17 April, 2026 06:32 PM IST | Mumbai | Varsha Chitaliya
હાફ વે ટુ વન થીમના ડેકોરેશન સાથે હિતેન ગડા
અમેરિકાના ફ્લૉરિડાથી બલૂન આર્ટ શીખી આવેલા હિતેન ગડાએ શ્ળોકા અંબાણી, જાહ્નવી કપૂર, ખુશી કપૂર, આરાધ્યા બચ્ચન, નિતારા અક્ષયકુમાર, મિશા શાહિદ કપૂર સહિત અનેક સેલિબ્રિટીઝની બર્થ-ડે પાર્ટીમાં પોતાની ક્રીએટિવિટીથી ચાર ચાંદ લગાવી દીધા છે. બેબી શાવર, વેલકમ હોમ બેબી, હાફ-વે ટુ વન સેલિબ્રેશન, વેડિંગ ઍનિવર્સરી જેવી ઇવેન્ટ્સમાં પણ ઇન્ટરનૅશનલ લેવલનું ડેકોરેશન આપીને તેમણે પ્રીમિયમ બલૂન ડેકોર ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે
વર્ષા ચિતલિયા
feedbackgmd@mid-day.com
એ જમાનો ગયો જ્યારે બર્થ-ડે પાર્ટી એટલે દીવાલ પર ચાર ફુગ્ગા લગાવી દીધા અને મિત્રોને કેક, વેફર, સમોસાની પાર્ટી આપી એટલે થઈ ગઈ ઉજવણી. બેશક જન્મદિવસની ઉજવણી આજે પણ ફુગ્ગાની સજાવટ વિના અધૂરી છે, પણ બલૂન ડેકોરેશન એટલે માત્ર ફુગ્ગા ફુલાવવા નથી. આ એક સર્જનાત્મક કળા છે જેમાં રંગોનું સંયોજન અને થીમ-આધારિત ડેકોરેશન વેન્યુને નવો લુક આપે છે. બૉલીવુડની સેલિબ્રિટીઝ અને મોટા ઉદ્યોગપતિઓની ઇવેન્ટ્સમાં જોવા મળતું પ્રીમિયમ ડેકોરેશન બલૂન આર્ટિસ્ટની ક્રીએટિવિટીને આભારી છે. પોતાની આવડત અને આઇડિયાઝથી સેલિબ્રેશનમાં ચાર ચાંદ લગાવી દેતા આવા જ એક કલાકાર છે મલાડના હિતેન ગડા. તેમણે શ્ળોકા અંબાણી, જાહ્નવી કપૂર, ખુશી કપૂર, આરાધ્યા બચ્ચન, નિતારા અક્ષયકુમાર, મિશા શાહિદ કપૂર સહિત અનેક સેલિબ્રિટીઝની બર્થ-ડે પાર્ટીમાં બલૂન ડેકોરેશન કર્યું છે. આ જર્ની તેમણે કઈ રીતે શરૂ કરી અને આજે તેઓ કયા મુકામ પર છે એ જોઈ લો.
સેલિબ્રિટી ક્લાયન્ટ્સ
ગયા મહિને બૉલીવુડની અભિનેત્રી જાહ્નવી કપૂરનો બર્થ-ડે ગયો. ફૅમિલીએ તેને સરપ્રાઇઝ આપવા લિવિંગ રૂમમાં બલૂન ડેકોરેશન પ્લાન કર્યું હતું એવી માહિતી આપતાં હિતેનભાઈ કહે છે, ‘ફેમિલી સાથે વાત કરતાં જાણવા મળ્યું કે જાહ્નવીને સોબર લુક પસંદ છે. તેના ઘરમાં ડેકોરેશન માટે પર્પલ સાથે સૉફ્ટ શેડ્સનાં બલૂનનો ઉપયોગ કર્યો હતો. એની સાથે તેના ફોટો સ્ટિક કર્યા. અક્ષયકુમારની દીકરી નિતારાના બર્થ-ડેમાં ઘરમાં અને પાર્ટી માટે બુક કરેલી જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલના બૅન્ક્વેટમાં ડેકોર કર્યું હતું. અભિનેતાના ઘરે ગયો ત્યારે ટ્વિન્કલ ખન્નાએ કૉફી ઑફર કરી હતી અને કઈ રીતે ડેકોરેશન થઈ રહ્યું છે એ પણ જોયું હતું. વેન્યુ પર ગેમિંગ થીમ પર કામ કર્યું. શાહિદ કપૂરની દીકરી મિશાના બર્થ-ડે માટે જંગલ થીમ પર ડેકોરેશન કર્યું હતું. આરાધ્યા બચ્ચનને ત્યાં છેલ્લા ૩ બર્થ-ડેથી મારું જ ડેકોરેશન હોય છે. સેલિબ્રટીઝમાં બચ્ચન ફૅમિલી રિપીટ ક્લાયન્ટ્સમાં સૌથી ઉપર છે. જુહુ ખાતેના બંગલામાં અભિષેક બચ્ચને ડેકોરેશન વિશે ચર્ચા કરી હતી. આરાધ્યા હવે ટીનેજમાં પ્રવેશી ચૂકી છે અને મસ્તીખોર પણ છે. તેના ૧૪મા બર્થ-ડેના સેલિબ્રેશન માટે ડિસ્કો થીમ આપી હતી. ગ્લિટર બલૂન અને સિલ્વર બૉલ સાથે લાઇટ્સની ઇફેક્ટ ટીનેજ પાર્ટી માટે પર્ફેક્ટ છે. ક્લાયન્ટ્સની પસંદગી અને મૂડ અનુસાર કામ આપવાનો પ્રયાસ કરું છું. ઍન્ટિલિયામાં ડેકોર કરવાની તક મળી એ સૌથી યાદગાર પળ હતી.’
