ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાનાં પત્ની ૧૦૦ વર્ષે પણ હજી રિટાયર નથી થયાં

14 June, 2026 05:44 PM IST  |  Mumbai | Shailesh Nayak

આ ગુજરાતી નાનીએ દિલ્હીવાસીઓની દાઢે વળગાડ્યો ગુજરાતી નાસ્તાનો સ્વાદ

કિચનમાં નાસ્તા બનાવતાં નાની પ્રભાવતી ભગવતી.

મૂળ નવસારીનાં અને હાલમાં ગુડગાંવમાં રહેતાં પ્રભાવતી ભગવતીએ પતિનો સાથ ગુમાવ્યા પછી છેક ૯૧મા વર્ષે રસોઈની કળામાંથી પ્રવૃત્તિ શોધી કાઢી છે. મોજથી હેલ્ધી, ટેસ્ટી અને ફ્રેશ નાસ્તા બનાવવાના અને એમાંથી જે વળતર મળે એ સામાજિક પ્રવૃત્તિઓમાં દાન કરી દેવાનું. સમાજ માટે પ્રેરણારૂપ આ નાનીનાં જોમ અને જુસ્સાની પ્રેરણાત્મક વાતનો રસાસ્વાદ માણીએ

ગુડગાંવના અપાર્ટમેન્ટમાં નવમા માળે સવારે ૬ વાગ્યે રસોડામાં સળવળાટ શરૂ થઈ ગયો. ધીરે-ધીરે આખા અપાર્ટમેન્ટમાં ગરમાગરમ ગુજરાતી નાસ્તાની સોડમ છવાઈ ગઈ. આપણને સ્વાભાવિક રીતે એમ થાય કે દરેક ઘરમાં સવાર-સવારમાં ચા-નાસ્તો થાય જ છેને, પણ અહીંની વાત જરા જુદી છે. જીવનનાં ૯૯ વર્ષ પૂરાં કરીને ૧૦૦મા વર્ષમાં પ્રવેશેલાં પ્રભાવતી પ્રફુલચંદ્ર ભગવતી જેમને લોકો નાનીના હુલામણા નામે વહાલથી બોલાવે છે તે પ્રભાવતી નાની સવારમાં રસોડામાં પહોંચી જઈને જાતે શુદ્ધ અને તાજા ગરમાગરમ નાસ્તા બનાવે છે. આ તેમનો નિત્યક્રમ છે. રખેને એવું માનતા કે આ નાની પોતાની ફૅમિલી માટે બ્રેકફાસ્ટ બનાવે છે. ના, એ તો તેમના નાસ્તા કે બ્રેકફાસ્ટના ઑર્ડર પૂરા કરવા માટે ગરમાગરમ નાસ્તા બનાવે છે.

જે ઉંમરે વ્યક્તિ પ્રભુકીર્તનમાં વ્યસ્ત રહે, પૌત્ર કે પૌત્રીઓને સાચવે એ ઉંમરે મૂળ નવસારીનાં અને છેલ્લાં કેટલાંય વર્ષોથી દિલ્હીમાં રહેતાં પ્રભાવતી નાનીએ શુદ્ધ અને તાજા જાતે બનાવેલા ગુજરાતી નાસ્તાઓની એવી તો વરાઇટીઓ પીરસી કે દિલ્હીવાસીઓની દાઢે એ સ્વાદ રહી ગયો છે. વળી પ્રભાવતી નાની આ કામ બે પૈસા કમાવા માટે નથી કરતાં, લોકોને નવી-નવી તાજી ગુજરાતી વાનગીઓ બનાવીને ખવડાવવાના શોખને કારણે અને જીવનમાં પ્રવૃત્ત રહેવા માટે કરી રહ્યાં છે.

