લૉકલ ટ્રેનમાંથી પડી જવાને કારણે કે પાટા ઓળંગતાં અકસ્માતને કારણે છેલ્લા બે દાયકામાં બાવન હજાર લાકોએ જીવ ગુમાવ્યો છે. આજે પણ રોજ સાતથી દસ માણસ કમોતે મરે છે. ગુજરાતથી આવતા મુલાકાતીઓ મુંબઈની લોકલ ટ્રેન જોઈને હેબતાઈ જાય છે.
મુંબઈ મેટ્રો ફાઇલ તસવીર
મુંબઈની ઍક્વા મેટ્રો લાઇનનો આરે JVLRથી કફ પરેડ સુધીનો પૂરો માર્ગ ૯ ઑક્ટોબરે જનતા માટે શરૂ થયો. પહેલા જ અઠવાડિયે ૧૨.૮૨ લાખ મુસાફરોએ સવારી કરી. કફ પરેડથી ઍરપોર્ટ માત્ર ચાલીસ મિનિટમાં પહોંચવું મુંબઈગરા માટે અલાઉદ્દીન કા જાદુઈ ચિરાગ જેવું છે. ગ્લોબલ કશાની ઍક્વા મેટ્રો નિમિત્તે આજે લોકલ-વંદના કરીએ. ગીતા પંડ્યા
મુંબઈ લૉકલની ક્ષમતા-વિષમતા દર્શાવે છે...
જિંદગીની ટ્રેન અચરજ એમ કરતી રહે છે
અંતરાયો લાખ આવે મસ્ત ફરતી રહે છે
મુંબઈની જાન લૉકલ, પણ ગજબનું જીવન
જિંદગી જિવાડતી ને, `જાન’ હરતી રહે છે
લૉકલ ટ્રેનમાંથી પડી જવાને કારણે કે પાટા ઓળંગતાં અકસ્માતને કારણે છેલ્લા બે દાયકામાં બાવન હજાર લાકોએ જીવ ગુમાવ્યો છે. આજે પણ રોજ સાતથી દસ માણસ કમોતે મરે છે. ગુજરાતથી આવતા મુલાકાતીઓ મુંબઈની લોકલ ટ્રેન જોઈને હેબતાઈ જાય છે. રશ અવર્સમાં બે માણસ પણ ન ચડી શકે એવી સ્થિતિમાં તેમની નજર સામે જ પંદર-વીસ જણ ટ્રેનમાં ચડી જાય. લટકીને જવું પડે તોય જવાનું એ આ શહેરની તાસીર નથી, કરુણતા છે. મિતુલ કોઠારી વાસ્તવિકતા બયાં કરે છે...
ગામ ને શહેરના ફાંટા પર ચાલે છે
ગાડી જીવનની બે પાટા પર ચાલે છે
ફિલસૂફી શાંતિની સાચી, પણ જિંદગી
આગગાડીના ઘુઘવાટા પર ચાલે છે
આગગાડી કોલસાથી ચાલતી. એ પછી ડીઝલ એન્જિન આવ્યાં. હવે ઇલેક્ટ્રિક એન્જિન આવી ગયા છે. યુવા પેઢીની ભાષામાં કહીએ તો વંદે ભારત અને મેટ્રો ટ્રેનમાં તો એન્જિનનો કન્સેપ્ટ જ `નીકાળી’ કાઢવામાં આવ્યો છે. કલકત્તા, દિલ્હી, લંડન, ન્યુ યૉર્ક જેવાં શહેરોની મેટ્રોમાં સફર કરનારને મુંબઈ આવવા સગર્વ આમંત્રણ છે. આગામી ત્રણેક વર્ષમાં અનેક મેટ્રો લાઇન મુંબઈને મળેલું `મોહમયી’ બિરુદ વધારે સાર્થક કરશે. ભારતી વોરા `સ્વરા’ કહે છે એવી આશા ચોક્કસ ફળવાની છે...
