26 April, 2026 02:56 PM IST | Mumbai | Rajani Mehta
પોતાના જ ફીલ્ડમાં પુત્રના હાથે પરાજય પામવાનું પુણ્ય નસીબદાર પિતાને જ મળે છે
‘You should retire at a time when people ask WHY, not when people ask WHY NOT?’ - Vijay merchant (Cricketer)
મહાન ક્રિકેટર વિજય મર્ચન્ટ કારકિર્દીની ટોચ પર હતા ત્યારે તેમણે રિટાયર થવાનો નિર્ણય લીધો. લોકોએ જ્યારે કારણ પૂછ્યું ત્યારે તેમણે આવો જવાબ આપ્યો હતો. જૂજ વ્યક્તિઓ જ જ્યારે શિખર પર હોય ત્યારે ક્ષેત્રસંન્યાસ લેવાનો નિર્ણય કરવાની હિંમત કરી શકે છે.
૧૯૮૫માં મધ્ય પ્રદેશ સરકારનો લતા મંગેશકર અવૉર્ડ સ્વીકારતી વખતે કિશોર કુમારે જાહેરાત કરી કે આ વર્ષના ડિસેમ્બરથી તે ફિલ્મગાયકીના ક્ષેત્રથી રિટાયર થઈ જશે. સ્વાભાવિક છે કે આ સાંભળીને સંગીતપ્રેમીઓ ચોંકી ઊઠ્યા. એવું નહોતું કે એ સમયે તેમની ગાયકીનો પ્રભાવ ઓછો થઈ રહ્યો હતો. આવનાર અનેક વર્ષો સુધી તેમના અવાજની નજીક આવે એવો કોઈ કલાકાર સંગીતના આકાશમાં નજર નહોતો આવતો. એમ છતાં તેમણે આવી જાહેરાત કરી ત્યારે સૌને એમ લાગ્યું કે હંમેશની માફક આ પણ તેમની મજાક હશે, પરંતુ કિશોર કુમારે ફરી-ફરીને એક જ વાત દોહરાવી કે ના, મારો નિર્ણય અફર છે.
આવો નિર્ણય લેવાનાં કારણોની વાત કરીએ એ પહેલાં આ અવૉર્ડ તેમને કેવા સંજોગોમાં મળ્યો એ વિગતો પણ જાણવા જેવી છે. અવૉર્ડ આપનાર સમિતિનો આ નિર્ણય સર્વાનુમતે નહોતો. પ્રીતીશ નંદી (એ સમયના ‘ફિલ્મફેર’ના તંત્રી) અને મણિ કૌલ (નિર્માતા-દિગ્દર્શક) આ નિર્ણયની તરફેણમાં હતા, જ્યારે ત્રીજા સભ્ય સંગીતકાર નૌશાદ નિર્ણયની વિરુદ્ધ હતા. આખરે અંતિમ નિર્ણય પુરસ્કાર સમિતિના અધ્યક્ષ શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ કલાકાર કુમાર ગાંધર્વ પર છોડવામાં આવ્યો.
એક જ ક્ષણમાં તેમણે કિશોર કુમારના નામ પર મોહર મારીને કહ્યું કે તેમની ગાયકી અનોખી છે અને હંમેશાં સૂરમાં હોય છે. કોઈ પણ પ્રકારની ક્લાસિકલ સંગીતની તાલીમ ન લેનાર કિશોર કુમાર માટે એક દિગ્ગજ આવો મત ધરાવે એ જ તેમની અદ્ભુત ગાયકીનું પ્રમાણપત્ર છે.
પુરસ્કાર સાથે એક લાખ રૂપિયાનો ચેક મળ્યો ત્યારે આદત મુજબ ગમ્મત કરતાં તેમણે કહ્યું, ‘આ તો ચમત્કાર કહેવાય. આજ સુધી મેં લાખો રૂપિયા સરકારને ઇન્કમ-ટૅક્સરૂપે આપ્યા છે, પણ આજે મને સરકાર તરફથી લાખ રૂપિયા મળે છે અને એ પણ ટૅક્સ-ફ્રી.’
મોટા ભાઈ અશોક કુમારના હસ્તે તેમને પુરસ્કાર અર્પણ થયો અને ત્યાર બાદ તેમણે દાદામુનિની ‘રેલગાડી’થી લઈને ‘ખઈ કે પાન બનારસ વાલા’ જેવાં ગીતો ગાયાં. બાળપણની અનેક સ્મૃતિઓ તાજી કરી અને જૂના મિત્રોને યાદ કરીને સ્ટેજ પર પોતાની સાથે સૌને નચાવ્યા પણ ખરા.
