વચેટિયા નામની પ્રજાતિની કમી શરૂ થઈ એટલે આ મૅરેજ બ્યુરોનો જન્મ થયો હશે

22 March, 2026 02:17 PM IST  |  Mumbai | Sairam Dave

પહેલાં તો લગ્નની ઉંમરે પહોંચો ત્યાં તો વડીલો સાંકડે માંકડું ગોઠવવા માટે તલપાપડ થઈ જતા અને જો પોતે સગાઈ કરાવી દ્‍યે તો સગાઈ ને લગ્નમાં તે વડીલ ચાર ફુટ પહોળા થઈને ચાલે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લગ્ન થઈ જવાં, લગ્ન કરી નાખવાં અને લગ્ન કરાવી નાખવાં આ ત્રણેય પરિસ્થિતિ પર આમ તો ત્રણ હાસ્યલેખ લખી શકાય. જેનાં લગ્ન વહેલાં થઈ જાય છે તે આગળ જતાં કર્કશા પત્ની મળવાથી તેનો અફસોસ ટમેટાના સોસની જેમ જીવનના ટેબલ પર રેલાઈ જાય છે. જે લગ્ન કરી નાખે છે તેને ક્રિકેટની ફાઇનલ મૅચમાં છેલ્લા દડે સિક્સ લાગી ગઈ હોય એવી ફીલિંગ આવે છે અને જે લોકો લગ્ન કરાવી નાખે છે તે અહીં પોતે ભોગવેલી પીડાનું સમસંવેદન સંક્રમિત કરી રહ્યા છે.

એક સમયે ગામડાંના લગ્નસમારંભોમાં જુવાન દીકરાઓ-દીકરીઓ ભોજન પીરસતાં ત્યારે બન્ને પક્ષના વડીલો પોતાની પારખુ નજરથી ફલાણાભાઈના ગગાનું ઢીંકણાભાઈની ગગી સાથે ગોઠવી દેતા... લાડુ પીરસનારો છોકરો આગ્રહ કરીને હસીને જમાડે છે એટલે વિવેકી અને હસમુખો હશે તો પાણી દેવા આવેલી છોકરીથી થાળીમાં જ ગ્લાસ ઢોળાઈ ગયો એટલે થોડી ‘વેતાબયરી’ હશે. આવાં પૅરામીટર્સથી અભણ વડીલો સાંકડે માંકડું ગોઠવી દેતા. સગાઈની વાત જેણે ચલાવી હોય તેનો વટ કંઈક નોખો હતો. આખો પ્રસંગ તેમના અન્ડર-ઑબ્ઝર્વેશનમાં ડિઝાઇન થતો. એક ઇવેન્ટ વિઝ્યુલાઇઝર જેવો લીડ રોલ કુટુંબનાં તે કાકા, મામા, માસી, ફોઈબા કે પાડોશીનો રહેતો. જાનની બસમાં પણ તેમને આગળ બેસાડવામાં આવતાં. આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળેલ છે કે જાજા ભાગના પતિદેવોને થોડાં વરસો પછી ખ્યાલ આવે કે આ કાકા કે ફુઆએ જ ભેંસના શિંગડામાં પગ ભરાવ્યો.

દામ્પત્યજીવનમાં રોજિંદી માથાકૂટ અને ડિવૉર્સનું પ્રમાણ વધી જતાં પરિવારના વચેટિયાઓ લગભગ નેસ્તનાબૂદ થવાની અણી પર છે. ડિવૉર્સથી યાદ આવ્યું કે મારો જિગર મિત્ર અતુલ તેની જ સોસાયટીની એક કન્યાના સગપણમાં હોંશે-હોંશે મધ્યસ્થી બન્યો. ચાલીસેક ફોન કરીને તેણે ગોંડલની ગગીનું અમદાવાદના છોરા સાથે ગોઠવી આપ્યું. એક જ વરસમાં તે ગગીના દામ્પત્યજીવનનો હાઇવે ડામરના રોડની જેમ ધોવાઈ ગયો. અતુલે કોર્ટ સુધી મધ્યસ્થી કરવી પડી. અંતે અમદાવાદના ગગાએ અગિયાર લાખ આપીને કેસ પતાવ્યો. એમાં છેલ્લો લાખ રૂપિયો અતુલ પાસે નખાવ્યો. લાગણીસભર મધ્યસ્થી અંકે લાખ રૂપિયામાં પડવાથી હવે અતુલ દેશની એક પણ મધ્યસ્થ શાખા સામે પણ જોતો નથી. કો’કનું માગું નાખવું એના કરતાં ત્રાગું કરી લેવું સારું.

