06 September, 2026 02:57 PM IST | Navsari | Shailesh Nayak
આદિવાસી વિસ્તારમાં સરકારી પ્રાથમિક સ્કૂલના શિક્ષક નીતિનકુમાર પાઠક
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલી રંગપુર સરકારી પ્રાથમિક સ્કૂલની કાયાપલટ કરી નાખી આ એક વિચારે : મૂળ ઉત્તર ગુજરાતના શિક્ષક નીતિનકુમાર પાઠકે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને સાથી શિક્ષકોના સપોર્ટથી એવાં રચનાત્મક કાર્યો કર્યાં કે ગઈ કાલે શિક્ષકદિને તેમને દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નૅશનલ ટીચર્સ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
સ્કૂલમાં ન્યુઝ-ચૅનલ શરૂ કરાવી જેમાં વિદ્યાર્થિનીઓ કરે છે ન્યુઝ ઍન્કરિંગ : વિદ્યાર્થીઓને શીખવ્યાં સ્કિલ-બેઝ્ડ કાર્યો : વિદ્યાર્થીઓએ જાતે બનાવેલાં વર્કિંગ મૉડલ્સ જોવા ગુજરાતભરમાંથી આવે છે લોકો : બાલવાટિકાથી પાંચમા ધોરણના વર્ગોમાં ફિટ કરેલી ડિજિટલ ટાઇલ્સમાં બાળકો જાતે અભ્યાસ કરે છે : સ્કૂલની ન્યુઝ-ચૅનલના ન્યુઝ જોઈને સ્કૂલના ઉત્કર્ષ માટે અમેરિકાથી પણ આવે છે ફન્ડ
ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આદિવાસી વિસ્તારમાં આવેલા રંગપુર ગામની સરકારી પ્રાથમિક સ્કૂલના શિક્ષક નીતિનકુમાર પાઠકે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને અભ્યાસની સાથે-સાથે સ્કૂલના અન્ય શિક્ષકો સહિતના સ્ટાફના સપોર્ટથી સ્કૂલમાં એવાં તો રચનાત્મક કાર્યો કર્યાં છે કે ગઈ કાલે શિક્ષક દિન નિમિત્તે તેમને દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નૅશનલ ટીચર્સ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાની સ્કૂલને બીજી સ્કૂલથી કેવી રીતે અલગ કરી શકાય એ વિચારે રંગપુર સરકારી પ્રાથમિક સ્કૂલની રોનક બદલાઈ ગઈ છે એટલું જ નહીં, આસપાસનાં ગામોમાં સ્કૂલ હોવા છતાં વાલીઓ તેમનાં બાળકોને રંગપુરની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરાવી રહ્યાં છે.
રંગપુરની પ્રાથમિક સ્કૂલમાં ૨૦૧૫થી આવેલા શિક્ષક નીતિનકુમાર પાઠકે સ્કૂલમાં ન્યુઝ-ચૅનલ શરૂ કરાવી છે, જેમાં વિદ્યાર્થિનીઓ ન્યુઝ-ઍન્કરિંગ કરે છે. વિદ્યાર્થીઓને સ્કિલ-બેઝ્ડ કાર્યો શીખવ્યાં છે જેના કારણે વિદ્યાર્થીઓએ જાતે બનાવેલાં વર્કિંગ મૉડલ જોવા ગુજરાતભરમાંથી લોકો આવે છે. સ્કૂલની ન્યુઝ-ચૅનલના ન્યુઝ જોઈને સ્કૂલના ઉત્કર્ષ માટે અમેરિકાથી પણ સ્કૂલને ફન્ડ મળી રહ્યું છે જેના પગલે સ્કૂલમાં અનેકવિધ કાર્યો થવાં સાથે સ્કૂલની કાયાપલટ થઈ છે. બાલવાટિકાથી પાંચમા ધોરણ સુધીના વર્ગમાં દીવાલ પર ચારે બાજુ ડિજિટલ ટાઇલ્સ લગાવી છે. આ ટાઇલ્સમાં બાળકો કક્કો-બારાખડી લખે છે, પેઇન્ટિંગ કરે છે અને ટીચર ન હોય તો જાતે અભ્યાસ કરે છે. ભારત સરકારના સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારમાં નવસારી જિલ્લામાં આ સ્કૂલ પહેલા નંબરે આવી છે.
