હી-મૅન ધર્મેન્દ્રને નાચતાં નહોતું આવડતું એ તેમના સહિત બધાએ સ્વીકારી લીધેલું. એટલે તેમનાં સ્ટેપ્સ પોતીકાં રહેતાં. એક મુલાકાતમાં તેમણે રમૂજમાં કહેલું કે હું એક વાર જે સ્ટેપ કરું એ બીજી વાર કરવાનું કહેશો તો નહીં કરી શકું.
ધર્મેન્દ્ર (ફાઇલ તસવીર)
કરોડો ચાહકોના દિલમાં રાજ કરનાર
ધરમજીએ ૨૪ નવેમ્બરે વિદાય લીધી અને એક ‘ખામોશી’ છવાઈ ગઈ. ‘પ્યાર હી પ્યાર’થી છલોછલ ધરમજી ‘સમાધિ’ લઈ ‘ઝીલ કે ઉસ પાર’ જતા રહ્યા. ‘રેશમ કી ડોરી’ આખરે ‘જીવન મૃત્યુ’ના સત્ય સામે લાચાર બને જ છે. કોઈ પણ ‘દિલ્લગી’ આખરે તો પોતાનું ‘કર્તવ્ય’ નિભાવી ‘કિનારા’ કરી જવા જ સર્જાઈ છે. છતાં ચાહકોના પ્રેમનું ‘રાજ તિલક’ ભૂંસાશે નહીં અને ‘યાદો કી બારાત’ અટકશે નહીં. આપણા અતિપ્રિય એવા આ અભિનેતાને આજે શબ્દાંજલિ આપીએ. રક્ષા શાહ લખે છે...
તું નહીં તારું કામ બોલે છે
કેમ તું ઓળખાણ શોધે છે?
હાથ ‘ઠાકુર’ થવા નથી દીધા
તારું તો એક નોખું ‘શોલે’ છે!
ધર્મેન્દ્રનું વ્યક્તિત્વ મેધાવી અને પ્રભાવી હતું. યુવા વયે ખીલેલું તેમનું રૂપ અને દેહસૌષ્ઠવ દાયકાઓ સુધી જાદુ જગાવતું રહ્યું. ખડતલ શરીર હોવા છતાં ચહેરા પરની કુમાશ તેમનો ખરો અસબાબ હતી. આ પ્રકારના કલાકાર આપણા જીવનનો એક હિસ્સો બની જાય છે. ભરતસિંહ સોલંકી ‘વાંસવા’ સ્મૃતિની શેરીમાં લઈ જાય છે...
એવો જમાનો તો ફરી પાછો નહીં આવે
વીતી ગયા એ દાયકા સોગાદ ગણવાના
આંખે અને શોલે પછી અનપઢ તણી ચર્ચા
બારુદ ચરસ આજેય સૌ આસ્વાદ ગણવાના
‘ચરસ’ ફિલ્મનું ‘કે આજા તેરી યાદ આઈ’ ગીત અત્યંત લોકપ્રિય થયેલું. એ ઉપરાંત આ જ ફિલ્મના ‘કલ કી હંસી મુલાકાત કે લિએ’ ગીતમાં
ધર્મેન્દ્ર-હેમાની કેમિસ્ટ્રી કમનીય લાગતી હતી. ‘કિનારા’ ફિલ્મમાં એક અદ્ભુત ગીત હતું : એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈંને. કાવ્યત્વ માટે સાંભળવા જેવું અને ધરમ-હેમાના પ્રણય-સંવેદનને માણવા માટે જોવા જેવું આ ગીત છે. મૃદુલ શુક્લ એ દસકાની વાત કરે છે જેમાં એક પછી એક અનેક હિટ ફિલ્મો ધર્મેન્દ્રએ આપી...
