછી બદરીધામમાં ઉષ્ણતાનો અનુભવ પણ થાય છે. જ્યાં ઠંડા પાણીનો પ્રવાહ વહેતો હોય છે એની બરાબર સાથે જ ગરમ પાણીનો કુંડ પણ પરમાત્માએ પહોંચાડ્યો છે. આ બન્ને પ્રવાહો એકસાથે કેવી રીતે પેદા થયા હશે એનો ખુલાસો તો ઉપરવાળો જ કરી શકે.
ઠંડા પાણીમાં સ્નાન કર્યા પછી અમે પેલા ગરમ પાણીના પ્રવાહ વચ્ચે ગયા હતા. આ કુંડ જે તમારી પ્રતીક્ષા જ કરી રહ્યો હોય એમ એમાં અમે ઊતર્યા. ગરમ પાણીના કુંડ વિશે એક ચોક્કસ ધારાધોરણ અને વિધિવિધાન છે. તદનુસાર અમે ઉપવસ્ત્ર દૂર કર્યું, અધોવસ્ત્ર બહુ ટૂંકું રાખ્યું અને હવે શરીરને પેલા ગરમ પાણીને હવાલે કર્યું. કુંડના કાંઠે બેસીને સ્નાનવિધિનો આરંભ કર્યો. કાંઠા પર પલાંઠી વાળી, આંખ બંધ કરી જે સ્તોત્ર કે શ્લોક જાણતા હતા કે આવડતા હતા એનાથી અંતર્યામીને જાગૃત કર્યા અને પૂર્વ દિશામાં હાથ જોડ્યો.
અચાનક કોણ જાણે ક્યાંથી અધોવસ્ત્રવિહોણા ઉઘાડા ડીલના જમણા ખભે બીજા એક પાણીનો પ્રવાહ પડવા માંડ્યો. ખભા પર જાણે કોઈ પાણી રેડી રહ્યું. અમે ચમક્યા. આવે વખતે સાવ અજાણ્યા પ્રદેશમાં આ કોણ સંભાળી રહ્યું હશે એવો વિચાર ઊતરી આવ્યો. જમણો હાથ પેલા પ્રવાહ તરફ લંબાવ્યો અને અચાનક બોલી જવાયું, ‘મિત્ર, મારા આ પ્રવાહને યાદ કરનારા આપ કોણ છો?’
‘આપ બ્રાહ્મણ છો અને બ્રાહ્મણના દેહ પર આ પવિત્ર સ્થાનકે સ્નાન કરાવવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.’ મને જવાબ મળ્યો.”
‘ઓહ! એમ વાત છે?’ પેલા ઠંડા-ગરમ પ્રવાહો વચ્ચે દેહને આમતેમ આળોટતા મેં આંખ બંધ રાખીને પૂછ્યું, ‘પણ તમને શી રીતે ખબર પડી કે હું બ્રાહ્મણ છું?’
‘તમારા પંડ પર રહેલી જનોઈ અમે જોઈ છે. જનોઈથી વધુ મોટી બ્રાહ્મણત્વની ઓળખ કઈ હોઈ શકે?’
હવે કંઈ પૂછવાનું રહેતું નથી, કોઈ શાબ્દિક વ્યવહાર રહેતો નથી. જનોઈના બ્રાહ્મત્વે એક સાવ અજાણ્યા માણસને મારી લગોલગ લાવી દીધો. આ ઓળખાણ પણ એક શ્રદ્ધા હતી. શ્રદ્ધા સાચી પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે. સાચી હોય ત્યાં સુધી એ શ્રદ્ધા છે અને શ્રદ્ધા જો સાચી હોય તો જ એ જીવંત છે. શ્રદ્ધા જીવંત ન હોય અને એના વિશે શંકા પેદા થાય તો પછી એ શ્રદ્ધા રહેતી નથી, પછી એ માન્યતા બની જાય છે. માન્યતા ગમે ત્યારે ફરી જતી હોય છે, એને ફેરવવી પડતી હોતી નથી.
સરકાર શું કરે છે?
શ્રદ્ધા અને બુદ્ધિ આ બે વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં એ વિશે ભારે વિવાદ પણ થતા રહે છે. આજકાલ સરકારે પણ શ્રદ્ધાને કાનૂની સ્વરૂપે આપણી વચ્ચે વહેતી કરી છે. હવે તમે જે માનો છો એને કોઈ વાયરલેસ પ્રવાહથી સાંકળી ન શકો કે પુરવાર ન કરી શકો તો એની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. ક્યારેક વાસ્તવિક સ્વરૂપે એવું લાગે છે કે શ્રદ્ધાને કોઈ પુરાવાની જરૂર જ નથી. શ્રદ્ધા એ શ્રદ્ધા છે અને માત્ર શ્રદ્ધા જ છે. જો એના વિશે કોઈ શંકા રહેતી હોય તો એને શ્રદ્ધા કહેવાય જ નહીં. એ શ્રદ્ધા નથી રહેતી, માત્ર માન્યતા બની જાય છે. માન્યતાને શ્રદ્ધા સાથે સાંકળીને એના વિશે કંઈ કહેવું ક્યાંક ભૂલચૂક ભરેલું પણ થાય છે.
આટલા અમારા રામ-રામ છે
જીવનના પ્રવાહમાં ઘણું ફરવું પડે છે. અહીંથી તહીં કેટલી ક્ષણો આવતી અને જતી હોય છે એને સમજી ન શકાય. બધી ક્ષણોને પામવાનો પ્રયત્ન પણ બૌદ્ધિક વ્યભિચાર છે. બુદ્ધિ સર્વત્ર કામોપયોગી નથી. બુદ્ધિ જ્યાં પરાસ્ત થાય અને પેલું ન સમજાતું તત્ત્વ વ્યવહારમાં આવીને ઊભું રહી જાય ત્યાં અટકવાનું જરૂરી છે. અટકવાની આ ક્ષણે આપણે રામ-રામ.