જીવનના ૧૦૦મા વર્ષે પણ પ્રવૃત્તિશીલ રહીને જીવનમાં નિરાશ કે ઉદાસ થયેલા લોકો સહિત સમાજ માટે પ્રેરણારૂપ અને પ્રોત્સાહનરૂપ બનેલાં પ્રભાવતી નાનીનાં ૧૦૦મા વર્ષે પણ જળવાઈ રહેલાં જોમ અને જુસ્સાની પ્રેરણાત્મક વાતનો રસાસ્વાદ માણીએ.


નાસ્તાના ઑર્ડર તૈયાર થઈ જાય એ પછી ક્વૉલિટી ચેક પણ જાતે જ કરે. રસોઈ પહેલાંની ભાજી ચૂંટવા કે શાક સમારવા જેવાં કામો પણ  પ્રભાવતીબહેન જાતે જ કરે છે.

વાનગીઓ બનાવીને બધાને ખવડાવવાનો શોખ

મોટા ભાગની ગુજરાતી મહિલાઓ રસોઈમાં નિપુણ હોય છે અને જીવનના ૧૦૦મા વર્ષમાં પ્રવેશેલાં પ્રભાવતી નાનીને પણ રસોઈમાં સારીએવી ફાવટ. રસોઈના મુદ્દે પ્રભાવતી ભગવતી ‘મિડ ડે’ને કહે છે, ‘મને ૯૯ વર્ષ પૂરાં થયાં છે અને ૧૦૦મું વર્ષ ચાલે છે, પરંતુ આજે પણ મને રસોઈ બનાવવાનો શોખ છે. મારા હસબન્ડ પ્રફુલચંદ્ર ભગવતી જેઓ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા રહી ચૂક્યા હતા તેમને હું મદદ કરતી. દેશ-પરદેશમાં ટ્રાવેલ બહુ થતું. હું હંમેશાં તેમની સાથે જતી, જેથી તેમને તકલીફ ન પડે અને તેઓ કામ બરોબર કરી શકે. તેઓ ૨૦૧૭માં અવસાન પામ્યા. એ સમયે ઍક્ટિવ લાઇફમાંથી મારે શું કરવું એ ખબર પડતી નહોતી. થોડો સમય હું બહાર આવી ન શકી. જોકે મને વાનગીઓ બનાવીને બધાને ખવડાવવાનો શોખ હતો. ઘરે જે કોઈ આવે તેમને ચા-નાસ્તો બનાવીને ખવડાવતી હતી. હું નાસ્તો બનાવું તો પાડોશીઓને આપતી હતી. લોકોને ગુજરાતી નાસ્તો પસંદ આવતો અને ટેસ્ટી લાગતો હતો.’

૯૧મા વર્ષે આવ્યો ટર્નિંગ પૉઇન્ટ

દરેક વ્યક્તિના જીવનમાં એક સમયે ટર્નિંગ પૉઇન્ટ આવતો હોય છે એમ પ્રભાવતીબહેનના સુખરૂપ જીવનમાં ૯૧મા વર્ષે ટર્નિંગ પૉઇન્ટ આવ્યો. આ બાબતે પ્રભાવતી નાની કહે છે, ‘દિલ્હીમાં મારી દીકરી સોનાલીની ફ્રેન્ડને ત્યાં પાર્ટી હતી. ત્યાં ખાંડવી બનાવી હતી, પણ મારી દીકરીને ખાંડવી પસંદ ન આવી એટલે ખાધી નહીં અને તેની ફ્રેન્ડને કહ્યું કે મમ્મી ખાંડવી બનાવે છે એ તમે ટેસ્ટ કરો, બીજું બધું ભૂલી જશો. સોનાલીની ફ્રેન્ડે કહ્યું કે તારી મમ્મીને કહે કે મારા માટે ખાંડવી મોકલે. દીકરીએ મને કહ્યું એટલે મેં ખાંડવી બનાવીને મોકલી આપી. એ બધાને બહુ પસંદ આવી અને ટેસ્ટી લાગી. મારી દીકરીની ફ્રેન્ડે મને બિલ મોકલવાની વાત કરી તો મેં કહ્યું કે આમાં પૈસા ન લેવાના હોય. જોકે આ કિસ્સાથી મારી દીકરી સોનાલીને લાગ્યું કે મમ્મી માટે આ પ્રવૃત્તિ સારી છે અને તેણે મને પ્રોત્સાહિત કરી. પછી મેં પણ આ પ્રવૃત્તિને સિરિયસ્લી લીધી. હું ૯૧ વર્ષની હતી ત્યારે ૧૫ લોકો માટે ખાંડવી બનાવીને મોકલી હતી. પછી તો ધીરે-ધીરે ગુજરાતી નાસ્તા અને બ્રેકફાસ્ટ બનાવવાના ઑર્ડર આવતા ગયા અને મારી સફર શરૂ થઈ એ આગળ વધતી ગઈ. આજે મને ૧૦૦મું વર્ષ ચાલે છે.’


