31 May, 2026 02:23 PM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કાઠિયાવાડીમાં કુંવારાને ‘વાંઢો’ અને બાકી રહી ગયેલાને ‘ઢાંઢો’ કહે. લગન આમ તો લાકડાનો એવો લાડુ છે જે માણહનાં પેઢાં છોલાઈ જાય તોય ખાવાનો મોહ છૂટતો નથી. લગ્નની એક સરસ વ્યાખ્યા વાંચી‘તી કે લગ્નમાં એક રાજા, એક રાણી અને એક ગુલામ હોય છે. હું ડાયરામાં કાયમ કહું છું કે પતિ થયો એ પતી ગયો ને બચી ગયો તે સલમાન થયો...!
સુપરસ્ટાર થવાની તાકાત ધરાવતા ઘણા મરદ બિચાકડા પરણી ગ્યા એમાં લોકલ સ્ટેજ સુધી પણ ન પહોંચી શક્યા, કારણ કે બંગડીના ગોબા જેને-જેને લાગ્યા છે તે બિચાડા જીવનમાં કોઈ દિવસ ક્યાંય સફળ જ નથી થઈ શક્યા.
વેલ, વાંઢાઓને લગ્ન કરવા માટેની પ્રેરણા આપવામાં ફિલ્મો અને કવિઓનો પણ ઘણો ફાળો છે. સ્ત્રીઓનાં શૃંગારિક વચનોથી લલચાઈને અનેક વાંઢાઓ પોતાની આઝાદી ગિરવી મૂકીને લગનકોડમાં શહીદી વ્હોરી લ્યે છે, પરંતુ બે-પાંચ વર્ષમાં જ જે સ્ત્રીઓની કલ્પના પહેલાં મનમાં રમાડતા હતા એવા વાંઢામાંથી પરણેલાને પછી ગૅસના બાટલાના ભાવ દઝાડતા થઈ જાય છે.
આજે પણ ‘મોગલે આઝમ’ ફિલ્મ બધાને ગમે છે, કારણ કે દરેક પુરુષ સલીમ જેવી બાદશાહી અને અનારકલી જેવું રૂપ ઇચ્છે છે, પણ વાસ્તવિકતાનું જીવન બે-ચાર રાષ્ટ્રીયકૃત બૅન્કોના હપ્તા પર નિર્ભર હોય છે. સલીમને બદલે સ્લિમ બાદશાહી પ્રાપ્ત થાય છે અને અનારકલીને બદલે પતિના બજેટ અને
બૅન્ક-બૅલૅન્સને અનુરૂપ છિપકલી ગળે વળગે છે. BPL કાર્ડ આમ તો ગરીબીની રેખા નીચે જીવનારા માટે છે, પણ BPL શબ્દનો અર્થ હું તો ‘બાપના પૈસે લહેર’ એવો કરું. મારી આ વ્યાખ્યામાં આવતા BPLએ તો અનારકલીની અપેક્ષા ન જ રખાય. તેને અનારકલીને બદલે એકાદી ‘ટકલી’ મળે તોય રાજી રહેવું.
‘મોગલે આઝમ’થી યાદ આવ્યું કે આ સદાબહાર ફિલ્મ બ્લૅક ઍન્ડ વાઇટમાંથી રંગીન થઈને બહાર પડી એટલે સૌથી પહેલી DVD અમારા હિંમતદાદા લઈ આવ્યા. ફિલ્મ જોયા બાદ તેમણે મારી પાસે ખરખરો કર્યો કે આમાં બધુંય રંગીન કર્યું, પણ હાથી કાળા ને કાળા જ રાખ્યા...!