તેમનું આ સ્વરૂપ જોઈને એટલે જ સૌને થયું કે તેઓ રિટાયર શા માટે થાય છે? પણ આ તેમનું કોઈ Impulsive decision નહોતું. એ સમયે ગાયકીના ક્ષેત્રે તેમનું એકચક્રી રાજ હતું, પરંતુ તેમને ચૅલેન્જ આપે એવા મૂડનાં ગીતો બનતાં નહોતાં. ઍક્શન ફિલ્મોનો જમાનો શરૂ થયો હતો. ગીત-સંગીતમાં કવિતા, સંવેદના અને મેલડીનું પ્રમાણ ઘટતું જતું હતું. હિન્દી ફિલ્મસંગીતના સુવર્ણકાળના અંતિમ ૩ સંગીતકારો કલ્યાણજી–આણંદજી, આર. ડી. બર્મન અને લક્ષ્મીકાન્ત–પ્યારેલાલના સંગીતનો જાદુ ઓસરવાની શરૂઆત થઈ ચૂકી હતી.
દર ૧૫-૨૦ વર્ષ દરમ્યાન ફિલ્મોના વિષયો, સંગીત અને અભિવ્યક્તિ બદલાતાં રહ્યાં છે એટલે એમાં કોઈનો વાંક નહોતો, પણ હકીકત એ હતી કે આ બદલાવ કિશોર કુમારના સંવેદનશીલ સ્વભાવને માફક નહોતો આવતો. નવા યુવાન સંગીતકારો બપ્પી લાહિરી, રાજેશ રોશન, આનંદ–મિલિન્દ અને બીજા પ્રભાવશાળી હતા, પણ તેઓ નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરતા હતા. એ જ કારણે સંગીતની પરિભાષા બદલાતી હતી.
આ યુવાન સંગીતકારો સાથે કિશોર કુમારે અનેક ગીતો રેકૉર્ડ કર્યાં જે લોકપ્રિય પણ થયાં. એમ છતાં કિશોર કુમાર એક પ્રકારનો અંજપો અનુભવતા હતા. રેકૉર્ડિંગની ટેક્નિકમાં ધીમે-ધીમે સુધાર (કે પછી બદલાવ) આવી રહ્યો હતો. એક સમયે સો-દોઢસો સાજિંદાઓ સાથે જીવંત વાતાવરણમાં ગીતો રેકૉર્ડ થતાં. સાથી કલાકાર ભેગા મળીને ગાતા. હવે સમયનો અભાવ સૌને નડતો હતો. ટેક્નૉલૉજી વિકસિત થતી જતી હતી. દરેક ગાયક અલગ-અલગ પોતાનો ભાગ રેકૉર્ડ કરીને જતા. પાછળથી કટ-પેસ્ટ કરીને મિક્સિંગ થતું. રિહર્સલ ફટાફટ થતાં. પારંપરિક વાદ્યોના સ્થાને ઇલેક્ટ્રૉનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સનું ચલણ વધતું જતું હતું.
નવી ટેક્નિક પૈસા બચાવતી પણ એમાં માનવીય સ્પર્શ, સંવેદનાનો અભાવ હતો. કિશોર કુમારને આ સઘળું મેકૅનિકલ લાગતું. આ ઉપરાંત મોહમ્મદ રફી, મુકેશ જેવા દિગ્ગજોની ગેરહાજરીમાં તેમને પોતાના કામમાં કોઈ ચૅલેન્જ નહોતી લાગતી. ક્રીએટિવ ફીલ્ડમાં તેમનો ખાલીપો વધતો જતો હતો. મનોમન તે કહેતા...
દિલ કો અબ કોઈ તમન્ના નહીં
પર ક્યા કરે, દિલ કહીં લગતા નહીં
ઑસ્કર વાઇલ્ડની એક વાત યાદ આવે છે. તેમનો પ્રશ્ન હતો કે મનુષ્યજીવનની બે મોટામાં મોટી કરુણતા કઈ છે? એનો જવાબ આપતાં તે કહે છે, ‘એક એ કે જે ચીજની આપણને ઝંખના હોય એ આપણને ન મળે (એ ઝંખના કોઈ વ્યક્તિ, કોઈ પદ કે પછી સંપત્તિની હોઈ શકે) અને બીજી કરુણતા એ છે કે એ ચીજ આપણને મળી જાય.’
એવરેસ્ટનું શિખર સર કરવા નીકળેલા પર્વતારોહકને ટોચ પર પહોંચવાની જે મહત્ત્વાકાંક્ષા હતી એ પૂરી થયાનો અનહદ આનંદ હોય, પરંતુ એ નશો ઊતરી જતાં હવે કોઈ નવી ઊંચાઈ સર કરવાની રહી નથી એ હકીકત તેને અકળાવી મૂકે છે. હવે કશું સાબિત કરવાનું બાકી નથી રહ્યું એ પરિસ્થિતિ કલાકાર માટે વરદાન નહીં પણ અભિશાપ બની જાય છે.
કિશોર કુમાર આવી જ કોઈ મનોદશામાંથી પસાર થતા હશે. કદાચ એટલે જ તેમને રિટાયર થવાનો વિચાર આવ્યો હશે. જોકે એક ઘટના એવી બની કે તેમણે એ નિર્ણય લઈ જ લીધો.