શિક્ષક નીતિનકુમાર પાઠક ‘મિડ-ડે’ને કહે છે, ‘અમે મૂળ ઉત્તર ગુજરાતના હારીજના છીએ. મારા પિતા વર્ષો પહેલાં નવસારીમાં સ્થાયી થયા હતા. ૨૦૧૫થી હું નવસારી જિલ્લા પંચાયત સંચાલિત રંગપુર પ્રાથમિક સ્કૂલમાં સોશ્યલ સાયન્સ વિષયના શિક્ષક તરીકે કાર્યરત છું. આ ઉપરાંત સ્કૂલમાં ઇન્ચાર્જ હેડ ટીચર પણ છું. અમારી સ્કૂલને બીજી સ્કૂલથી કેવી રીતે અલગ કરી શકાય એ વિચાર મને આવ્યો હતો અને સ્કૂલમાં સાથી શિક્ષકો અને સ્ટાફની મદદથી અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે-સાથે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યો શરૂ કર્યાં હતાં જેની શરૂઆત સ્કૂલની ન્યુઝ-ચૅનલ શરૂ કરવાથી કરી હતી, કેમ કે અહીંની દીકરીઓ બોલે નહીં. તેમને બોલતી કરવા માટે અને સ્કૂલની પ્રવૃત્તિઓ વિશે લોકોને માહિતગાર કરવા માટે ૨૦૧૭માં સ્કૂલની ન્યુઝ-ચૅનલ શરૂ કરી હતી. સ્કૂલમાં સ્ટોર-રૂમ જેવી રૂમ હતી અેમાં ગ્રીન પરદો લગાવીને સ્ટુડિયો ઊભો કર્યો. સ્કૂલમાં જે પ્રવૃત્તિઓ થાય એની સ્કૂલની વિદ્યાર્થિનીઓ પાસે સ્ક્રિપ્ટ લખાવીએ અને ઍન્કરિંગ પણ વિદ્યાર્થિનીઓ કરે. પાંચ મિનિટના ન્યુઝનું શૂટિંગ કરીએ અને એને સોશ્યલ મીડિયા પર અપલોડ કરીએ છીએ. દર મહિને પહેલીથી પાંચમી તારીખ દરમ્યાન અમારી સ્કૂલના ન્યુઝ પ્રસારિત કરીએ છીએ જેનું નામ અમે આર. ન્યુઝ એટલે કે રંગપુર ન્યુઝ આપ્યું છે. સોશ્યલ મીડિયામાં રંગપુર પ્રાઇમરી સ્કૂલના નામથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમ જ યુટ્યુબ ચૅનલ છે. દર મહિને અલગ-અલગ વિદ્યાર્થિનીઓ ન્યુઝ વાંચે છે. ભારતમાં ટ્રાઇબલ એરિયામાં સરકારી સ્કૂલમાં આ રીતે ન્યુઝ-ચૅનલ શરૂ કરનારી અમારી સ્કૂલ પહેલી હશે.’
સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ મૉડલ બનાવ્યાં છે. આ મૉડલ જોવા માટે લોકો આવી રહ્યા છે અને એ કેવી રીતે ચાલે છે એનું પણ ડેમોસ્ટ્રેશન કરી બતાવવામાં આવે છે. આ વિશે નીતિનકુમાર પાઠક કહે છે, ‘નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે સ્કૂલમાં કાર્ય થઈ રહ્યું છે જેમાં સ્કૂલના શિક્ષકોએ વિચાર કર્યો કે વિદ્યાર્થીઓ વર્કીંગ મૉડલ બનાવે જેના માટે કામ શરૂ કરીને ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓએ જુદાં-જુદાં ૪૦ જેટલાં વર્કિંગ મૉડલ બનાવ્યાં છે. એમાં જળ વિદ્યુત મૉડલ એટલે કે પાણીમાંથી વીજળી પેદા કરવી, સોલર ઊર્જા, પવન ઊર્જાના મૉડલ છે. પાણીમાંથી વીજળી કેવી રીતે પેદા થાય એ જોવા ડૅમ પર જવું પડે પણ વિદ્યાર્થીઓએ જનરેટર લાવીને સ્કૂલમાં પાણીના નળ સાથે જનરેટર સેટ કર્યું. બાળક જ્યારે પાણીનો નળ ચાલુ કરે અને પાણી આવે એટલે જનરેટર ફરે અને વીજળી પેદા થાય. આ બધાં મૉડલ વેસ્ટમાંથી બનાવ્યાં છે. અમારી સ્કૂલની અત્યાર સુધીમાં અંદાજે ૫૦૦૦ જેટલા લોકોએ મુલાકાત લીધી છે. નવસારી, વલસાડ, વાપી, અમદાવાદ, મહેસાણા સહિતનાં સ્થળોએથી સ્કૂલ-કૉલેજોના શિક્ષકો-વિદ્યાર્થીઓ તેમ જ મહાનુભાવો પણ અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓને જોવા આવ્યા છે.’
