22 November, 2026 12:24 PM IST | Mumbai | Rashmin Shah
માતા હરી અને મારિયા બુટિના (ડિજિટલ હની)
સત્તા સામે શક્તિ પણ પાંગળી પડી શકે; પણ એ જ સત્તા માદક દેહના વળાંકો, આંખોની ચમક અને પ્રેમના નર્યા નાટક સામે ઘૂંટણિયે પડી જાય છે. એન્વિડિયા કો-ફાઉન્ડરથી માંડીને કર્નલથી માંડીને ઍમ્બૅસૅડરને અને જનરલોને કેવી રીતે તેઓ ફસાવતી આવી છે એ જાણવા ચાલો જઈએ મોઢામાં મધલાળ ટપકાવતી મહિલા જાસૂસની દુનિયામાં
એન્વિડિયાના કો-ફાઉન્ડર જેન્સન હૂવાંગને ચીને હની-ટ્રૅપમાં ફસાવ્યો ત્યારથી ફરી એક વાર હની-ટ્રૅપ અને અને ટ્રૅપિંગની વાતો વાતાવરણમાં આવી ગઈ છે. ઘણાખરા એવું માને છે કે હની-ટ્રૅપ છેલ્લાં પચીસ-પચાસ વર્ષથી શોધાયેલું કપટ છે; પણ ના, એવું નથી. વિશ્વના ઇતિહાસો જુઓ તો તમને સમજાશે કે રણમેદાનથી લઈને રાજકીય યુદ્ધો તલવારો, બંદૂકો, મિસાઇલો કે દિમાગથી નથી લડાયાં. પડદા પાછળ એક એવું વણદેખ્યું યુદ્ધ પણ સતત ચાલતું રહ્યું છે જ્યાં હથિયાર તરીકે બુદ્ધિ અને બ્યુટીની સાથે ઇમોશન્સ અને હ્યુમન-વીકનેસનો ભરપૂર ઉપયોગ થયો હોય અને એનો સૈદ્ધાંતિક ગેરલાભ લેવામાં આવ્યો હોય. જાસૂસી દુનિયામાં એને હની-ટ્રૅપ કે એસ્પિઓનેજ તરીકે ઓળખવામાં આવે છે. સદીઓથી દુનિયાની મહાસત્તાઓ પોતાના દુશ્મનોના દરવાજાઓ ખોલવા માટે મહિલા જાસૂસોનો ઉપયોગ કરતી આવી છે. જ્યાં મહાકાય સેના, પરમાણુ હથિયારો કે અત્યાધુનિક સૅટેલાઇટ ભોંય ચાટતાં થઈ જાય છે ત્યાં એક કાબેલ મહિલા જાસૂસ પોતાના વાક્ચાતુર્ય, ઍટ્રૅક્શન અને સાઇકોલૉજિક સ્માર્ટનેસથી ભલભલાં રહસ્યો બહાર કઢાવી લે છે અને આ ત્યારે જ શક્ય બને જ્યારે MICE ફૉર્મ્યુલાની સાઇકોલૉજી કામ લાગે.
શું છે આ MICE ફૉર્મ્યુલા?
દુનિયાના મોટા ભાગના દેશોની ગુપ્તચર એજન્સીઓ હની-ટ્રૅપને જાસૂસીની સૌથી અસરકારક અને સસ્તી રીત માને છે જેની પાછળનું કારણ બહુ સ્પષ્ટ છે.
દુશ્મન દેશ પર લશ્કરી હુમલો કરવો, પરમાણુ હથિયારો વિકસાવવા કે અવકાશમાં દેખરેખ માટે જાસૂસી સૅટેલાઇટ તૈયાર કરવા એ ખર્ચાળ અને જોખમી છે. એની સરખામણીએ મહત્ત્વપૂર્ણ હોદ્દા પર બેઠેલા અધિકારીને પ્રેમજાળમાં ફસાવીને તેની પાસેથી માહિતી કઢાવવી એ સસ્તી, સરળ અને અસરકારક પદ્ધતિ છે. એમાં પણ આજના ડિજિટલ યુગમાં તો સેન્સેટિવ ઇન્ફર્મેશન અનેક સ્તરના સ્ટ્રૉન્ગ એન્ક્રિપ્શન અને સાઇબર સિક્યૉરિટી વચ્ચે રાખવામાં આવે છે જેને તોડવામાં દુનિયાના બેસ્ટ હૅકર્સને પણ મહિનાઓ લાગી જાય અને એમાં પાછો પકડાવાનો ભય તો લટકામાં. જો એ સિસ્ટમનો પાસવર્ડ ધરાવતા અધિકારીને જ ટ્રૅપ કરવામાં આવે તો ઓછા સમય અને નહીંવત્ જોખમે સીધી માહિતી હાથ આવી જાય.
