06 July, 2026 03:12 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જિંદગી એકબીજાના આધારે જિવાતી હોય છે. માત્ર વ્યક્તિ કે સમાજ નહીં, વિવિધ દેશો પણ એકબીજા પર નિર્ભર હોય છે. વિશ્વ જેના જોરે દોડે છે એ ક્રૂડ ઑઇલનું મોટા ભાગનું ઉત્પાદન મુઠ્ઠીભર દેશોમાં થાય છે. ઈરાને હોર્મુઝ ખાડી બંધ કરી તેલનો પુરવઠો અટકાવ્યો એમાં કેટલાય દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. ડૉ. મહેશ રાવલ લાચારી વ્યક્ત કરે છે...
કાંધ પર બોજો, ચરણમાં થાક, માણસ જાય ક્યાં?
વેઠવા કાંડા વગરના હાથ માણસ જાય ક્યાં?
ભાંગતો દેખાય લીલો ભેળિયારો, હર તરફ
કારગત નહીં કોઈ પણ ઉપચાર માણસ જાય ક્યાં?
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં બિચારું યુક્રેન જાય ક્યાં એ સ્થિતિમાંથી બળૂકું રશિયા જાય ક્યાં એવા સંજોગો નિર્માણ થયા છે. યુક્રેને રશિયાની મોટી રિફાઇનરીઓ અને સપ્લાય ચેઇન પર હુમલા કર્યા એના કારણે વિશ્વભરમાં મોટું ક્રૂડઉત્પાદક ગણાતું રશિયા ઇંધણની તંગી અનુભવી રહ્યું છે. સશક્ત મનના પુતિનને રશિયાનું નુકસાન જોઈને દુઃખ થતું હશે, પણ તે બતાવી નહીં શકે. અમર પાલનપુરી કહે છે એવો એક તો સંબંધ હોવો જોઈએ...
ખોળામાં જ્યારે કોઈના માથું મૂકી દીધું
સોગંદ જીવનના, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું
ડૂબ્યો નથી, ‘અમર’ને ડુબાડ્યો છે કોઈએ
નહીંતર કાં એની લાશને તરવાનું મન થયું
કોઈ આપણા ખભે હાથ મૂકી સાંત્વન આપી શકે અને કોઈના ખભે માથું મૂકીને આપણે રડી શકીએ એવો સંબંધ સંપત્તિ ભલે ન ગણાય, મોટી ઉપલબ્ધિ ચોક્કસ ગણાવો જોઈએ. જેમની પાસે કોડિયું છે તેમને અન્યનો અંધકાર દૂર કરવાની જવાબદારી ઈશ્વર સોંપે છે. અશોક જાની ‘આનંદ’ આશા વ્યક્ત કરે છે...
મનને એ થઈ ગઈ પ્રતીતિ છે
સૂર્ય ઊગ્યો છે, રાત વીતી છે
એને મળવાનું કોઈ ચોઘડિયું
હોય નક્કી નહીં, ના મિતિ છે
જિંદગીમાં અનેક પરિસ્થિતિઓ ચમચમ સોટી લઈને કસોટી કરવા આવતી હોય છે. બરડા પર સોળ પડે અને આહ પણ ન ભરી શકાય. એક સમય એવો હોય કે બધું આપણી ઇચ્છા પ્રમાણે ચાલતું હોય અને એક સમય એવો આવે કે આપણું કંઈ જ નીપજે નહી. જગત સામેના યુદ્ધ કરતાં પણ વિશેષ જાત સામેનું યુદ્ધ ભારી પડી જાય. હરેશ તથાગત જાત સાથેનો સંઘર્ષ નિરૂપે છે...
ખાલી કરી, પાછો ભરી, ખાલી કરું છું હું મને
બસ, સાવ અમથો કોઈ વેળા સાંભરું છું હું મને
પાટો સખત બાંધી લઉં છું બેય આંખો પર પછી
એવું બધું ભૂલી જઈ દર્પણ ધરું છું હું મને
દર્પણ સામે જોવું આમ તો સાવ સાહજિક ઘટના છે, પણ દર્પણ સામે જોયા કરવું હિંમત માગી લે છે. આપણા જ દોષ આપણને દેખાઈ આવે. જોકે આપણે એને નજરઅંદાજ કરવામાં માહેર છીએ. આપણું મન આપણા તાબામાં રહેતું નથી અને અવનવા નાચ નચાવે છે. જાતુષ જોશી પ્રશ્ન પૂછે છે...
એવોય દૂર ક્યાં છે? એવોય પાસ ક્યાં છે?
મનમાં જ એ વસે પણ મનનો નિવાસ ક્યાં છે?
જો પારખી શકો તો પોતીકો શ્વાસ પામો
આ શ્વાસ છે ને એને કોઈ લિબાસ ક્યાં છે?
મનનો નિવાસ ક્યાં થાય એ ખબર નથી, પણ તનનો નિવાસ યોગ્ય જગ્યાએ થવો જોઈએ. દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ વિશાળ ઝૂંપડપટ્ટીઓની ભીંસ હળવી કરવા પ્રવૃત્ત થયું છે. ધારાવીના મેગા પ્રોજેક્ટ ઉપરાંત ઍન્ટૉપ હિલ, મજાસવાડી, બહેરામપાડા, રમાબાઈનગર વગેરે યોજનાઓ વિવિધ તબક્કા પર છે. એક વાત જોવામાં આવી છે કે મોટાં કૉર્પોરેટ ગૃહો જે પ્રોજેક્ટ હાથમાં લે એ આયોજનબદ્ધ રીતે સંપન્ન કરે છે. કંપનીઓ કમાય એનો વાંધો નથી, કામ સુપેરે થવું જોઈએ. હજારો ઘર લાખો લોકોનો આધાર બને એ વાત આવકાર્ય છે. માનવીની વૃત્તિ કેવી હોવી જોઈએ એ રાજેન્દ્ર શુક્લ સમજાવે છે...
પૂર્ણ રૂપે વ્યક્ત થા, સાકાર બન
એ રીતે અવ્યક્તનો અણસાર બન
વૃક્ષ જેમ જ ઊભવાનું છે નિયત
કોઈ કુમળી વેલનો આધાર બન
લાસ્ટ લાઇન
પ્રથમ છોડરૂપે ઉગાડે છે કોઈ
પછી મૂળસોતું ઉખાડે છે કોઈ
જો દરિયે ડૂબું, કોઈ આવી ઉગારેને રણ ચીતરું તો ડુબાડે છે કોઈ
પ્રતીક્ષામાં તારી થયા કાન આંખો
સતત લાગતું કે કમાડે છે કોઈ
વહી જાય મન મારું મૂષકની માફકમધુરી-શી બંસી વગાડે છે કોઈ
થયો સ્પર્શ ત્યાં કેવી ખીલી ઊઠી છે કોઈ
કે ‘શબનમ’ને ફૂલો અડાડે છે કોઈ
- શબનમ ખોજા