31 March, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં માર્ચ મૂડ-ડિસઑર્ડરનો મન્થ છે. ઑફિસોમાં આંકડાઓ પકડાપકડી રમતા હોય છે. કેટલાકની ઊંઘ ગાયબ થઈ જાય છે તો કેટલાકનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. અકાઉન્ટન્ટ નામની જાતિ સર્વાઇવલ મોડમાં પ્રવેશી જાય છે. ફાઇટ ઑર ફ્લાઇટ. બિલ્સ, ટૅક્સ, ડિડક્શન, ડેપ્રિસિએશન જેવા શબ્દોની અડાબીડ જાર્ગનમાં પ્રૉફિટને શોધવા મંડી પડે છે. ફાઇલો ખૂલે છે ને બંધ થાય છે. ૩૧ માર્ચે તો મુંબઈનો લય જ ખોરવાઈ જાય છે. બૅન્ક-કર્મચારીઓના ચહેરા પર તો એવું ટેન્શન દેખાય જાણે દેશ આખાના અર્થતંત્રનો ભાર તેમના પર જ હોય. બધા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ રાત્રિજીવી બની જાય છે. મોડી રાત સુધી કટિંગ ચા અને સ્પ્રેડશીટમાં જ જીવે છે. લેજર પર તો એવી રીતે તાકી રહે જાણે કોઈ શાયર ચાંદ પર તાકી રહ્યો હોય, ક્યાંકથી કોઈ ‘અશઆર’ સૂઝે ને ગઝલનો મત્લા બની જાય. પણ અકાઉન્ટન્ટને નઝમમાં નહીં, નફામાં રસ હોય છે.
નરીમાન પૉઇન્ટ અને ફોર્ટની ઑફિસો વગર દિવાળીએ મોડે સુધી ઝગમગતી હોય છે, જાણે આખા અરબી સમુદ્રનું ઑડિટ કરવાનું હોય. દલાલ સ્ટ્રીટમાં આખલો સામેના ઊછળતા દરિયાની ભરતી-ઓટની જેમ ઊછળે ને પટકાય. કોણ તરી જશે ને કોણ ડૂબી જશે એના વરતારામાં કેટલાયના નાડીબંધ તોડી નાખે. વળી જિદ્દી ઑફિસર ભટકાઈ ગયો તો અન્ડર-ધ-ટેબલ આપવાય કરગરે :
એ ક્યાં અમારી જીદ કે હિસાબ આખો સાંભળો,
સામે પડી ચેકબુક,
બસ, એની વાત સાંભળો
કહે છે કે ટૅક્સની ધાર
હવે વાગતી નથી,
જે કમાયો એ આપ્યું
મારા મનની વાત સાંભળો.
ચાલો પેનલ્ટીની પાર જવા. હઠ
જરાય નહીં કરું,
રીફન્ડ કે રીઇમ્બર્સ
તમારા મનની વાત સાંભળો.
વર્ષના અંતનો બુક-ક્લોઝિંગ શબ્દ એક વ્યંગ્ય બની ગયો છે. કમ્પ્યુટરની સ્ક્રીન પર જ બુક્સ ડિજિટલી ઓપન થાય છે ને ક્લોઝ પણ થાય છે. સટોડિયાઓ પ્રૉફિટ પણ ‘બુક’ કરે ડિજિટલી જ. બધાં કમ્પ્લાયન્સિસ ફૉલો કરીને રિટર્ન ફાઇલ કર્યું હોવા છતાં ન સમજાય એવો ડર મનમાં રહેતો હોય છે, કારણ?
આખા વર્ષની આંકડાઓની અફડા-તફડીમાં અક્ષરો અટવાઈ પડે છે. ડેબિટ-ક્રેડિટની કૉલમોમાં ભાષાના અકાઉન્ટની કોઈ જ એન્ટ્રી હોતી નથી. જીવનના લેજરમાં ભાષાનું એક ખાતું ન હોવું જોઈએ? પ્રપોઝ્ડ એક્સપેન્સિસના બજેટમાં પુસ્તકોની ખરીદી માટે અલગ ફન્ડ ન ફાળવવું જોઈએ? દર મહિને એક પુસ્તક માટે SIP ન રાખી શકાય? નવા વર્ષે કોઈ ક્લબની મેમ્બરશિપ માટે રિઝર્વ ફન્ડ રાખનારા કોઈ લાઇબ્રેરીની મેમ્બરશિપ માટે કેમ વિચારતા નથી? ક્રેડિટ કાર્ડ આપનારા પૂછે છે કે તમે કોઈ ક્લબના મેમ્બર છો? એના પરથી તમારી ફાઇનૅન્શિયલ સ્ટ્રેન્ગ્થ ચેક કરે છે પણ કોઈ લાઇબ્રેરીના મેમ્બર છો એમ પૂછે તો મેન્ટલ ઍન્ડ ઇમોશનલ સ્ટ્રેન્ગ્થ પણ ચેક કરી શકાય.