આ ઉંમરે પણ નાની દરેક તહેવારો ઉમંગ અને ઉત્સાહથી મનાવે છે. દીકરી, દોહિત્ર અને દોહિત્રીઓ સાથે પ્રભાવતી બહેન. 

જીવનમાં શરૂ થઈ નવી સફર

જીવનના અંતિમ તબક્કા તરફ પ્રયાણ કરતા માણસને યોગ્ય પ્રોત્સાહન મળે અને તે વ્યક્તિમાં કામ કરવાની ધગશ અને જિજીવિષા હોય તો વ્યક્તિને ઉંમરનો બાધ નડતો નથી. પ્રભાવતી નાનીના કિસ્સામાં પણ એવું જ બન્યું. તેઓ કહે છે, ‘મારી દીકરીએ મને પ્રોત્સાહન આપ્યું કે મમ્મી તું ખાવાનું બનાવીને બધાને એમ ને એમ મોકલે છે એના બદલે જે અલગ-અલગ ગુજરાતી નાસ્તા બનાવે છે એનું એક લિસ્ટ બનાવ અને લોકોને એ આપવાનું શરૂ કર. એટલે હું જે ગુજરાતી નાસ્તા બનાવતી હતી એનું એક લિસ્ટ બનાવ્યું અને નાસ્તા બનાવવાની શરૂઆત કરી.’

પ્રભાવતીબહેનના આ નવા સાહસનું નામકરણ પણ બસ એમ જ લોકજીભે રમતાં-રમતાં પડી ગયું એની વાત કરતાં નાની કહે છે, ‘હું અહીં ગુડગાંવ રહેવા આવી તો બધા મને નાની કહીને બોલાવે છે, કેમ કે મારાં ગ્રૅન્ડ ચિલ્ડ્રન મને નાની કહે છે એટલે બધા મને નાની કહેતા થઈ ગયા અને એના પરથી ‘નાની’ઝ નાસ્તા’ નામ પાડ્યું હતું. મારી દીકરીએ આ નામ રાખ્યું હતું.’


‘નાની’ઝ નાસ્તા’માંથી જે પ્રૉફિટ થાય એ તેમના હેલ્પર સ્ટાફમાં પણ શૅર કરે છે આ નાની. 