ચાલીસના દશકમાં અમેરિકા અને બ્રિટનની ગુપ્તચર એજન્સીઓએ સોવિયેટ સંઘની હની-ટ્રૅપિંગ વ્યૂહરચનાનો સ્ટડી કર્યો ત્યારે એમાંથી જાસૂસીનું સર્વમાન્ય સાઇકોલૉજિકલ સ્લોગન સામે આવ્યું, જેને MICE ફૉર્મ્યુલા કહેવામાં આવી. આ જે અંગ્રેજી લેટર છે એ માણસના સ્વભાવની ૪ સૌથી મોટી નબળાઈ દેખાડે છે.
M – Money : આર્થિક લાલચ કે દેવાંમાં ડૂબેલી વ્યક્તિ પૈસા માટે દેશ સાથે ગદ્દારી કરવા તૈયાર થઈ જાય.
I – Ideology : પોતાની સરકારની નીતિઓ પ્રત્યેનો અસંતોષ કે કોઈ અન્ય દેશની વિચારધારા પ્રત્યેનો લગાવ વ્યક્તિને દેશ સાથે ગદ્દારી કરવા તૈયાર કરી દે.
C – Compromise : જ્યારે કોઈ નૈતિક કે સામાજિક રીતે ખોટું કામ કરી બેસે ત્યારે બદનામીના ડરથી તે સમાધાન કરીને ગદ્દાર બની જાય.
E – Ego : ઘણી વાર ઉચ્ચ હોદ્દા પર બેઠેલા પોતાનું મહત્ત્વ બતાવવા કે વખાણ સાંભળવાની લાયમાં અને પોતે ઘણું જાણે છે એવું દેખાડવા ગદ્દાર બની જાય.
આ ચારમાંથી કોઈ એક નબળાઈને કારણે વ્યક્તિ હની-ટ્રૅપમાં ફસાય અને જાસૂસી કરવા મજબૂર બને. આ હની-ટ્રૅપનો સક્સેસ-રેશિયો ખાસ્સો ઊંચો હોવાથી આજે પણ વિશ્વભરની ગુપ્તચર એજન્સીઓ આ મૉડલ હેઠળ પોતાનાં ઑપરેશન્સ પાર પાડે છે. જાસૂસી ઇતિહાસના જાણીતા બ્રિટિશ લેખક બેન મૅકિન્ટાયર આ વિશે બહુ સરસ કહે છે, ‘ખૂબ ચાલાક અને બુદ્ધિશાળી પણ શારીરિક આકર્ષણ અને સેક્સ માટે મોટી મૂર્ખામી કરી બેસે છે. ચોકસાઈ અને પ્લાનિંગ સાથે તૈયાર કરવામાં આવેલી હની-ટ્રૅપની જાળ સામે વ્યક્તિની બુદ્ધિમત્તા, વર્ષોની સખત ટ્રેઇનિંગ, દેશભક્તિ અને ચરિત્ર બધું ઓસરી જાય છે.’
અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ભૂતપૂર્વ એજન્ટ રૉબિન ડ્રીકે હની-ટ્રૅપને બેધારી તલવાર ગણાવે છે. રૉબિન ડ્રીકેનું માનવું છે કે આ પ્રક્રિયા બે તબક્કાની છે. પહેલા તબક્કામાં ટાર્ગેટ વ્યક્તિ માત્ર ઍટ્રૅક્શન, પ્રેમ અને ઇમોશન્સને લીધે માહિતી આપે છે. એક વાર ટ્રૅપમાં આવી જાય અને તેની સાથેની અંગત પળોના વાંધાજનક ફોટો કે વિડિયોમાં કૅપ્ચર થઈ જાય પછી બીજો તબક્કો શરૂ થાય છે. પછી તે પ્રેમથી નહીં પણ બદનામી અને કરીઅર ખતમ થઈ જવાના ડરથી બ્લૅકમેઇલ થઈને બધું આપે છે.
આ વાતને ધ્યાનમાં રાખીને જ દુનિયામાં થયેલા પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં મહિલા જાસૂસોનો ઉપયોગ કરવામાં આવ્યો. માતા હરી તથા સિન્થિયા નામની તે બન્ને મહિલાઓએ જવાંમર્દની જેમ કામ કર્યું અને એટલે જ આજે પણ મહિલા જાસૂસની દુનિયામાં એન્ટર થાઓ કે આ બન્ને નામ જ સૌથી પહેલાં ઊડીને આંખે વળગે છે.
જ્યારે ભારતે હની-ટ્રૅપનો ઉપયોગ કર્યો
સામાન્ય રીતે ભારતને હની-ટ્રૅપના શિકાર તરીકે જોવામાં આવે છે, પણ ભારતની રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિન્ગ એટલે કે રૉના અધિકારીઓએ પણ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં અનેક વખત વ્યૂહાત્મક રીતે હની-ટ્રૅપનો સફળ ઉપયોગ કર્યો છે.
૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલાં અને એ દરમ્યાન રૉના એજન્ટ્સે લંડન અને પશ્ચિમ એશિયામાં રહેલા પાકિસ્તાની રાજદ્વારીઓને અને સૈન્યના અધિકારીઓને નિશાન બનાવ્યા હતા. સુંદર મહિલા એજન્ટ્સે પાકિસ્તાની અધિકારીઓની નબળાઈઓનો ફાયદો ઉઠાવીને પૂર્વ પાકિસ્તાનમાં (આજના બંગલાદેશમાં) પાકિસ્તાની સેનાની વ્યૂહરચના અને હથિયારોની સપ્લાય વિશેની મહત્ત્વની માહિતી મેળવી હતી.
