ભજન સત્ય છે, પરંતુ બહુ ઓછા લોકો એને સાંભળવા તૈયાર છે

02 November, 2025 03:07 PM IST  |  Mumbai | Sairam Dave

આ સત્ય જાણતો હોવા છતાં હું મારા પપ્પાના રસ્તે ચાલીને ભજનિક બની શક્યો નહીં એ વાતનો અફસોસ આજે પણ ક્યારેક મનમાં જાગી જાય પણ પછી જૂના દિવસો યાદ આવી જાય એટલે પાછી રાહત થઈ જાય

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

આપણા દેશમાં મોટા ભાગે બે પ્રકારના ગાયકો છે. એક, બે-કાળી (સ્વર)થી ગાનારા ને બીજા ‘બેકારી’થી ગાંગરનારા...! અમુક કલાકારો પોતાના હાર્મોનિયમ સિવાય ગાતા નથી. કદાચ પોતાની પેટીના સૂરોમાં કોઈ જાદુઈ મંતર કે તાંત્રિક વિધિ કરાવી હશે. બીજું તો શું કહું?
હાર્મોનિયમનું પિયર કલકત્તા છે. બંગાળનાં દીદી ભલે દેશના આરોહ-અવરોહમાં તીવ્ર ‘મ’ જેવા સ્વર પર સ્થિત છે તો પણ બંગાળનું લાકડું અને પાલિતાણાના સૂરનું બેસ્ટ કૉમ્બિનેશન શ્રેષ્ઠ હાર્મોનિયમ બનાવે છે. કેટલાક ભજનિકો આપણે ત્યાં એટલુંબધું ફૂલમ-ફાસ હાર્મોનિયમ વગાડે છે કે ક્યારેક ગાવા કરતાં વગાડવાનો પ્રોગ્રામ થઈ જાય છે. આશરે ત્રેવીસથી સત્તાવીસ કિલોનું તોતિંગ હાર્મોનિયમ ઉપાડવા માટે ગુજરાતનો દરેક કલાકાર શારીરિક રીતે સશક્ત અને લોંઠકો મંજીરાવાદક સાથે રાખે છે, જે મંજીરાં વગાડવા કરતાં પેટી ઉપાડવામાં માસ્ટર હોય છે. હાર્મોનિયમના મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે. એક સાદું અને બીજું મસાલાવાળું. સાદું હાર્મોનિયમ ૩પ૦૦થી ૧૦,૦૦૦માં મળે છે જ્યારે મસાલાવાળું એટલે કે સ્કેલ ચેન્જર પ૦ હજારથી લાખ રૂપિયાનું હોય છે. સાદી પેટીમાં જે સ્વર નીકળે એ પ્રમાણે તમારે ગાવું પડે છે. જ્યારે સ્કેલ ચેન્જર તમારા ગળા પ્રમાણે સ્વરો બદલી શકે છે. પૈસા બોલતા હૈ... ના, ના. પૈસા ગાતા હૈ ભાઈ... ચાલુ કાર્યક્રમે એકાદ સ્વર ઊંચો થઈ જાય ત્યારે ગાયક ગોટે ચડી જાય. 
અમરેલીનું જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ૧૯૯૭માં અમારી સાથે પરિવર્તન યોગ પામેલું. વડિયા ગામમાંથી રાતોરાત મારી અમરેલી ટ્રાન્સફર થઈ. સંસ્થા પાસે જુવાનજોધ કામઢા એંસી તાલીમાર્થી સિવાય કશું નહોતું. જે હાર્મોનિયમ પ્રાર્થનાસભામાં રખાયેલું એમાં એક નાનકડી ઉંદરડી પણ રહેતી. એ હાર્મોનિયમની ધમણ ધમવામાં મારો ડાબો હાથ રીતસરનો સૂઝી જતો. પાંચ વાર ધમણ હલાવું તંઈ જરાક અમથો એક સૂર માંડ નીકળતો. અંદાજે પાંત્રીસસો રૂપિયાનું એ હાર્મોનિયમ વગાડી જાણવું એ જ એક સંઘર્ષ હતો. જ્યારે અમે એંસી જણા તો એ વગાડીને એમાં ગાઈ પણ જાણતા. જગતનું આ પ્રથમ સાજ હતું જે વાગવા કરતાં વધુ લાગતું હતું. એક ભજન પૂરું થાય ત્યાં ધમણ દઈ-દઈને કો’કે દાદરેથી ચાર માળ ચડાવ્યા હોય એવી હાંફ ચડી જતી.
એંસી જણમાંથી રોકડા ચારને હાર્મોનિયમ વગાડતાં આવડતું. કળા થાક ઉતારે એવું શિક્ષકો પાસેથી સાંભળેલું, પણ આ હાર્મોનિયમ એવું સજ્જડ કે અમને થકવી દેતું. ચાર વાદકોમાંથી એક કોઈ દી’ સમયસર પ્રાર્થનામાં પહોંચતો નહીં. બીજો આંગળિયુંમાં ખોટા પાટા લગાડીને બહાનાં બતાવતો. ત્રીજો ઠેકીને ના પાડી દેતો એટલે છેલ્લે મોઢાના મોરા જેવો હું એક જ વધતો. પ્રાર્થનામાં દરેકનો ભજનનો વારો ફરજિયાત આવતો એટલે ગાવાવાળા બદલાતા, પણ પેટી વગાડવાવાળો હું અણનમ રહેતો.