સવારે વહેલા ઑર્ડર પ્રમાણે તાજા નાસ્તા

પ્રભાવતી નાની શરૂઆતનાં પાંચ વર્ષ તો એકલા હાથે નાસ્તા બનાવવાનું કામ કરતાં. બજારમાંથી કરિયાણું, શાકભાજી સહિતની વસ્તુઓ જાતે લાવતાં અને એને સાફ કરીને થેપલાં, ઢોકળાં, હાંડવો, ખાંડવી, મૂઠિયાં, પાતરાં, સક્કરપારા સહિતના અલગ-અલગ નાસ્તા ઉપરાંત પૂરણપોળી અને શ્રીખંડ પણ બનાવે. આ વિશે પ્રભાવતીબહેન કહે છે, ‘શરૂઆતમાં હું બધું જાતે કરતી હતી. લગભગ પાંચ વર્ષ એકલા હાથે કામ કર્યું. જોકે હવે મારી પાસે ૩ જણનો સ્ટાફ છે. એક મુખ્ય કુક છે અને બીજા બે અસિસ્ટન્ટ છે. મારી પાસે જે નાસ્તાનો ઑર્ડર આવ્યો હોય એ મુજબ આગલા દિવસે પ્રિપરેશન કરી દઉં. જો બટાટાપૌંઆ, થેપલાં સહિતના બ્રેકફાસ્ટ બનાવવાનો ઑર્ડર હોય તો સવારે ૬ વાગ્યે ઊઠીને કામ શરૂ કરી દઉં છું. જેટલો ઑર્ડર હોય એ પ્રમાણે જ નાસ્તા બનાવું છું, ‍ઘરમાં પડી રહે એ રીતે વધારે બનાવતી નથી. કુકને બતાવું કે કયા નાસ્તામાં કેટલું મીઠું અને મરચું સહિતના મસાલા નાખવાના કે મીઠાઈમાં ખાંડ સહિતની સામગ્રી કેવી રીતે કેટલી માત્રામાં નાખવી એ બતાવું છું. દરેક નાસ્તા કે વાનગી તૈયાર થાય એટલે એનો હું ટેસ્ટ કરું છું. મને બરાબર ન લાગે તો એને બદલી નાખું છું. મને લાગે કે આ નાસ્તો કે વાનગી બધી રીતે બરાબર છે તો એ પૅક કરીને મોકલું છું. જેને હું નાસ્તો કે વાનગી બનાવીને આપું એ શુદ્ધ અને તાજો હોવો જોઈએ એવું મેં ધ્યેય રાખ્યું છે. બજારમાંથી સારી વસ્તુઓ લાવીને જ એનો ઉપયોગ કરવાનો, જેથી લોકો સુધી સાત્ત્વિક અને શુદ્ધ ખાવાનું પહોંચે. હું જે નાસ્તા અને વાનગી બનાવું છું એના જેવું બજારમાં ખાવાનું નહીં મળે.’

ગાયત્રીમંત્ર બોલીને કરે છે કામ

૧૦૦ વર્ષની ઉંમરે લોકો સત્સંગ-કીર્તન કરતા હોય છે તો આ ઉંમરે કિચનમાં કામ કરવાનું કેમ પસંદ કર્યું? એના જવાબમાં પ્રભાવતીબહેન કહે છે, ‘મને જરાય કંટાળો આવતો નથી. હું મારા કામને એન્જૉય કરું છું. મને થાય છે કે હું કંઈક કરી રહી છું. હજી પણ હું રસોઈકામને એન્જૉય કરી રહી છું. ગાયત્રીમંત્ર બોલતાં-બોલતાં હું કામ કરું છું. શાકભાજી જાતે સમારું છું, કરિયાણું સાફ કરું છું. મારું ધ્યાન મંત્ર બોલવામાં હોય અને રસોઈકામમાં પણ હોય છે એટલે ખાવાનું હેલ્ધી અને ટેસ્ટી બને છે.’


નવી રાહ ચીંધનારી દીકરી સોનાલી સાથે પ્રભાવતીબહેન, દિલ્હીમાં DLC ગાઇડ તરફથી ૨૦૨૫માં ૯૯ વર્ષની વયે ‘યંગેસ્ટ શેફ ઑફ ઇન્ડિયા’નો સ્પેશ્યલ અવૉર્ડ  પ્રભાવતી નાનીને મળ્યો હતો. 

નાની’ઝ નાસ્તાના મેનુમાં કયા-કયા નાસ્તા અને સ્વીટ છે?

