11 October, 2026 05:16 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આંખે પાણી આવી જાય અને આંખેથી અશ્રુધારા વહેવા લાગે એમ બન્ને પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. શરીરમાં બહુ દુખાવો થાય ત્યારે આંસુઓ ઠાલું આશ્વાસન આપવા ધસી આવે. કોઈ પણ જાતનો દુખાવો ન હોય તોય કોઈની યાદ આવીને આંખો તરબતર કરી નાખે. નિકટના સ્વજનની વિદાય પછી આંસુનું રૂપાંતર ડૂસકાંમાં અને રુદનમાં થતાં વાર નથી લાગતી. આઘાતની તીવ્રતા પ્રમાણે પ્રવાહ ઓછોવત્તો થતો રહે છે. શ્યામ સાધુ આ આઘાતના મૂળને તાગવાનો પ્રયાસ કરે છે...
દુઃખની દીવાલે મોર સમયના મૂંગા હતા
લાગે છે એટલે જ આ આંસુ ઊનાં હતાં
પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા
એક જ શબ્દના અનેક અર્થ નીકળતા હોય છે. ગળામાં ફૂલોનો હાર પહેરીએ એનો અર્થ જુદો થાય અને કોઈ મૅચમાં ટીમની હાર થાય એનો અર્થ જુદો થાય. એક, બે, ત્રણ, ચાર વગેરે અંક છે. કોઈ વિશેષ વિષય સાથે સામયિક બહાર પડે ત્યારે વિશેષાંક કહેવાય છે. દિવાળી અંકોની શરૂઆત ટૂંક સમયમાં થશે. કોઈ હોદ્દા પર હોઈએ તો એને પદ કહેવાય. નરસિંહ-મીરાં જેવા સંતકવિઓએ લખેલાં ભક્તિકાવ્યો પણ પદ કહેવાય. આ યાદી આપ સુજ્ઞ વાચક લંબાવી શકો છો. રાજેન્દ્ર શુક્લ ગઝલના સ્વરૂપની બારીકાઈને જુદી પાડે છે...
જુદી જ તાસિર, અસર અલગ છે
જુદી ભોમકા, અવાજ જુદો
પ્રવાહ જુદો, જુદું વહન છે
જુદી ગઝલ ને મિજાજ જુદો
દરેકનો સ્વભાવ અલગ હોય છે. અરે, એક જ જણના સ્વભાવમાં સમયાંતરે ખાસ્સો બદલાવ જોવા મળે છે. એટલે કઈ વાતે તે વ્યક્તિને સાચી માનવી એની દ્વિધા થાય. કોઈ વાર પાંચ-સાત વર્ષ પહેલાં લીધેલા આપણા જ નિર્ણયનું મૂલ્યાંકન કરીએ ત્યારે ખ્યાલ આવે કે આપણે કેવડી મોટી ભૂલ કરી હતી. સમય નામનો માસ્તર સોટીથી બધું શીખવાડતો હોય છે જેને સ્વીકારવા સિવાય છૂટકો નથી. વૈવિધ્ય અને વિરોધાભાસ આમ તો દૂર-દૂરના શબ્દો છે, પણ ઘણી વાર માસિયાઈ ભાઈ-બહેનની જેમ એક જ પરિવારના લાગે. પૃથા મહેતા સોની પ્રિયજન સાથેની દૂરી અને સમીપતા બયાન કરે છે...
સાથે ન હોય એ, તો અહીં રહી શકાય નહીં
એની જ સામે તેમ છતાં, જઈ શકાય નહીં
જોડાણ આપણાં છે અગમ, લેખ કો’ અટલ
બંધન નથી છતાંય જુદા થઈ શકાય નહીં
આપણે ત્યાં પડ્યું પાનું નિભાવી લેવાનું વલણ ઓછું થઈ રહ્યું છે છતાં ભૂંસાયું નથી અને ભારતીય સંસ્કૃતિનાં ઊંડાં મૂળિયાંને કારણે એ ભૂંસાશે પણ નહીં. પરિણયયાત્રામાં એકબીજાનો સ્વીકાર કરીએ ત્યારે ખૂબીઓ સાથે ખામીઓ પણ સ્વીકારવાની હોય છે. બત્રીસ લક્ષણો ધરાવતો કોઈ માણસ જો આ દુનિયામાં તમને મળે તો તમારે પોતાના ખર્ચે તેને નોબેલ પ્રાઇઝ આપવું જોઈએ. જો આ પ્રાઇઝ બજેટ બહારની વાત લાગે તો મનુભાઈ ત્રિવેદી ‘ગાફેલ’ના વિચાર સાથે તરત જ સંમત થઈ જવું જોઈએ...
જુદી જિંદગી છે મિજાજે મિજાજે
જુદી બંદગી છે નમાજે નમાજે
છે એક જ સમંદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જહાજે જહાજે
આજકાલ દરિયામાં સફર ખેડતાં જહાજોની કરમ કઠણાઈ બેઠી છે. હોર્મુઝની ખાડીમાં ઈરાન અને અમેરિકા દ્વારા એકબીજાનાં જહાજો પર હુમલા કરવામાં આવ્યા. યુક્રેન અને રશિયા પણ એકબીજાનાં વ્યાપારી જહાજોને ભસ્મીભૂત કરવાની હોડ લગાવીને બેઠાં છે. વૈશ્વિક સ્તરે મગતરું લાગતું હૂતી સંગઠન હવે બળૂકું બનીને જહાજોને જર્જરિત કરી રહ્યું છે. ટૂંકમાં, અનેક જહાજોના ભાગ્યમાં ટાઇટૅનિક જેવી કાયમી ડૂબકી લખાઈ રહી છે, પણ ટાઇટૅનિક જેવી પ્રસિદ્ધિ તેમને મળવાની નથી. અવારનવાર થતાં નાનાં-મોટાં યુદ્ધો અસરગ્રસ્ત દેશને બૅકફુટ પર લઈ આવે છે. ભરત વિંઝુડા સાર શોધવાનો પ્રયાસ કરે છે...
આજ આવ્યા અને કાલ ચાલ્યા જશે
એ કરીને જરા વ્હાલ ચાલ્યા જશે
એ જ પ્રશ્નો હશે કંઈ જુદા રૂપમાં
એમ ને એમ સો સાલ ચાલ્યાં જશે
છીછરા તેમ જ ગહન જુદા કર્યા
સાત દરિયાના પવન જુદા કર્યા
મનમાં મહોરેલાં મનન જુદાં કર્યાંલાલ ને લીલાં ગવન જુદાં કર્યાં
ભારે હૈયે બે વજન જુદાં કર્યાં
અશ્રુઓ જુદાં, રુદન જુદાં કર્યાં
ગોખ, ઘુમ્મટ ને ગગન જુદાં કર્યાંપીંછેપીંછાનાં પતન જુદાં કર્યાં
શક્યતાઓનાં સદન જુદાં કર્યાં
મેં વિચારોનાં વતન જુદાં કર્યાં
પ્રશ્નનું પેટાળ એનું એ રહ્યુંઉત્તરોનાં ઉત્ખનન જુદાં કર્યાં
સૌનો સૂરજ આથમ્યો જુદી રીતે
સૌએ અજવાસો દફન જુદા કર્યા
- સુરેન્દ્ર કડિયા