વાનરમાંથી માણસ બન્યા, માણસમાંથી હવે મશીન

09 April, 2026 06:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણે માણસો માણસપણું ગુમાવીને ક્યાં જઈ રહ્યા છીએ? શા માટે આમ કરી રહ્યા છીએ? શું પામી રહ્યા છીએ? આપણે ઈશ્વરનું સર્જન છીએ, હવે કેમ માણસોની રચના બની રહ્યા છીએ? સવાલો બહુ છે, જવાબ કોની પાસે કેટલા છે?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

કહેવાય છે કે માણસ શરૂમાં વાંદરો-વાનર હતો. ધીમે-ધીમે તેનો વિકાસ થતો ગયો અને તે આખરે માણસ થયો. માણસ થયા બાદ તેણે ઘણી પ્રગતિ કરી. એમ છતાં તેની ભીતરનો બંદર તો બંદર જ રહ્યો, જ્યારે વહેતા સમય સાથે વાનરો માણસો કરતાં હોશિયાર થતા ગયા. ઇન શૉર્ટ, હવે માણસે પોતાનામાં હજી ઘણાં પરિવર્તન લાવવાનાં છે. કઈ દિશામાં? એ કોણ નક્કી કરશે? 
આપણે સ્કૂલમાં હતા ત્યારે ગામેગામ ફરીને ટોપી વેચનાર વેપારીની એક વાર્તા સાંભળી કે વાંચી હતી. આ ટોપીવાળો એક દિવસ બપોરે થાકીને જમ્યા બાદ એક ઝાડ નીચે પોતાની ટોપીઓનો થેલો બાજુમાં રાખીને સૂઈ ગયો. થોડી વાર પછી જાગીને જોયું તો થેલામાંથી બધી ટોપી ગાયબ હતી. આસપાસ અને ઝાડ તરફ જોયું તો ઘણાબધા વાંદરા તેની ટોપીઓ લઈને ઝાડ પર ચડી ગયા હતા અને દરેકે ટોપી પહેરી લીધી હતી. આમ પણ વાંદરા નકલ કરવામાં ઉસ્તાદ હોય છે. જોકે ટોપી વેચનાર વેપારી હોશિયાર હતો. તેણે પોતે પહેરેલી ટોપી કાઢીને જમીન પર ફેંકી દીધી એટલે બીજા બધા વાંદરાઓએ પણ તેની નકલ કરી અને ટોપી કાઢીને નીચે ફેંકી દીધી. આ સાથે જ વેપારી બધી ટોપીઓ ભેગી કરી થેલામાં નાખીને નીકળી ગયો. આ પ્રસંગ તેણે પોતાના દીકરાને કહ્યો અને સમજાવી દીધું કે ભવિષ્યમાં તારી સાથે પણ આવું થાય તો મેં જેમ કર્યું એમ કરજે.

દીકરો મોટો થયો. તે પણ પિતાના ધંધામાં જોડાઈ ગયો અને ગામેગામ ફરીને ટોપીઓ વેચવા લાગ્યો. એક દિવસ તેણે પણ બપોરે જમીને ઝાડ નીચે આરામ કરવા લંબાવ્યું અને આસપાસના વાંદરાઓ ટોપી ઉપાડી ગયા. દીકરાએ જાગીને જોયું તો બધા વાંદરા ટોપી પહેરીને બેસી ગયા હતા. તેને પિતાની વાત યાદ આવી. તેણે તરત જ પોતે પહેરેલી ટોપી નીચે ફેંકી દીધી જેથી બીજા વાંદરાઓ પણ તેની નકલ કરે. જોકે થયું કંઈક જુદું. કોઈ પણ વાંદરાએ ટોપી ફેંકી નહીં. ઊલટાનું જે એક વાંદરા પાસે હજી ટોપી નહોતી એણે તક જોઈને એ એક ટોપી પણ લઈ લીધી અને ઝાડ પર ચડી ગયો. હકીકતમાં સમય બદલાઈ ગયો હતો જેમાં વાંદરાઓ વધુ હોશિયાર થઈ ગયા હતા અને માણસ ત્યાં ને ત્યાં જ હતો.