સ્કૂલના ન્યુઝ સોશ્યલ મીડિયામાં આવતાં એનું પરિણામ એ આવ્યું કે અમારી સ્કૂલને મદદ કરવા માટે લોકો આગળ આવ્યા એમ જણાવતાં નીતિનકુમાર પાઠક કહે છે, ‘સ્કૂલના ન્યુઝ જોઈને અમેરિકાના સિતાંજલિ ફાઉન્ડેશન, નવસારીના શેઠજી ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ સ્કૂલને મદદ કરી રહી છે. છેલ્લાં ૧૦ વર્ષમાં અંદાજે ૧.૪૮ કરોડ રૂપિયાની જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ સ્કૂલને મળી છે અને અેમાંથી સ્કૂલનું ડેવલપમેન્ટ કર્યું છે. દાન અમે વસ્તુના રૂપમાં લઈએ છીએ, કૅશ નથી લેતા. સિતાંજલિ ફાઉન્ડેશનના હર્ષદભાઈએ સ્કૂલમાં બે રૂમ બનાવી આપ્યા છે. આ ઉપરાંત ૩૦ સ્માર્ટ કમ્પ્યુટર પણ આપ્યાં છે. નવસારીના શેઠજી ફાઉન્ડેશને સ્કૂલમાં રોબોટિક લૅબની વ્યવસ્થા કરી આપી છે તો અન્ય સંસ્થાઓ પણ સ્કૂલને એક યા બીજી રીતે મદદ કરી રહી છે.’
રંગપુર સ્કૂલની રોનક એવી બદલાઈ કે આસપાસનાં ગામના વાલીઓ પણ આ સરકારી સ્કૂલમાં પોતાનાં બાળકોને અભ્યાસ કરાવી રહ્યાં છે. નીતિનકુમાર પાઠક આ મુદ્દે કહે છે, ‘અમારી સ્કૂલમાં બાલવાટિકાથી આઠમા ધોરણ સુધીમાં ૨૭૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ પૈકી અમારા ગામના ૧૯૦ વિદ્યાર્થીઓ છે, બાકીના વિદ્યાર્થીઓ અમારા ગામની આજુબાજુમાં આવેલા લીમજર, વાંસકુઈ, કંસારિયા, સુખાબારી, કાકડવેલ ગામના વિદ્યાર્થીઓ છે. તેમના ગામમાં સ્કૂલ છે પણ વાલીઓએ અમારી સ્કૂલનું નામ સાંભળ્યું છે એટલે તેમનાં બાળકોને અમારી સ્કૂલમાં અભ્યાસ માટે મૂક્યા છે. અમારી સ્કૂલમાં બાળસંસદ પણ ચાલે છે જેનું સંચાલન સ્કૂલનાં બાળકો કરે છે. શિક્ષકો સાથે મળીને આખી સ્કૂલનું મૅનેજમેન્ટ કરે છે. અમારી સ્કૂલમાં શનિવારે સ્કૂલ છૂટ્યા બાદ તેમ જ રવિવારે બે કલાક વિદ્યાર્થીઓને સ્કિલ-બેઝ્ડ કામ શીખવાડીએ છીએ. જો બાળકમાં સ્કિલ હશે તો તે જીવનમાં આગળ વધી શકશે.’