વધુમાં પુસ્તકો તો એવી ઍસેટ્સ છે જેનું ડેપ્રિસિએશન થતું નથી બલકે ઍન્ટિક પીસની જેમ સમય જતાં એની વૅલ્યુ વધતી જાય છે. જીવનની બૅલૅન્સશીટમાં પુસ્તકોનું સ્થાન રાખીશું તો બધું સમતલ રહેશે. ઍસેટ્સ સાઇડ પર એ પુસ્તકો જેણે પ્રેરણા આપી, સહારો આપ્યો અને પડકારો ઝીલતાં શીખવ્યું. અને લાયેબિલિટીઝ સાઇડ પર એ પુસ્તકો જે ખરીદ્યાં પણ હજી ખોલ્યાં નથી. વાંચતાં-વાંચતાં પાનું વાળીને બાજુમાં મૂકી દીધેલાં પુસ્તકો અનક્લેમ્ડ ડિવિડન્ડ જેવા છે. માગો તો તરત ખાતામાં જમા. આ મૂડી ઇનડેફિનેટ પિરિયડ માટે રિન્યુ થતી જ રહેવાની છે. ડિવિડન્ડ મળતું જ રહેવાનું છે. એક વખત ઇન્વેસ્ટ કરી તો જુઓ. એ વિચારો અને કલ્પનાઓના ડિવિડન્ડથી જિંદગીનું P/L અકાઉન્ટ પૉઝિટિવ જ રહેશે.
નવા આર્થિક વર્ષ માટે કેવા શિસ્તબદ્ધ રીતે બજેટિંગ, પ્લાનિંગ, ઇવૅલ્યુએટિંગ કરીએ છીએ. તો વર્ષભરના વાંચનનું પ્લાનિંગ કેમ નહીં? એનાથી મળતું રિટર્ન ભલે સ્પષ્ટ દેખાતું નથી, વળતર તરત નજરે ચડતું નથી, એ અમૂર્ત છે પણ એની અસર જીવનના ઘડતરમાં તો દેખાઈ જ આવે છે. પુસ્તકો ન વાંચતી વ્યક્તિ સાથે અને પુસ્તકો વાંચતી વ્યક્તિ સાથેની વાતચીતમાં તફાવત નજરે પડે જ છે. આ વળતર કદાચ તાત્કાલિક નથી મળતું પણ ચક્રવૃદ્ધિ વ્યાજની માફક, વળતર ઉપર વળતર જમા થતું જ રહે છે.
દુન્યવી નોટ અને સિક્કાના રૂપે ભલે કાવ્યો કંઈ કમાવી ન આપે, નવલકથાઓ નફો રળી ન આપે, વાર્તાઓથી વ્યાજ ન છૂટે પણ સાહિત્યથી અંતે જે સમૃદ્ધિ આવે છે એનાં શિખરો ઊંચાં જ હોય છે.
આપણી વાંચનની આદતના ઇન્ટર્નલ ઑડિટર આપણે જ છીએ. ચેક કરીશું તો શું મળશે? ઉપરછલ્લી નજરે વાંચેલાં શીર્ષકો, પહેલા પ્રકરણે જ વાળેલું પાનું, ગિફ્ટ-રૅપર ખોલ્યા વગરનાં બંડલો ને હાર્ડબાઉન્ડ મોટા ગ્રંથોની અકબંધ સુગંધ. જિંદગીની રીડિંગ બૅલૅન્સશીટ બનાવીએ તો ન ખૂલેલાં આવાં પુસ્તકો જવાબદારીની કૉલમમાં આવશે. અને નવા વર્ષે કૅરી-ફૉર્વર્ડ થશે. એટલે એક હોશિયાર ઇન્વેસ્ટરની જેમ પુસ્તકોનો પોર્ટફોલિયો દર વર્ષે રી-અૅસેસ કરીએ, ડાઇવર્સિફાય કરીએ, વધુ સારામાં રોકાણ કરીએ તો લાંબે ગાળે નેટવર્થ અનેકગણી વધી જશે. નવા વર્ષે નવા ચોપડાને નવા દૃષ્ટિકોણથી વધાવીએ.
બાય ધ વે, તમને ખબર છે દેશી ચોપડાઓમાં ધર્માદા ખાતું, ગાયચારા ખાતું અને કૂતરા ખાતું પણ રાખવામાં આવતું હતું? ન તો એમાં હતી કોઈ દયા-માયાની વાત કે ન તો શેરીના કૂતરાઓને ખવડાવવાની વાત. આ તો સૂટ-બૂટ પહેરીને જે લાળ ટપકાવતા આવતા ને તેમને જે ચારો નાખવો પડતો એનો ખર્ચો આ ખાતામાં ખતવવામાં આવતો. ‘દેશી હિશૉબ’માં તો આવું બધું મોઘમ જ લખાય ભૈ.