✕

આવો યજ્ઞ કોણ કરે?

11 October, 2026 04:44 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જેવી વ્યક્તિને એમ મોઢામોઢ કહી દેવું એ કાંઈ સહેલી વાત તો નથી જ. કિશોરલાલ મશરૂવાળાએ સચ્ચાઈ અને ધર્મને વળગી રહીને બાપુને પણ કહી દીધું. આવી હિંમત આપણે કેળવી શકીએ એવા પત્રકારો છીએ ખરા?

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દૈનિક અખબાર આપણા રોજિંદા જીવનનું એક અંગ બની ગયું છે. એના વિના આપણને ચાલતું નથી અને એ સાથે જ એની સાથે ચલાવવું એ પણ ભારે મોટું અસત્ય છે. રોજેરોજ સવારે તમે છાપું ખોલો અને જે સમાચારો જુઓ એનાથી કોઈ પણ સમજદાર માણસના ચિત્તમાં અજંપો જ થાય.

દૈનિક અખબારો આપણને શું આપે છે? સીધી સાદી વાત - સમાચારો આપે છે. આ સમાચારો સાચા હોય છે કે પછી દુનિયાભરમાં ચારે બાજુ જે બન્યું હોય એ કરતાં જે ન બન્યું હોય એવી વાતોનો ઢગલો આ મોટા ભાગનાં અખબારો આપણી સામે કરે છે. દૈનિક અખબાર એક પવિત્ર યજ્ઞનો એક વિસ્તાર છે. આ યજ્ઞ કરવો એ જેવા તેવા મામૂલી માણસોનું કામ નથી. ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપિનિયન’ નામનું દૈનિક છાપું આફ્રિકામાં શરૂ કર્યું ત્યારે અખબારે કેવા અને કયા સમાચારો લોકોને આપવા જોઈએ એની વાત લખી છે. ગાંધીજીએ કહ્યું કે દૈનિક અખબારની એક ફરજ છે કે પ્રજામાં જે ગેરસમજ ફેલાયેલી હોય એ દૂર કરવાની. લોકો જે સાચી-ખોટી વાતો ફેલાવતા હોય છે અથવા ફેલાઈ જતી હોય છે એની સામે સાચી વાત કહેવી અને ખોટી વાતનો પ્રસાર રોકવો એ દૈનિક અખબારની ફરજ છે. આજે આપણાં રોજિંદા અખબારો આ કામ કરે છે ખરાં?

અખબારોએ શું છાપવું જોઈએ અને શું ન છાપવું જોઈએ એ વિશે દરેકના જુદા-જુદા અભિપ્રાયો હોય છે. પોતાના માલિકોના સ્વાર્થ કે હિત માટે પત્રકારો અને તંત્રીઓ ખેલ કરતા હોય છે. આ ખેલ તેમને કરવા પડે છે. એક પત્રકાર આજે અમુક મુદ્દાઓ પર ચોક્કસ વાત કરે છે. તેની કલમ લોકપ્રિય છે. લોકો વાંચે છે, પણ બીજા દિવસે આ તંત્રી મહાશય નોકરી બદલે છે અને નવા માલિકોની નીતિ પ્રમાણે લખાણો બદલાય છે. હવે એ જે ગઈ કાલે લખ્યું હતું એનાથી સાવ વિપરીત લખાય છે.

આ વાતમાં ધ્યાનમાં લેવા જેવી છે

હસમુખ ગાંધી આપણી ભાષાના પત્રકારત્વના મોટા ગજાના તંત્રી હતા. તેમના નામ અને કામથી ગુજરાતી વાચકો અજાણ્યા રહી શકે છે. હસમુખભાઈએ અખબારોમાં પત્રકારોએ શું છાપવું જોઈએ અને શું ન છાપવું જોઈએ એ વિશે સરસ નીતિવિષયક વાત કરી હતી. હસમુખભાઈ ‘સમકાલીન’ નામના દૈનિક અખબારના તંત્રી હતા. તેમના તંત્રીલેખો વાંચવા ગુજરાતી વાચકો ટોળે મળતા. હસમુખભાઈ ગમે એવા નાના-મોટા માણસોની ગંદી વાતો મોટા અક્ષરે છાપતા. હસમુખભાઈનો એક શિરસ્તો હતો કે મોટા માણસોની ખરાબ પણ જાહેર ન થઈ હોય એવી વાતોને જ પ્રાધાન્ય આપવું. સરેરાશ માણસો વિશે જે સારી વાત હોય એમાં છાપવા જેવું શું હોય? માણસોએ સારાં કામો તો કરવાં જ જોઈએ, એ તેમની ફરજ છે. આમણે ફરજ બજાવી, પણ એનાં વખાણ કરવાની કંઈ જરૂર ખરી? પણ જેણે ફરજ બજાવી નથી અને ખોટાં કામો કર્યાં છે તેની વાતોને મોટા અક્ષરે મૂકવી જોઈએ કે આવા મોટા કહેવાતા માણસો કેવા ખોટા હોય છે. આવા ખોટા માણસોને જાહેર કરવા એ અખબારોની ફરજ છે. બાકી જેઓ સાચાં કામો કરે છે તેમના વિશે વળી શું કહેવાનું હોય? સાચાં અને સારાં કામો તો કોઈ પણ સરેરાશ માણસે કરવાં જ જોઈએ. હસમુખભાઈની આ વાત કોણ અને કેટલા જણ સમજશે, એનો અમલ કેટલા પત્રકારો કરી શકશે?

