જ્યારે શહેરના પર્યાવરણની રક્ષા માટે એક કિશોર પહોંચેલો સર્વોચ્ચ અદાલતમાં

16 January, 2026 09:32 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીના આ કાતિલ પ્રદૂષણના પ્રશ્ને ૨૦૨૦માં ૧૭ વર્ષના એક દિલ્હીવાસી કિશોરે ભારતની સર્વોચ્ચ અદાલતમાં એક પિટિશન ફાઇલ કરી

આદિત્ય દુબે

છેલ્લા થોડા દિવસોથી પ્રદૂષણના ધુમ્મસની પ્રચંડ ભીંસમાં ઘેરાયેલું મુંબઈનું ધૂંધળું આકાશ જોયું છે? વહેલી સવારનાં સૂર્યદર્શન માટે આકાશ ભણી મીટ માંડીએ તો સૂરજ શોધ્યો ન જડે. દિવસ ચડતો જાય તેમ ધીમે-ધીમે સૂરજનાં કિરણોનો પ્રભાવ થોડો વરતાવા લાગે. જાણે પ્રદૂષણના સાગમટા આક્રમણ સામે એકલપંડે લડતા સૂરજદેવતા કામચલાઉ વિજયી થયા હોય એવું લાગે. પણ આકાશમાં છવાયેલું પેલું પ્રદૂષિત પોપડું તો જાડી ચામડીના ગુનેગાર જેવું. દિવસભર અડ્ડો જમાવીને બેસી જ રહે. આ પ્રદૂષિત હવાને કારણે જ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંઓથી શ્વસનક્રિયાને લગતી સમસ્યાઓમાં જબરો ઉછાળ જોવા મળે છે. ઘરે-ઘરે શરદી, ખોં-ખોં અને શ્વાસની તકલીફો પહોંચી ગઈ છે. આને પગલે જ રેસ્પિરેટરી મેડિસિન્સ અને સારવારની માગ વધી ગઈ છે. મુંબઈ જેમાં આજ ફ્સાયેલું છે એ પ્રદૂષણની ભીંસ દિલ્હીવાસીઓ વર્ષોથી સહેતા આવ્યા છે. એમાંય શિયાળામાં ખેડૂતો દ્વારા બાળવામાં આવતી પરાળમાંથી ઊઠતા ધુમાડા દિલ્હીની હવાને શ્વાસ લેવા જેવી રહેવા નથી દેતા.

દિલ્હીના આ કાતિલ પ્રદૂષણના પ્રશ્ને ૨૦૨૦માં ૧૭ વર્ષના એક દિલ્હીવાસી કિશોરે ભારતની સર્વોચ્ચ અદાલતમાં એક પિટિશન ફાઇલ કરી. આદિત્ય દુબે નામના એ વિદ્યાર્થીએ દિલ્હીની હવામાં તરતા પ્રદૂષણનો માર સ્વયં સહ્યો હતો. તેને શ્વાસની અને ફેફસાંની સમસ્યાઓ થઈ હતી. પરાળ બાળવાને પરિણામે થતા પ્રદૂષણને નિવારવા તેણે અદાલતને ખેડૂતો માટે પરાળ દૂર કરવાનાં મશીનોની જોગવાઈ કરવા વિનંતી કરી હતી. દિલ્હી, હરિયાણા અને પંજાબના મુખ્ય પ્રધાનોને પણ તેણે પોતાની વાત પહોંચાડી. તેની એ પિટિશનના પરિણામે દિલ્હી અને નજીકના વિસ્તારોમાં વાયુપ્રદૂષણને નિયંત્રિત કરવા અને હવાની ગુણવત્તાના વ્યવસ્થાપન માટે ‘કમિશન ફૉર મૅનેજમેન્ટ ઑફ ઍર ક્વૉલિટી, ૨૦૨૦(૭)’ નામનો એક વટહુકમ બહાર પાડવામાં આવ્યો. આદિત્યનો પર્યાવરણપ્રેમ તે ૧૩ વર્ષનો હતો ત્યારથી અભિવ્યક્ત થતો હતો. ૨૦૧૬થી તેણે વૃક્ષો વાવવાની એક પહેલ પણ આદરેલી અને આજ સુધીમાં બે લાખ જેટલાં વૃક્ષો ઉગાડ્યાં છે. પ્રદૂષણને નાથવા દિલ્હીમાં ‘નો કાર ઑન સન્ડે’ની ચળવળમાં પણ આદિત્ય સક્રિય રહ્યો હતો. કોવિડ સમયે આદિત્યે અને તેમના મિત્રોએ મળીને નબળા વર્ગના પરિવારો માટે ખોરાકની વ્યવસ્થા પણ કરેલી. તેના આ બધા પ્રયાસોની સુવાસ છેક UK સુધી પહોંચી અને ૨૦૨૧માં આદિત્યને માનવજીવનને બહેતર બનાવવા કાર્યશીલ યુવાઓને અપાતો સુપ્રસિદ્ધ ડાયના અવૉર્ડ એનાયત થયો. આજે વકીલ બની ગયેલો એ યુવાન એક એન્વાયર્નમેન્ટલ ઍક્ટિવિસ્ટની ઓળખ પણ ધરાવે છે એમાં શું નવાઈ?

