અજિત ડોભાલ સુપર સે ઉપર

29 March, 2026 05:47 PM IST  |  Mumbai | Rashmin Shah

ડોભાલ પાકિસ્તાન ગયા એ પહેલાં તે ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ના ઑફિસર બની ગયા હતા. તેમની પાસે મસ્તમજાની વાતાનુકૂલિત ચેમ્બરમાં બેસીને કમિશનરવેડાં કરવાની તક હતી જ અને એ પછી પણ તેમણે દેશ માટે આટલું મોટું જોખમ લીધું.

અજીત ડોભાલ

‘મિસ્ટર ડોભાલ, તમને ખબર છે કે અંદર જીવનું જોખમ છે. જો તમે ઓળખાઈ ગયા તો ખાલિસ્તાની આતંકવાદીઓ તમને છોડશે નહીં...’

‘૭ વર્ષ પાકિસ્તાનમાં રહ્યો ત્યારે જીવની પરવા નહોતી કરી તો હવે હું મારા દેશમાં મારા જીવની ફિકર શું કામ કરું?’

આ કોઈ કાલ્પનિક સંવાદો નથી. હકીકતમાં આ ડાયલૉગ્સ બોલાયા હતા, ત્યારે જ્યારે અજિત ડોભાલ નામના ઇન્ટેલિજન્સ બ્યુરોના એક સિનિયર ઑફિસરે અમ્રિતસરના ગોલ્ડન ટેમ્પલમાં જવાની તૈયારી દર્શાવી અને એ પણ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના ઑફિસર તરીકે. વર્ષ હતું ૧૯૮૮નું. અગાઉ ગોલ્ડન ટેમ્પલમાં ઑપરેશન બ્લુસ્ટાર ઑલરેડી કરવામાં આવ્યું હતું. ૧૯૮૪માં થયેલા એ ઑપરેશનમાં ખાલિસ્તાનની માગણી કરનારા ભિંડરાવાલેને ઠાર મારવામાં આવ્યો હતો અને એ પછી પણ હજી ખાલિસ્તાન માટેની ચળવળ અકબંધ હતી. ભારત સરકારને માહિતી મળી હતી કે ગોલ્ડન ટેમ્પલમાં નવેસરથી આતંકવાદીઓ છુપાયા છે. ઑપરેશન માટે સેના તૈયાર હતી, પણ ઑપરેશન બ્લુસ્ટાર પછી જે પ્રકારે સિખ સમાજ સરકાર પ્રત્યે ગુસ્સે ભરાયો હતો એ જોઈને નવું ઑપરેશન સીધું જ શરૂ કરવું વાજબી નહોતું તો સાથોસાથ આતંકવાદીઓ પાસે કેવા પ્રકારનાં હથિયારો છે એની તથા અંદર કેટલા આતંકવાદીઓ છે એની પ્રાઇમરી માહિતીઓ પણ મેળવવી જરૂરી હતી. અન્યથા સેના અને સાથોસાથ ગોલ્ડન ટેમ્પલ સાથે જોડાયેલી અમૂલ્ય આસ્થાને બહુ મોટું ડૅમેજ થવાની સંભાવના હતી અને નૅશનલ સિક્યૉરિટી ગાર્ડના ચીફ તથા વડા પ્રધાન રાજીવ ગાંધીએ નક્કી કર્યું કે ઑપરેશન બ્લૅક થન્ડર ત્યારે જ શરૂ કરવું જ્યારે મંદિરની અંદરની બધી માહિતી તેમને મળે.

આજના ૮૧ વર્ષના નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ એ સમયે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં હતા અને અજિત ડોભાલે ટેમ્પલમાં જવાની તૈયારી દર્શાવી અને અજિત ડોભાલ ટેમ્પલમાં ગયા, ISIના ઑફિસર બનીને. અસ્ખલિત ઉર્દૂ જબાન સાથે અજિત ડોભાલ માત્ર અંદર ગયા એટલું જ નહીં, અંદર જઈને એ હરામખોર આતંકવાદીઓ સાથે ઘરોબો કેળવવા અને બધી સાચી માહિતી કઢાવવા માટે તેમની સાથે ડોભાલ જમ્યા પણ ખરા અને મંદિરની પાછળના ભાગમાં આવેલી રૂમમાં બેસીને એ લોકોની સામે નમાજ પણ પઢ્યા જેથી ખાલિસ્તાનની માગણી કરતા એ આતંકવાદીઓને વિશ્વાસ આવે કે સાચે જ ISIનો એજન્ટ તેમને મળવા આવ્યો છે.