પરિવર્તનની કાતિલ ઝડપ
આ વાર્તા નવા જમાનાની છે. એમાંથી બોધ એ લેવાનો છે કે સમય સાથે બધું બદલાય છે, માણસે પણ બદલાવું પડે; પરંતુ સમય અને સંજોગ જોઈને તથા સમજીને, માત્ર નકલ કરીને નહીં. વર્તમાન સમયમાં જગતમાં એકેએક ક્ષેત્રે સતત પરિવર્તન આવતાં જાય છે અને હજી આવતાં રહેશે. હવે પરિવર્તનની ઝડપ પણ વધી છે. ટેક્નૉલૉજી જીવનમાં ધરખમ બદલાવ લાવી ચૂકી છે. જેની કલ્પના પણ થતી નહોતી યા થઈ શકતી નહોતી એવાં પરિવર્તનો માનવીના રોજબરોજના જીવનમાં પ્રવેશતાં ગયાં છે. એક પરિવર્તન સાથે માનવી ઍડ્જસ્ટ થાય ત્યાં બીજું પરિવર્તન તૈયાર જ હોય છે. હરણફાળ શબ્દ પણ નાનો પડે એવી ગતિએ ચેન્જિસ આકાર પામીને સમગ્ર જગતને બદલતા રહ્યા છે. આ બધું ઓછું હોય એમ હવે એમાં નવું પરિબળ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) એ રીતે ઉમેરાઈ ગયું છે અને વિસ્તરી રહ્યું છે કે માણસો પોતે માણસ છે કે રોબો યા મશીન છે એમ વિચારતા થઈ જશે. માફ કરજો... થઈ જશે નહીં, થઈ ગયા છે. આ પરિવર્તન સાથે જે લોકો તાલ નહીં મિલાવે તેમની પોતાની ટોપી પણ ગઈ સમજો અથવા એ ટોપી ટકાવવી કઠિન બની જશે.

AI માણસ કરતાં વધુ હોશિયાર?
બાય ધ વે, માણસો ફરી હોશિયાર થઈ ગયા. વાંદરાથી માણસ સુધીની ગતિ એક કાળ હતી. હવે માણસથી મશીનની ગતિનો નવો કાળ ક્રાન્તિ બનીને શરૂ થઈ ગયો છે. માણસ મશીન બનાવતો, એને રમાડતો, બગાડતો, સુધારતો હતો. હવે મશીનો માણસને બનાવતાં, બગાડતાં અને સુધારતાં થયાં છે. મશીનો એવાં અને એટલાં બધાં કાર્ય કરતાં થઈ ગયાં છે કે એમને માણસોની જ જરૂર ઓછી પડી રહી છે. લેટેસ્ટ સમાચાર મુજબ એક ગ્લોબલ કંપનીએ એક દિવસમાં ૩૦,૦૦૦ કર્મચારીઓને કામ પરથી દૂર કર્યા છે. આમ તો આ સમાચાર તાજા હોવા છતાં એમાં નવું નથી. આવું હવે કૉમન બનતું જાય છે. AI માનવીઓ કરે છે એ કરતાં વધુ જ નહીં, બહેતર અને વધુ ઝડપી કામ કરી શકે છે. હવે તો માણસે ટોપી વેચવા ગામેગામ જવાની જરૂર તો છોડો, દુકાન માંડવાની પણ આવશ્યકતા રહી નથી.

માણસો આખરે શું પામવા માગે છે?
તો શું માણસે પોતાનું માનવીપણું ખોઈ દેવા પણ તૈયાર રહેવું? એમ કરીને માનવી આખરે પામશે શું? પરમાત્માએ સર્જેલા માણસને કેમ મશીન થઈ જવું છે? સમાજની સુવિધા વધશે, પરંતુ માનવીયતા ખોઈને શાંતિ મળશે? સંતોષ મળશે? ઈશ્વરને બદલે ટેક્નૉલૉજીના શરણે કેટલું જવું? ઈશ્વરના શરણે રહેવા માણસપણું જાળવવું જરૂરી કે અનિવાર્ય છે. કહેવાતા વિકાસની દોડમાં માણસો માણસોને ખોઈ દેવા, લૂંટી લેવા, તેમનું શોષણ કરવા, તેમને ખતમ કરવા પણ તૈયાર રહે છે. આ કયા પ્રકારનો માણસ આકાર પામી રહ્યો છે? જેની પાસે શરીર હશે પણ એમાં હૃદય નહીં હોય, આત્મા નહીં હોય, સંવેદના નહીં હોય એનું શું ?

તાજેતરમાં ચાલી રહેલા યુદ્ધના માહોલે માત્ર એકાદ વ્યક્તિના નહીં, અનેક દેશોના ભાગ્યની દિશા બદલી નાખી છે. રાતોરાત કરોડો લોકોનાં જીવન બદલાઈ ગયાં છે અને હજી બદલાઈ રહ્યાં છે. આ બધું કોણ અને શા માટે કરી રહ્યું છે? ઈશ્વરે સર્જેલા માણસો કે મશીને રચેલા માણસો? માણસોએ પોતાની જાતને બહુબધા સવાલો કરીને જવાબ મેળવવાના છે.

tech n technology news ai artificial intelligence columnists gujarati mid day