દક્ષિણ એશિયામાં ચીનના વધતા પ્રભાવ અને નેપાલમાં ચાલતી ભારતવિરોધી કામગીરીને રોકવા ભારતીય એજન્ટ્સે કાઠમાંડુની હોટેલો અને ક્લબોમાં હની-ટ્રૅપ ઑપરેશન્સ પાર પાડ્યાં હોવાનું કહેવાય છે, જેના દ્વારા ભારતમાં નકલી કરન્સી ઘુસાડતા ISIના એજન્ટ્સ અને અન્ડરવર્લ્ડના માફિયાઓના પર્ફેક્ટ માહિતી મેળવીને તેમનો ખાતમો કરવામાં આવ્યો હતો.
૧૯૭૪ અને ૧૯૯૮ના પોખરણ ન્યુક્લિયર ટેસ્ટિંગ દરમ્યાન જ્યારે અમેરિકાની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CIA) અને પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ભારતના સાયન્ટિસ્ટની જાસૂસી કરવાનો પ્રયાસ કરતી હતી ત્યારે ભારતીય એજન્સીઓએ ડબલ એજન્ટ્સ અને મહિલા ઑપરેટિવ્સનો ઉપયોગ કરીને દુશ્મન એજન્ટ્સને ખોટી માહિતીમાં ફસાવ્યા, જેથી પોખરણ પરીક્ષણની ગુપ્તતા અકબંધ રહી શકે.
ભારત પણ બન્યું શિકાર
પાકિસ્તાની એજન્સી ISI દ્વારા ભારતીય સેના, ઍરફોર્સ, નેવી અને સાયન્ટિસ્ટ સોશ્યલ મીડિયા દ્વારા હની-ટ્રૅપમાં ફસાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
એક પાકિસ્તાની મહિલા એજન્ટ ભારતીય વાયુસેનાના વિન્ગ કમાન્ડર સાથે સોશ્યલ મીડિયા ચૅટ કરતી અને તેને પોતાની ન્યુડ તસવીરો મોકલતી. એના બદલામાં તે અધિકારીએ લેહ ઍરબેઝ, વૉર પ્લાનિંગ અને ડ્રોન વૉરફેર જેવી અત્યંત સંવેદનશીલ માહિતીઓ પાકિસ્તાની એજન્ટને આપી દીધી. મે ૨૦૨૬માં તે અધિકારીની એરેસ્ટ કરવામાં આવી.
૨૦૨૬માં જ બે પાકિસ્તાની ઑપરેટર્સે પોતાની ઓળખ ભારતીય યુવતીઓ તરીકે આપીને વિશાખાપટનમ નેવલ બેઝના અધિકારીઓ સાથે ફેસબુક પર ફ્રેન્ડશિપ કરી. તેમણે અધિકારીઓ પાસેથી સબમરીન અને યુદ્ધજહાજોના ફોટો તેમ જ કમાન્ડિંગ અધિકારીઓની માહિતી માગી. ગુપ્તચર એજન્સીઓને ખબર પડતાં જ નેવી ઑફિસરોની અરેસ્ટ કરીને આખા નેટવર્કની તપાસ શરૂ કરવામાં આવી.
ઇન્ડિયાના વરિષ્ઠ સાયન્ટિસ્ટ પ્રદીપ કુરુલકરની ૨૦૨૩માં પાકિસ્તાની એજન્ટને ગુપ્ત માહિતી આપવાના આરોપસર ધરપકડ થઈ. તપાસમાં બહાર આવ્યું હતું કે પાકિસ્તાની મહિલાના આકર્ષણમાં આવીને પ્રદીપ કુરુલકર તેની સાથે ચૅટ અને વિડિયો-કૉલ કરતા અને મિસાઇલ પ્રોજેક્ટ્સની માહિતી શૅર કરતા.
૨૦૧૯માં ઇન્ડિયન નેવીના ૭ જવાનોની પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી લીક કરવા બદલ ધરપકડ કરવામાં આવી. સોશ્યલ મીડિયા પર પાકિસ્તાની મહિલાઓ સાથે ફ્રેન્ડશિપ કર્યા પછી તે મહિલાઓએ જવાનોને બ્લૅકમેઇલ કરીને નૌસેનાનાં જહાજોની હિલચાલની માહિતી કઢાવતી હતી.
૨૦૧૦માં ઇન્ડિયન નેવીની દિલ્હીસ્થિત ઑફિસમાં એક અનામી પાર્સલ આવ્યું, જેમાં કૉમોડોર સુખજિંદર સિંહની એક રશિયન મહિલા સાથે વાંધાજનક તસવીરો હતી. ચિઠ્ઠીમાં આરોપ હતો કે સુખજિંદરે વિમાનવાહક જહાજ INS વિક્રમાદિત્યના સોદાની વિગતો લીક કરી છે. તપાસમાં જાસૂસી સાબિત ન થઈ, પણ અનૈતિક આચરણ બદલ સુખજિંદરને કોર્ટ માર્શલ કરવામાં આવ્યા.