બધાને ખબર છે સમય એક સારો હતો
એ સિત્તેર એંસીનો દસકો તો તારો હતો
કલાકાર આવ્યા ઘણા ને ગયા પણ ઘણા
તું જગમાં બધાનો ખરેખર દુલારો હતો
કેટલાક કલાકાર એવા હોય જે નિવૃત્તિ લે પછી પણ તેમનું આકર્ષણ યથાવત્ રહે. તેમનું કામ બોલતું હોય છે. કામથી નામ થાય છે અને પછી આ નામ ચાહકોના હૃદયમાં કોતરાય છે. નિવૃત્તિનો મોટા ભાગનો સમય ધર્મેન્દ્રએ પોતાના ફાર્મહાઉસમાં વિતાવ્યો. આ ફાર્મમાં ઊગેલી કેરીની વિડિયો-ક્લિપ તેઓ સોશ્યલ મીડિયા પર મૂકતા ત્યારે તેમનું વિસ્મય ખરેખર વંદનીય લાગતું. જોકે મહદંશે તેમની ઓરિજિનલ હી-મૅન ઇમેજ જ સદા છવાયેલી રહી. કૈલાશ પરમાર ‘અજનબી’ની પંક્તિ એક વિખ્યાત દૃશ્ય તરફ દોરી જાય છે...
દિલના નરમ, મિજાજ ગરમ યાદ આવશે
સિક્કો ઉછાળો, મિત્ર પરમ યાદ આવશે
દિલ જોશો જ્યારે હિન્દી સિનેમાનું ખોલીને
હીરો હી-મૅન તમને ધરમ યાદ આવશે
હી-મૅન ધર્મેન્દ્રને નાચતાં નહોતું આવડતું એ તેમના સહિત બધાએ સ્વીકારી લીધેલું. એટલે તેમનાં સ્ટેપ્સ પોતીકાં રહેતાં. એક મુલાકાતમાં તેમણે રમૂજમાં કહેલું કે હું એક વાર જે સ્ટેપ કરું એ બીજી વાર કરવાનું કહેશો તો નહીં કરી શકું. વિલનને પડકારતા કેટલાક સંવાદમાં તેમની શૈલી મુખર અને આગવી હતી. રાકેશ ઠાકર ‘તરંગ’ એ આક્રમક ઇમેજને યાદ કરે છે...
જમાનો હતો એ ધડાધડ બિરાદર
‘ગજબ’માં કર્યો તો, અભિનય કદાવર
હજુ એ અમર છે તરંગી દિલાવર
ધરમજી અમારા જહનમાં જરાજર
‘સત્યકામ’ કે ‘બંદિની’ના ધર્મેન્દ્રનો ચહેરો ચિરકાલીન રહેશે. ‘શોલે’ ફિલ્મના વીરુનો ઉલ્લેખ ન કરીએ તો વાત અધૂરી જ લાગે. આજની તારીખમાં સચિન અને અમિતાભ બચ્ચન સિવાય આ ફિલ્મના મોટા ભાગના પુરુષ કલાકારો વિશેની એક હકીકત દિલીપ ધોળકિયા ‘શ્યામ’ શબ્દસ્થ કરે છે...
અનોખા કંઈક કિસ્સાઓને શોલેમાં મઢેલા છે
વીરુ, જય ને બસંતી આજપણ હૈયે વસેલાં છે
મરણ જે ફિલ્મમાં પામ્યા, એ જીવે છે પુરુષ પાત્રો
રહ્યાં જે જીવતાં પરદે, બધાં સદ્ગત થયેલાં છે
લાસ્ટ લાઇન
‘આંખે’, ‘શોલે’, ‘ક્રોધી’નો તરખાટ આજે યાદ આવે
‘વીરુ’નો ટાંકી ઉપર બબડાટ આજે યાદ આવે
છે ‘હકીકત’, ‘જુગનૂ’, ‘જીવન-મૃત્યુ’નું આ ‘સત્યકામ’એ
કે ‘સમાધિ’, ને ‘ચરસ’ ચળકાટ આજે યાદ આવે
છે દિલો પર ‘હુકૂમત’ એની, ‘તહલકા’નો ‘જુઆરી’
‘દોસ્ત’, ‘રાજા જાની’નો મલકાટ આજે યાદ આવે
લો ‘કીમત’, આંકે એ ‘લોફર’ની કરે છે ‘બ્લૅક મેઇલ’
બસ ‘ગુડ્ડી’, ‘દો ચોર’નો કકળાટ આજે યાદ આવે
બાંધી છે ‘રેશમ કી ડોરી’, કેવી ‘પાપી દેવતા’ને
‘ચુપકે ચુપકે’ ચાલ્યા તે ચચરાટ આજે યાદ આવે
માત્ર ‘ગુંડાગર્દી’, છો ‘પોલીસવાલા ગુંડા’ જેવી
‘અપને’, ‘રખવાલા’ થકી રઘવાટ આજે યાદ આવે
- નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’