ઑલમોસ્ટ ૬ કલાક અંદર રહીને અજિત ડોભાલે તેમની સ્કૅનર જેવી આંખોથી બધું નોંધી લીધું અને બહાર આવીને નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્‌સને જોઈતી હતી એના કરતાં પાંચગણી વધારે માહિતી આપી. પરિણામ એ આવ્યું કે ઑપરેશન બ્લુસ્ટાર કરતાં ઓછામાં ઓછી જાનહાનિ થઈ, મોટા ભાગના આતંકવાદીઓને જીવતા પકડવામાં આવ્યા અને સૌથી અગત્યની વાત, ગોલ્ડન ટેમ્પલના માળખા અને અકાલ તખ્તને સહેજ પણ નુકસાન થયું નહીં. સિખ સંપ્રદાયની આસ્થા અકબંધ રહી. બાજુવાળાની ચોપડીમાં ડોકિયું કરીને ભણેલા પંડિતો ગાઈવગાડીને કહે છે કે ઑપરેશન બ્લુસ્ટાર પછી પંજાબમાં શાંતિ થઈ; પણ ના, એવું નથી. અજિત ડોભાલ દ્વારા હૅન્ડલ કરવામાં આવેલા ઑપરેશન બ્લુ થન્ડર પછી પંજાબમાં એવી શાંતિ થઈ કે ખાલિસ્તાનની માગણી કરનારાઓ બિસ્તરા-પોટલાં બાંધીને કૅનેડા ભેગા થઈ ગયા. ઑપરેશન બ્લુસ્ટારને લીધે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ જીવ ગુમાવવો પડ્યો હતો, જો ઑપરેશન બ્લુ થન્ડરમાં સહેજ પણ કચાશ રહી ગઈ હોત તો રાજીવ ગાંધી સાથે પણ અઘટિત બની શક્યું હોત. થૅન્ક્સ ટુ અજિત ડોભાલ કે એવું કશું થયું નહીં અને દેશમાં શાંતિ જળવાઈ રહી.

 ‘ધુરંધર’ પછી અજિત ડોભાલને સામાન્ય માણસ પણ ઓળખતો થઈ ગયો છે પણ આ જ ડોભાલસાહેબે બીજાં કેટલાંય એવાં કારનામાં કર્યાં છે જેની ભાગ્યે જ કોઈને ખબર છે. અજિત ડોભાલ પોતે જાસૂસ તરીકે પાકિસ્તાનમાં ૭ વર્ષ રહ્યા અને એ પણ પોતાનાં મૅરેજ પછી. અજિત ડોભાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘ફૅમિલીથી દૂર રહેવું એક વાત છે અને ૭ વર્ષ સુધી ફૅમિલીનો કૉન્ટૅક્ટ કર્યા વિના રહેવું એ બીજી વાત છે. જાસૂસીનું કામ માણસનાં ઇમોશન્સની કતલ કરી નાખે છે.’

ડોભાલ પાકિસ્તાન ગયા એ પહેલાં તે ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ના ઑફિસર બની ગયા હતા. તેમની પાસે મસ્તમજાની વાતાનુકૂલિત ચેમ્બરમાં બેસીને કમિશનરવેડાં કરવાની તક હતી જ અને એ પછી પણ તેમણે દેશ માટે આટલું મોટું જોખમ લીધું.


૨૦૧૪માં ઇરાકમાં ફસાયેલી ૪૬ નર્સોને છોડાવવા માટેના સીક્રેટ મિશનની સફળતા માટે શુભેચ્છા મેળવી રહેલા અજિત ડોભાલ

બાત શુરુ સે...