ઇતિહાસ અને હની-ટ્રૅપ : બાઇબલની ડેલિલાથી ચાણક્યની વિષકન્યાઓ સુધી
જાસૂસી માટે સુંદર સ્ત્રીઓના ઉપયોગનો ઇતિહાસ લગભગ ૩૦૦૦ વર્ષ જૂનો છે. ઇઝરાયલ અને આસપાસના વિસ્તારોમાં સદીઓ પહેલાં પલિશ્તીઓનું શાસન હતું. પલિશ્તીઓ માટે અપાર શક્તિ ધરાવતો સૅમસન સૌથી મોટો પડકાર હતો. સૅમસનની શક્તિનું રહસ્ય જાણવા પલિશ્તીઓએ તેની પ્રેમિકા ડેલિલાને ચાંદીના ૧૧૦૦ સિક્કાની લાલચ આપી. ડેલિલાએ પ્રેમનું નાટક કરીને સૅમસન પાસેથી જાણી લીધું કે તેની તમામ શક્તિ તેના માથાના લાંબા વાળમાં છે. એક દિવસ જ્યારે સૅમસન ડેલિલાના ખોળામાં માથું રાખીને સૂતો હતો ત્યારે ડેલિલાએ તેના વાળ કાપી નાખ્યા અને પલિશ્તી સૈનિકોએ શક્તિહીન બનેલા સૅમસનની ધરપકડ કરી લીધી.
ઍના ચૅપમૅન અને ક્રિસ્ટિન ફૅન્ગ
ચોથી સદીના ભારતમાં ઈસવીસન પૂર્વે ચાણક્યએ લખેલા ગ્રંથ અર્થશાસ્ત્રમાં પણ રાજ્યની સુરક્ષા અને શત્રુઓના વિનાશ માટે સુંદર સ્ત્રીઓને ગુપ્તચર બનાવીને દુશ્મન રાજાઓના દરબારમાં મોકલવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ સ્ત્રીઓને બાળપણથી જ થોડી-થોડી માત્રામાં ઝેર આપીને વિષકન્યા બનાવવામાં આવતી. તે દુશ્મન રાજાઓ, મંત્રીઓ અને સેનાપતિઓ સાથે પ્રેમનું નાટક કરતી અને તેમનો વિશ્વાસ જીતીને તેમના ભોજન, પાણી, મદિરા કે અત્તરમાં ઝેર ભેળવીને તેમની હત્યા કરતી.
ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પ્રાચીન ચીનમાં શી શિ નામની સ્વરૂપવાન જાસૂસનો ઉલ્લેખ છે. તેને દુશ્મન દેશના રાજાને પ્રેમજાળમાં ફસાવવા માટે મોકલવામાં આવી. રાજા શી શિના પ્રેમમાં એટલો અંધ બની ગયો કે તેણે રાજપાટ અને પ્રજાની સંપૂર્ણ અવગણના શરૂ કરી દીધી. પરિણામે રાજ્ય અંદરથી નબળું પડી ગયું અને દુશ્મન રાજાએ સરળતાથી એના પર કબજો કરી લીધો.
કોણ છે માતા હરી?
વાંચવામાં પ્યૉર ઇન્ડિયન કે ગુજરાતી નામ લાગતું આ નામ ડચ ડાન્સરનું છે. માતા હરીએ ડબલ એજન્ટ બનીને દુનિયા આખીને ગોથે ચડાવી દીધી હતી.
માતા હરીનું અસલી નામ માર્ગરેથા ગેરટ્રૉઈડા ઝેલ. નેધરલૅન્ડ્સની આ છોકરી એ સમયની અત્યંત પ્રખ્યાત નૃત્યાંગના અને ગણિકા હતી. પહેલા વિશ્વયુદ્ધ પહેલાં અને યુદ્ધ દરમ્યાન પૅરિસ સહિત યુરોપમાં તેના શો થતા અને અખબારોમાં પણ તેના ફોટો આવતા. તેની બ્યુટી, આકર્ષક પર્સનાલિટી અને કલાને કારણે ફ્રાન્સ, જર્મની સહિતના યુરોપિયન દેશોની સેનાના ઉચ્ચ અધિકારીઓ, રાજકારણીઓ અને રાજદ્વારીઓ સાથે તેના અંગત ગાઢ સંબંધો હતા.
૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે યુરોપની સરહદો બંધ થઈ, પણ ડચ સિટિઝન હોવાને કારણે માતા હરીને એક દેશમાંથી બીજા દેશમાં ટ્રાવેલ કરવાની છૂટ હતી. એનો લાભ લઈને એક જર્મન અધિકારીએ માતા હરીનો ઉપયોગ ફ્રાન્સની જાસૂસી કરવા માટે કર્યો અને તેને H-21 કોડનેમ આપ્યું. બીજી તરફ ફ્રાન્સની ગુપ્તચર એજન્સીએ પણ તેને જર્મનીની જાસૂસી કરવા માટે પૈસા આપ્યા. આમ માતા હરી બન્ને દેશો વચ્ચે ‘ડબલ એજન્ટ’ બની ગઈ. જોકે તેનો આ ખેલ લાંબો સમય ચાલ્યો નહીં.