અમિત કુમાર ગાયક કલાકાર તરીકે કિશોર કુમાર સાથે અનેક સ્ટેજ-શોમાં ધમાલ મચાવતા હતા. એ દરમ્યાન એક પ્લૅબેક સિંગર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત થઈ ચૂકી હતી અને ધીમે-ધીમે તેમનાં ગીતો પણ લોકપ્રિય થતાં જતાં હતા. ૧૯૮૨માં પહેલી વાર ફિલ્મફેર અવૉર્ડ્સમાં કિશોર કુમારે પુત્ર અમિત કુમાર સામે પરાજયનો સામનો સામનો કર્યો. તેમના ‘છુ કર મેરે મન કો, કિયા તૂને કયા ઇશારા’ (યારાના) અને ‘હમેં તુમ સે પ્યાર કિતના, યે હમ નહીં જાનતે’ (કુદરત)ના મુકાબલામાં અમિત કુમાર ‘યાદ આ રહી હૈ, તેરી યાદ આ રહી હૈ’ (લવ સ્ટોરી) માટે બેસ્ટ સિંગરનો અવૉર્ડ જીતી ગયા (આ કૅટેગરીમાં એસ. પી. બાલાસુબ્રમણ્યમ ‘તેરે મેરે બીચ મેં, કૈસા હૈ યે બંધન અનજાના’ (એક દૂજે કે લિએ) અને જગજિત સિંહ ‘હોંઠોં સે છુ લો તુમ’ (પ્રેમગીત) પણ નૉમિનેટ થયાં હતાં).
પોતાના જ ફીલ્ડમાં પુત્રની સામે પરાજય પામવાનું પુણ્ય નસીબદાર પિતાને જ મળે છે. કિશોર કુમાર માટે આ દુખની નહીં પણ ગર્વથી મસ્તક ઊંચું થઈ જાય એવી ઘટના હતી. કિશોર કુમારને અહેસાસ થયો કે અમિત કુમાર ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખાણ બનાવવા માટે સક્ષમ છે (જોકે એવું બન્યું નહીં એ અલગ વાત છે) અને એટલે જ તેમણે સેન્ટર સ્ટેજ છોડી બૅકસ્ટેજ જવાનો નિર્ણય લીધો.
એક જ્યોતિષીએ તેમની કુંડળી જોઈને એવી આગાહી કરી હતી કે તેઓ ‘વન’માંથી (એકાવનથી અઠ્ઠાવનની ઉંમર) હેમખેમ બહાર નીકળી જાય તો તેમનું દીર્ઘ આયુષ્ય છે. હૃદયરોગની ફરિયાદવાળા કિશોર કુમારે સ્વાભાવિક છે કે આવા સંજોગોમાં રિટાયર થવાનું મુનાસિબ માન્યું હશે.
આમ તેમણે ભાગદોડવાળા રેકૉર્ડિંગને બદલે છૂટાછવાયા સ્ટેજ-શો કરવાનું નક્કી કર્યું. આ શોમાં તે ચાહકોનો જીવંત પ્રતિભાવ અને પ્રેમ અનુભવી શકતા, પોતાના અસલી મૂડમાં આવી પ્રેક્ષકો સાથે વન-ટુ-વન લેવલ પર તાલ સાધી શકતા. દેશવિદેશની ટૂર કરવાથી મુંબઈના ધમાલિયા જીવનમાંથી દૂર જવાનો મોકો મળતો. નવા પ્રદેશ, નવા પ્રેક્ષકો અને પરિવાર સાથે પ્રકૃતિમાં હરવા-ફરવાનો મોકો મળતો.
આ દિવસોમાં એક ઘટના એવી બની જેને કારણે કિશોર કુમાર હચમચી ગયા. વિદેશની એક ટૂર નક્કી થઈ એ સમયે સમાચાર આવ્યા કે લીનાના મોટા ભાઈએ ૩૬ વર્ષની ઉંમરે આત્મહત્યા કરી. કિશોરકુમાર અને લીનાએ ટૂર કૅન્સલ કરવાનો નિર્ણય કર્યો, પણ લીનાના પિતાએ આગ્રહ કર્યો કે જે થવાનું હતું એ થઈ ગયું, ઊલટાનું તમે બન્ને આ વાતાવરણમાંથી બહાર નીકળો અને પરદેશ જાઓ.
કિશોર કુમાર માંડ-માંડ રાજી થયા, પણ તે અસલી મૂડમાં નહોતા. ટૂરમાં સાથે ગયેલાં લતા મંગેશકર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘પહેલા જ શોમાં કિશોરદા ભાવુક થઈ ગયા. ‘ઝિંદગી કા સફર, હૈ યે કૈસા સફર’ જેવા ગંભીર ગીતથી કોઈ કાર્યક્રમની શરૂઆત ન કરનાર કિશોરદાએ એ ગીતથી શરૂઆત કરી, પણ મુખડું પૂરું થાય એ પહેલાં જ તેમનું ગળું ભરાઈ આવ્યું અને તે ભાંગી પડ્યા. ગીત ગાવાની પરિસ્થિતિ નહોતી એટલે સાજિંદાઓના સંગીતથી જ ગીત પૂરું કરવું પડ્યું. આ પહેલાં મેં કિશોરદાને આટલા ઇમોશનલ બનતા કદી નહોતા જોયા.’
શું કિશોર કુમારને ભવિષ્યની આગોતરી જાણ થઈ ગઈ હતી?