અજિત ડોભાલને નજીકથી ઓળખનારા તેમના કલીગ્સ ડોભાલને જેમ્સ બૉન્ડ કહે છે. શરૂઆતમાં ડોભાલ આ સંબોધન પર હસી પડતા પણ હવે તેમને આદત પડી ગઈ છે. અજિત ડોભાલનું આ નામ શું કામ પડ્યું એની પાછળ એક નાનકડી સ્ટોરી છે. અજિત ડોભાલે જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘એ લોકોએ જેમ્સ બૉન્ડની એક ખાસિયત જોઈ હતી, જે મારો પણ સ્વભાવ છે. માણસને ત્રણ રીતે ડર લાગી શકે. એક કંઈ બન્યું હોય એ પહેલાં. બીજું, ન ગમતું કે પછી ડર લાગે એવું કંઈ બનતું હોય એ દરમ્યાન અને ત્રીજું, આખી ઘટના પૂરી થઈ જાય પછી. હું આ ત્રીજી કૅટેગરીમાં આવું છું. મને બધું પૂરું થઈ જાય પછી વિચાર આવે કે અરે બાપ રે, કંઈ થઈ ગયું હોત તો... પછી હું શાંતિથી ક્લાસિકલ મ્યુઝિક સાંભળું, સાથે એકાદ સિગારેટ પીઉં એટલે મારો એ ડર પણ ઊડી જાય.’

૧૯૪પની ૨૦ જાન્યુઆરીએ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં જન્મેલા અજિત ડોભાલે અજમેર મિલિટરી સ્કૂલ અને આગરા યુનિવર્સિટીમાં ઇકૉનૉમિક્સમાં માસ્ટર્સ કર્યું. ડોભાલના પપ્પા મેજર ગુણાનંદ ડોભાલ ભારતીય સેનામાં ઑફિસર હતા. આ જ કારણ કે સ્કૉલર એવા અજિત ડોભાલને આર્મી માટે બહુ માન. કૉલેજનું એજ્યુકેશન પૂરું કરી અજિત ડોભાલે ઇન્ડિયન પોલીસ સર્વિસની શરૂઆત કરી અને ૧૯૬૮માં તે કેરલા કૅડરના IPS ઑફિસર બન્યા. તેમની પાસે તક હતી કે તે કમિશનરપદ સ્વીકારી લે, પણ એવું કરવાને બદલે તેમણે ઇન્ટેલિજન્સ બ્યુરો પર પસંદગી ઉતારી અને ૧૯૭૮ની આસપાસ સમય આવ્યો કે તેમણે અન્ડરકવર એજન્ટ તરીકે પાકિસ્તાન જવાનું બન્યું.

ફીલ્ડ-ઑપરેશનમાં જતા તમામને સઘન ટ્રેઇનિંગ આપવામાં આવતી હોય છે. આ જે ટ્રેઇનિંગ હોય છે એ આર્મી-ટ્રેઇનિંગ જેવી જ આકરી અને અઘરી હોય છે. બે વર્ષની ટ્રેઇનિંગ લીધા પછી ડોભાલને ઉર્દૂ અને મુસ્લિમ ધર્મના રીતરિવાજો શીખવવામાં આવ્યા. બધું આત્મસાત્ કરી અજિત ડોભાલ ૧૯૮૦ની આસપાસ પાકિસ્તાન ગયા અને ત્યાં સાતેક વર્ષ સુધી અન્ડરકવર એજન્ટ તરીકે રહ્યા અને એ પછી ૧૯૮૭માં તેઓ પાછા આવ્યા.

મુસ્લિમ બનીને પાકિસ્તાન ગયેલા અજિત ડોભાલના કાર્યકાળ દરમ્યાન મોરારજી દેસાઈની સરકાર હતી અને પોતે પાકિસ્તાન રહ્યા એ સમયગાળામાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારો દેશમાં બની. જનતા પાર્ટીને સતત એવું લાગતું કે ઇન્ટેલિજન્સ બ્યુરો અને રિસર્ચ અૅન્ડ અૅનૅલિસિસ વિન્ગ (RAW-રૉ)ની દેશને જરૂર નથી, જેને લીધે અનેક વખત એવું બન્યું કે ઇન્ટેલિજન્સ બ્યુરો અને રૉનું બજેટ કાપી નાખવામાં આવે અને ગાંઠનાં ગોપીચંદ કરી આ રીતે ફીલ્ડ પર રહેલાં ઑફિસરોએ પોતાનું કામ આગળ ધપાવવું પડે.