ફેબ્રુઆરી ૧૯૧૭માં પૅરિસમાં ફ્રેન્ચ પોલીસે તેની ધરપકડ કરી. જર્મની માટે જાસૂસી કરવાના આરોપમાં ફ્રેન્ચ લશ્કરી અદાલતમાં તેના પર કેસ ચલાવવામાં આવ્યો અને ૧૯૧૭ની ૧૫ ઑક્ટોબરે ફ્રાન્સે માતા હરીને ફાયરિંગ સ્ક્વૉડ સામે ઊભી કરીને એટલે કે જાહેરમાં ગોળી મારીને મોતની સજા આપી. જોકે આજે પણ ઇતિહાસકારો માતા હરીની વિરુદ્ધ રજૂ થયેલા પુરાવાઓની ખરાઈ માટે શંકા કરતાં આક્ષેપ કરે છે કે યુદ્ધની નિષ્ફળતાઓ છુપાવવા માટે ફ્રાન્સ સરકારે માતા હરીને બલિનો બકરો બનાવી, પણ એ હકીકત છે કે માતા હરીનું નામ જીવનભર જાસૂસીના ઇતિહાસમાં આવી ગયું.
કોણ છે સિન્થિયા?
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટન માટે જાસૂસી કરનારી એમી એલિઝાબેથ થોર્પને સિન્થિયા કોડનેમ આપવામાં આવ્યું હતું. પોતાની બ્યુટી, કામણગારા વર્તન અને બુદ્ધિચાતુર્યથી મિત્રરાષ્ટ્રોને તેણે અત્યંત મહત્ત્વની માહિતીઓ લાવી આપી હતી.
૧૯૩૮માં સિન્થિયાએ પૉલિશ ફૉરેન મિનિસ્ટ્રીના એક ઉચ્ચ અધિકારીને પ્રેમમાં ફસાવ્યો અને તેની પાસેથી જર્મનીના ગુપ્ત સંદેશાઓ મોકલનારી અત્યંત જટિલ એનિગ્મા મશીનના કોડ અને કાર્યપદ્ધતિ વિશેની મહત્ત્વની માહિતી મેળવી જે બ્રિટિશ વૈજ્ઞાનિકોને જર્મન કોડ તોડવામાં ખૂબ ઉપયોગી સાબિત થઈ. એ પછી ૧૯૪૨માં સિન્થિયાએ વૉશિંગ્ટન ખાતેના ફ્રેન્ચ દૂતાવાસના અધિકારી ચાર્લ્સ બ્રૂસ સાથે પ્રેમનું નાટક કર્યું અને પ્રેમવશ અધિકારીને વિશ્વાસમાં લઈને દૂતાવાસની તિજોરી તોડાવીને ફ્રેન્ચ નેવીના અત્યંત મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સ અને સાઇબર કોડ્સ ચોર્યા.
આ બે લેડીનાં કારનામાંની સામે નાઝીઓએ તો મહિલાઓની આખી ફોજ ઉતારીને કિટી સેલૂન જ શરૂ કર્યું હતું.
જર્મનીમાં કિટી સૅલોંમાં તૈયાર કરવામાં આવતી સ્પાય ગર્લ્સ અને ઍના મૉન્ટેસ, ઍના મૉન્ટેસ
કિટી સૅલોં, આ વળી કઈ બલા?
બીજા વિશ્વયુદ્ધ સમયે માત્ર વ્યક્તિગત મહિલા નહીં પણ સંસ્થાકીય સ્તરે હની-ટ્રૅપનો ઉપયોગ થયો. જર્મનીના બર્લિનમાં આવેલી કિટી સૅલોં નામની જગ્યામાં અનેક મહિલાઓ દેહવિક્રયનો વેપાર કરતી. નાઝીઓની ગુપ્તચર સંસ્થાએ આ કિટી સૅલોંનો કૉન્ટૅક્ટ કર્યો અને આ કિટી સૅલોં જાસૂસીનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું. આ સૅલોંમાં વિદેશી રાજદૂતો, રાજદ્વારીઓ, સૈન્યના ઉચ્ચ અધિકારીઓ અને ખુદ નાઝી પક્ષના મોટા નેતાઓની સતત અવરજવર રહેતી.
નાઝી હેડ રેઇનહાર્ડ હેડ્રિચે આ સૅલોંના દરેક રૂમની દીવાલોમાં માઇક્રોફોન લગાવ્યાં અને બિલ્ડિંગના ભોંયરામાં રેકૉર્ડિંગ રૂમ બનાવ્યો. દેશની સૌથી સુંદર અને બુદ્ધિશાળી છોકરીઓને પસંદ કરીને તેમને જાસૂસીની ખાસ ટ્રેઇનિંગ આપવામાં આવી અને પછી તેમને કિટી સૅલોંમાં રાખવામાં આવી. આ છોકરીઓ દારૂ અને શરીરના નશામાં મિલિટરી સીક્રેટ્સ કઢાવતી તો સાથોસાથ નાઝી અધિકારીઓ હિટલર પ્રત્યે કેટલા વફાદાર છે એનું પણ ચેકિંગ કરતી. તમે માનશો નહીં, પણ યુદ્ધ દરમ્યાન આ સૅલોંમાં ૨૫,૦૦૦થી વધુ વાતચીતનાં રેકૉર્ડિંગ કરવામાં આવ્યાં હતાં.
બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી દુનિયામાં દેખીતી શાંતિ શરૂ થઈ, પણ અમેરિકા અને સોવિયેટ સંઘ વચ્ચે કોલ્ડ વૉર શરૂ થઈ અને એમાં મહિલાઓની બોલબાલા વધી.
ડિમાન્ડ શું કામ વધી?
કોલ્ડ વૉરના પિરિયડમાં સોવિયેટ સંઘની જાસૂસી સંસ્થા કોમિતેત ગોસુદસ્તર્વેન્નોય બેઝોપ્સ્નોસ્તિ (KGB)એ હની-ટ્રૅપ દ્વારા પશ્ચિમી દેશોની માહિતી કઢાવવા માટે રીતસર સિસ્ટમૅટિક વ્યવસ્થા જ ઊભી કરી.
સોવિયેટ સંઘે કઝાન નામના શહેરમાં સ્ટેટ સ્કૂલ-૪ નામનું એક ખાસ ટ્રેઇનિંગ સેન્ટર ઊભું કર્યું જ્યાં રૂપ-રૂપનો અંબાર એવી સુંદર યુવતીઓને પસંદ કરીને તેમને જાતજાતની કળા શીખવવામાં આવતી. પ્રલોભનથી લઈને સાઇકોલૉજી, ફૉરેન-લૅન્ગ્વેજ, બૉડી-લૅન્ગ્વેજ, પ્રોટોકૉલ્સ અને માહિતી કઢાવવા માટેની એક્સપર્ટાઇઝમાં તૈયાર થનારી આ છોકરીઓએ સ્વેલોઝ તરીકે ઓળખવામાં આવતી. તેમનું મેઇન કામ મૉસ્કો આવતા કે વિદેશમાં તહેનાત પશ્ચિમી દેશોના રાજદ્વારીઓ, સેનાના અધિકારીઓ, બિઝનેસમેન, પૉલિટિશ્યન અને ઈવન જર્નલિસ્ટને પોતાની પ્રેમજાળમાં ફસાવવાનું હતું.
કોલ્ડ વૉર દરમ્યાન તૈયાર થયેલી આ છોકરીઓએ ખરા અર્થમાં તહલકો મચાવી દીધો. જાસૂસી ઇતિહાસમાં સૌથી વધારે સારું અને અસરકારક કામ આ પિરિયડમાં થયું; પણ આ કામને બ્રેક ત્યારે લાગી જ્યારે સોવિયેટ સંઘે પશ્ચિમના દેશના છોડીને હની-ટ્રૅપમાં ભારત, ચીન અને પાકિસ્તાન જેવા દેશોમાં પણ આ કામ શરૂ કર્યું અને પછી અંદરખાને દેકારો મચતાં સોવિયેટ સંઘે પોતાના આ મિશનને બ્રેક મારવી પડી. જોકે એનો અર્થ એવો નથી થતો કે વૉર અને કોલ્ડ વૉર પછી દુનિયામાં મહિલા જાસૂસોની સક્રિયતા ઓછી થઈ. ના રે, ઊલટાનું એનું પ્રમાણ વધ્યું અને બીજા દેશો પણ એમાં સામેલ થયા તો સાથોસાથ દુનિયાના બીજા દેશો એમાં ફસાયા પણ ખરા, જેમાં અમેરિકા સુધ્ધાં અડફેટે ચડી ગયું. આજના સમયની સૌથી ચર્ચિત એવી આ પાંચ મહિલા જાસૂસોને મળવા જેવું છે.
મળો અૅના ચૅપમૅનને
રશિયામાં અૅના કુશ્ચેન્કોના નામે જન્મેલી અૅના ચૅપમૅન લંડનમાં રહ્યા પછી ૨૦૦૯માં એક સફળ રિયલ એસ્ટેટ ઑન્ટ્રપ્રનર તરીકે અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં સ્થાયી થઈ. તેનો લુક, પર્સનાલિટી અને હાઈ-પ્રોફાઇલ લાઇફ-સ્ટાઇલને કારણે તેણે અમેરિકાના બિગ શૉટ્સના સર્કલમાં એન્ટ્રી મેળવી. હકીકતમાં અૅના રશિયાની ગુપ્તચર સંસ્થાના અત્યંત ખાનગી એવા સ્લીપર સેલ નેટવર્ક સાથે જોડાયેલી હતી.