આ યુવાનની વાત એટલે કરી કે આપણી આસપાસના પ્રશ્નો માટે માત્ર ગણગણાટ કે બબડાટ કરીને રહી જનારાઓને આવા સંજોગોમાં પોતે પણ કશુંક કરી શકે એમ છે એની ખાતરી મળે. યાદ કરો, ફુટપાથ પર ચાલવાની શિસ્તને યાદ કરી આપણે જવાબદાર નાગરિક તરીકે ચાલતા હોઈએ છીએ પણ ફુટપાથ પર ઠેકઠેકાણે કૂતરાઓ ‘કામ’ કરી ગયા હોય છે. આપણને ખબર છે કે એ કૂતરાઓની સ્વેચ્છાથી થયેલું કામ નથી. એમની પાસે એ કામ કરાવાયું હોય છે એમના માલિકો દ્વારા. પરંતુ આપણે એ સ્થિતિથી ચિડાઈને એ શ્વાનમાલિકોને બે-ચાર ચોપડાવી ત્યાંથી પસાર થવા સિવાય બીજું કંઈ કરીએ છીએ? એ દૃશ્યનો ફોટો પાડીને મીડિયામાં હાઇલાઇટ કરી શકાય અથવા તો અખબારોમાં વાચકો માટે આવી સમસ્યાઓને ઉજાગર કરવા આજકાલ ખાસ જગ્યા ફાળવવામાં આવે છે એ વિભાગમાં એ તસવીર વિગતો સાથે મોકલી શકાય.

ક્યારેક ફુટપાથ પર ફેરિયાઓ પોતાનો સામાન લગાવીને એટલા પહોળા થઈને બેસી જાય છે કે રાહદારીઓ માટે ચાલવાની જગ્યા જ નથી રહેતી. આવી પરિસ્થિતિઓથી આપણે ખાસ્સા ખિજાઈ જઈએ છીએ, પણ મને કહો કે આપણામાંથી કેટલાએ આની સામે ફરિયાદ કરી કે પગલાં લેવાનું વિચાર્યું?

અને એવું કંઈ ન કરવાનું કારણ પણ આપણે સારી રીતે સમજીએ છીએ. અમારા કાંદિવલી-બોરીવલીના સરસ વિસ્તારમાં આવેલી એક સ્કૂલને ઠીક અડીને આવેલી જગ્યા પર કેટલાંક ઝૂંપડાં બંધાયાં છે અને ગંદકી ફેલાઈ છે. સ્કૂલનાં બાળકો એ ઝૂંપડપટ્ટીનાં દૂષણોનાં સાક્ષી બને છે. અમારા વિસ્તારના કેટલાક સક્રિય અને જાગરૂક નાગરિકોએ એ ગેરકાનૂની ઝૂંપડપટી હટાવવા માટે મ્યુનિસિપલ કૉર્પોરેશન અને સ્થાનિક નગરસેવકો સહિત અનેક રાજકારણી સમક્ષ રજૂઆતો કરી અને એક દિવસ અમારા સુખદ આશ્ચર્ય વચ્ચે મ્યુનિસિપાલિટીની વૅન આવી અને એ જગ્યા પરથી ઝૂંપડાંઓ હટાવી એ બધાને ત્યાંથી ખદેડી મૂક્યા. એક-દોઢ દિવસ આ વિસ્તારના લોકોએ નિરાંતનો શ્વાસ લીધો અને પેલા સક્રિય કાર્યકરોને બિરદાવ્યા. ત્યાં તો ત્રીજા દિવસે ફરી એ જગ્યામાં પેલા લોકોની હિલચાલ દેખાઈ. સાંજ સુધીમાં તો એ જગ્યા ફરતે બાંધેલી પતરાની આડશને તોડી એ સહુ પાછા અંદર ઘૂસી ગયા. બીજા બે દિવસોમાં તો પાછાં ઝૂંપડાં તૈયાર. એ ગેરકાનૂની વસાહત માટે પાણીનું ટૅન્કર પણ આવી પહોંચ્યું. અલબત્ત, કોઈ વોટભૂખ્યા રાજકીય પક્ષો અને રાજકારણીઓની કૃપાથી જ તો. અને એ પક્ષના વાવટા ફરકાવતી એ ઝૂંપડપટ્ટી ફરી ધમધમતી થઈ ગઈ. જાગરૂકતા દાખવનાર સ્થાનિક લોકો સમસમી ઊઠ્યા, ‘શું વળ્યું બધી મગજમારી કરીને. મહેનત નકામી ગઈને.’ સમજુ નાગરિકોએ શાણપણ પીરસ્યું: અરે ભાઈ! માથે મ્યુનિસિપલ ઇલેક્શન હોય ત્યારે આના સિવાય બીજી શી અપેક્ષા રાખી શકાય?

આવા અનુભવો લોકોને કોઈ પણ પ્રશ્નો કે સમસ્યાઓના નિકાલ બાબત નિરુત્સાહ બનાવી દે છે અને તેઓ ‘એ તો બધું એમ જ ચાલશે’ના કોરસમાં જોડાઈ જાય છે અને પોતાને પણ ખબર ન પડે એમ ઉદાસીન નાગરિકના સ્લૉટમાં ગોઠવાતા જાય છે.

આદિત્યે બતાવેલી જાગરૂકતા ઉત્તર પ્રદેશનાં અને કર્ણાટકનાં અંતરિયાળ ગામડાંના કિશોરોએ પણ દેખાડી છે. એના વિશે ફરી ક્યારેક, પરંતુ ત્યાં સુધી નાગરિક તરીકેની આપણી ભૂમિકાની તાકાતના અવાજને ઓળખી એને આદર આપતા રહીએ. એટલું તો થઈ જ શકેને.

- તરુ મેઘાણી કજારિયા

(પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે)

columnists air pollution delhi news new delhi gujarati mid day