તુંય જ્યારે ટ્રેન થઈને ગુજરે છે
મારી પંખી જેમ પાંખો ફફડે છે
રાહ જોઉં જેમની વર્ષોથી હું
આવશે એ, આંખ આજે ફરકે છે
મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે અને નાગપુરમાં મેટ્રોસેવા ચાલે છે. ગુજરાતમાં અમદાવાદમાં મેટ્રોસેવા વિસ્તરી રહી છે તો સુરતમાં ૪૦ કિલોમીટરને આવરતી સેવા ૨૦૨૭માં શરૂ થવાની ધારણા છે. વડોદરામાં મેટ્રોનો પ્રસ્તાવ કેન્દ્રીય મંજૂરીની રાહ જોઈ રહ્યો છે તો રાજકોટમાં વિચાર પ્રારંભિક તબક્કે છે. બળદગાડા અને ઘોડાગાડીમાં પ્રવાસ કરનાર, આયુષ્યના સાતમા-આઠમા દાયકામાં વિહરનાર પેઢી માટે આ કદાચ આશ્ચર્ય લેખાય. એકવીસમી સદીમાં જન્મેલી પેઢી માટે આવી સુવિધા સહજ લેખાય. મુસાફરીમાં સગવડ અને સમયની બચત ઉમેરાય એ આવશ્યક છે. અલ્પા વસાની વાત લોકલ ટ્રેનનો લાડકવાયો કે લાડકવાયી વિશેષ સમજી શકશે...
ચાર, બે કે તઇણ પૈડાની સવારી જોઈએ
ના મળે તો ચાલવાની પણ ખુમારી જોઈએ
ઇચ્છેલું ક્યાં કોઈને સીધ્ધું મળે છે આ જગે
સીટ ચોથી બેસવાની પણ ઠગારી જોઈએ
કોરોના પહેલાં અને પછી જીવનશૈલીમાં અનેક ફેરફારો જોવા મળ્યા છે. કોરોના પહેલાં લોકલ ટ્રેનમાં ચોથી સીટમાં અડધુંપડધું કે ઊભડક બેસવું સ્વાભાવિક હતું. કોરાના પછી ચોથી સીટ પર બેસવાની પરંપરા લગભગ લુપ્ત થવા આવી છે. એક તરફ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનો સંદેશ અર્ધજાગૃત મનમાં હજી ક્યાંક જાગૃત છે તો બીજી તરફ ચર્ચગેટથી બોરીવલી વચ્ચેનો ધસારો પ્રમાણમાં ઓછો થયો છે. જે હોય એ, ચોથી સીટ પર બેસીને અનેક ગઝલો રચવાનો અતીત વૈભવ વર્તમાનને રોમાંચિત કરે છે. ડૉ. ઇમ્તિયાઝ મોદી `મુસવ્વિર’એ શેરસ્થ કરેલી ચિંતનકણિકા માણવા જેવી છે...
ક્યારેક લોકલની ઢબે, ક્યારેક ઝડપી ટ્રેનમાં
પ્રારબ્ધમાં જે છે લખાયું, તે તને મળશે જ ને
લાસ્ટ લાઇન
હું એટલુંય સત્ય ન સમજી શક્યો હજી
કે ટ્રેન જિંદગીની હું ખુદ હાંકતો નથી
એક ખાસિયત મને ગમી એની, એ લો કહું
સીટી એ મારતી રહે, સઘળી વ્યથા ત્યજી
મનમાં સ્મરણ રહ્યું નહીં એ વાતનુંય કે
ગાડી ઊભી ન રહી શકે સિગ્નલ મળ્યા પછી
એ ધ્યેય કેમ પ્રાપ્ત કરી ના શકે? કહો
પાટા મૂકીને ક્યાંય એ ભાગી નથી જતી
વિભિન્ન પ્રકૃતિના મુસાફર મળે છે રોજ
એક જ લઢણના વ્યક્તિઓ મળતા નથી કદી
ગંતવ્ય-સ્થાન હોય બધાંનું સમાન, તોય
એક સૂએ ટેસથી, તો બીજો ટૂંટિયું વળી
`નિઃસ્વાર્થ’ ડ્રાઇવર છે પ્રભુ, એટલે જ તો
કોઈ ટિકિટ વગર, મેં મફતમાં સફર કરી
- ડૉ. ધીરજ એસ. બલદાણિયા `નિઃસ્વાર્થ’