અમેરિકાની FBIના વર્ષો સુધી ચાલેલા ખાનગી અભિયાન ઑપરેશન ઘોસ્ટ સ્ટોરીઝ અંતર્ગત ૨૦૧૦ની ૨૭ જૂને તેની અરેસ્ટ કરવામાં આવી ત્યારે અૅનાએ ગેરકાયદે વિદેશી એજન્ટ તરીકે કામ કરવાનો ગુનો કબૂલી લીધો અને એ જ વર્ષના જુલાઈ મહિનામાં અમેરિકા-રશિયા વચ્ચે થયેલા જાસૂસોની અદલાબદલીના કરાર મુજબ અૅનાને રશિયા મોકલી દેવામાં આવી. અૅનાએ અમેરિકામાં ૧૪ માલતુજારો સાથે ફિઝિકલ રિલેશન બાંધ્યા હતા.
વાત ઍના મૉન્ટેસની
અમેરિકી ઇતિહાસની સૌથી ખતરનાક જાસૂસોમાં જો કોઈની ગણના થતી હોય તો તે ઍના મૉન્ટેસ છે કારણ કે ઍના બહારની નહીં, ખુદ અમેરિકાની ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીમાં સિનિયર પોઝિશન પર હતી. ઍનાએ પૈસાની લાલચમાં નહીં પણ અમેરિકાની વિદેશનીતિઓ પ્રત્યેના વૈચારિક વિરોધને કારણે ૧૭ વર્ષ સુધી ક્યુબા માટે જાસૂસી કરી.
આ ૧૭ વર્ષ દરમ્યાન તેણે અમેરિકાની અત્યંત અગત્યની એવી સેનાની વિગતો, સૅટેલાઇટ્સની ઇન્ફર્મેશન અને ક્યુબામાં કામ કરતા અમેરિકાના જાસૂસોની ઓળખ લીક કરી. ૨૦૦૧ની ૨૧ સપ્ટેમ્બરે ઍનાની અરેસ્ટ થઈ. તેણે ગુનો કબૂલ્યો, જેના બદલામાં તેને પચીસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી. અલબત્ત, ૨૦ વર્ષની સજા પછી ૨૦૨૩માં તેની બાકીની સજા માફ કરવામાં આવી. ક્યુબા માટે કામ કરનારી ઍનાએ અમેરિકી સેનાના ૩ અધિકારી સાથે સુંવાળા સંબંધો રાખ્યા હતા.
આ છે મારિયા બુટિના
મારિયા બુટિના રશિયન હતી જે ભણવાના બહાને અમેરિકામાં રહેતી. ૨૦૧૫થી તેણે અમેરિકાના પૉલિટિકલ બિગ શૉટ્સ અને અત્યંત મહત્ત્વના એવા નૅશનલ રાઇફલ અસોસિએશનમાં ઊંડા, અંગત અને પૉલિટિકલ સંબંધો વિકસાવ્યા. મારિયાનો હેતુ અમેરિકા રશિયાતરફી નીતિ બનાવે એ હતો અને એ માટે અમેરિકન પૉલિટિશ્યનનો ઉપયોગ કરવાનો હતો, જેમાં તે અમુક અંશે કામિયાબ પણ રહી.
૨૦૧૮ના જુલાઈમાં FBIએ તેની ધરપકડ કરી અને એ જ વર્ષે ડિસેમ્બરમાં ગુનો કબૂલી લીધો, પણ મારિયાની સાથે જે કોઈને સંબંધો હતા એ જાહેરમાં ન આવતાં તેને દોઢ વર્ષની જ સજા થઈ. તેને રશિયા મોકલી દેવામાં આવી. મારિયાને અમેરિકામાં બાવીસ રિલેશનશિપ હતી, જેના વિડિયો આજે પણ અમેરિકાની FBIએ જાહેર નથી કર્યા.
વાત ક્રિસ્ટિન ફૅન્ગની
ફૅન્ગ ફૅન્ગ તરીકે પણ જાણીતી ક્રિસ્ટિન ફૅન્ગ ૨૦૧૧થી ૨૦૧૫ની વચ્ચે સૅન ફ્રાન્સિસ્કોની કૉલેજમાં ભણતી હતી. એ વખતે કૅલિફૉર્નિયાના પૉલિટિકલ અને સોસાયટીમાં તે અત્યંત સક્રિય બની. અમેરિકી ગુપ્તચર અધિકારીઓને શંકા હતી કે તે ચીન માટે કામ કરે છે અને અમેરિકાના નવા પૉલિટિશ્યનો સુધી પહોંચવા માગે છે. આ માટે ક્રિસ્ટિને ચૂંટણી-ભંડોળ એકઠું કરવાથી માંડીને રાજકીય કૅમ્પેનમાં હેલ્પ કરવા સુધીનાં કામ પણ કર્યાં અને આ બધા માટે તે કપડાં ઉતારવામાં સહેજ પણ સંકોચ રાખતી નહીં.
અમેરિકન એજન્સી FBI જ્યારે તેની નજીક પહોંચી ત્યારે ૨૦૧૫ના મધ્યભાગમાં તે અચાનક અમેરિકા છોડીને ચીન ભાગી ગઈ અને તેના પર ક્યારેય ફોજદારી આરોપ મૂકી શકાયો નહીં. અલબત્ત, ઑગસ્ટ ૨૦૨૬માં જાહેર કરાયેલી FBIની ફાઇલોમાં પ્રૂફ મળ્યાં કે ક્રિસ્ટિને મહત્ત્વના કહેવાય એવા તમામ આગેવાનો સાથેની અંતરંગ પળોના વિડિયો લીધા હતા.
