22 March, 2026 02:31 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ૧૯૯૩થી વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. જળની અછત ધરતીને ઉજ્જડ અને માનવીને જડ બનાવી શકે. ઘણા દેશોમાં પીવાના સ્વચ્છ પાણીની યંત્રણા સુનિયોજિત થઈ શકી નથી. ભારતમાં નલ સે જલ યોજના દ્વારા સરકાર ઘરે-ઘરે પીવાનું પાણી પહોંચાડવા પ્રયાસો કરી રહી છે. આજે સજળ સંવેદનોથી જળને નતમસ્તક થઈએ અને અંકિતા મારુ ‘જીનલ’ની પંક્તિઓ દ્વારા પરથમ પરણામ કરીએ...
જળનો દિવસ છે આજ તો ઝાકળ વિશે લખો
પાણી અને સજીવની સાંકળ વિશે લખો
મૃગજળ, હરણની વારતા કોઈ નવી નથી
આજે નદી, તળાવ ને વાદળ વિશે લખો
પાણીનાં વિવિધ સ્વરૂપો છે. આંતરીક્ષ જળ એટલે આકાશમાંથી પડતું વરસાદનું પાણી જેને ડિસ્ટિલ્ડ વૉટર અથવા વરાળનું પાણી કહેવામાં આવે છે. ઔદ્દભિક જળ એટલે ખડકો અને પહાડોમાં રહેલું પાણી, જેને હાર્ડ વૉટર કહેવાય છે. સાફ ગળણા મારફત વરસાદનું પાણી સીધું વાસણમાં ઝીલી લેવામાં આવે એને ગાંગજળ કહેવાય છે. ગંગાજળ જુદું અને ગાંગજળ જુદું. દિલીપ ધોળકિયા ‘શ્યામ’ જળને જીવન સાથે જોડે છે...
બ્રહ્માંડમાં જ્યાં જીવ હો, પાણી પ્રથમ ત્યાં હોય છે
જળ એક જન્મસાર છે, જળ એ જ જીવન માનજો
આ ઝાડ, જંગલ, ફૂલ, પ્રાણી જીવતાં પાણી થકી
જળથી ધરા-વિસ્તાર છે, જળ એ જ જીવન માનજો
જળસંચયની અનેક યોજનાઓ છેલ્લા અઢી દાયકામાં કાર્યરત થઈ છે. વર્ષ ૨૦૦૦ પહેલાનાં અખબારો ઉથલાવતા ત્યારે દુકાળના અનેક સમાચારો વાંચવા મળતા. એ પહેલાંના દાયકાઓમાં તો દુકાળને કારણે વિસ્તારો ખાલી કરવા પડતા. હવે સિંચાઈ યોજનાઓ અને ડૅમને કારણે રાહત મળી છે. ઝાકળનાં ટીપાંથી લઈને સાગર સુધી વિસ્તરતું જળ ચૈતન્યનું પ્રવાહી સ્વરૂપ છે. કૃણાલ ભટ્ટી આ વિસ્તારને નિરૂપે છે...
ક્યાંક જાતું નીર થઈને, ક્યાંક પથ્થર થાય છે
રૂપ તારાં જો કિનારે, ખૂબ સુંદર થાય છે
બુંદ થઈને જે પડે છે, પાંદડાની ઓથમાં
સૂર્યનાં કિરણો અડે ને, એ જ અંબર થાય છે
પાણીમાં આકાશનું પ્રતિબિંબ જોવાનો રોમાંચ અનેરો હોય છે. એમાં પણ આકાશમાં વાદળાં સરતાં હોય ત્યારે એનું પ્રતિબિંબ પાણીમાં જાણે તરતું હોય એવો આભાસ થાય. આકાશેથી વરસતા આંતરીક્ષ જળના ચાર પ્રકાર છે. દિવાવૃષ્ટિ એટલે દિવસે વરસતું પાણી. આ પાણી પાચન માટે ઉત્તમ મનાયું છે. રાત્રિવૃષ્ટિ એટલે રાતે વરસતું પાણી જે પચવામાં ભારે હોય છે. દુર્દિનવૃષ્ટિ એટલે રાત અને દિવસે હેલીના રૂપે વરસતું પાણી. ચોથો પ્રકાર એટલે ચોમાસામાં ગમે ત્યારે પડતો વરસાદ જેને ક્ષણવૃષ્ટિ કહેવાય છે. કવયિત્રી નિશિની પંક્તિ સાથે જળવંદના કરીએ...
ખબર સાવ સૌને નિરાકાર પાણી
તો વરસાદને કોણ લાવે છે તાણી
વહે બંને કાંઠે નદી આસમાની
પરબ આસપાસે ન દેખી ન જાણી
આભેથી વરસતું પાણી એ ઈશ્વરની કૃપા છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો અમ્લજ અને ઉદ્દજન એટલે કે ઑક્સિજન અને હાઇડ્રોજન આ બે વાયુથી જળ બને છે. વૈજ્ઞાનિક સાધનોથી એમને છૂટા પાડી શકાય છે. શ્વસનરોગથી પીડાતા દરદીઓને ઑક્સિજન પૂરો પડાય છે તો હાઇડ્રોજન છૂટો પાડીને એનો ઉપયોગ બળતણ તરીકે શરૂ થયો છે. ટૂંકમાં, પાણી પ્રવાહી સ્વરૂપે હોય તો પણ કામનું અને એનું વિઘટન થાય તો પણ કામનું. દેવેન્દ્ર રાવલ જળની નાતને શબ્દસ્થ કરે છે...
જળ કહો, પાણી કહો પણ જાત એની એક છે
હો ભલે શબ્દો અલગ પણ નાત એની એક છે
રંગ નોખો, સ્વાદ નોખો, ગંધ નોખી હો ભલે
ઠારવાની હો તરસ, ઓકાત એની એક છે
લાસ્ટ લાઇન
વાટકી, ખોબો, હથેળી કાં તો નેવું થઈ જશે
પાણી જેમાં નાખશો એ એના જેવું થઈ જશે
હા, પ્રસંગોપાત્ત હું દરિયો ઉધારે માગું છું
આંખથી વહેશે તો સરભર એનું દેવું થઈ જશે
દીપક ઝાલા `અદ્વૈત’
દૃશ્ય પાછાં ઝરમરીને આવશે
અશ્રુઓ ઝાકળ બનીને આવશે
હરઘડી તારું સ્મરણ કરતી રહું
યાદ જળ ઉપર તરીને આવશે
ભારતી કાંતિલાલ ગડા
બીજું કશું ભણાવો નહીં તો એ ચાલશે
બસ એટલું ભણાવજો પાણી છે કીમતી
ચાલ્યા અમે તો જિંદગી પૂરી કરીને યાર
કોઈને ના રડાવજો પાણી છે કીમતી
જિજ્ઞેશ ક્રિસ્ટી ‘સંગત’
બેફામ વાપરી જળ, પહેલાં કરી ઉજાણી
થાશે અછત એ જાણી, બોલે બચાવો પાણી
કૂવા, નદી, તળાવો, સુકાશે જળ વિના તો
ખારાને મીઠું કરશે જો જો પ્રજા છે શાણી
નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’