આ પણ એક વાત છે

પત્રકાર નીડર હોવો જોઈએ. માલિક કે બીજા કોઈનો તેને ડર ન હોવો જોઈએ. નીતિ એ જ મહત્ત્વની વાત. ગાંધીજીએ જ્યારે બ્રહ્મચર્ય વિશે પોતાના જીવનના પ્રયોગો કરવા માંડ્યા ત્યારે ઊહાપોહ મચી ગયો હતો. બંગાળનાં તોફાનોમાં ફરતા ગાંધીજીએ ૭૯ વર્ષની ઉંમરે પોતાના બ્રહ્મચર્યની કસોટી કરવાનું નક્કી કર્યું અને પોતાના ભત્રીજા જયસુખલાલની કિશોરી પુત્રી મનુબહેન સાથે એક પથારીમાં સૂવાનું નક્કી કર્યું. તેમણે પોતાનો આ નિશ્ચય કિશોરલાલ મશરૂવાળાને લખી જણાવ્યો. કિશોરલાલ ગાંધીજીએ સ્થાપેલા નવજીવન અખબારના તંત્રી હતા. તેમણે ગાંધીજીનો આ પત્ર વાંચીને બાપુને લખ્યું, ‘બાપુ, આવું ન કરાય અને આની જાહેરાત તો ન જ કરાય. સમાજમાં ઊહાપોહ મચી જાય.’ પણ બાપુએ કિશોરલાલની આ વાત સ્વીકારી નહીં અને વળતા પત્રમાં આગ્રહપૂર્વક લખ્યું કે ‘તમારે મારી આ વાત મારા જાહેર જીવનને લગતી હોવાથી છાપવી જ પડશે.’ કિશોરલાલ અખબારના તંત્રી હતા. શું છાપવું અને શું ન છાપવું એનો નિશ્ચય કરવાનો અધિકાર તેમનો હતો એટલે તેમણે બાપુને લખ્યું, ‘તંત્રી તરીકે તમારી આ વાત આપણાં અખબારોમાં હું છાપીશ નહીં અને છતાં જો તમે આગ્રહ કરશો તો તમે તંત્રી તરીકે બીજા કોઈને શોધી લેજો. હું આ કામ નહીં કરું.’

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જેવી વ્યક્તિને એમ મોઢામોઢ કહી દેવું એ કાંઈ સહેલી વાત તો નથી જ. કિશોરલાલ મશરૂવાળાએ સચ્ચાઈ અને ધર્મને વળગી રહીને બાપુને પણ કહી દીધું. આવી હિંમત આપણે કેળવી શકીએ એવા પત્રકારો છીએ ખરા?

બસ, આટલીક અમથી વાત

પોતે જે વ્યવસાય કરતા હોય એ વ્યવસાયના ધર્મને સમજવો અને એને વળગી રહેવું એ મામૂલી વાત નથી. એમાંય ખાસ કરીને પત્રકાર, શિક્ષક અને ડૉક્ટર આ ૩ વ્યવસાય એવા છે કે એ માત્ર ધંધા નથી પણ સમર્પણનો યજ્ઞ છે. એ યજ્ઞમાં ઋત્વિજ બનવાનું જેના માટે શક્ય ન હોય તેણે એ વ્યવસાયમાં જવું જ ન જોઈએ. આજે અખબારથી દોરવાઈને આપણે આપણો મત બાંધતા હોઈએ છીએ. ચૂંટણીઓમાં જે પરિણામો આવે છે એમાં ખરેખર મતદાતાઓનો મત હોતો નથી. તેમને અખબારો દોરવી જતાં હોય છે. આપણે દોરવણીથી જેટલા મુક્ત થઈ શકીએ એટલી સચ્ચાઈ આપણા સામાજિક જીવનમાં જોઈ શકાશે.

gujarati mid day lifestyle news life and style dinkar joshi columnists