સિક્યૉરિટી સેક્ટર સાથે જોડાયેલા એક્સપર્ટ્સનું માનવું છે કે આજે જ્યારે આખી દુનિયા ડિજિટલ યુગમાં છે, સોશ્યલ મીડિયા અને આર્ટિફિશ્યલ ઇન્ટ્લિજન્સ (AI)નું વર્ચસ વધી ગયું છે એવા સમયે હની-ટ્રૅપનું આક્રમણ વધ્યું છે અને આવતા સમયમાં હજી વધુ જોર પકડવાનું છે.
ડિજિટલ યુગમાં હની-ટ્રૅપ
આજના ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના યુગમાં હની-ટ્રૅપિંગનું ચલણ અત્યંત ઝડપથી વધ્યું છે. હા, હવે એમાં એક નવું રૂપ આવ્યું છે અને એ છે વર્ચ્યુઅલ. હવે ગુપ્તચર એજન્સીઓની ફીમેલ એજન્ટ્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ, ટેલિગ્રામ અને ઑનલાઇન ડેટિંગ ઍપ્સ દ્વારા હજારો કિલોમીટર દૂર બેસીને પ્રભાવશાળી વ્યક્તિઓ, સોલ્જર, સાયન્ટિસ્ટ અને અન્ય સત્તાધારી સાથે કૉન્ટૅક્ટ બનાવે છે.
બધા જાણે છે એમ પહેલાં નકલી પ્રોફાઇલ દ્વારા ફ્રેન્ડશિપ કરવાની અને પછી મીઠી વાતો, ચૅટ અને વિડિયો-કૉલથી વિશ્વાસ જીતવામાં આવે. ક્યારેક પ્રેમના નામે તો ક્યારેક અશ્લીલ વિડિયો-કૉલ રેકૉર્ડ્સ દ્વારા બ્લૅકમેઇલિંગ કરીને જરૂરી ખાનગી માહિતી કઢાવવામાં આવે. આ બધામાં કૉમનમૅન જ ફસાયો છે એવું માનવું અર્થહીન છે, કારણ કે યુક્રેને હજી હમણાં જ દાવો કર્યો કે રશિયન ગુપ્તચર એજન્ટ્સ તેમના સૈનિકોને નિશાન બનાવવા માટે સોશ્યલ મીડિયા અને ડેટિંગ ઍપ્સનો મોટા પાયે ઉપયોગ કરે છે. ૨૦૨૬ના ઑગસ્ટ મહિના સુધીમાં યુક્રેનની સિક્યૉરિટી એજન્સીઓએ આવા ૫૦ જેટલા હની-ટ્રૅપના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા. જોકે એક કરુણ ઘટના ઘટી જેમાં એક યુક્રેની સૈનિકે ઑનલાઇન કૉન્ટૅક્ટમાં આવેલી મહિલા એજન્ટને પોતાની સામાન્ય તસવીર મોકલી. પેલી એજન્ટ છોકરીએ AIની હેલ્પથી તે સૈનિકની તસવીરને એક યુવતી સાથે વાંધાજનક સ્થિતિમાં એડિટ કરી અને તેને બ્લૅકમેઇલ કરવા લાગી. સામાજિક બદનામી અને પૅનિકનેસ સહન ન થતાં તે સૈનિકે સુસાઇડ કરી લીધું.
અરે, આ જ પ્રકારના એક કિસ્સામાં અમેરિકાની આર્મીના રિટાયર્ડ ઑફિસર ડેવિડ સ્લેટરને જેલની સજા પણ થઈ. વાત ૨૦૨૨ની છે. ઑનલાઇન ડેટિંગ ઍપ પર સ્લેટરને એક છોકરી સાથે ફ્રેન્ડશિપ થઈ. તે છોકરીએ સ્લેટરને ઇમોશનલ ટ્રૅપમાં લીધો અને સ્લેટરે તેને ખુશ કરવા માટે રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધિત અમેરિકાના સૈન્ય-પ્લાનિંગની માહિતી આપી. ૨૦૨૪માં આ આખી ઘટનાનો પર્દાફાશ થયો અને અમેરિકન કોર્ટે સ્લેટરને ૬ વર્ષની જેલની સજા ફટકારી.
નિષ્કર્ષ એ જ કે ટેક્નૉલૉજી આટલી આગળ વધ્યા પછી પણ હ્યુમન નેચરની વીકનેસ એવાં પ્રેમ, આકર્ષણ, એકલતા અને અહંકાર આજે પણ અકબંધ છે અને જ્યાં સુધી માણસમાં આ ફીલિંગ્સ રહેશે ત્યાં સુધી દુનિયામાં હની-ટ્રૅપનું અદૃશ્ય બ્રહ્માસ્ત્ર વધુ ઘાતક અને અસરકારક સાબિત થતું રહેશે.