વાઇટ ઢોકળાં, ગ્રીન ઢોકળાં, યલો ઢોકળાં, ખાંડવી, મેથીનાં થેપલાં, જીરાનાં થેપલાં, દહીંનાં થેપલાં, હાંડવો, મિક્સ વેજિટેબલ મૂઠિયાં, મેથીના સક્કરપારા, પાતરાં, બદામ ઘૂઘરા, મટર ઘૂઘરા, ચેવડો, સેવ-ખમણ, ઊંધિયું, ભાખરી, પૂરણપોળી, શ્રીખંડ, રવો, બટાટાપૌંઆ, આલૂમટર પૌંઆ, સાબુદાણાની ખીચડી ઉપરાંત ડ્રાય ભેળ, પરાઠા, ફુદીના-કોથમીરના પરોઠા, રગડો-પૅટીસ, ચોળાફળી, વડાપાંઉ, મટર પફ, પાંઉભાજી જેવા નાસ્તા પ્રભાવતીબહેન બનાવે છે. આ ઉપરાંત બટાટાનું શાક, સંભારો, ગુજરાતી કઢી, ગુજરાતી દાળ, દોળઢોકળી સહિતની પરંપરાગત ગુજરાતી વાનગીઓ પણ બનાવે છે.

આ બધા નાસ્તાઓમાં સૌથી ‍વધુ ડિમાન્ડમાં ઢોકળાં છે. આ ઉપરાંત થેપલાં, ખાંડવી અને ઘરનો બનાવેલો તાજો શ્રીખંડ લોકો પસંદ કરે છે. ઉપમા, પૂરણપોળી, બટાટાપૌંઆ, મકાઈપૌંઆ પણ ટ્રાય કરવા જેવાં છે.

રોજેરોજ આવે છે નાસ્તાના ઑર્ડર

પ્રભાવતી નાનીના નાસ્તાની સોડમ ચારે તરફ પ્રસરી હોવાથી તેમને રોજેરોજ નાસ્તાના ઑર્ડર મળી રહ્યા છે. ઘણી વાર તો દિવસના ચારથી પાંચ ઑર્ડર હોય છે. વારતહેવારે આ ઑર્ડરની સંખ્યા વધી જાય છે. દિવાળીના સમયમાં નાનીના હાથે બનેલા ઘરના નાસ્તાની ડિમાન્ડ વધુ રહે છે. પ્રભાવતી નાની દિવાળીમાં નાસ્તાની ગિફ્ટ-બાસ્કેટ બનાવીને રેગ્યુલર કસ્ટમરોને તેમ જ સગાંઓને મોકલે છે.

૭૦ના દશકામાં દિલ્હી આવેલાં નાનીએ દિલ્હીવાસીઓને ગુજરાતી ફૂડનો સ્વાદ દાઢે વળગાડ્યો હતો એની વાત કરતાં તેઓ કહે છે, ‘અહીં દિલ્હીમાં ગુજરાતી ખાવાનું ખાસ મળતું નથી. હું ખાલી વેજિટેરિયન ખાવાનું બનાવું છું. દિલ્હીમાં ખાસ એવું કંઈ છે નહીં જ્યાં તમને ઓરિજિનલ ગુજરાતી ખાવાનું મળે. એટલે મેં અહીંના લોકોને ગુજરાતી નાસ્તા ખાતા શીખવાડી દીધું. અહીંથી લોકો બહારગામ કે વિદેશ જાય છે તો મારા હાથે બનેલાં થેપલાં, ચેવડો, મરચાંનું અથાણું લઈ જાય છે. મારી આ ઓળખ જાતે ઊભી કરી છે. કંટાળ્યા વગર કે થાક્યા વગર કામ કરીને લોકો સુધી હેલ્ધી ફૂડ પહોંચાડીને મેં એક નામના બનાવી છે. ભગવાનની કૃપા છે એટલે આટલું બધું કામ હું કરી શકું છું. બાકી આટલું કામ આ ઉંમરે ન થાય.’