પાકિસ્તાનમાં જેટલો સમય અજિત ડોભાલ રહ્યા એટલો સમય તેમણે વાઇફ અનુ ડોભાલનો એક પણ વખત કૉન્ટૅક્ટ નહોતો કર્યો અને સૌથી અગત્યની વાત છે કે તેમનાં વાઇફે પણ તેમને એક સવાલ નથી કર્યો. સમયાંતરે ઇન્ટેલિજન્સ બ્યુરો ડોભાલસાહેબના ખબરઅંતર ઘરે પહોંચાડી દે એટલે સામાન્ય નિરાંત રહે પણ સ્વાભાવિક રીતે મનમાં ઉચાટ તો હોય જ.

પાકિસ્તાનમાં અજિત ડોભાલે શરૂઆતનાં વર્ષોમાં ભારતીય એમ્બેસીમાં કામ કર્યું. જોકે આ જે કામ હતું એ કોઈ ઑફિસરનું કામ નહોતું પણ સ્થાનિક વ્યક્તિનું કામ હતું જે સફાઈથી માંડીને ફાઇલો અહીંથી ત્યાં પહોંચાડવાનું કામ કરે. પાકિસ્તાનીઓને એવું હતું કે એ સ્થાનિક વ્યક્તિ છે અને ઇન્ડિયન એમ્બેસીમાં કામ કરે છે એટલે ડોભાલ માટે એ સર્કિટ ખૂલવા માંડી જેમાં તેમને દાખલ થવું હતું. ડોભાલ પાસેથી કંઈક જાણવા મળશે એવા હેતુથી તેમને ISIથી લઈને અમુક આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા પાકિસ્તાની આર્મીના અધિકારીઓ પણ આરામથી નજીક આવવા દેવા માંડ્યા અને ડોભાલ ઊંધો દાવ રમવા માંડ્યા.

એ હરામખોરો આપણી માહિતી મેળવવા માટે ડોભાલને લટૂડાપટૂડા કરે અને ડોભાલ એનો લાભ લઈને તેમની પાસેથી માહિતી કઢાવે અને એ માહિતી ભારતને મોકલે. તમને જાણીને નવાઈ લાગશે પણ અનેક અઠવાડિયાં એવાં પસાર થયાં છે કે જેમાં અજિત ડોભાલ ઑફિસ જઈને કામ કરતા હોય અને રાતે પેલા હરામખોરોએ આપેલી માહિતીની ખરાઈ કરવા માટે સેંકડો કિલોમીટરનું ટ્રાવેલિંગ કરતા હોય. પાકિસ્તાનમાં એક વખત એવી હાલત પણ ઊભી થઈ ગઈ હતી કે જેમાં અજિત ડોભાલ એ લોકોના હાથે ઝડપાઈ જાય.


તેલંગણની સરદાર વલ્લભભાઈ પટેલ નૅશનલ ઍકૅડેમીમાં ખાસ ટ્રેઇનિંગ વખતે હાજર રહેલા અજિત ડોભાલ.

બન્યું એવું કે અજિત ડોભાલનું ઘર લાહોરમાં હતું, જ્યારે તેમણે કામ કરવાનું રહેતું લાહોર અને ઇસ્લામાબાદમાં. રજા હોય ત્યારે તે લાહોર આવી જાય. લાહોરમાં એક વખત મસ્જિદમાં નમાઝ કરીને બહાર આવતી વખતે એક માણસે ડોભાલને પકડ્યા અને પૂછ્યું કે તમે હિન્દુ છો? નૅચરલી ડોભાલે ના પાડી પણ પેલા માણસે કહ્યું કે કાન વિંધાવ્યા હોય એવી નિશાની તમારા કાન પર છે એ જોઈને મને એવું લાગ્યું.

એ પછી તો પેલો માણસ ડોભાલની પાસે બેસીને ભારત અને ભારતીયોનું એટલું બોલ્યો કે ડોભાલને ત્યાં ને ત્યાં તેને મારવાની ઇચ્છા થઈ આવી પણ અંદરથી કન્ટ્રોલ કરીને તેમણે ટાઇમપાસ કરી લીધો.

