25 October, 2026 09:54 AM IST | Mumbai | Dr. Dinkar Joshi
પ્રતીકાત્મક તસવીર
તમારા હાથમાં એક નહીં પણ કદાચ બે મોબાઇલ હશે. તમારા ઘરમાં પણ વધારાનો એક મોબાઇલ હશે. તમારી ઑફિસે પણ એક નંબર હશે. હવે જો આ બધા વિશે હું પૂછું તો ખરેખર આ બધા નંબરો તમને યાદ છે? તમને યાદ નથી. તમે તરત જ એની નોંધ જુઓ છો. પણ ભલા માણસ, તમે જો મને આવા કોઈ નંબર પૂછો તો...
પહેલી વાર મારા ઘરે જ્યારે ટેલિફોન આવ્યો એ વાતને વીસ-પચીસ કે કદાચ ૩૦ વર્ષ થયાં હશે. ઘરમાં બધા રાજી-રાજી થઈ ગયા હતા. આ ટેલિફોન પાંચ-છ વર્ષ પછી લાઇનમાં ઊભા રહ્યા પછી આવ્યો હતો, પણ આ ટેલિફોન-નંબર મને આજેય યાદ છે. એ વખતે મારો નંબર હતો – 685476. મુંબઈમાં ત્યારે ૬ આંકડાના નંબર ચાલતા. આ ૬ આંકડાનો નંબર ઘરમાં આવ્યો એ પહેલાં ૧૮ પરિવારો વચ્ચેના અમારા રહેઠાણના મકાનમાં એક ઘર પાસે નંબર હતો. આ નંબર પણ હજી આજેય યાદ છે - 693059. આ બે તો ઠીક છે, એ વખતે જે સૌ નજીકના હતા એવા કેટલાય નંબરો મોઢે થઈ જતા. થોડેક દૂર રહેતા અમારા એક સંબંધીએ પોતાના મકાનમાં સૌ પાડોશીઓને સાર્વજનિક ફોન આપ્યો હતો. કોઈનો પણ ફોન આવે એટલે પચ્ચીસ પૈસા આપીને તેમને બોલાવવાના અને જો ફોન કરે તો તેની પાસેથી ૮ આના એટલે કે પચાસ પૈસાની ફી પણ લેવાની. આમ ફોનને તેમણે વ્યવસાય બનાવ્યો હતો. આ તો થોડાક નંબરો તમને કહ્યા, પણ યાદ કરવા બેસું તો કહી શકું - ટેલિફોનનંબરો, એક નહીં પણ અનેક મોઢે જ કડકડાટ હતા. આજેય ઘણાખરા મોઢે છે. ૧૯૫૯માં દેના બૅન્કની ઑપેરા હાઉસ શાખામાં મારી નિમણૂક થઈ અને એ શાખામાં સૌ સ્ટાફ વચ્ચે એક ફોન પણ હતો અને એ ફોન-નંબર હતો 71611.
આ તો મુંબઈની વાત થઈ, પણ તમને નવાઈ લાગશે કે ભાવનગર જેવા શહેરમાં જ્યાં અમે રહેતા ત્યાં ટેલિફોન-પ્રથા હતી જ નહીં. શહેરમાં તાર ટેલિફોન ખાતાની જે ઑફિસ હોય ત્યાં તમારે ટેલિફોન કરવા જવાનું હોય અને પૈસા ચૂકવવાના હોય. અહીં જ્યારે પહેલી વાર ટેલિફોન આવ્યો ત્યારે મને ઑફિસ જવા માટે નંબર અપાયો હતો 398. શહેરમાંથી કોઈ પણ ટેલિફોન પરથી રિસીવર ઊંચકું ત્યારે મારે એટલું જ કહેવાનું હોય કે ‘398 નંબર આપજો.’
આજે આ બધા નંબરો વર્ષો વીત્યા પછી પણ એવા ને એવા યાદ છે, ભુલાયા નથી. જે મોબાઇલ-નંબર હું આજે વાપરું છું એ કદાચ મને યાદ નથી રહેતો. કોઈ પૂછે ત્યારે મારે મોબાઇલને જ પૂછવું પડે છે, ‘બેટા, તારો નંબર શું છે?’ મારી યાદશક્તિ મંદ પડી ગઈ છે એવું જો કોઈ કહે તો હું સ્વીકારી શકું ખરો? ગઈ કાલે અનેક નંબરો સ્મરણ સાથે સંકળાયેલા રહ્યા હતા, આજે કેમ એમનું વિસ્મરણ થઈ ગયું છે. હવે આપણે કંઈ યાદ નથી રાખતા. હવે આપણે કશું પણ યાદ રાખવાની જરૂર પણ નથી એવું આપણે માનીએ છીએ. હવે સ્મરણશક્તિ નહીં, ટેલિફોનિક ડાયરીમાં જે કંઈ લખાયું છે કે નોંધાયું છે એ આપણે તરત જોઈ લઈએ છીએ. હવે સ્મૃતિ નહીં, કદાચ વિસ્મૃતિ વધારે બળવાન થઈ ગઈ છે. હવે જે કંઈ છે એ બધું નોંધી લેવાનું હોય છે. જે નોંધાયેલું છે એ સત્ય છે અને જે નોંધાયા વગર બોલાયું હોય કે પછી સ્વીકારાયું હોય તોય એના વિશે શંકાકુશંકા થાય છે.