આવકમાંથી દાન કરે છે નાની

મોટા ભાગે માણસ જે કંઈ કમાય છે એમાંથી કેટલોક ભાગ દાન-પુણ્ય માટે કાઢતો હોય છે. નાની પણ દાન-પુણ્યની બાબતે કહે છે, ‘ભગવાને મને ઇનફ આપ્યું છે. મને હવે એવું કંઈ નથી કે મારે આ જોઈએ છે કે પેલું જોઈએ છે. એટલે મને નાસ્તા બનાવવામાંથી જે કંઈ આવક થાય છે એમાંથી હું સમાજમાં દાન કરુ છું. મારો સ્ટાફ છે તેમને પગાર આપું છું. ખર્ચ બાદ કરીને જે પૈસા ‍વધે એમાંથી સ્ટાફને અમુક પર્સન્ટેજ આપું છું અને જે પૈસા રહે એ બધા હું ડોનેટ કરી દઉં છું, મારી પાસે પૈસા રાખતી નથી. દિવ્યાંગ સ્કૂલમાં, ઘરડાઘરમાં, આશ્રમમાં દાન કરું છું તથા એજ્યુકેશન કે મેડિસિન માટે દાન કરુ છું. ભગવાને મને ઘણું આપ્યું છે તો જેટલું બને એટલું સોસાયટીને પાછું આપવાનું. મારે ૩ દીકરી છે : મોટી પારુલ, બીજા નંબરની દીકરી પલ્લવી અને નાની દીકરી સોનાલી. તેઓ પણ મને દાન-પુણ્ય કરવા પ્રોત્સાહિત કરે છે. મારી દીકરીઓ અને ગ્રૅન્ડ ચિલ્ડ્રન મારું ધ્યાન રાખે છે. કામ હું મારા માટે નથી કરતી, આ બધું લોકો માટે કરું છુ જેથી તેમને હેલ્ધી ખાવાનું મળે.’

BA સુધીનો અભ્યાસ કર્યો છે નાનીએ

પ્રભાવતી નાનીની ઉંમર જોઈને આપણને થાય કે નાનીએ બહુ અભ્યાસ નહીં કર્યો હોય, પણ એ વાત ભૂલભરેલી છે. પ્રભાવતીબહેન કહે છે, ‘હું મૂળ સાઉથ ગુજરાતની છું. મારો જન્મ નવસારીમાં થયો હતો. ૮ વર્ષ નવસારીમાં રહી હતી, ત્યાં બાળપણ વિતાવ્યું છે. એ પછી મારા પિતાજી વડોદરા રહેવા આવ્યા. વડોદરામાં મેં ગ્રૅજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. હિસ્ટરી અને ઇકૉનૉમી સબ્જેક્ટ્સ સાથે ગ્રૅજ્યુએશન કર્યું છે.’

દીકરીએ મમ્મીને કેમ કરી પ્રોત્સાહિત?