સાવધાની અપરંપાર

તમારી જાણ ખાતર, દેશની સુરક્ષાના સલાહકાર પોતે મોબાઇલ વાપરતા નથી અને એની પાછળ સિક્યૉરિટી જવાબદાર છે. મોબાઇલ નેટવર્કથી સેંકડો આતંકવાદી સુધી પહોંચેલા અજિત ડોભાલ સ્વભાવિક રીતે પોતે ન જ ઇચ્છે કે તેમના નેટવર્કને ટ્રેસ કરવામાં આવે અને તેમના સુધી કોઈ પહોંચે. ડોભાલ કમ્પ્યુટર વાપરે છે, પણ એ કમ્પ્યુટરમાં એક પણ પ્રકારનું વાઇફાઇ કે ઇન્ટરનેટ વાપરવામાં નથી આવતું. અજિત ડોભાલ પોતે કહી ચૂક્યા છે કે તે લૅપટૉપને ટાઇપરાઇટર તરીકે જ વાપરે છે. કમ્પ્યુટર પર કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન કરતા નથી. અજિત ડોભાલના ઘરે પણ ઇન્ટરનેટ નથી અને એટલું જ નહીં, ડોભાલની સાથે કામ કરતા સ્ટાફને પણ મોબાઇલ કે ઇન્ટરનેટ વાપરવાની સખત મનાઈ છે.

કહે છે કે અજિત ડોભાલે પોતાના કાર્યકાળ દરમ્યાન ચિત્તા જેવી તીક્ષ્ણ ઝડપ અને બુદ્ધિ વાપરતા સોથી વધારે જાસૂસ તૈયાર કર્યા જે આજે પણ પાકિસ્તાન અને ચાઇના જેવા દુશ્મન દેશો ઉપરાંત અમેરિકા અને રશિયા જેવા સ્વાર્થી મિત્રોના દેશમાં રહીને ભારત માટે જાસૂસી કરે છે.

બેનિફિટ મિલા બેતહાશા

પોતાના ૭ વર્ષના એ જાસૂસીકાળમાં અજિત ડોભાલે જે-જે માહિતીઓ આપી એનો ભારતને ભરપૂર ફાયદો થયો. કહુટામાં પાકિસ્તાન ન્યુક્લિયર બૉમ્બ બનાવવા પર જે જહેમત ઉઠાવતું હતું એ માહિતી લાવવાની સાથોસાથ પાકિસ્તાન દ્વારા ખાલિસ્તાનીઓને આપવામાં આવતી શસ્ત્રસહાયની ઇન્ફર્મેશન પણ અજિત ડોભાલે મોકલાવી તો સાથોસાથ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં અને અન્ય સીમા પર ચાલતા આતંકવાદીઓના કૅમ્પની વિગતો પણ અજિત ડોભાલ ઇન્ટેલિજન્સ બ્યુરોને મોકલતા. એ કૅમ્પમાં કેવી ટ્રેઇનિંગ આપવામાં આવે છે, કોણ ટ્રેઇનિંગ આપે છે, પાકિસ્તાની લશ્કર અને સત્તાધીશો દ્વારા એ ટ્રેઇનિંગને કેવી મદદ પૂરી પાડવામાં આવે છે એ વિગતોના આધારે ભારત પોતાની રણનીતિ તૈયાર કરતું તો પાકિસ્તાની સેના ભારતની સરહદ પર ક્યારે અને કઈ જગ્યાએ હિલચાલ વધારી રહી છે એની આગોતરી જાણકારી પણ તે ભારત પહોંચાડતા.

તમને જાણીને નવાઈ લાગશે, પણ આ સચ્ચાઈ છે.

રવીન્દ્ર કૌશિક નામના ભારતના તેજતર્રાર જાસૂસની ૧૯૮૩માં પાકિસ્તાને અરેસ્ટ કરી એ પછી પાકિસ્તાનના કહુટામાં નિર્માણ કરવામાં આવેલા ન્યુક્લિયર પ્લાન્ટની માહિતી લાવવાનું કામ અજિત ડોભાલ દ્વારા કરવામાં આવ્યું હતું. અજિત ડોભાલને લીધે જ ભારતને ખબર પડી કે પાકિસ્તાને અમેરિકાને પણ અંધારામાં રાખીને કહુટા પ્લાન્ટ ઊભો કર્યો છે. આ પહેલી ઘટના હતી જેમાં અમેરિકાનો પાકિસ્તાન પરનો વિશ્વાસ ડગમગ્યો.