પી.ટી.સી.માં બે વિકલ્પ રહેતા કે જે તાલીમાર્થીને ભજન ન ગાવું હોય તેને પ્રાસંગિક ફરજિયાત કહેવાનું. એંસીમાંથી તોંતેર જણા આ હાર્મોનિયમની અક્કડતાને લીધે ભજન પડતાં મૂકી બોલવાને રવાડે ચડી ગયા. વળી દુ:ખ સાથે જણાવું છું કે એ તોંતેરમાં એક હું પણ હતો. મને ભજનિક બનાવવાનું પિતાશ્રીનું સ્વપ્ન પેલા કડક હાર્મોનિયમના બુલડોઝર નીચે કચડાઈ ગયું. પાંહળાં ઊંચાં કરી-કરીને મારેલા કેટલાય આલાપ હાર્મોનિયમની ધમણનાં દેખાતાં ચાર કાણાંમાં જાણે સમાઈને શાંત થયા. અંતરિક્ષમાંથી એકસાથે કવિઓ હાથ જોડીને અમારો આભાર માનતા હોય એવી ફીલિંગ આવી. સૂર છોડી અમે તોંતેર જણ અસુર થયા (અહીં અસુરનો અર્થ સૂર-રહિત સમજવો, પૌરાણિક અર્થમાં વાચકોએ ન પડવું).
ભજનિક બનવાના મેં નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરેલા. દિવસમાં ત્રણ વાર હું મીઠાના કોગળા એટલા જોરથી કરતો કે મારા રૂમ-પાર્ટનર મારા કોગળાના ટાઇમિંગ પર અલાર્મ સેટ કરતા. ગરમ પાણીના કોગળામાં મેં એટલુંબધું મીઠું નાખેલું કે જમવામાં ક્યારેક મીઠું ન હોય તો મને ખારાશ ઓછી ન લાગે. હું સવારે રિયાઝમાં સારેગમપધનિસા જોરથી ગાતો. મારો એક પાર્ટનર ‘મનીસા સાનીરે’ ગાતો. છેક બે મહિને મને ખબર પડી કે સામા મકાનમાં રહેતી સુંદર કન્યા મનીષાને તે આ રીતે પ્રેમસંદેશો પાઠવતો. જાગીને એક કલાક હું પ્રભાતિયાની રિયાઝ કરતો, જેના લીધે મારી સાથે રૂમમાં કોઈ રહેવા ઝટ તૈયાર ન થતું.
સંતવાણીમાં ફિલ્લમનાં ગીતોએ હવે તો અંતરાની જેમ ઘૂસણખોરી કરી છે. ભજન સત્ય છે, પરંતુ બહુ ઓછા તેને સાંભળવા તૈયાર છે. શ્રોતાઓના ગલઢાઓના પુણ્યપ્રતાપે હું ભજનિક ન થયો. હાસ્યદરબાર બે-ત્રણ કલાક થંભી તો જાય, ભજનિક થયો હોત તો તમારે મને આખી આખી રાત સાંભળીને સહન કરવો પડત. અમરેલીથી રજામાં ગોંડલ ઘરે આવતો. ત્યારે પપ્પાએ બે કલાક ભજન શીખવવા લાગી પડતા. પપ્પા ભજનિક હોવાથી તે મને લોકસંગીતનો વારસો આપવા માગતા હતા. પણ મારી અંદર ત્યારે ગઝલો દોડતી હતી. સંતવાણી અને સૂફીનું ધમસાણ યુદ્ધ મારામાં ચાલતું હતું. લાખો લોયણનું એક દેશી ભજન ‘જી રે લાખા ધ્યાનમાં બેસીને ધણીને આરાધો હો...’ મને પપ્પા બે કલાકથી શીખવતા હતા. વિલંબિત ઢાળ હોવાને લીધે મને તે ફાવતો નહોતો. રાબેતા મુજબ પપ્પા મને બહુ ખિજાયા અને મારાથી ઘરે હાર્મોનિયમ પર પોક મૂકીને રડાઈ ગયું. રોઈને મેં ચીસ પાડી કે ‘મારે ભજનિક નથી થાવું તમે મને પરાણે ભજનિક બનાવા માગો છો!’ મારા આ શબ્દ પપ્પાએ હૃદયથી સમજ્યા. પછી તો એ પણ રડ્યા અને મને ભજનને બદલે લોકસાહિત્ય અને હાસ્યમાં આગળ વધવાની અશ્રુભરી આંખે છૂટ આપી. કડક હાર્મોનિયમ અને કડક સ્વભાવના બાપુજી ન મળ્યા હોય તો આવી કડક કારકિર્દી નથી બનતી.
શું ક્યો છો?

indian classical music indian music columnists gujarati mid day exclusive