દુનિયામાં મમ્મી અને દીકરીનો સંબંધ અનોખો અને મજબૂત રહ્યો છે. એકને દુઃખ પડે એટલે બીજી વ્યક્તિ તરત જ તેને એ અવસ્થામાંથી બહાર કાઢવાનો સંપૂર્ણ પ્રયાસ કરે. પ્રભાવતી નાનીના જીવનમાં એવું તે શું બન્યું કે તેમની દીકરીએ તેમને પ્રોત્સાહિત કરીને એક મુકામ સુધી પહોંચાડ્યાં? એની વાત કરતાં પ્રભાવતીબહેનની આર્કિટેક્ટ દીકરી સોનાલી ‘મિડ-ડે’ને કહે છે, ‘હાલમાં હું અને મારાં મમ્મી ગુડગાંવમાં એક અપાર્ટમેન્ટમાં ઉપર-નીચે રહીએ છીએ. હું ઓગણત્રીસમા ફ્લોર પર અને મમ્મી નવમા ફ્લોર પર રહે છે. હું મમ્મીની દેખભાળ રાખું છું. મારા પપ્પાજી અમદાવાદમાં ૧૦ વર્ષ રહ્યાં છે. એ પછી ૧૯૭૦-’૭૧માં દિલ્હી આવી ગયા હતા. ત્યારથી અમે દિલ્હીમાં રહીએ છીએ. પહેલાં દિલ્હીમાં અને હવે છેલ્લાં ૬ વર્ષથી ગુડગાંવમાં રહીએ છીએ. મારા પિતાજીનું ૨૦૧૭માં અવસાન થયું એ પછી મમ્મી ઉદાસ થઈ ગયેલાં, એકલાં થઈ ગયેલાં. હું આખો દિવસ ઑફિસમાં કામ કરતી અને મમ્મી ઘરે એકલાં રહેતાં. સવાર-સાંજ હું તેમને મળતી, સાથે બેસીને અમે વાતો કરતાં ત્યારે હું જોતી કે મમ્મી બહુ ડાઉન રહે છે. તેમની એકલતા મને જોવા મળી. એટલે જ્યારે મને મારી ફ્રેન્ડ થ્રૂ તક મળી ત્યારે મમ્મીને પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું, કેમ કે મારે તેમને એકલતામાંથી બહાર લાવીને પ્રવૃત્તિમય કરવાં હતાં. મારી ફ્રેન્ડને ત્યાં ખાંડવી બનાવીને મમ્મીએ મોકલી અને મારી ફ્રેન્ડે પૈસા આપવાની વાત કરી તો મને લાગ્યું કે મમ્મીએ આ કામ કરવું જોઈએ. મારાં મમ્મી આમ પણ લોકોને નાસ્તા બનાવીને ખવડાવતાં હતાં તો મને લાગ્યું કે તેમને આ કામથી મનગમતી પ્રવૃત્તિ મળી રહેશે. મમ્મી નાસ્તા બહુ ફ્રેશ અને ટેસ્ટી બનાવે છે એટલે લોકો તેમને પૂછવા આવવા લાગ્યા અને એમાંથી શરૂ થયું મમ્મીનું નાની’ઝ નાસ્તા. એકથી બીજા અને બીજાથી ત્રીજા સુધી અને એમ કરતાં-કરતાં વાત આગળ પહોંચતી ગઈ.’

નાસ્તાનાં બનાવ્યાં સૅમ્પલ

શરૂઆતના તબક્કામાં પ્રભાવતીબહેને નાસ્તા બનાવવાનું શરૂ કર્યું ત્યારે સોનાલી તેમને મદદ કરતી હતી. સોનાલી કહે છે, ‘જ્યારે મમ્મીએ નાસ્તા બનાવીને આપવાનું શરૂ કર્યું ત્યારે એની કૉસ્ટ વગેરે નક્કી કરીને મમ્મીને માર્ગદર્શન આપ્યું તથા સ્ટાફ, પૅકિંગ મટીરિયલ, અનાજ-કરિયાણાની ખરીદીનું પ્લાનિંગ કર્યું. આમ ધીરે-ધીરે મમ્મીએ નાસ્તા અને મીઠાઈ બનાવવાનું કામ શરૂ કર્યું. અમે નાસ્તાનાં સૅમ્પલ બનાવ્યાં. હું મારી સાથે આ સૅમ્પલ લઈ જતી અને લોકોને આપતી હતી. મમ્મીને પણ કહ્યું કે તમે ઑર્ડર પ્રમાણે બનાવેલો નાસ્તો મોકલો તો એની સાથે નાસ્તાનાં બે-ત્રણ સૅમ્પલ મૂકી દેવાનાં એટલે લોકોને ખબર પડે કે આ સિવાય પ્રભાવતીબહેન બીજા કયા-કયા નાસ્તા બનાવે છે. મમ્મીએ એ પ્રમાણે કર્યું અને આજે રિઝલ્ટ સામે છે. મમ્મીની સ્પેશ્યલિટી એ છે કે તેઓ જે નાસ્તા બનાવે છે એ ફ્રેશ અને હૉટ હોય છે. ઉદાહરણ તરીકે જો મમ્મીને સવારે અને સાંજે ઢોકળાંનો અલગ-અલગ ઑર્ડર હોય તો તે સવારે અને સાંજે એમ બે વાર ઢોકળાં બનાવશે. એ એકસાથે ન બનાવે. આ કારણોસર તેમના નાસ્તા એકદમ ફ્રેશ હોય છે અને એથી જ લોકોને પસંદ આવે છે.’