ખાલિસ્તાન અને કાશ્મીરમાં પેસી ગયેલા આતંકવાદીઓને કઈ સ્થાનિક ચૅનલ દ્વારા મદદ કરવામાં આવે છે એ આખો રૂટ શોધવાનું કામ ઇન્ટેલિજન્સ બ્યુરોના ભારતમાં રહેલા જાસૂસો દ્વારા થવું જોઈએ, પણ એ કામ પણ અજિત ડોભાલે કર્યું અને એ પણ પાકિસ્તાનમાં બેસીને. પરિણામ એ આવ્યું કે ભારતનું ખાઈને ભારતનું જ ખોદનારાઓનો સફાયો શક્ય બન્યો. તમને જાણીને નવાઈ લાગશે પણ અજિત ડોભાલની પાસેથી મળેલી માહિતીના આધારે આ ૭ વર્ષમાં ૩૦૦થી વધુ સ્થાનિક લોકોને પકડવામાં આવ્યા જે પાકિસ્તાન માટે લોકલ ચૅનલ તરીકે કામ કરતા હતા. આ ઉપરાંત ચાલીસથી વધુ લોકોને મારવામાં આવ્યા, જેમણે કાર્યવાહી દરમ્યાન પ્રતિકાર કરીને ભાગવાની કોશિશ કરી હતી.

અજિત ડોભાલની માહિતીના આધારે સેંકડો વખત એવું બન્યું કે આતંકવાદીઓ દેશમાં ઘૂસણખોરી કરી રહ્યા હોય અને તેમના એ મનસૂબાને ભારતીય સેનાએ તોડી પાડ્યો હોય. અજિત ડોભાલે શરૂઆતનાં બે વર્ષ એકલા હાથે કામ કર્યું અને એ પછી તેમને ભારતીય હાઈ-કમિશનની ઑફિસમાં કર્મચારી બનાવવામાં આવ્યા, આની પાછળ પણ એક કારણ હતું. અજિત ડોભાલ જે સ્તર પર હિંમત કરીને ઘૂસી જતા હતા એ જોઈને ભારત સરકારને લાગ્યું કે તે ક્યારે પણ પકડાઈ શકે છે.

જય જય દ્વારકાધીશ, માગો ૨૦ આપે ૩૦.

આવું જ આપણા ડોભાલસાહેબનું કામ હતું. તેમની પાસે રાઈના દાણા જેટલી માહિતી માગવામાં આવે અને તે રાઈનું આખું ઝાડ લઈને સામે મૂકી દે. આવી નિષ્ઠાથી કામ કરનારા અધિકારી જો ખુલ્લા પડી જાય તો સ્વાભાવિક રીતે પાકિસ્તાન તેમને જીવતા પાછા ન જ આવવા દે. એવું ન બને અને ડોભાલ જેવા ખંતીલા અધિકારી દેશની તિજોરીમાં અકબંધ રહે એ માટે ભારત સરકારે તેમને ઑફિશ્યલ ડિપ્લોમેટિક સ્ટેટસ મળે અને પકડાય તો પણ સુરક્ષા મળી રહે એવા હેતુથી તેમને હાઈ-કમિશનની ઑફિસમાં ડ્યુટી પર લગાડી દીધા. જોકે એ પછી પણ તેમનું અસલી કામ તો રાતના અંધારામાં અને ગલીઓમાં જઈને માહિતી એકઠી કરવાનું હતું.

ફૅમિલી વિશે થોડું... 

અજિત ડોભાલને એક ભાઈ છે પણ તેમના વિશે ક્યાંય કોઈ માહિતી મળતી નથી, જેનું એક કારણ એ પણ છે કે ડોભાલ પોતે જે જવાબદારી સંભાળે છે એને કારણે તેમના પરિવાર કે પરિવાર સાથે જોડાયેલા કોઈના પર જોખમ ન આવે. અજિત ડોભાલ સાથે જોડાયેલા દરેક સભ્યએ ક્યાંય પણ કોઈ જગ્યાએ એકલા જવાની સખત મનાઈ છે. ત્યાં સુધી કે તે પાણી પણ પોતાના જ ઘરનું પીએ છે. અજિત ડોભાલને બે દીકરાઓ છે. શૌર્ય ડોભાલ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર છે અને ભારત સરકારના ઇન્ડિયા ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે તો વિવેક ડોભાલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને ફૉરેનમાં સેટલ થયા છે. 