અંબાણીનું ઘર જોયું
કોરોનાને કારણે અનેક લોકોની લાઇફમાં સુખદ વળાંક આવ્યા છે. હિતેનભાઈને પણ કોરોના ફળ્યો હતો. બલૂન મૅન્યુફૅક્ચરિંગ તેમનો પારિવારિક બિઝનેસ છે. લૉકડાઉનમાં દહાણુમાં આવેલી ફૅક્ટરીમાં કામકાજ ઓછું થયું અને નવા દરવાજા ખૂલી ગયા. હિતેનભાઈ કહે છે, ‘કોરોનામાં બધાની જેમ અમારા ધંધાને પણ અસર થઈ હતી. ફુગ્ગાનું આકર્ષણ હંમેશાંથી હતું. આથી સમય પસાર કરવા ઇન્ટરનેટ પર બલૂન આર્ટિસ્ટના વિડિયો જોતો. એક વાર સોશ્યલ મીડિયા પર શ્ળોકા અંબાણીની પાર્ટીનો વિડિયો જોઈને વિચાર આવ્યો કે હું આવું કામ કેમ ન કરી શકું? અંબાણીના ઘરે ડેકોરેશન કરવાની જીદ અમેરિકા લઈ ગઈ. અહીંથી બલૂન મૅન્યુફૅક્ચરરમાંથી બલૂન આર્ટિસ્ટ તરીકેની જર્ની શરૂ થઈ. ફ્લૉરિડાના માયામી શહેરમાં લોપેઝ બલૂન ઍકૅડેમી વિશે જાણવા મળ્યું. અમેરિકાના વીઝા પહેલેથી હતા. ૨૦૨૧માં ઇન્ટરનૅશનલ બૉર્ડર ઓપન થયા બાદ ઑગસ્ટમાં ફ્લૉરિડા ગયો. ૧૫ દિવસનો કોર્સ હતો. ત્યાર બાદ પાંચ ઇવેન્ટમાં ઇન્ટર્નશિપ કરી. દોઢ મહિના પછી મુંબઈ આવી કામ શરૂ કર્યું. અહીં મોટા ઇવેન્ટ-પ્લાનર્સ પાસે પણ ઇન્ટરનૅશનલ લેવલનું બલૂન ડેકોર કરી શકે એવા આર્ટિસ્ટ બહુ ઓછા છે. કામની ગુણવત્તા, આઇડિયાઝ અને પૅશન જોઈને કામ મળવા લાગ્યું. એક દિવસ મારું કામ જ મને ઍન્ટિલિયા સુધી લઈ ગયું. સામાન્ય રીતે મોટાં કામ ઇવેન્ટ-પ્લાનર્સ દ્વારા મળતાં હોય. આગલા દિવસની રાત સુધી ખબર નહોતી કે અંબાણીના ઘરે શ્ળોકાના બર્થ-ડેનું ડેકોર કરવાનું છે. ૩૦ બાય ૨૦ ફુટની લાઇલેક કલર (પર્પલનો લાઇટ શેડ)ની બલૂન વૉલ બનાવી હતી. મહેલ જેવું ઘર જોઈને આંખો પહોળી થઈ ગઈ. સ્ટાફ પણ ખૂબ જ કો-ઑપરેટિવ હતો. શ્ળોકાને પર્સનલી મળવાનું ન થયું, પણ જે ફ્લોર પર તેમનું મંદિર છે ત્યાં જ ડેકોરેશન કર્યું એટલે મંદિરમાં દર્શન કરવાની પરવાનગી આપી હતી. સપનું સાચું થયું, પણ ફોટો પાડવા પર પ્રતિબંધ હોવાથી સંભારણું મોબાઇલની ગૅલરીમાં નથી, દિલમાં છે.’