મિત્રો, સલીમ-અના૨કલી, રોમિયો-જુલિયટ, લૈલા-મજનૂ, ખીમરો-લોડણ, શેણી-વિજાણંદ, શીરી-ફરહાદ આ બધી લવસ્ટોરી અમર થઈ ગઈ એનાં બે કારણ હતાં : એક તો આ પ્રેમી પંખીડાંનો સનાતન પ્રેમ અને બીજું કે એ લોકોએ લગન નહોતાં કર્યાં. નહીંતર એ પણ નિમાણા થઈને બૈરીનો ફોન આવે ત્યારે નેટવર્ક શોધવામાં સલવાણા હોત. બે મિનિટ કલ્પના તો કરો કે લૈલા અને મજનૂ પરણીને મુંબઈ આવ્યાં હોત તો? દરેક પ્રેમી પંખીડાને મુંબઈ તો આવવું જ પડે. કારણ... જ્યારે-જ્યારે હું મુંબઈ પ્રોગ્રામ દરમ્યાન ફરતો હોઉં ત્યારે મને એવું લાગ્યા કરે કે આ શહેરની અડધોઅડધ જગ્યાઓના ઉપયોગ ‘હેતુફેર’ થઈ ગયા છે. એ બનાવી’તી બીજા કોઈ હેતુ માટે અને એનો ઉપયોગ બીજા કોઈ હેતુ માટે થઈ રહ્યો છે. એવાં મેં નજરે નિહાળેલાં સ્થળો ગણાવું તો બોરીવલીનો નૅશનલ પાર્ક જુઓ કે બાંદરાનું બૅન્ડ-સ્ટૅન્ડ જુઓ, સી-લિન્ક શરૂ થઈ ઈ પહેલાં નજર નાખો કે મલાડનો આક્સા બીચ જોઈ લ્યો કે પછી જુહુમાં આવેલો સિલ્વર બીચ જોઈ લો...!
વચ્ચે તો મુંબઈ પોલીસ એવી તે ‘આતા માજી સટકેલ’ થઈ ગઈ’તી કે પાર્કમાં બેઠેલા પરણેલાઓને પણ ઉપાડી જવા લાગી. એટલે તો અમુક પ્રેમી પંખીડાં અને નવયુગલે રસ્તો કાઢ્યો. આડોશ-પાડોશના છોકરા બે-ચાર કલાક માગી આવીને બગીચે બેસી આવે, આ નાના ટેણિયાવને જોઈને પોલીસની હેરાનગતિમાંથી બચી જવાય એવા હેતુથી. જોકે આપણી વાત હતી લૈલા-મજનૂ જો બોરીવલીમાં ફ્લૅટ ભાડે રાખીને રહેતાં હોત તો? તો શું મજનૂને તેના છોકરાના ઍડ્મિશન માટે વિધાનસભ્યની ચિઠ્ઠી તો લેવી જ પડત હોં અને લૈલા-મજનૂના છોકરાને તો તેના ટીચરો પણ રોજ ખખડાવીને કહેતા હોત કે લેસનમાં ધ્યાન દેજે હોં, મા-બાપની જેમ લવરિયો ન થાતો, નહીંતર સ્કૂલમાંથી કાઢી મૂકીશ. સલીમ સાંતાક્રુઝ ઍરપોર્ટ પર સિક્યૉરિટીની નોકરી કરતો હોત તો અનારકલી બંધ પડી ગયેલો ડાન્સબાર પોતાની રીતે ચલાવતી હોત.
આવી બધી ભેજાફ્રાય કલ્પનાઓનો પ્રાણ એ છે કે પ્રેમમાં સમય ઊડી જાય છે અને સમય જતાં પ્રેમ ઊડી જાય છે. દીપિકા જેવી કમસીન લાગતી પ્રેયસી જ્યારે કામવાળી જેવી લાગવા લાગે એટલે સમજી લેવું કે લગ્નજીવન તૃપ્ત થઈ ગયું. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા જ રહે છે એનું કારણ મારી દૃષ્ટિએ એવું છે કે બન્ને એકબીજામાંથી સુખ મેળવવા માગે છે, સુખી થવા માગે છે પણ સુખ આપવા માગતા નથી એટલે આ સીઝનમાં જ્યાં પણ મૅરેજમાં જાઓ ત્યારે એવા જ આશિષ આપજો કે ‘હે વર-કન્યા, તમે એકબીજાને સુખી કરજો!’ આશીર્વાદ દેવામાં આપણું શું જાય છે! બાકી તો લગન કર્યા પછી કોણ કેટલું અને કેવી રીતે સુખી થ્યું છે ઈ સૌ જાણીએ છીએને! જાણતા નો હો તો તમતમારે લગનનો લાડવો ખાધો હોય તેને મળીને પૂછજો. યાદ રાખજો વાલીડાવ, સોએ એકાદ મરદનું ફાડિયું એવું નીકળશે જે કે‘શે કે હું તો લગન પછી મસ્તનો સુખી થ્યો છું (આવું કે’નારાની આજુબાજુમાં જોશો તો વેલણ લઈને ઊભેલી બૈરી દેખાશે). બાકી મારે તો એટલું જ કહેવું છે ભાઈ...
‘બાંધી મુઠ્ઠી લાખની! ખોલો તો ખાખની!’