પત્ની અરુણી અને દીકરાઓ શૌર્ય અને વિવેક સાથે અરુણ ડોભાલ.

યે નયા હિન્દુસ્તાન હૈ...

પાકિસ્તાનથી પાછા આવ્યા પછી તરત જ અજિત ડોભાલે યુનિફૉર્મવાળી પોલીસ-ડ્યુટી સંભાળવાને બદલે ઇન્ટેલિજન્સ બ્યુરોની ડ્યુટી સ્વીકારી અને બ્યુરોએ પણ તેમને મહત્ત્વની જવાબદારીઓ સોંપી. પાછા આવ્યાના થોડા જ મહિનામાં તેમણે પંજાબમાં ઑપરેશન બ્લૅક થન્ડરમાં આતંકવાદીઓના આકા બનીને ISIના એજન્ટ બનીને જાસૂસની જવાબદારી સંભાળી અને એ જવાબદારી એ સ્તર પર નિભાવી કે ભારત સરકાર પંજાબમાં કાયમી શાંતિ ઊભી કરી શકી. આ જ કારણે તેમને કીર્તિ ચક્ર આપવામાં આવ્યો. યાદ રહે, આ અગાઉ આ કીર્તિ ચક્ર એનાયત થતો પણ યુદ્ધમાં સુપ્રીમ કામગીરી કરી દેખાડતા તેમને જ આપવામાં આવતો; પણ પહેલી વાર, દેશમાં પહેલી વાર એક એવી વ્યક્તિને કીર્તિ ચક્ર આપવામાં આવ્યો જે નૉન-મિલિટરી પર્સન હતા.


કેરલા કૅડરમાં ૧૯૬૮ની બૅચના IPS અજિત ડોભાલ કીર્તિ ચક્ર મેળવનારા પહેલા પોલીસ ઑફિસર હતા.

પરત આવ્યા પછી અજિત ડોભાલ પોતાની નિવૃત્તિ સુધી એટલે કે ૨૦૦૫ સુધી દેશની ઇન્ટેલિજન્સ એજન્સીમાં જ સક્રિય રહ્યા અને એવું-એવું કામ કરીને દેખાડ્યું કે હિન્દુસ્તાન ક્યારેય ભૂલી ન શકે. મિઝો નૅશનલ ફ્રન્ટના ૭માંથી ૬ કમાન્ડરોને પોતાની તરફેણમાં કરવાનું કામ તેમણે કર્યું, જેને લીધે મિઝોરમમાં કાયમી શાંતિ સ્થપાઈ. ૧૯૯૯માં કંદહાર વિમાન હાઇજૅક ઘટના ઘટી ત્યારે હાઇજૅકર્સ અને ભારત-તાલિબાન અને પાકિસ્તાન સરકાર વચ્ચે તે મુખ્ય મધ્યસ્થી તરીકે જોડાયા અને એ જ સમયે ફિલ્મ ‘ધુરંધર’માં જે ઘટના દેખાડવામાં આવી છે એનું બીજ રોપાયું.

૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇક અને ૨૦૧૯ની બાલાકોટ ઍરસ્ટ્રાઇક પણ નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર તરીકે તેમણે કરેલા પ્લાનના આધાર પર જ આકાર લેવાઈ હતી. અજિત ડોભાલની કાર્યશૈલીને ‘ડોભાલ ડૉક્ટ્રિન’ કહેવામાં આવે છે. એનો અર્થ થાય છે કે જો દુશ્મન ભારતને નુકસાન પહોંચાડે તો ભારત તેના ઘરમાં ઘૂસીને જવાબ આપે. આ જ નીતિને લીધે નવા હિન્દુસ્તાનની વાત સપાટી પર આવી અને દેશના યંગસ્ટર્સને દેશ માટે ગર્વ થવાનું શરૂ થયું.

columnists lifestyle news life and style ajit doval indian government Rashmin Shah gujarati mid day