પૈસા બનાવવા કામ નથી કરતાં

પ્રભાવતીબહેન આ કામ પૈસા માટે નથી કરતાં એવો દાવો કરતાં સોનાલી કહે છે, ‘આ બધી વસ્તુઓમાંથી મમ્મી પૈસા બનાવવા નથી માગતાં, પણ તેમને એમ છે કે લોકો તેમનું હેલ્ધી ફૂડ ખાય. આ એક ટાઇપની જૉય ઑફ લાઇફ છે તેમના માટે. લોકો તેમના હાથે બનેલા નાસ્તા ખાય છે અને પસંદ કરે છે એનાથી તેમને ખુશી મળે છે. તેઓ બહુ કમાતાં નથી, પણ જે કંઈ કમાય છે એની ચૅરિટી કરે છે. પહેલાં મમ્મી મારા પપ્પાજી જસ્ટિસ ભગવતીના નામથી ઓળખાતાં હતાં. હવે તેઓ તેમના પોતાના નામથી ઓળખાય છે. મમ્મીએ આજે જાતમહેનતથી પ્રભાવતી ભગવતી તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. છેલ્લાં ચારેક વર્ષમાં મમ્મીને ૩ અવૉર્ડ પણ મળ્યા છે.’

નાનીની તંદુરસ્તીનું રહસ્ય શું?

આપણને જરૂર વિચાર આવે કે ૯૯ વર્ષ પૂરાં કરીને જેમનું ૧૦૦મું વર્ષ ચાલતું હોય તે પ્રભાવતી નાની આટલાં તંદુરસ્ત કેવી રીતે રહી શકતાં હશે? આટલું કામ કેવી રીતે કરી શકતાં હશે? આ પ્રશ્નોનો જવાબ આપતાં સોનાલી કહે છે, ‘મમ્મીનો પૉઝિટિવ ઍટિટ્યુડ તેમની તંદુરસ્તીનું કારણ છે. કોઈ કામ ન થાય તો આપણે એકદમ ગુસ્સે થઈ જઈએ છીએ, પણ મમ્મી કહે છે કે ગુસ્સો કરવાથી કે ડરવાથી પ્રૉબ્લેમ સૉલ્વ નહીં થાય, જો તમે શાંતિથી વિચારો તો એનું સૉલ્યુશન નીકળશે. મમ્મીનો ઍટિટ્યુડ એવો છે કે તેઓ ડરતાં નથી, પૉઝિટિવ રહે છે. તેમણે નેગેટિવ ફીલિંગ તેમની લાઇફમાં આવવા જ નથી દીધી. તેમની ઉંમરના તો લગભગ બધા મૃત્યુ પામ્યા હશે, પણ મમ્મીને આ ઉંમરે પણ બધાં જ એજ-ગ્રુપના ફ્રેન્ડ્સ છે. તેમના ઘરે મારા ફ્રેન્ડ્સ પણ આવે છે અને પાર્ટી પણ કરે છે અને આનંદમાં રહે છે. તેઓ થાકતાં પણ નથી. આજના સમયે હું જ્યારે ઘરે આવું ત્યારે મમ્મી મને પીઠમાં અને ગરદન પર મસાજ કરી આપે છે અને મારો થાક ઉતારી દે છે. મમ્મીએ અત્યાર સુધી મને નથી કહ્યું કે પોતે થાકેલી છે.’

columnists gujarati mid day lifestyle news life and style shailesh nayak