મહિનામાં ૧૦ ઇવેન્ટ
શરૂઆતમાં હિતેનભાઈએ બહુ દોડાદોડી કરી. ૩ વર્ષના અનુભવમાં તેમને મુંબઈગરાનો ટેસ્ટ અને સ્પેન્ડિંગ પાવરનો આઇડિયા આવી ગયો. લોકોને ક્વૉલિટી વર્ક આપવા નાના-નાના ડીટેલિંગ પર ધ્યાન આપે છે. સૌથી પહેલાં ક્લાયન્ટ્સ સાથે બેસી ઇનપુટ્સ લઈને તેની પસંદગી જાણી લે. ત્યાર બાદ મૂડ-બોર્ડ ડેવલપ થાય જેમાં થીમ પ્રમાણે કલરનું સિલેક્શન, સેટઅપ ડિઝાઇન, બૅકડ્રૉપ અને બલૂનનું પ્લેસમેન્ટ નક્કી થાય. એક ક્લાયન્ટની દીકરીનો જન્મદિવસ હતો. વાત-વાતમાં જાણવા મળ્યું કે તેની સાયન્સ વિષયમાં રુચિ છે. હિતેનભાઈએ તેના બર્થ-ડે માટે સાયન્સ લૅબ ક્રીએટ કરી હતી. બૅકડ્રૉપ પર લૅબમાંથી કેમિકલના બબલ્સ નીકળતા હોય એ રીતે સીલિંગ ભરી નાખી હતી. રેસકોર્સના બૅન્ક્વેટમાં ડેકોર કરવાની પણ બહુ મજા આવી હતી. ૧૦,૦૦૦ બલૂનનો ઉપયોગ કરીને ૮૦ ફૂટ લાંબી અને ૧૫ ફૂટ પહોળી છત ઢાંકી દીધી હતી. બધા કલરનાં બલૂન અવેલેબલ નથી હોતાં એટલે ડબલ સ્ટફ બલૂન પર કામ કરે છે. રેડ બલૂનની અંદર બ્લૅક બલૂન નાખીને ફુલાવો એટલે મરૂન કલર બને. આઉટડોર ડેકોરેશનમાં બલૂનની શાઇન ઊડી ન જાય એ માટે શાઇનર સ્પ્રે કરવામાં આવે છે. આવી અનેક બાબતોનું ધ્યાન રખાય છે. બલૂન આર્ટ ધીરજ માગી લે છે. બર્થ-ડે પાર્ટીમાં ગેમિંગ, સુપરહીરો, બટરફ્લાય, કૅન્ડી લૅન્ડ, ડિસ્કો થીમ, ફુટબૉલ થીમ પૉપ્યુલર છે.
હિતેનભાઈ મહિનામાં ૧૦ ઇવેન્ટ કરે છે જેમાંથી ૩ મોટી હોય છે. તેમની પાસે ૧૫ જણની ટીમ છે. બલૂન આર્ટ માત્ર બર્થ-ડે પાર્ટી સુધી સીમિત નથી. બેબી શાવર, વેડિંગ ઍનિવર્સરી અને કૉર્પોરેટ ઇવેન્ટ્સમાં પણ એની બોલબાલા છે. તેઓ કહે છે, ‘વેલકમ હોમ બેબી અને હાફ-વે ટુ વન કન્સેપ્ટ હમણાં બહુ ચાલે છે. જન્મ બાદ બાળકને લઈને માતા ઘરે આવે ત્યારે ગર્લ અથવા બૉય હોય એ પ્રમાણે સજાવટ કરવામાં આવે છે. ઘણા ક્લાયન્ટ બાળક એક મહિનાનું થાય ત્યારે બલૂન ડેકોર સાથે ફોટોગ્રાફી કરાવે છે. હાફ-વે ટુ વન એટલે કે બાળક છ મહિનાનું થાય ત્યારે બર્થ-ડે જેવી જ ઉજવણી કરવાનું ચલણ વધ્યું છે. માર્કેટમાં રોજ નવા આઇડિયા અને કન્સેપ્ટ આવે છે. આર્ટિસ્ટે હંમશાં નવું શીખતા રહેવું પડે. ક્લાયન્ટ્સને હજી સારું કામ આપી શકું એ માટે આવતા મહિને ચીનના શાંઘાઈથી નવો કોર્સ કરવાનો પ્લાન છે.’