સ્મરણશક્તિ ક્યાં સુધી
અને કેટલી લાંબી થઈ શકે!
આજે આપણે કદાચ જે કંઈ છે એ બધું લખેલું વાંચીએ છીએ. હવે આપણે યાદ નથી કરતા. યાદ કરવાની જરૂર પણ નથી અને યાદશક્તિની આવી ઉપેક્ષાને કારણે એ ઉપક્ષયે પણ આપણી ઉપેક્ષા કરી હોય એવું લાગે છે.
આચાર્ય રજનીશે સ્મરણશક્તિ વિશે એક સરસ વાત કરી હતી. તેમણે એક શિષ્યને પ્રશ્ન કર્યો હતો કે તું તારા અતીતને ક્યાં સુધી સંભારી શકે? તમારી ઉંમર ચાલીસ કે પચાસ વર્ષની હોય અને તમે તમારા ભૂતકાળને સંભારવા માંડો તો તમે ૩૦ વર્ષના હતા, ૨૦ વર્ષના હતા, ૧૦ વર્ષના હતા ત્યાં સુધીની કેટલીયે વાત સ્પષ્ટતાથી કદાચ સંભારી શકો. તમે ૧૦ વર્ષ કરતાં ઓછી વયના હતા એની વાતો જ્યારે સંભારવા માંડો તો સાંભરણ કદાચ ઝાંખું થવા માંડે. હવે તમે યત્નપૂર્વક એ પછીના દિવસો સંભારો છો ને તમને ૯ વર્ષ, ૮ વર્ષ કે ૭ વર્ષની ઉંમરે જે પ્રસંગો બન્યા હતા એ ઝાંખા-ઝાંખા દેખાવા માંડે છે.
હવે આચાર્ય રજનીશ એક પ્રશ્ન પૂછે છે : જે રીતે તમે તમારા ભૂતકાળના દિવસોમાં આગળ ને આગળ જતા રહ્યા અને થોડી-થોડી સભાનતાને સજીવન કરતા રહ્યા એ જ રીતે હજી થોડા વધુ સભાન થઈ જાઓ. હવે આગળ ને વધુ આગળ જતા રહો. તમે પાંચ વર્ષના હતા, ૪ વર્ષના હતા ને પછી એક મોટો કૂદકો મારીને ગત જન્મમાં હતા ત્યાં પહોંચી જાઓ. આ બધાં સ્મરણો આત્મા સાથે છે, બહાર વળગેલાં શરીરનાં અંગો સાથે નથી. જેવા તમે ગત જન્મનાં સ્મરણો પાસે પહોંચી જશો એવું જ તમારું જીવન તમે પોતે પણ કલ્પના ન કરી હોય એવું અસહ્ય બની જશે. આ એક વ્યાયામ છે પણ કરવા જેવો નથી.
આવતી કાલ
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) નામનું એક વાવાઝોડું આજે ફૂંકાઈ રહ્યું છે. આજે આ AI ક્યાંથી ક્યાં લઈ જશે એની કોઈ કલ્પના કરી શકાતી નથી. આ AI તમને બધું જ ભુલવાડી દે અને નવી જ દુનિયામાં લઈ જાય. ગઈ કાલે જે સંખ્યાબંધ ચીજવસ્તુઓ મને કડકડાટ મોઢે હતી એ બધી આજે ‘ક્યારેક, ક્યાંક, હતું’ એવું ખૂણેખાંચરે મુકાઈ ગયું છે. હજી આ બધું તો ‘આજ’ છે. આવતી કાલ માટે કોઈથી કશું કહી શકાય એમ નથી. એક તીર પણછથી છૂટું પડી જાય અને ક્યાંક આગળ ધસી જાય પછી એને પાછું લાવી શકાતું નથી. તમે અર્જુન હો તો બ્રહ્માસ્ત્રને પાછું વાળી શકો ખરા. આ AI એ બ્રહ્માસ્ત્ર છે. જો તમે અર્જુન નહીં હો તો અશ્વત્થામા જ હશો અને હવે આ અશ્વત્થામા બ્રહ્માસ્ત્રને પાછું વાળી શકતો નથી. તે માત્ર ફેંકી શકે છે. આ ફેંકાઈ ગયેલું બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભને વીંધીને જ શાંતિ પામશે એ યાદ રાખવા જેવું છે.