સગપણમાં મધ્યસ્થી થનારી પ્રજાતિ લુપ્ત થઈ એટલે માર્કેટમાં ‘મૅરેજ બ્યુરો’ની શરૂઆત થઈ હશે. વિશેષરૂપે વિદેશના મુરતિયાઓને દેશની કન્યા શોધી આપવા માટે ‘મૅરેજ-બ્યુરો’ કાર્યરત થયા હશે. સોશ્યલ મીડિયાના કારમા દુકાળના કાળમાં છાપાંઓમાં ખૂબ જાહેરાતો આવતી કે દેશમાં વસતા સંસ્કારી પરિવારના એકમાત્ર સંતાન માટે સુશીલ કન્યાની જરૂર છે. અરે ભઈલા! જો આ પરિવાર સંસ્કારી હોય તો તેને છાપામાં જાહેરાતું ન દેવી પડે. બીજું એ કે વિદેશમાં શું કોઈ સંસ્કારોની વૅલ્યુ જ નહીં હોય કે ગગાને ઠેઠ ગુજરાત સુધી સૂક્ષ્મદર્શક યંત્ર દોડાવવું પડ્યું?

મૅરેજ—બ્યુરોવાળા ઍક્ચ્યુઅલી વાંઢાપણાના દર્દના ‘મૅરેજ-બ્યુરો સર્જ્યન’ છે. મુરતિયો દુબઈના પેટ્રોલ-પમ્પ પર સાદી નોકરી કરતો હોય તેને પેટ્રોલ-પમ્પનો માલિક બનાવી દેવાની આ લોકોમાં જન્મજાત માસ્ટરી હોય છે. ‘ઉચ્ચ જ્ઞાતિના ગ્રૅજ્યુએટ યુવાનને ઘરનું મિલ ધરાવતા પરિવારને લગ્ન લાયક કન્યા જોઈએ છે’ - આવી જાહેરાતોથી આજે પણ છાપાંઓ ભરેલાં હોય છે. એના પરથી એક તો એ સાબિત થાય કે આ ભાઈ પોતે ઉચ્ચ જ્ઞાતિના છે, પણ તેના કુટુંબીજન તેને નીચ સમજે છે ને એટલે ભાઈ હજી વાંઢા છે. મિલનું સસ્પેન્સ તો લગ્ન પછી ખૂલે કે દયણાં દળવાનું મિલ હતું. એક મૅરેજ-બ્યુરોએ તો લખ્યું, ‘સગપણની સો ટકા ગૅરન્ટી સાથે અમારા સભ્ય બનો.’ પછી ખબર પડી કે બ્યુરો ચલાવનારા ભાઈ પોતે જ વાંઢા ગુડાણા છે.

દરેક જ્ઞાતિમાં લગ્ન ઇચ્છુક યુવકો-યુવતીઓ માટે પસંદગી મેળા યોજાય છે. આમ જુઓ તો એ મૅરેજ-બ્યુરોની સાર્વત્રિક પાંખ છે.

લો હાલો મનખડાં મેળે,

મેળામાં મારો મનનો માનેલ છે...

કાગબાપુએ વર્ષો પહેલાં આ ગીતમાં કહ્યું છે કે દરેક મેળામાં કોઈને કોઈનો મનનો માનેલ મળી જ જાય છે.

આવા જ એક જ્ઞાતિના પસંદગીના મેળામાં વાંઢાઓની વણજાર ઊભરાણી. વધુ સારા વરની અપેક્ષાએ સાવ વરવિહોણી રહી ગયેલી કન્યાઓ પણ મેળામાં ગોઠવાણી. આયોજકોએ પરીક્ષામાં જેમ જોડકું ગોઠવતા હોય એ રીતે વર-કન્યાના એક ટેન્ટમાં ઇન્ટરવ્યુ ગોઠવ્યા. એક સિંગલ બૉડીના મુરતિયા સામે એક વિશાળકાય કન્યા હાજર થઈ. ૧૫ મિનિટ સુંદર વાતો ચાલ્યા પછી કન્યાએ પૂછ્યું, ‘તમારી ઉંમર?’

ત્યારે ઊંડો નિસાસો નાખીને મુરતિયો બોલ્યો, ‘તમે જ્યારે દસમા ધોરણમાં હતાં ત્યારે મારો જન્મ થયો હતો!’

એમ છતાં કન્યા બોલી, ‘મને વાંધો નથી.’

મુરતિયો કહે, ‘મને વાંધા સિવાય કાંઈ નથી. આવડી મોટી કન્યા સાથે હું પરણું અને પછી તમે મને ખિજાઓ તો?’

કન્યા કહે, ‘તો તમને વડીલ જેવું લાગશે બીજું શું?’

કન્યાના આ જવાબ પછી બન્નેએ ગોળધાણા ખાઈ લીધા.

આગળ જતાં મુરતિયાએ લગ્નજીવનથી કંટાળીને મૅરેજ-બ્યુરો શરૂ કર્યો જેથી કોઈ લગ્નવાંછુક યુવકને ખિજાવાવાળું પાત્ર બટકી ન જાય. પણ સૌનો ભગવાન હોય છેને! બાકી તો ઑનલાઇન સગાઈ અને લગ્ન શરૂ થઈ ચૂક્યાં છે. હવે આગામી વર્ષોમાં બાળકો નેટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. આવી શોધ થાય તો નવાઈ ન પામતા.

columnists lifestyle news life and style gujarati mid day gujarati community news